• પતિપરાયણતા (વિભાગ - ૩)

0:000:00

નારાયણભાઈની સાથે રહેતાં લીલાવતી શ્રીજીમહારાજની સર્વોપરિતા અને બાપાશ્રીનો મહિમા પૂર્ણપણે સમજી ચૂક્યાં હતાં. ઘરમાં આખો દિવસ એકલા હોવાથી મહારાજ તથા બાપાને સંભાર્યા કરતાં. મહારાજના મહામુક્ત હોવાથી તેમને મૂર્તિમાં લક્ષ પણ તરત થઈ જતો. આવી રીતે પ્રભુસ્મરણમાં તેઓ દિવસો પસાર કર્યા કરતાં. એક વખતે તેમને ટાઇફોઇડ થઈ ગયો હતો. એ એટલો બધો વધી ગયો કે તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યાં. નારાયણભાઈને તો શાળામાં ઘણું કામ હોય એટલે તેઓ કામે જતા રહેતા અને માણેકબેન (નણંદ) લીલાવતી પાસે રહેતાં. થોડા દિવસે તાવ ઊતરતા તેઓ દવાખાનામાંથી ઘેર આવ્યાં, પરંતુ અશક્તિ ઘણી હોવાથી ડૉક્ટરે દૈહિકક્રિયાઓ કરવાની ના પાડી હતી. ફક્ત આરામ કરવાની ખાસ સૂચના આપી હતી. નારાયણભાઈ તો લીલાવતીને ઘેર મૂકી આરામ કરવાની સલાહ આપી કામે જતા રહ્યા. લીલાવતી ઘરમાં એકલાં રહ્યાં. તેમને એમ થયું ડૉક્ટરે ના પાડી છે, પણ હું દવાખાનામાંથી આવી છું માટે મારે શરીરશુદ્ધિ માટે સ્નાન તો કરવું જ જોઈએ, પરંતુ પોતે એટલા બધા અશક્ત થઈ ગયાં હતાં કે ઊભા થવાની શક્તિ જ નહોતી. તેઓ સૂતાં હતાં ત્યાં સામે જ બાપાશ્રીની મૂર્તિ હતી. લીલાવતીએ સૂતાં સૂતાં જ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, ‘બાપા ! મારે નહાવું છે, પણ આજે શરીર સાથ નથી આપતું. અશક્તિ ઘણી લાગે છે. શું કરું ?’ આમ પ્રાર્થના કરતાં હતાં ને બાપાશ્રીની મૂર્તિના અભય હાથમાંથી દિવ્યરૂપે જળધારા થઈ અને તે ધારામાં લીલાવતીએ સ્નાન કરી લીધું. લીલાવતીને આત્મસંતોષ થઈ ગયો. બાપાશ્રીએ લીલાવતીનો નહાવાનો સંકલ્પ પૂરો કર્યો.

જેમને મહારાજે પૃથ્વી પર મોકલ્યા હોય એવા મુક્તની સાથે મહારાજ હંમેશાં રહી તેઓના સંકલ્પ સત્ય કરે છે.

નારાયણભાઈ અને લીલાવતી ધ્રાંગધ્રાથી અમદાવાદ આવ્યાં ત્યારે સૌ પ્રથમ દરિયાપુરમાં રહેતાં હતાં. દરિયાપુરના એ ઘરમાં એક વખત મુક્તરાજ સોમચંદબાપા આ દંપતિને મળવા આવ્યા. નારાયણભાઈ અને સોમચંદબાપા બાપાશ્રીના અલૌકિક મહિમાની ને અદ્‌ભુત પ્રતાપની વાતો કરવા લાગ્યા. ત્યારે લીલાવતી પણ એક ખૂણામાં બેસી તેમની વાતો સાંભળતાં હતાં. સોમચંદબાપા બાપાશ્રીનો મહિમા ખૂબ સરસ રીતે વર્ણવતા હતા. મહિમા સાંભળી લીલાવતીને મનમાં જીજ્ઞાસા ઉત્પન્ન થઈ કે બાપા કેવા હશે, એ વખતે તેઓ કેવા લાગતા હશે ? મને બાપાનાં દર્શન ન થયાં. એ વખતે હું હોત તો બાપાનાં દર્શન કરી શકી હોત. હવે અત્યારે બાપા ક્યાંથી આવે ને હું તેમનાં દર્શન ક્યાંથી કરી શકું ? આમ પોતે ખેદ સાથે પસ્તાવો કરવા લાગ્યાં.

