૧. પ્રાગટ્ય અને બાળપણ

0:000:00

સ્ત્રીભક્તોના ચૈતન્યની સરળતાથી ઊર્ધ્વગતિ થાય એવા હેતુથી શ્રીજીમહારાજ સ્ત્રી મુક્તોને પૃથ્વી પર પ્રગટ કરે છે. આ સ્ત્રી મુક્તો પોતાના આદર્શ જીવન દ્વારા, આશીર્વચનો દ્વારા, ઉપદેશામૃત દ્વારા, પ્રેમ ને કરુણાથી, લાડકોડ કરીને તો ક્યારેક આવશ્યક કડક વલણ દર્શાવીને પણ ચૈતન્યને પ્રભુપ્રાપ્તિના માર્ગે ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરાવે છે.

આવા જ ઉદ્દાત હેતુથી એક સ્ત્રી મુક્તને શ્રીજીમહારાજે ઈ. સ. ૧૯૩૦, પાંચમી ફેબ્રુઆરી, મહા સુદ સાતમના દિવસે મુંબઈમાં પ. ભ. શ્રી ચતુરભૂજભાઈ તથા લક્ષ્મીબેનને ત્યાં પ્રગટ કર્યાં. માતા-પિતાએ એમનું નામ લીલાવતી પાડ્યું. લીલાવતીનું મુખારવિંદ તેજસ્વી અને સુંદર હતું. તેમની મુખાકૃતિ શાંત અને પ્રસન્નચિત્ત હતી. તેમનું ભાલ વિશાળ તો આંખો નિર્મળ અને પ્રભાવક હતી. લીલાવતીને એક મોટાભાઈ તથા ત્રણ નાનાભાઈઓ એમ ચાર ભાઈઓ હતા. ચાર ભાઈઓ વચ્ચે એક જ બહેન, આથી તેમનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો. સ્વાભાવિક રીતે તેમ જ થાય, કારણ કે તેમનું ઘર સાધન સંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતું. મુંબઈ જેવા શહેરમાં મોટું ઘર અને તેમાં ચોવીસ કલાકના નોકર અને છૂટક નોકર બીજા આવે. રસોઈ કરવા માટે રસોઈયા, ગાડી અને ડ્રાઇવર. આ લોકનું કહેવાતું બધું રાચરચીલું તે ઘરમાં હાજર હતું. લીલાવતી અને તેના ભાઈઓ ચાંદીનાં રમકડાંથી તો રમતાં. લીલાવતી એક વસ્તુ માગે ને બે તો હાજર થતી. આમ આવા જાહોજલાલીભર્યા વાતાવરણમાં એક રાજકુંવરીની જેમ તેમનો ઉછેર થવા લાગ્યો.

લીલાવતી થોડાં મોટાં થતાં તેમને મુંબઈની ચોપાટી પર આવેલી ઈંગ્લિશ મીડિયમ ‘માઉન્ટ કાર્મલ’ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યાં. ભણવામાં તેઓ હોશિયાર હતાં. સ્કૂલમાં શીખવેલું તેમને તરત જ આવડી જતું. સ્કૂલે જવા અને આવવા માટે હંમેશાં ગાડી રહેતી. સ્કૂલેથી આવતાં તેમનું દફ્તર પણ ઘરના નોકરો પકડતા. ઘરની બહાર પગ મૂકે કે તરત જ ગાડી હાજર રહેતી. ઘણી વખત લીલાવતી એમ કહેતાં કે મને આ નથી ભાવતું તો તેમના માટે તેમને ભાવતી બીજી રસોઈ બનાવી દેવામાં આવતી. આવું થાય ત્યારે તેમનાં બા તેમને સમજાવતાં ને કહેતાં, ‘‘લીલાવતી, આવા લાડ સારા નહિ. બધું જ ખાતા શીખવું જોઈએ. આ નથી ભાવતું, તે નથી ભાવતું એવું ન કરાય. નહિ તો સાસરીમાં તકલીફ પડે.’’ એ વખતે લીલાવતીને એ વાત ખાસ ધ્યાનમાં આવતી નહિ. આવી જાહોજલાલીભર્યું જીવન હોવા છતાં લીલાવતી ધાર્મિક વૃત્તિનાં તેમ જ દયાળુ સ્વભાવનાં હતાં. ભગવાન ભજવામાં તેમને નાનપણથી જ અભિરુચિ હતી. ભગવાનના નામનો જાપ કર્યા કરવો, પૂજાપાઠ કરવા વગેરે તેમને અતિ પ્રિય હતું. તેમના ઘરમાં શ્રી રામચંદ્રજી તથા અંબામાની ઉપાસના હતી. તેમનાં માતા પણ ઘણા ધાર્મિક વૃત્તિનાં હતાં. લીલાવતી તેમની બા સાથે ભાવપૂર્વક ભગવાનની સેવા-પૂજા કરતાં. ભગવાન ભજવાના આવા ગુણ હોવાથી ઘરમાં દાદા-દાદી તેમ જ માતા-પિતાના તેઓ લાડીલા હતાં.

આમ લાડકોડમાં ઉછેર થતાં લીલાવતી જ્યારે દસ વર્ષનાં થયાં, ત્યારે તેમના જીવનમાં દુઃખદ ઘટના ઘટી. એટલી નાની ઉંમરે જ તેમનાં માતુશ્રીનો દેહવિલય થયો. એ આઘાતજનક ઘટનાથી પહેલાં તો લીલાવતી ખૂબ વ્યથિત થઈ ગયાં, પરંતુ નાના ભાઈઓની જવાબદારી પોતાના શિરે આવી પડતાં પોતે સ્વસ્થતા જાળવી લીધી. લીલાવતીથી નાના ત્રણ ભાઈઓ હોવાથી લીલાવતીને તેમની દેખરેખ રાખવા સ્કૂલમાંથી ઉઠાડી લેવામાં આવ્યાં. માતાના ધામગમન પછી લીલાવતી જાણે વધુ ધીર-ગંભીર અને ઠાવકા થઈ ગયાં. બાળસહજ રમતો થોડી ઓછી થઈ ગઈ અને અચાનક જ જાણે તેઓ પક્‌વ બની ગયાં. તેઓ ભાઈઓની કાળજીપૂર્વક દેખરેખ રાખવા લાગ્યાં. એ જવાબદારી તેમણે સુપેરે નિભાવી. આ જવાબદારી નિભાવવામાં તેમનાં દાદીમાનો તેમને પૂરેપૂરો સાથ-સહકાર સાંપડ્યો. આટલી નાની ઉંમરમાં ઘરની તથા ભાઈઓની જવાબદારી લીલાવતીએ સંભાળી લીધી હોવાથી દાદીમાને લીલાવતી પ્રત્યે અતિશય પ્રેમ ઊભરાતો. તેઓ જીવ્યાં ત્યાં સુધી તેમણે લીલાવતીની સંભાળ રાખી હતી.