૪. દિનચર્યા

0:000:00

નારાયણભાઈને જ્યારે અમદાવાદ નોકરી મળી, ત્યારે અમદાવાદમાં તેમણે એક રૂમ ભાડે રાખી. આ એક રૂમના ઘરમાં લીલાવતી નારાયણભાઈ સાથે રહેવા આવ્યાં. અહીં લીલાવતીની દિનચર્યામાં સવારે વહેલા ઊઠી વાસીદું વાળવું, નાહીધોઈ પૂજા કરવી. ત્યાર બાદ નારાયણભાઈને નોકરીએ વહેલા જવાનું હોવાથી તેમના માટે નાસ્તો બનાવતાં. નારાયણભાઈના પ્રસ્થાન બાદ કપડાં ધોવાના, રસોઈ બનાવવાની અને વાસણ સાફ કરવાના. તેઓ બપોરના સમયે ક્યારેય સૂતા નહિ. ધાર્મિક પુસ્તકો તેમ જ બીજા સારા સારા લેખો વાંચતાં. ત્યાર બાદ મહારાજમાં વૃત્તિ રાખી એક ચિત્તે પાંચસો માળા ફેરવતાં. સાંજ પડે સાંજનું કામ આટોપતાં. સંપ્રદાયનાં ઘણાખરાં પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો હતો. વચનામૃત રહસ્યાર્થની તો પાંચ વખત પારાયણ કરી હતી. પુરુષોત્તમ સુખસાગરની પણ પારાયણ કરી હતી. આમ પ્રભુપરાયણ અને સાત્ત્વિક જીવન તેઓ વ્યતિત કરતાં. એ વખતે નારાયણભાઈનો પગાર ફક્ત રૂ. ૧૩૫ હતો. તેમાં રૂ. ૩૫ ઘરનું ભાડું ભરતા અને રૂ. ૧૦૦માં આખો મહિનો ચલાવવાનો હોવાથી મહિના મહિનાનું છૂટક રાશન લાવી ઘર ચલાવતા. દરરોજ સો ગ્રામ દૂધ લેતાં. તેમાંથી નારાયણભાઈને ઉકાળો બનાવી આપતાં. થોડું દૂધ વધે તેનું દહીં બનાવતાં. કેટલાંય વર્ષો સુધી લીલાવતીએ દૂધ ચાખ્યું પણ ન હતું. લીલાવતી આવી પરિસ્થિતિનો કોઈ ક્ષોભ કે સંકોચ રાખતાં નહિ.

લીલાવતીની સ્થિતપ્રજ્ઞતા અને તેમનો નિરાસક્તભાવ એવો હતો કે તેમને આર્થિક સમૃદ્ધિ અને આર્થિક તંગી તે બંને સમ વર્તતું હતું. તેઓને આર્થિક સંકડામણ વિશે પૂછતાં તેઓ નિર્દોષભાવે એમ કહેતાં કે ગરીબાઈ શું કહેવાય કે આર્થિક તંગી કોને કહેવાય, મને તો કાંઈ ખબર નથી. હું તો મહારાજને સંભારી ઘર ચલાવું છું અને સંતોષથી રહું છું.

શરૂઆતમાં લીલાવતીને રસોઈ બનાવતાં આવડતું નહિ. પાડોશીઓ રસોઈ બનાવે તે જોઈ જોઈ લીલાવતી બનાવતાં શીખ્યાં. ખાસ કોઈએ તેમને શીખવાડ્યું ન હતું. પાડોશીઓનું જોઈ પોતે શીખી જતાં અને ત્યાર બાદ તેમાં નારાયણભાઈના ગમતા સ્વાદને અનુરૂપ ફેરફાર કરતાં. સાદા મસાલા હોવા છતાં રસોઈ એવી સ્વાદિષ્ટ બનાવતાં કે જે ચાખે તે એમ જ કહે કે આવો સ્વાદ તો અમે ક્યારેય ચાખ્યો જ નથી. લીલાવતી હંમેશાં મહારાજને સંભારી મહારાજ માટે થાળ તૈયાર કરું છું એમ ધારી, પૂરતી ચીવટ રાખી ભાવપૂર્વક રસોઈ બનાવતાં. તેમની રસોઈનો સ્વાદ હંમેશાં એકસરખો સ્વાદિષ્ટ રહેતો. મીઠા-મરચાનું પ્રમાણ એકસરખું ને સપ્રમાણ રહેતું. ભગવાન માટેના ભાવ સાથે બનાવેલી હોવાથી તે રસોઈમાં સાત્ત્વિકતા ઉમેરાતી અને સાત્ત્વિક ભોજનનો સ્વાદ અનેરો જ રહેતો. ભગવાનને થાળ ધરાવે ત્યારે પણ સંપૂર્ણ સ્વચ્છતા રાખી, થાળીમાં ભોજન વ્યવસ્થિત પીરસી બહુ ગરમ નહિ તેમ સાવ ઠરેલું પણ નહિ, તેનું ધ્યાન રાખી ખૂબ જ આદર સહિત, પ્રેમપૂર્વક, ભાવ સાથે ભગવાનને થાળ ધરાવતાં. આવા ભાવ સાથે બનાવેલ સાત્ત્વિક ભોજન જ નારાયણભાઈને ભાવતું. આથી લીલાવતી સિવાય બીજા કોઈના હાથનાં બનાવેલાં ભોજન તેમને બહુ ભાવતાં નહિ.

