૧૦. મંદવાડની લીલા અને અંતિમ વિદાય (વિભાગ - ૧)

0:000:00

ત્રિવિધ તાપોથી કષ્ટ પામેલા દુઃખી જીવો તેમની પાસે આવે તો તેમને પૂ. માસી આશીર્વાદ આપી તેમનાં દુઃખોને દૂર કરવા શ્રીજીમહારાજને પ્રાર્થના કરતાં. પૂ. મામા તથા મોટા મોટા મુક્તોને સેવા કરી રાજી કર્યા હોવાથી અને તેઓ પોતે પણ મુક્ત સ્થિતિના હોવાથી તેમની પ્રાર્થના શ્રીજીમહારાજ તરત સ્વીકારી દુઃખીઓનાં કષ્ટોનું નિવારણ કરી આપતાં. અમુક લોકોનાં પ્રારબ્ધકર્મોનાં કષ્ટો પોતે ગ્રહણ કરી પોતાના દેહ દ્વારા મંદવાડરૂપે બતાવતાં. એમણે સ્વતંત્રપણે ગ્રહણ કરેલો મંદવાડ ક્યારેક લાંબો ચાલતો, પણ તેઓ ઇચ્છે ત્યારે મંદવાડને રજા પણ આપી દેતાં ને સ્વસ્થ થઈ જતાં, ત્યારે નબળાઈ કે અશક્તિનાં કોઈ ચિહ્‌નો પણ જણાવતાં નહિ. આવું ઘણી વાર બનતું. કોઈ વાર મંદવાડ લાંબો ચાલે તેમ છતાં પોતાનો મંદવાડ દૂર કરવા માટે શ્રીજીમહારાજને પ્રાર્થના કરતાં નહિ. સેવકો પ્રાર્થના કરવાનું કહે ત્યારે એમ કહેતાં કે તમારા મામાએ પોતાને માટે મહારાજને પ્રાર્થના કરવાની ના પાડી છે એટલે હું મારે માટે પ્રાર્થના કરતી નથી, કારણ કે મામા એમ કહેતા કે મહારાજ પાસે પોતાને માટે માગવું એ સકામભાવ કહેવાય. આ દેહનું શું છે ? મહારાજની મૂર્તિમાં જોડાઈ જઈએ તો દેહના દુઃખ જેવું કંઈ રહેતું નથી. મહારાજની મૂર્તિમાં તો નકરું સુખ જ છે. દેહરૂપે વર્તીએ તો દુઃખ લાગે ને ?

મુક્તોને તો દેહભાવ છે જ નહિ, પણ દેહધારી સામાન્ય મનુષ્ય તો ફક્ત બાહ્યદૃષ્ટિએ જુએ એટલે એને તો એમ જ થાય કે આમને કેટલું બધું કષ્ટ પડતું હશે ! માસીને તો દેહના કષ્ટ જેવું કંઈ લાગતું જ નહિ. પાછલી અવસ્થાએ તેમણે મંદવાડ ગ્રહણ કર્યો તે લાંબો ચલાવ્યો. તેમાં ૨૨ નવેમ્બર, ૨૦૦૯ના તો મંદવાડ ઘણો જ વધી જતાં અંતઅવસ્થા જેવું થઈ ગયું. એ વખતે મહારાજ, બાપાશ્રી અને મામા સહિત અનેક મુક્તો માસીને ધામમાં તેડવા આવ્યા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા સેવકોને કહ્યું કે, ‘‘મહારાજ, બાપા તેડવા આવ્યા છે તો અત્યારે મારી સાથે જેને આવવું હોય તેને હું મારી સાથે ધામમાં તેડી જઈશ.’’ આ સાંભરી સેવકોએ ઘણી પ્રાર્થના કરી કે આપ મહારાજને કહો કે હજી આપની આ લોકમાં ઘણી જરૂર છે. હમણાં ધામમાં જતાં રહેશો તો કેટલાંય કાર્યો અટકી પડશે. માટે શ્રીજીમહારાજ, બાપાશ્રી ને મામાને અમારા સૌ વતી વિનંતી કરી કહો કે આપને રાખે. સેવક-સેવિકાઓની અતિ આજીજીપૂર્વકની વિનંતીથી ત્યારે તો મહારાજ માસીને રાખી ગયા. ત્યાર બાદ તબિયતમાં થોડો સુધારો થયો, પરંતુ માસી પોતાની અંતરંગ સેવિકાઓને કહેતાં કે, ‘‘આ બધાંએ પ્રાર્થના કરી મને રાખી છે, પણ આ વખતે હું હવે ઊભી થઈ શકવાની નથી.’’ અને ખરેખર બન્યું પણ એવું જ કે તેઓ તે મંદવાડમાંથી ઊભાં ન થયાં, કારણ કે તેમની પોતાની મરજી જ સંપૂર્ણ સ્વસ્થ થવાની ન હતી. સેવકોની પ્રાર્થનાથી મહારાજે માસીને વધુ એક વર્ષ દર્શનીય રાખ્યાં, પરંતુ મોટે ભાગે તેઓ પથારીવશ જ રહ્યાં ને જગત પ્રત્યે વધુ ને વધુ ઉદાસીન રહેવા લાગ્યાં. દિવસમાં વધુ સમય તેઓ ઊંડા ઊતરી મૂર્તિના ધ્યાનમાં મગ્ન રહેતાં.

