૧૮. ભગવાનમાંથી મનુષ્યભાવ ટાળી દિવ્યભાવે યુક્ત નિશ્ચય કરવા વિષે બોધ.
સંવત 1877ના પોષ સુદિ 1 પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને બોકાની વાળી હતી, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયાં, ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન રાખો હવે તો અમે વાર્તા કરશું ને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઊપજે તે પૂછજ્યો, એમ કહીને બોલ્યા જે,
(પ્ર.૧) ભગવાનનો નિશ્ચય થાવો તે સૌથી મહા કઠણ છે ને નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતે બીક લાગે છે જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય ને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી અને એ વાત જો સમજતાં ન આવડે તો દૂષણ પણ ઘણાં આવે અને આ વાત સમજે નહિ ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચ્યપ ઘણી રહે છે. (બા.૧)
તે સારુ વાત કરીએ છીએ જે ભગવાને વારાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મચ્છાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ-પગ ટૂંકા ને કેડ ધિંગી ને શરીર ધિંગું એવા ટૂંકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું, ઇત્યાદિક જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વારાહને મળ્યા તે શું ધામને વિષે ભગવાનને વારાહ રૂપ જ દેખે છે? અને મચ્છજીને મળ્યા તે શું ધામને વિષે મચ્છ રૂપ જ દેખે છે? અને કૂર્મને મળ્યા તે શું ધામને વિષે કૂર્મ રૂપ જ દેખે છે? અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિષે નૃસિંહ રૂપ જ દેખે છે? અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિષે ઘોડારૂપ જ દેખે છે? અને જેણે વારાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ? અને સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો? અને મચ્છને પતિ ભાવે ભજ્યા તે શું માછલી થઈ? ને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો? ને કૂર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ? ને સખા ભાવે ભજ્યા તે શું કાચબો થયો? અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ? અને સખા ભાવે ભજ્યા તે શું વાઘ થયો? ને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ? ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો? માટે જો ભગવાનનું મૂળરૂપ વારાહાદિક જેવું જ હોય તો તો, તે તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ પણ એ વાત એમ નથી ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે? તો કહીએ છીએે જે ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમને વિષે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે ને અનંતકોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશે સુખરૂપ છે ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આલોક-પરલોક સંબંધી જે પંચવિષયનાં સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઇચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે ને સહસ્ત્રભુજ પણ દેખાય છે ને તે જ ભગવાન મચ્છ, કચ્છ, વારાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે પોતાનું મૂળરૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સોતા જ મચ્છ-કચ્છાદિક રૂપને ધારણ કરે છે અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે તે ભાગવતમાં કહ્યું છે:
भुभार: क्षपितो येन तां तनुं विजहावज:। कंटकं कंटकेनैव द्वयं चापीशितु: समम्॥
જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપી જે જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટા રૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું અને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઇચ્છ્યા પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઇચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું પછી બેય જણે દેહ મૂક્યો તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા ને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શિલા થઈ, માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મચ્છ-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મચ્છ-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતીમાળા, પીતાંબર, વસ્ત્ર, કિરીટ, મુગટ, શ્રીવચ્છનું ચિહ્ન ઇત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું ને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે:--
तनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्त्ते ॥
માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપે દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેયઋષિએ ભગવાનનું સ્વરૂપ શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે, માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યાં છે તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે પણ મશાલ-દીવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઇચ્છા છે અને એ ભગવાન ઇચ્છે જે, એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાઉં તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે, માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામનાં જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે ને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે ને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે:--