પાછલી ઉંમરે જ્યારે તેમનાથી બહુ કાર્ય થતાં નહિ ત્યારે સેવિકાઓ તેમની મદદે આવતી. તેમને પણ તેઓ શીખવતાં કે ભગવાન માટે થાળ તૈયાર કરવો છે એવો ભાવ રાખી પૂરતી ચીવટ સાથે થાળ તૈયાર કરવો જોઈએ. ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તો ય કેટલી બધી ચીવટ રાખીએ છીએ, તો જો ભગવાન માટે થાળ બનાવતા હોઈએ તો કેટલી બધી ચીવટ ને ચોખ્ખાઈ જોઈએ. મસાલામાં ચમચીનું માપ રાખીએ તો ક્યારેય વધુ પ્રમાણમાં તીખું-મોળું-ખારું થાય નહિ. એકસરખો સ્વાદ રહે. રસોઈ બનાવતી વખતે પણ મનમાં પ્રભુનું સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવીએ તો તેમાં સાત્ત્વિકતા આવે અને તો જ મહારાજ રાજી થઈ આપણો થાળ ગ્રહણ કરે. મહારાજને ભાવે સહિત થાળ ધરાવવો, ઉતાવળે જરાક બતાવી લઈ નહિ લેવાનો. મહારાજને પ્રેમપૂર્વક ભાવે સહિત જમાડવા. ભાવે સહિત બનાવેલ ભોજન જ સાત્ત્વિક બને છે અને એવું સાત્ત્વિક ભોજન જમનારના જીવનું પણ રૂડું થાય. માટે સિનેમાનાં એલફેલ ગીતો સાંભળતાં કે વાતો કરતાં રસોઈ ન બનાવવી. વાતો કરતાં રસોઈ બનાવીએ તો મોઢામાંથી થૂક ઊડે તે રસોઈમાં પડે. એવી અશુદ્ધ રસોઈ મહારાજને કઈ રીતે જમાડાય ? માટે એ બાબત પૂરતું ધ્યાન રાખવું. આમ સેવિકાઓને પણ શીખવતાં કે ગૃહિણીઓ મહાપ્રભુજીને કઈ રીતે રાજી કરી શકે. અનાજને સાફ કરી, ત્રણ વખત ધોઈ રસોઈ બનાવવી. માટલું વ્યવસ્થિત ત્રણ પાણીએ વીછળી, ગાળેલું શુદ્ધ પાણી તેમાં ભરવું. ઘી-તેલ વગેરે ગાળીને જ વાપરવું. આવી ચોખ્ખાઈ રાખવાની જીવનમાં ટેવ જ પાડી દેવી જોઈએ, જેથી ક્યારેય એ કાર્યોમાં ગાફલાઈ ન રહે. આવી ઝીણી ઝીણી બાબતો વિશે સેવિકાઓને સમજ આપી તેમનું એવું જીવનઘડતર કરતાં કે તેઓ પણ ભગવાનને રાજી કરવાના ગુણો કેળવી પોતાના ચૈતન્યની ઊર્ધ્વગતિ કરી શકે.