ધ્યાનમાંથી જ્યારે જાગૃત થાય ત્યારે સેવકો પાસે કથા કરાવે, કીર્તનો ગવરાવે, ધૂન કે નામજપ કરવાનું કહે - વગેરે પ્રભુપ્રસન્નતાની ક્રિયાઓ કરાવતાં. ભોજન પ્રત્યે પણ રુચિ સાવ ઓછી કરી નાખેલી. સેવકો બહુ આગ્રહ કરે, ત્યારે માંડ એક-બે ગ્રાસ જમાડે. આમ ખોરાક સાવ ઓછો થઈ જવાથી શરીર વધુ ને વધુ અશક્ત થવા લાગ્યું. સેવિકાઓ પગની કસરત કરવાનું કહે તો પોતે એમ બોલે કે, ‘‘મારે હવે ક્યાં ચાલવું છે ? હવે તો બસ તમારા મામા અને મહારાજ આ દેહમાંથી છોડાવી મૂર્તિના સુખમાં લઈ જાય તેની જ રાહ જોઉં છું.’’ આમ પૂરું વર્ષ પથારીમાં જ પસાર કર્યું. શરીરની આવી નાદુરસ્તી હોવા છતાં જ્યારે સભાપ્રસંગ હોય અને મહારાજની આરતી ઉતારવાની હોય તે વખતે શરીરમાં પોતે સ્ફૂર્તિ જણાવતાં ને પ્રસન્ન ચિત્તે ઉત્સાહથી મહારાજની આરતી કરી બધાને આત્યંતિક મોક્ષનાં, છેલ્લા જન્મનાં આશીર્વચનો આપતાં. દરેક વખતે શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવા વિશે વધુ ભારપૂર્વક જણાવતાં, ‘‘ભલે બધો વ્યવહાર કરો, પણ થોડો સમય કાઢીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનો અભ્યાસ કરો. ધ્યાન કરવું એ મામાને બહુ જ ગમતું, માટે બધા ધ્યાનનો અભ્યાસ કરો.’’ એમ આગ્રહપૂર્વક જણાવતાં. પોતાની સેવામાં રહેલી સેવિકાઓને પણ ઘરમાં નિષ્ક્રિય બેસી ન રહેતાં ધ્યાન કરવાનું કે માળા ફેરવવાનું કહેતાં અને કહેતાં કે મારે જ્યારે તમારું કામ હશે ત્યારે તમને બોલાવીશ, પણ ત્યાં સુધી મહારાજને સંભારો, જગતની બહુ વાતો નહિ કરતાં માળા કે ધ્યાનમાં સમય વિતાવો. પછી બધી સેવિકાઓ પણ તે પ્રમાણે વર્તવા લાગી તેથી માસી ખૂબ રાજી થતાં.

સેવિકાઓ અને સેવકો માસીની સેવામાં હંમેશાં તત્પર રહેતાં. કોઈ થાક કે કંટાળાની વાત કરતા નહિ, બધા દિવ્યભાવે સહિત ઉત્સાહપૂર્વક માસીની સેવા કરતા. દરેકને એ ખ્યાલ હતો કે માસીની સેવા કરવાથી શ્રીજીમહારાજ, બાપાશ્રી અને મામા ખૂબ રાજી થશે અને આપણું જીવન ધન્ય બની જશે. એક ડૉક્ટર સેવકે પણ પોતાની દવાખાનાની પ્રૅક્ટિસ છોડી રાત-દિવસ માસીની સેવામાં રહી હૃદયના ખરા ભાવથી માસીની સેવા કરી રાજીપો મેળવ્યો.