નારાયણભાઈ અને સોમચંદબાપાને વાતોમાં રાત પડી ગઈ. અંધારું થતાં લીલાવતી કોઈક કામસર ઊભાં થયાં એ વખતે ઘરમાં અંધારું હોવાથી પડી ગયાં ને બેભાન થઈ ગયાં, પરંતુ એ બેભાન અવસ્થા તેમને જીવનનું અવિસ્મરણીય ભાથું આપતી ગઈ. ઉપરથી લાગતી એ બેભાન અવસ્થા વાસ્તવિક રીતે સમાધિ અવસ્થા હતી. લીલાવતીએ બાપાનાં દર્શનનો ઓરતો કર્યો તેમાં તો બાપાશ્રીએ તેમને પોતાના પ્રાગટ્યથી માંડીને સમગ્ર જીવનલીલાનાં એ સમાધિ અવસ્થામાં દર્શન કરાવ્યા ને છેલ્લે દિવ્ય તેજોમય એવા બાપાશ્રીનાં દર્શનથી લીલાવતી ધન્ય બની ગયાં. શરદપૂર્ણિમાનો એ દિવસ તેમના જીવનનો એક અતિ અમૂલ્ય અવસર બની ગયો.

સમાધિ અવસ્થામાંથી તેઓ જ્યારે બહાર આવ્યાં ત્યારે તેમની અવસ્થા બદલાઈ ગઈ હતી. દિવ્ય દર્શનનો આનંદ તેમના ચહેરા પર વર્તાતો હતો ને ચહેરો દિવ્યપ્રભાથી ઝળહળતો હતો.

પૂ. માસી જ્યારે પણ પોતાના એ અનુભવની વાત કરતાં, ત્યારે જાણે એ વખતે પણ તેમને એ દિવ્ય દર્શન થતું હોય એવા તાદૃશ્યભાવથી એમનો ચહેરો આનંદથી પ્રફુલ્લિત થઈ ઊઠતો. તેઓ એમ કહેતાં કે બાપાશ્રીનાં દિવ્ય તેજોમય દર્શન થયાં તે જ મારા જીવનનો સૌથી આનંદમય દિવસ છે. એમ કહી ‘મારે આનંદનો દિન આજ રે’ એવી પંક્તિ બોલતાં તેઓ દિવ્યાનંદમાં ગરકાવ થઈ જતાં. માસીને શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા અનાદિમુક્તો વિશે અતિ સ્નેહ ને દિવ્યભાવ હોવાથી શ્રીજીમહારાજ, બાપાશ્રી, સોમચંદબાપા, નારાયણમામા વગેરે અનેક મુક્તોનાં અવારનવાર દર્શન થયાં કરતાં. તેમની સાથે વાર્તાલાપ કરવાનો પણ આનંદ તેઓ માણતાં. તેઓ જ્યારે જ્યારે મોટો મંદવાડ ગ્રહણ કરતાં, ત્યારે તેમના દ્વારા મહારાજ ને બાપાશ્રી જ બધી ક્રિયા કરતા. જમે તો મહારાજ જમે છે, બોલે તો મહારાજ બોલે છે એવો પોતાને તો અનુભવ થતો જ, પણ સેવામાં રહેલા સેવક-સેવિકાઓને પણ એવા દિવ્યભાવની અનુભૂતિ થતી. ભક્તચિંતામણિમાં અવલબાઈની વાત આવે છે કે તેઓ મહારાજરૂપ વર્તતાં, ત્યારે તેમના મુખે મહારાજ બોલતા હતા. આવી જ દિવ્યસ્થિતિ પૂ. માસી પણ ઘણી વખત જણાવતાં.