લીલાવતી ભણવામાં હોશિયાર હતાં, પરંતુ સંજોગોવશાત્‌ તેઓ વધુ ભણી શક્યાં ન હોવાથી નારાયણભાઈએ તેમને પૂછ્યું, ‘‘તમારે ભણવું છે ? જો ભણવું હોય તો હું તમને ભણાવું.’’ લીલાવતીને ભણવાનો શોખ ઘણો હતો. આથી તેમણે હા પાડી. ત્યારથી દરરોજ રાત્રે નારાયણભાઈ તેમને ભણાવતા. જે ભણાવ્યું હોય તે બીજા દિવસે લીલાવતીએ યાદ કરીને રાત્રે નારાયણભાઈ પાસે રજૂ કરવાનું. ગૃહકાર્યની બાબતમાં નારાયણભાઈ બહુ ચોક્કસ હતા. ભણવાના કાર્યમાં તેઓ ઢીલ ચલાવી લેતા નહિ. થોડો વખત આવું બરોબર ચાલ્યું. લીલાવતીનું શરીર કોમળ અને વય નાની, તેમાં ઘરનું સઘળું કામ કરવાનું. ચાલીને બહાર જઈ ઘરની વસ્તુઓ લાવવી, તેને સાફ કરી વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ મૂકવી, શાકભાજી લાવવા, મહેમાન આવ્યા હોય તો તેમની આગતા-સ્વાગતા કરવી વગેરે નાનાં-મોટાં અનેક કાર્યો પાર પાડતાં લીલાવતી થાકી જતાં, એટલે નારાયણભાઈએ શીખવાડેલું બરોબર મોઢે કરી શકતાં નહિ. મોઢે ન કર્યું હોવાથી આગળ શીખી શકાય નહિ. આમ થતાં લીલાવતીને અભ્યાસમાંથી રુચિ ઓછી થઈ ગઈ. તેમણે નારાયણભાઈને ભણવાની ના પાડતાં કહ્યું, ‘‘મારે ક્યાં નોકરી કરવા જવું છે ? મારે આ લોકનું નથી ભણવું. તમારી સાથે રહી છું તો મને ભગવાનનું ધ્યાન કરતાં શીખવો. મારે તો એ શીખવું છે ને એ જ કરવું છે.’’ આવું સાંભળતા નારાયણભાઈ બહુ રાજી થયા અને કહે, ‘‘ભગવાનના સ્વરૂપનું ધ્યાન શીખો એ તો સૌથી ઉત્તમ છે. આ લોકમાં આવી છેવટે તો બધાએ એ જ કરવાનું છે. આ લોકનું ભણી તમારે શું કરવું છે ? મૂકો માથાકુટ.’’

લીલાવતીની ધ્યાન કરવામાં અભિરુચિ જોઈને નારાયણભાઈએ તેમને મહારાજની મૂર્તિનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં શીખવાડ્યું. લીલાવતીને મહારાજમાં વૃત્તિ રાખી ધ્યાન કરતાં તરત જ આવડી ગયું. તેમની વૃત્તિ તરત જ મૂર્તિમાં ચોંટી ગઈ. ધીરે ધીરે તેઓ વધુ ને વધુ ધ્યાનનો અભ્યાસ કરવા લાગ્યાં. પછી તો નારાયણભાઈ અને લીલાવતી બંને સામસામે બેસી ધ્યાનમાં ઊંડા ઊતરી મૂર્તિનું સુખ ભોગવતાં.

(પૂ. મામા પણ સેવકોને કહેતા કે તમારાં માસી ધારે ત્યારે મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરી શકે છે અને પૂ. માસી પણ કહેતા કે બધા કહે છે, ધ્યાન કરતાં સંકલ્પ-વિકલ્પ બહુ થાય છે, પણ મને તો ધ્યાન કરતી વખતે શું સંકલ્પ ને શું વિકલ્પ એ કાંઈ ખબર જ પડતી નથી. ધ્યાન કરવામાં વળી એ બધું ક્યાંથી આડું આવે ?)

નારાયણભાઈ લીલાવતીને મહારાજની સર્વોપરિતા, બાપાશ્રીનો મહિમા, બાપાશ્રીએ સમજાવેલું રહસ્યજ્ઞાન વગેરે આધ્યાત્મિકતાનાં દરેકે દરેક પાસાંઓનું જ્ઞાન સમજાવતા. લીલાવતીને એ જ્ઞાન તરત સમજાઈ જઈ જીવમાં ઊતરી જતું. પછી તો લીલાવતી બીજાને પણ એ જ્ઞાન સમજાવી શ્રીજીમહારાજ પ્રત્યે અનન્ય નિષ્ઠા કરાવતાં. બીજા દેવી-દેવતાઓમાંથી શ્રદ્ધા કાઢી એક મહારાજમાં જ શ્રદ્ધા રાખવાથી જીવનું સારું થાય અને મહારાજ રાજી થાય એવું સમજાવી શ્રીજીમહારાજ પ્રત્યે શ્રદ્ધા દૃઢ કરાવતાં.

આમ નારાયણભાઈ અને લીલાવતીનું ઉત્કૃષ્ટ પ્રકારનું આધ્યાત્મિક જીવન વ્યતીત થવા લાગ્યું. તેમાં આ લોકની કહેવાતી સુખ-સમૃદ્ધિની તેમને ક્યાંય આવશ્યકતા જણાઈ નહિ કે આર્થિક સંકડામણ તેમને ક્યારેય અડચણરૂપ બની નહિ. સમાજ સમક્ષ બંનેએ એક આદર્શ દંપતિનું દૃષ્ટાંત ખડું કર્યું. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિના દૃષ્ટાંત જેવું આ ઉત્કૃષ્ટ પ્રકારનું દૃષ્ટાંત અનેક ચૈતન્યોનું ઉત્થાન કરવા માટે સક્ષમ છે.