अवजानंति मां मूढा मानुषीं तनुमाश्रितं। परं भावमजानंतो मम भूतमहेश्वरम्॥
માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે તે મનુષ્ય ભાવ તે શું તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંત:કરણના ભાવ છે તથા હાડ, ચામ, મળમૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે ઇત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે, માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે ને એ જરૂર સત્સંગમાંથી પડશે અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો મનુષ્યભાવનો લેશ નથી, માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરૂષોત્તમ તેમનો ભાવ આવે છે, જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો પછી ગર્ગાચાર્યના વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે, તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું, એવી રીતે આ ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો.(બા.૨)
અને એમ કહે છે જે, આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો ને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્યભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા ને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે, માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો, કાં જે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, ને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે તેને મૂકીને દિવ્યરૂપ થાય છે; બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે ને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પડ્યા વિના છૂટકો નથી, માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી ને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાતે કરીને ચેતાવી દેવો અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે તેને ભૂલશો મા, જરૂર ભૂલશો મા, એમ કહીને શ્રીજીમહારાજ સર્વ ભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 18 || (126)
રહસ્યાર્થ પ્રદી. આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે નિશ્ચયની વાત સમજતાં ન આવડે તો અમારે વિષે મનુષ્યભાવ રહી જાય ને અમને બીજા અવતારના જેવા જાણે તો દૂષણ આવે. (1) અને મચ્છાદિકના દૃષ્ટાંતપૂર્વક પોતાનો દિવ્યભાવ કહ્યો છે જે અમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અમારા ધામને વિષે સચ્ચિદાનંદ પ્રકાશમય મૂર્તિ છીએ અને અનંતકોટી બ્રહ્માંડના પતિ રાજાધિરાજ, સર્વનિયંતા, સર્વાંતર્યામી, અતિશે સુખરૂપ ને સદા દ્વિભુજ છીએ ને અમારી ઇચ્છાએ ક્યારેક ચતુર્ભુજાદિક તથા રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ અને કાર્ય થઈ રહ્યા પછી અદૃશ્ય કરીએ છીએ અને શ્રીકૃષ્ણ ભગવાન ચતુર્ભુજ છે અને મચ્છાદિક સર્વ ચતુર્ભુજ અવતારોના નિયંતા છે અને શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે પોતાનું દિવ્યપણું કહ્યું છે જે, અમે મનુષ્ય જેવા જણાઈએ છીએ પણ અમારે વિષે અતિ પ્રકાશ ને સર્વ સુખ રહ્યાં છે તે ધ્યાન, ધારણા ને સમાધિવાન અમને પ્રકાશે યુક્ત દેખે છે અથવા અમારી ઇચ્છાથી પણ અમે તેજોમય દેખાઈએ છીએ અને શ્રીકૃષ્ણ ભગવાનને દૃષ્ટાંતે કહ્યું છે કે મૂઢ જીવ અમને મનુષ્ય જેવા જાણે છે તેમને અમારો નિશ્ચય નથી અને તે જરૂર સત્સંગમાંથી પડશે ને અમારે વિષેથી મનુષ્યભાવ ટાળીને દિવ્યભાવ કરે તો જ પૂરો નિશ્ચય કહેવાય. (2) અને અમને દિવ્ય જાણીને દર્શન કરે તેને જ અમારો નિશ્ચય જાણવો ને ત્યારે જ એને ધોખો ન થાય ને ગુણ-અવગુણ ન આવે ને વિમુખ ન થાય માટે અમને ને પંચવર્તમાને યુક્ત અમારા ભક્તને દિવ્ય જાણવા, એવી રીતે પોતાનું દિવ્ય ને સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું છે. ને દિવસમાં એક વાર એ વાત કરવાની આજ્ઞા કરી છે. (3) બાબતો છે.
પ્ર.૧ બીજી બાબતમાં અમારી ઇચ્છાએ ચતુર્ભુજાદિક દેખાડીએ છીએ અને મચ્છ, કૂર્મ, રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૧ પોતાને વિષે ભગવાનપણાનો નિશ્ચય કરાવવા સારુ શ્રીજીમહારાજ ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજરૂપે તથા રામકૃષ્ણાદિક અવતારો રૂપે દેખાય ને નિશ્ચયરૂપ કાર્ય કર્યા પછી તે રૂપ અદૃશ્ય કરે અને રામકૃષ્ણાદિક જે પોતાના આવિર્ભાવ તે દ્વારે પ્રગટ થાય ત્યારે તે અવતારો પણ તેમનો નિશ્ચય કરાવવા સારુ ચતુર્ભુજાદિક રૂપે ને મચ્છ, કચ્છાદિકરૂપે દર્શન આપે ને પછી તે રૂપ અદૃશ્ય કરે તે સર્વ અવતારોને વિષે પોતાની સત્તા રહી છે, માટે રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું છે અને પોતે તો પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદા દ્વિભુજરૂપે અખંડ વિરાજમાન રહે છે.
પ્ર.૨ પ્રથમ અનાદિ દ્વિભુજ કહ્યા અને પછીથી અનાદી ચતુર્ભુજ કહ્યા તે કેમ સમજવું?
