૫. પતિપરાયણતા (વિભાગ - ૧)
જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ લીલાવતી નારાયણભાઈના ગમા-અણગમા, મરજી-નામરજીથી વાકેફ થતાં ગયાં. તેમણે પોતાનું જીવનઘડતર જ એ રીતનું કરી નાખ્યું હતું કે નારાયણભાઈને ગમે તે જ કરવું, જે ન ગમે તે તો ક્યારેય ન કરવું. તેમની મરજી તે જ પોતાની પણ મરજી. એમાં ક્યાંય પોતાનો ઠરાવ નહિ, પછી ગમે તે પરિસ્થિતિ હોય. નાની બાબત હોય કે મોટી બાબત, નારાયણભાઈની મરજી પ્રમાણે જ જીવન જીવવું તે તેમણે પોતાનો જીવનમંત્ર બનાવી દીધો હતો.
લીલાવતી સરસપુરથી ચાલીને કાલુપુર મંદિરે સત્સંગી બહેનો સાથે જતાં. પાછા આવતી વખતે ત્યાંથી શાકભાજી પણ લઈ આવતાં. આવું ઘણીવાર કરતાં. ઘરે આવતાં રસ્તામાં કેલિકો ડોમ આવતું. એક વખત લીલાવતીની નજર ત્યાંની દુકાનમાં લટકાવેલી એક સાડી પર ગઈ. તે સાડી તેમને ઘણી ગમી ગઈ. ભાવ પૂછતાં રૂ. ૭૫ની છે એમ કહ્યું. એ વખતે લીલાવતી પાસે તેમના ભાઈએ પસલીના આપેલા રૂ. ૧૦૦ પડ્યા હતા. તેઓએ ઘરે આવી નારાયણભાઈને વાત કરી કે મેં એક સાડી જોઈ છે. મને તે ગમી છે. તેની કિંમત રૂ. ૭૫ છે. જો આપ હા પાડો તો તમે મને એ સાડી લઈ આપો. મારા ભાઈએ આપેલા પૈસા મારી પાસે પડ્યા છે. નારાયણભાઈએ લીલાવતીને સમજાવતાં કહ્યું, ‘‘આપણે એવી ભારે સાડી પહેરીને શું કરવું છે ? એના કરતાં એમ કરો કે રૂ. ૩૫ વાળી બે સાડી લઈ લો તો વારાફરતી પહેરાય અને રૂ. ૫ વધે તો દૂધ-શાકમાં આપણને કામ લાગશે.’’ આવું સાંભળતાં લીલાવતી કાંઈ બોલ્યા નહિ. કોઈ ચર્ચા પણ કરી નહિ, પરંતુ સામેથી કહ્યું, ‘‘સારું તો રૂ. ૩૫ની બે સાડી લઈ આપો. તમે લાવી આપશો તે જ આનંદથી પહેરીશ.’’ આ ઘટના પછી વર્ષો સુધી લીલાવતીએ એવા સસ્તા ભાવની જ સાડી પહેરી. આ ઘટના પછી તેમને એમ વિચાર થયો કે મને મોંઘી સાડી લેવાનું મન થયું જ કેમ ? પછી તો તેમણે મન જ એવું વૈરાગ્યવાળું કરી નાખ્યું કે કોઈ ભારે કે રજોગુણી વસ્તુ ગમે જ નહિ. ત્યાર બાદ એમને ભારે મોંઘી સાડીનો મોહ જ ઊતરી ગયો. પાછલી જિંદગીમાં જ્યારે નારાયણભાઈએ આર્થિક પરિસ્થિતિ થોડી સારી બતાવી, ત્યારે લીલાવતીની દૃષ્ટિએ તેમની પાસે ભારે ઘણી સાડીઓ રહેતી. ત્યારે તેઓ એવું કહેતાં કે હવે આ સાડીઓ છે, હું પહેરું છું ખરી, પણ મને હવે એનો જરા ય મોહ રહ્યો નથી. આપણે જોઈએ તો એ સાડીઓ સાદી અને સસ્તી જ હોય, પરંતુ લીલાવતીની દૃષ્ટિએ તે બધી ભારે હતી.
