ઐશ્વર્યદર્શન : ૨૫

0:000:00

ભવાબ્ધિમાં અટવાયેલો જીવ ખરી શાંતિની ખોજમાં જગતની આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી નીકળી ત્યાગાશ્રમનો આશ્રય લે છે, પરંતુ ત્યાં પણ તેની પ્રાપ્તિ ન થતાં મુંઝાઈને અશાંતિનો અનુભવ કરવા લાગે છે. એવા સમયે સાચા અનુભવી મુક્ત જ તેને ખરી શાંતિનો રાહ ચીંધી શકે છે.

જૈન સંપ્રદાયનો સાધ્વીધર્મ અંગીકાર કરેલી બહેનો ઠેઠ કચ્છમાંથી કોઈક પાસેથી માસીના પ્રતાપની જાણ થતાં માસીને મળવા આવી હતી. માસી પાસે આવી તેમણે પોતાની મનોવ્યથા ઠાલવી કે જે શાંતિની ખોજમાં અમે ગૃહત્યાગ કર્યો છે તે ક્યાંય પ્રાપ્ત થતી નથી. ગમે તેટલા જપતપ કરવા છતાં મનની અશાંતિ દૂર થતી નથી. મૂંઝવણ બહુ જ રહ્યા કરે છે. ત્યાં અમને સાચું માર્ગદર્શન મળી શક્યું નથી. અમે જ્યાં રહીએ છીએ ત્યાં બીજી પણ ઘણી મુશ્કેલીઓ છે, આથી અમારે તમારા સંપ્રદાયનો ત્યાગીધર્મ અપનાવી જીવન વ્યતીત કરવું છે. આમ કહેતાં તેઓ રુદન કરવા લાગી. માસીએ તેમને પ્રેમપૂર્વક આશ્વાસન આપી ધર્મ પરિવર્તનની કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ સમજાવી તેમને શાંત પાડી અને પ્રસાદ આપ્યો. આમ તો તેઓ પ્રસાદ ગ્રહણ ન કરે, પરંતુ માસીનો આપેલ પ્રસાદ તેમણે ગ્રહણ કર્યો. માસીએ તેમને સમજાવ્યું કે અત્યારે તમે જ્યાં છો ત્યાં જ રહો અને ભગવાન ભજો. માસીએ તેમને મર્યાદામાં રહી ભગવાનને કઈ રીતે રાજી કરી શકાય તેના ઉપાયો બતાવ્યા. માનસિક શાંતિ પામવા ભગવાનનું ધ્યાન કરવાનું પણ શીખવ્યું. આશીર્વાદ આપી તેમને મિશનમાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કરી આવવા કહ્યું. માસીના આશીર્વાદ મળતા અને ભગવાનનાં દર્શન કરતાં સાધ્વીઓને ઘણી માનસિક રાહત જણાઈ. તેમની સમસ્યાનું સમાધાન મળતાં તેઓને ધીરજ આવી, એક નવું બળ પ્રાપ્ત થયું હોય તેવું તેમને લાગ્યું. તેઓને સ્વામિનારાયણ સંપ્રદાય તથા માસી પ્રત્યે ઘણો જ ભાવ થયો. સાધ્વીઓ સંતોષ પામી એક હકારાત્મક વલણ સાથે ત્યાંથી વિદાય થઈ.

જેણે પોતે ખરા અર્થમાં શાંતિ પ્રાપ્ત કરી હોય, જેઓ મુક્તદશાને પામ્યા હોય તેઓ જ ભટકેલાઓને સાચી રાહ દર્શાવી શકે છે.