ઉ.૨ અનાદિ દ્વિભુજ શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે અને પછીથી અનાદિ ચતુર્ભુજ કહ્યા તે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે તે એ જ બાબતમાં કહ્યું છે જે શ્રીકૃષ્ણ ભગવાને વસુદેવ, દેવકી, અક્રૂર અને રુક્મિણીને ચતુર્ભુજપણે દર્શન આપ્યું ને અર્જુન સદાય ચતુર્ભુજરૂપે દેખતા ને ઉદ્ધવજીએ ને મૈત્રેય ઋષિએ પણ ચતુર્ભુજરૂપે દીઠા એમ કહ્યું તે મચ્છ, કચ્છ, વામન, રામ, દત્ત, કપિલાદિક સર્વે ચતુર્ભુજ અવતારોના અવતારી અનાદિ ચતુર્ભુજ શ્રીકૃષ્ણ છે એટલા માટે મચ્છ-કૂર્માદિકનાં ચતુર્ભુજરૂપે ચિત્રામણ કરે છે તે ચતુર્ભુજ શ્રીકૃષ્ણના અને વાસુદેવ બ્રહ્મ તથા મૂળઅક્ષર એ દ્વિભુજ અવતારોના અવતારી અનાદિ દ્વિભુજ શ્રીજીમહારાજ છે.
પ્ર.૩ જેને અમારો નિશ્ચય હોય તે અમને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામનાં ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત સમજે અને રાધિકા, લક્ષ્મી આદિક સેવા કરે છે એવા પરમભાવે સહિત દેખે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજ જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે આંહીં મનુષ્યરૂપે દર્શન આપે છે તેમના ભેળા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક સર્વે ધામોના અધિપતિ તે પાર્ષદો તથા સમૃદ્ધિ-ઐશ્વર્ય સહિત આવે છે તે સર્વે શ્રીજીમહારાજની સેવા કરે છે એવા શ્રીજીમહારાજને દિવ્ય ભાવે સહિત સર્વોપરી જાણવા તે પરમભાવે સહિત જાણ્યા કહેવાય તે (મ. 58ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૪ અમારાં દિવ્ય ચરિત્ર દેખીને અમારે વિષે દિવ્યભાવ આવે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવા ચરિત્રથી દિવ્યભાવ આવતો હશે?
ઉ.૪ શ્રીજીમહારાજે સમાધિઓ કરાવીને સર્વે અવતારોને પોતાની સ્તુતિ કરતા દેખાડ્યા તથા તે અવતારોને પોતાને વિષે લીન કરી દેખાડ્યા, એવાં ઐશ્વર્ય જોઈને સર્વે અવતારોના અવતારી જાણ્યામાં આવે અને જ્યારે મુક્તનો સમાગમ કરે ત્યારે બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટી એ સર્વેથી પર અક્ષરાતીત પુરૂષોત્તમ છે એમ જાણ્યામાં આવે છે.
પ્ર.૫ શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું અક્ષરધામ દેખાડ્યું એમ કહ્યું તે અક્ષરધામ કિયું સમજવું?
ઉ.૫ એમણે પોતાનું ગોલોકધામ દેખાડ્યું હતું તેને આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યું છે.
પ્ર.૬ ત્રીજી બાબતમાં દિવ્યભાવે સહિત દર્શન કરે ત્યારે નિશ્ચય થયો જાણવો, એમ કહ્યું તે ભગવાનને દિવ્ય તેજોમય દેખતા હશે કે મનુષ્યરૂપે જ દેખતા હશે?
ઉ.૬ પોતાની સમજણમાં દિવ્યભાવ લાવીને દર્શન કરે તેનો નિશ્ચય પરિપક્વ જાણવો ને મનુષ્યભાવે તથા પ્રતિમાભાવે દર્શન કરે તો તેનો નિશ્ચય કાચો કહેવાય, માટે ભગવાન તો મનુષ્યરૂપે તથા પ્રતિમારૂપે જેવા દેખાતા હોય તેવા જ દેખાય પણ સમજણમાં દિવ્યભાવ લાવવો તો પાકો નિશ્ચય કહેવાય, અને જ્યારે પોતાના આત્માની શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે, ત્યારે મહાતેજ જેવો થાય ત્યારે તે મૂર્તિને સર્વત્ર જ્યાં જુએ ત્યાં તેજોમય દેખે.
પ્ર.૭ આ અમારી વાર્તા નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર કરવી એમ શ્રીજીમહારાજે આજ્ઞા કરી તે વાત કઈ જાણવી? અને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા તે હસવાનું કારણ શું હશે?
ઉ.૭ શ્રીજીમહારાજ તથા તેમના ભક્ત મનુષ્યરૂપે જણાય છે તેમને જેવા અક્ષરધામમાં દિવ્ય તેજોમય છે તેવા સમજાવવા એમ આજ્ઞા કરી છે. અને પોતાને વિષેથી તથા પોતાના ભક્તને વિષેથી મનુષ્યભાવ ટળાવીને દિવ્યભાવ ને સર્વોપરીપણું સમજાવ્યું તેથી બહુ પ્રસન્ન થઈને હસ્યા છે.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં લોયા પ્રકરણં સમાપ્તમ્.