આ છે પતિવ્રતા નારી ! પતિની મરજી જેમાં ન હોય તે કરવું જ નહિ. નારાયણભાઈની ભારે સાડીમાં મરજી નથી તેવું જાણ્યા પછી ક્યારેય એ માગણી તો કરી જ નહિ, પણ મનમાં જ એ પ્રત્યે અણગમો કરી નાખ્યો.
એક વખત નારાયણભાઈ નેશનલ એવૉર્ડ લેવા હૈદરાબાદ ગયા હતા. ત્યાંથી આવ્યા ત્યારે લીલાવતી માટે છ સાડીઓ લઈ આવ્યા. આવીને લીલાવતીને કહે, ‘‘તમારા માટે છ સાડીઓ લઈ આવ્યો છું. ત્યાં સસ્તી મળતી હતી. રૂ. છની એક એટલે છ લઈ આવ્યો છું. તમારે હવે વારાફરતી પહેરાશે. આવો, તમને બતાવું.’’ લીલાવતી કહે, ‘‘હું પછી જોઈશ. તમે થાકીને આવ્યા છો. પહેલા નાહીને થોડો નાસ્તો કરો, દૂધ પીવો પછી શાંતિથી બતાવજો.’’ નાસ્તો કર્યા પછી નારાયણભાઈએ સાડીઓ કાઢી તો દરેકે દરેક સાડીની ડિઝાઇન એકસરખી જ હતી, ફક્ત કલર જુદા હતા. આવી સાડી જોઈ લીલાવતી હસી પડ્યાં. નારાયણભાઈ કહે, ‘‘કેમ, શું થયું ? શા માટે હસો છો ?’’ લીલાવતી કહે, ‘‘આ દરેક સાડીઓમાં ડિઝાઇન તો એક સરખી જ છે.’’ નારાયણભાઈએ ત્યારે જ સાડીઓને ધારીને જોઈ અને બોલ્યા, ‘‘એવો મને ખ્યાલ ન રહ્યો, હવે તમે આવી સરખી ડિઝાઇનવાળી સાડીઓ પહેરશો ?’’ લીલાવતી કહે, ‘‘તમે લાવ્યા છો તો હું આનંદથી પહેરીશ. ભલેને એકસરખી ડિઝાઇન રહી.’’
આમ લીલાવતી ગમા-અણગમાથી પર થઈ ગયાં હતાં. બસ, ફક્ત નારાયણભાઈના રાજીપામાં રાજી રહેતાં.
એક વખત લીલાવતીના ભાઈનાં લગ્ન હતાં અને તેમણે નારાયણભાઈ પાસે મુંબઈ લગ્નમાં જવાની પરવાનગી માગી. ત્યારે તો નારાયણભાઈએ અનુમતિ આપી અને લીલાવતીએ જવાની બધી તૈયારી પણ કરી. જવાના દિવસે સ્ટેશને જવા ઘોડાગાડી આવીને બહાર ઊભી રહી, છેક ત્યારે નારાયણભાઈ કહે, ‘‘અનંત જન્મમાં ઘણા ભાઈઓ થયા હશે. તેમાંથી અત્યારે ક્યાં એ બધા યાદ છે ? જેવા એ બધા તેવા જ આ છે. તો પછી આમને પણ એ બધાના જેવા જ જાણો. એ બધાના પ્રસંગમાં ક્યાં જાઓ છો ? જવું હોય તો ય કેવી રીતે જવાના છો ?’’ આવું સાંભળતાં લીલાવતીએ કહ્યું, ‘‘તમારું વચન માથે ચડાવું છું. કાંઈ નહિ. ભાઈનાં લગ્નમાં નથી જતી, બસ.’’ એમ કહી બધી તૈયારી કરી હોવા છતાં સગાભાઈનાં લગ્નમાં લીલાવતી ગયાં નહિ.