• જીવનદર્શન
ઈ. સ. ૨૦૧૦, ૨૬ નવેમ્બર, શુક્રવાર ને કારતક વદ પાંચમ, રાત્રે ૧૦.૨૨ વાગ્યે ‘અક્ષરધામની મૂર્તિમાંથી જુઓ તો તેજ તેજ છૂટે છે.’ બ...સ, આ છેલ્લા શબ્દો પૂ. માસીના મુખમાંથી સરી પડ્યા ને કરુણામય નેત્રો સદાયને માટે મીંચાઈ ગયાં. પૂ. માસી સ્વતંત્રપણે શ્રીજીના સુખમાં ગરકાવ થઈ ગયાં અને એ સુખાનુભૂતિ તેમના મુખારવિંદ પર ઝળકી રહી, આમ અચાનક બોલાયેલા શબ્દો ને ત્યાર બાદ કોઈ પણ જાતના દુઃખના હાવભાવ વગર પૂ. માસી ધામમાં પધારી જતાં સેવિકાઓ તેમજ સેવકો શૂન્યમનસ્ક થઈ ગયાં. કોઈ કાંઈ પણ બોલી શકવા સમર્થ રહ્યું નહિ. ફક્ત એકબીજા સામું જોયા કર્યું. શું કરવું ? કોને કહેવું ? કાંઈ સૂઝ ન પડી. સર્વના આધાર નોધારા કરતા ગયાં. મોભ તૂટી પડ્યો. માથે આભ ફાટ્યું તો પગ તળેથી જમીન સરકી ગઈ. શોકમગ્નતાએ તેમના મન ઉપર કબજો જમાવી લીધો હતો. હૃદયમાંથી ઊઠતો મૂક ચિત્કાર એક અકલ્પ્ય સન્નાટો ઉત્પન્ન કરતો હતો. એ સન્નાટામાં શૂન્યમનસ્ક બની ગયેલાં સેવક-સેવિકાઓ પૂ. માસીની ફરતે બેસી પડ્યાં. તેઓ માટે તો સમય જાણે ત્યાં જ થંભી ગયો હતો.
શ્રીજીમહારાજે મુમુક્ષુઓના ચૈતન્યના ઊર્ધ્વીકરણ માટે પોતાની મુક્તોરૂપી પુષ્પવાટિકામાંથી મોકલેલું એક પુષ્પ સ્ત્રીરૂપે પૃથ્વી પર ખીલી પોતાના આદર્શ જીવનરૂપ પમરાટ પ્રસરાવીને અનેકના હૃદયમાં સદાય માટે પોતાની સુગંધ મૂકતું ગયું. પોતાના ઉદ્દાત કલ્યાણકારી ગુણો દ્વારા મુમુક્ષુઓને સાચું માર્ગદર્શન પૂરું પાડી ભગવાન ભજવામાં પ્રમાદ ન કરાય તે શિખવાડ્યું. બહેનોને તો નાની બાબતથી માંડી મોટી બાબતોનું પણ સંસ્કાર સિંચન કર્યું, જેથી આવા કળીકાળમાં બહેનો કપરાકાળ તથા વિકટ સમયે સરળતાથી માર્ગ કાઢી સુખદ જીવન વ્યતિત કરી શકે. પતિ પરાયણતા, સુઘડતા, સ્વચ્છતા, સત્યવક્તાપણું, નીડરતા, પ્રભુ પ્રત્યે એકનિષ્ઠા, અંધશ્રદ્ધા ન રાખવી, દરેક પ્રત્યે માતૃતુલ્યભાવ વગેરે અનેક ગુણો પોતાના જીવનમાં તાદૃશ કરી એક આદર્શ ખડો કર્યો. પોતે રાજસી ઠાઠ ભોગવ્યા છતાં ય જીવનમાં આર્થિક સંકડામણની પરાકાષ્ઠા બતાવી અને તેવા જીવનમાં પણ કરકસરયુક્ત આનંદમય જીવન જીવી શકાય છે તે પોતાના જીવન દ્વારા ચરિતાર્થ કરી બતાવ્યું. આમ એક આદર્શ જીવન વ્યતિત કરી શ્રીજીમહારાજની વાટિકાનું આ પુષ્પ સદાય માટે આ પૃથ્વી પર પોતાની સુમધુર સુવાસ ફેલાવી પાછું શ્રીજીની મુક્તરૂપી પુષ્પવાટિકામાં ખીલી રહ્યું !