ઐશ્વર્યદર્શન : ૧૮
આ લોકના જીવોને જ્યારે તકલીફો આવે, ત્યારે સાચા મુક્તની ઓળખાણ જો ન હોય તો શાંતિ માટે કેટલીય જગ્યાએ ફરી વળે છે, પણ જ્યારે સાચા મુક્તના શરણે આવે ત્યારે જ સાચા અર્થમાં શાંતિ પ્રાપ્ત થાય છે ને મુશ્કેલીઓનો અંત આવે છે.
એક વખત ખેરવા ગામના એક હરિભક્તનાં દીકરી બપોરના ચાર વાગ્યાની આસપાસ એક બેનને માસીનાં દર્શન કરાવવા લઈ આવ્યાં. તેમના ઘરમાં ઘણી અશાંતિ રહેતી હતી. એ બેનને કંઈક વળગાડ જેવું હતું. એને દૂર કરવા તેઓ કેટલીયે જગ્યાએ ફર્યા હશે, પણ કોઈ પરિણામ હાથ આવ્યું ન હતું. આમ તેઓ સાવ નિરાશ થઈ ગયા હતા. તેમના ઘરમાં સત્સંગ નહિ. હરિભક્ત બહેન તેને માસીનાં દર્શને લાવ્યાં અને માસીને વિગતે વાત કરી ને કહ્યું, ‘‘માસી, આપ તેને કંઠી પહેરાવી વર્તમાન ધરાવો તો તેની તકલીફ દૂર થાય.’’ માસીએ બહેનને પૂછ્યું કે, ‘‘તમે કંઠી પહેરશો ?’’ બહેને હા પાડતાં માસીએ વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. આ બધું થયું ત્યાં સુધી બહેન સાવ શાંત જ બેઠા હતા, પરંતુ જેવું માસીએ મહારાજને જળ ધરાવી તેની ઉપર છાંટ્યું તેવું જ બહેનમાં રહેલ મલિન તત્ત્વે બૂમો પાડવા માંડી. માસીએ ફરી પાણી છાંટ્યું ને તરત બહેનમાંથી ભૂત નીકળી ગયું ને બહેન એકદમ શાંત થઈ ગયાં. કેટલાય વખતની તેમની પીડા ને કષ્ટ આજે દૂર થતાં તેમને માનસિક શાંતિનો અનુભવ થયો. માસીના પ્રતાપે આજે મલિન તત્ત્વે તેના શરીરને છોડ્યું હતું. તેનો પણ મોક્ષ થયો.
ત્યાર બાદ તો બહેનના ઘરમાં દરેક સભ્યોએ માસીનાં દર્શન કરી, કંઠી બંધાવી ને વર્તમાન ધરાવી સત્સંગી થયા. માસીને તેઓ કહે, ‘‘આપના પ્રતાપથી હવે ઘરમાં બધી રીતે સુખ-શાંતિ છે, કોઈ જાતની ઉપાધિ નથી રહી.’’
મુક્તો ક્યારેક અદ્ભુત સામર્થ્ય જણાવતા હોય છે.