ઐશ્વર્યદર્શન : ૩

0:000:00

જીવોનાં કલ્યાણ કરવા પધારેલા મુક્તોની દૃષ્ટિ ચૈતન્ય ઉપર હોવાથી ચૈતન્ય કઈ રીતે ઊર્ધ્વગતિ પામીને પ્રભુની વધુ નજીક પહોંચે તે એક બાબત જ લક્ષમાં રાખે છે. શારીરિક કષ્ટોને તો તેઓ ગૌણ ગણે છે. પ્રારબ્ધકર્મ વશ જીવોને જે કષ્ટો ભોગવવાનાં હોય તેમાં મુક્તો બિનજરૂરી હસ્તક્ષેપ કરતા નથી. હા, તેમની દૃષ્ટિ ચૈતન્ય ઉપર પડી હોવાથી તેના ચૈતન્યની રક્ષા અવશ્ય કરે છે અને શૂળીનું દુઃખ કાંટે કાઢે છે.

એક સેવકની દીકરી જન્મથી જ અપંગ સ્થિતિમાં હતી. મોટી ઉંમરે પણ તેમાં કોઈ સુધારો ન થયો અને શરીર વધારે ને વધારે કથળવા લાગ્યું. પોતાથી કોઈ કાર્ય થઈ શકે નહિ. નાની નાની બાબતોમાં પણ બીજા પર આધારિત રહેવું પડતું. આવી પરાધીન અવસ્થા હોવાથી તે જીવનથી કંટાળી ગઈ હતી. એટલે વખતો વખત મામા તથા માસીને પ્રાર્થનાઓ કર્યા કરતી. પ્રાર્થના કરે ત્યારે થોડી તકલીફ ઓછી થાય, પરંતુ પ્રારબ્ધમાં હોય તે તો ભોગવવું જ પડે. આયુષ્ય હોય તેટલું જીવવું જ પડે. આમ તેનું જીવન તકલીફોથી ભર્યું પસાર થતું હતું. એવામાં તેની તકલીફોએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું અને તકલીફો જોઈ ન શકાય તે હદે વધી ગઈ. ત્યારે સેવકના પિતાશ્રીએ માસી પાસે જઈ ગદ્‌ગદ કંઠે પ્રાર્થના કરી કે હવે દીકરીની તકલીફો ઘણી વધી ગઈ છે. આપ મહારાજને પ્રાર્થના કરી તેને કષ્ટમાંથી છોડાવો. માસીએ પ્રાર્થના સાંભળતાં જ કહ્યું, ‘‘તમે હવે ચિંતા ન કરશો. તમારી પૌત્રીને તેડી જવા શ્રીજીમહારાજ સફેદ વસ્ત્રોમાં ગયા જ છે.’’ માસીએ એવું કહ્યું ને તરત જ સેવકની દીકરી દેહ મૂકી ધામમાં ગઈ ને તેને કષ્ટોમાંથી મુક્તિ મળી.

મહારાજની મરજીથી આવેલા મુક્તોમાં એ સામર્થ્ય હોય છે કે તેઓ મહારાજની ક્રિયાઓ દિવ્ય દૃષ્ટિએ જોઈ શકે છે.