૪. આજ્ઞાપાલન

0:000:00

માસીએ પોતાના જીવનમાં એક આદર્શ ચરિતાર્થ પ્રસ્થાપિત કર્યો હતો. પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના પતિની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહે, તે આજ્ઞા ગમે તેટલી નાની કેમ ના હોય, માસી પણ તે જ રીતે મામાની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહ્યાં. મામાની દરેક આજ્ઞાનું તેઓ પાલન કરતાં.

એક વખત મામા તથા માસી વાંટાવદર અ. મુ. પૂ. ભૂરાબાપાના ઘરે જવા નીકળ્યાં. ઘર નજીક આવતા મામાએ માસીને કહ્યું, ‘‘તમે અહીં ઊભાં રહો, હું જોઈ આવું કે ભૂરાબાપા ઘરમાં છે કે નહિ ? જો હોય તો આપણે જઈશું, નહિ તો હું તરત પાછો આવું છું.’’ આમ કહી ગલીના નાકે માસીને ઊભા રાખી મામા ભૂરાબાપાના ઘરે ગયા. ભૂરાબાપા ઘરમાં હોવાથી મામા તેમની સાથે વાતોમાં બેસી ગયા. માસીને બહાર ઊભાં રાખ્યાં છે તે વાત તેઓ ભૂલી જ ગયા. માસી મામાની રાહ જોતાં ત્યાં જ ઊભાં રહ્યાં. પંદર મિનિટ, અર્ધો કલાક, એમ ઊભા રહેતાં તો કલાક વીતી ગયો, પણ માસી તો ત્યાં જ ઊભાં રહ્યાં.

એ વખતે કોઈએ જોયું કે આ બેન કલાકથી અહીં જ ઊભાં છે ! કોઈની રાહ જોતાં લાગે છે. તેઓ ભૂરાબાપાના ઘરે ગયા ને જીવીબાને (ભૂરાબાપાનાં ભાણેજ) કહ્યું કે ગલીના નાકે એક પાતળાં સરખાં, નાની વયનાં બેન ઊભાં છે, ત્યાંથી ખસતાં નથી, તો આપ જરા જુઓ ને! જીવીબાએ આવીને જોયું તો માસીને ઊભેલાં જોયાં. એમની પાસે જઈને કહ્યું, ‘‘અરે ! લીલાબેન તમે છો ? ક્યારના અહીં જ ઊભાં છો ? ચાલો, ઘરમાં ચાલો.’’ માસી કહે, ‘‘ના, હું અહીં જ ઊભી રહીશ. તેઓ મને અહીં ઊભી રાખી આપને ત્યાં આવ્યા છે અને કહેતા ગયા છે કે હમણાં આવું છું.’’ જીવીબા કહે, ‘‘ઓ હો ! નારાયણભાઈને આવ્યાને તો કલાક જેવું થઈ ગયું છે. તમે ઊભા ઊભા થાકી ગયાં હશો. હવે ઘરે ચાલો.’’ માસીએ પ્રેમપૂર્વક જીવીબાની વાતનો પ્રતિકાર કરતાં કહ્યું, ‘‘તેઓની આજ્ઞા છે માટે હું અહીં ઊભી છું. તેઓ નહિ આવે ત્યાં સુધી હું અહીં ઊભી જ રહીશ.’’

જીવીબા ઉતાવળાં ઘરે ગયાં ને મામાને વાત કરી ત્યારે મામાને ખ્યાલ આવ્યો કે તેઓ માસીને ઊભાં રાખી અહીં આવ્યા હતા. મામા તરત માસી પાસે આવ્યા ને કહે, ‘‘હું તો ભૂરાબાપા સાથે વાત કરવામાં તમને અહીં ઊભાં રાખ્યાં છે તે વાત વીસરી જ ગયો.’’ માસી કહે, ‘‘કાંઈ વાંધો નહિ, ચાલો હવે જઈએ. હું પણ ભૂરાબાપાનાં દર્શન કરી લઉં.’’ જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ શાંતિથી બોલી માસી મામા સાથે ચાલવા લાગ્યાં. આવું જોઈ જીવીબા બોલ્યાં, ‘‘આવું આજ્ઞાપાલન તો ક્યાંય જોયું નથી. પતિવ્રતા હોય તે જ આવું કરી શકે.’’

એવા જ કોઈ એક સમયે મામા અને માસી એક હરિભક્તના ઘરેથી તેમને મળીને રાત્રીના સમયે પાછા આવતાં હતાં. રસ્તામાં મામાને બીજા એક હરિભક્ત મળી ગયા. કોઈ અગત્યની વાત કરવા મામા તે હરિભક્ત સાથે ગયા. જતા જતા માસીને કહે, ‘‘તમે અહીં જ ઊભાં રહેજો, હું પાંચ મિનિટમાં પાછો આવું છું.’’ આમ કહી મામા હરિભક્ત સાથે ગયા ને વાતોમાં ઘણો સમય વ્યતીત થઈ ગયો. માસીને રસ્તા પર ઊભા રાખ્યાની વાત મામા ભૂલી ગયા. એ વખતે વિજળીના ચમકારા સાથે વરસાદ પડવો શરૂ થયો ત્યારે મામાને માસી યાદ આવ્યાં. હરિભક્ત કહે, ‘‘ઘણો સમય વ્યતીત થઈ ગયો છે અને વરસાદ વરસે છે તો બેન ઊભાં ન રહ્યાં હોય, જતાં જ રહ્યાં હશે.’’ મામા જાણતા હતા કે માસી એ જ જગ્યાએ ઊભાં હશે. તેઓ માસીને ઊભાં રાખ્યાં હતાં તે જગ્યાએ આવ્યા. જોયું તો માસી એની એ જગ્યાએ વરસાદમાં પલળતાં ઊભાં હતાં. મામાએ માસીને કહ્યું, ‘‘હું તો વાતમાં ભૂલી ગયો, પરંતુ તમારે તો જતાં રહેવું જોઈએ ને ! વરસાદમાં નાહક પલળ્યાં.’’ માસીએ શાંત ચિત્તે ઉત્તર આપ્યો, ‘‘આપે મને અહીં જ ઊભા રહેવાનું કહ્યું હતું પછી હું કઈ રીતે જતી રહું ? વરસાદ તો ઠીક છે. ઘરે જઈ કપડાં બદલી લઈશું. હવે ચાલો.’’ જાણે કશું જ ન બન્યું હોય તેમ માસી મામાની સાથે ચાલવા લાગ્યાં. માસીનું આવું આજ્ઞાપાલન અને સરળ સ્વભાવ જોઈ હરિભક્ત તો દંગ રહી ગયા !

પતિની જ આજ્ઞાઓનું પાલનમાત્ર નહિ, પરંતુ શ્રીજીમહારાજે કહેલી શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પણ અણીશુદ્ધ પાલન કરતાં અને તેમના જોગ-સમાગમમાં આવેલા સર્વેને મહારાજની આજ્ઞાઓનું અણીશુદ્ધ પાલન કરવાનો અનુરોધ પણ કરતાં, આજ્ઞાપાલનનો આવો ગુણ પૂ. માસીએ વિકસાવેલો હતો. આવા ગુણોને લીધે જ મામા માસી પ્રત્યે રાજીપો જણાવતા.