• પતિપરાયણતા (વિભાગ - ૨)

0:000:00

પતિવ્રતાના લક્ષણની આ પરાકાષ્ઠા કહી શકાય. પોતાનું ગમતું અને પોતાના બધા ઠરાવ સર્વ કાંઈ બાજુએ મૂકી દઈ પતિના ગમતામાં રહેવું તે લીલાવતીએ ચરિતાર્થ કરી બતાવ્યું.

સાસરામાં અતિશય આર્થિક તંગી, પતિની આવક ઓછી હોવા છતાં ય લીલાવતીએ ક્યારેય પિયરમાં પોતાના ભાઈઓને એ વિશે વાત કરેલી નહિ. તેમના ભાઈઓ જ્યારે તેમને મળવા આવે, ત્યારે તેઓ સારાં કપડાં પહેરતાં અને તેમના માટે જમવાનું પણ સારું સારું બનાવતાં. આથી તેમના ભાઈઓને લીલાવતીની આર્થિક પરિસ્થિતિની ખાસ જાણ નહોતી. ભાઈઓના ગયા પછી લીલાવતીને થોડો વખત વધુ કરકસર કરવી પડતી. થોડો વખત શાક વગર ચલાવે અને બીજી ચીજવસ્તુઓમાં કરકસર કરી મહિનો પૂરો કરતાં.

એક વખત કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર અચાનક લીલાવતીના ભાઈ તેમને મળવા તેમના ઘેર પહોંચી ગયા. એ વખતે લીલાવતીએ થીગડાં મારેલાં કપડાં પહેર્યાં હતાં. બહેનની આવી પરિસ્થિતિ જોઈ ભાઈ દિલગીર થઈ રડવા લાગ્યા. તેમને રડતા જોઈ લીલાવતીએ પૂછ્યું, ‘‘ભાઈ, કેમ રડો છો ? શું થયું ?’’ ભાઈ કહે, ‘‘કાંઈ નહિ.’’ લીલાવતીએ ફરી પૂછ્યું, ‘‘કાંઈ નથી તો રડો છો શા માટે ?’’ વારંવાર આગ્રહપૂર્વક પૂછતાં તેમના ભાઈએ કહ્યું, ‘‘બહેન, તમારી સાવ આવી નબળી આર્થિક પરિસ્થિતિ છે કે તમારે આવા થીગડાં મારેલાં કપડાં પહેરવા પડે છે ? તમે તો અમને જાણ પણ કરતાં નથી.’’ આવું સાંભળતાં લીલાવતીએ તેમના ભાઈને ખૂબ સુંદર જવાબ આપ્યો, ‘‘ઓ...હો, એમાં રડવાનું શું ? અમારી ગરીબ સ્થિતિ છે. મારું લગ્ન નક્કી થયું ત્યારે તમે બધા નાના હતા. મને એમણે પૂછેલું અને ગરીબ છું એમ પણ જણાવેલું. હું એમની સાથે એ શરતે જ પરણી છું કે જેવું હશે એવું હું કરકસરથી ઘર ચલાવીશ ને આનંદથી તમારી સાથે રહીશ. તો થીગડું મારું એમાં શું શોભા જતી રહી ? કોઈ જુએ તો એમાં કંઈ આબરું નથી જતી. આબરું તો સારું કામ કરીએ તો સારી રહે. થીગડાંવાળાં કપડાંથી આપણી શોભા જતી ન રહે. ગરીબાઈથી કંઈ આપણી વાતો ન થાય. ગરીબી તો ભાઈ, આપણી શોભા છે. દાગીનો ન પહેરીએ ને સારાં વસ્ત્રો ન પહેરીએ તો શું વાંધો છે ? ગરીબાઈ હોય, પણ જીવન પવિત્ર હોય તો બધા ગુણ ગાશે. ભવિષ્યમાં ચોપડીમાં આપણા ગુણ લખશે. એમ નહિ કહે કે કપડાં સારાં ન પહેર્યાં કે આમ કર્યું. હવે તું રડ નહિ. તારા બનેવી આવશે તો એમને એમ થશે કે મેં ફરિયાદ કરી હશે. હવે છાનો રહે અને મુંબઈ જઈને આ વાત કોઈને કરતો નહિ.’’

કેટલો ઠાવકાઈભર્યો સુંદર જવાબ ! બધી જ બહેનો માટે આ એક આદર્શ ઉદાહરણ છે કે આર્થિક સંકડામણમાં પણ જો સાચી સમજણ હોય તો ગમે તેવી પરિસ્થિતિ આવે, સંતોષ અને આનંદથી રહી શકાય છે અને બીજું એ પણ શીખવા મળે છે કે પોતાની સાસરીની પરિસ્થિતિની જાણ પિયરમાં કરી ત્યાંથી મદદ માગવી નહિ. પોતાના પતિની આવકમાંથી જ ઘરવ્યવહાર ચલાવતાં શીખી ખુમારીથી આનંદમાં રહેતા શીખવું. જેને ભગવાન ભજવા છે એણે તો પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદમાં રહે તો જ ભગવાન પ્રસન્ન થાય છે.

એ દિવસે નારાયણભાઈને કામ હોવાથી રાત્રે તેઓ મોડા આવશે એવું એમણે કહેવડાવ્યું. આથી લીલાવતીએ તેમના ભાઈને કહ્યું, ‘‘ભાઈ, તું ખોટું ન લગાડતો, પરંતુ અત્યારે ઘરમાં હું એકલી છું. તારા બનેવી છે નહિ, તો તું રાત બીજે રહેવાની વ્યવસ્થા કરી લઈ સવારે તારા બનેવી ઘરમાં હોય ત્યારે આવજે. હવે મારાં લગ્ન થઈ ગયાં છે ને પતિવ્રતા સ્ત્રી તેના પતિની ગેરહાજરીમાં બીજા પુરુષ સાથે ન રહે, માટે તું સવારે આવજે.’’ ભાઈ તો બહેનની આવી પતિવ્રતાની નિષ્ઠા જોઈ દિગ્મૂઢ થઈ ગયા. તેમને બહેન પ્રત્યે અનહદ માન ઊપજ્યું અને ખુશીથી તેઓ રાત બીજે રોકાઈ બીજે દિવસે સવારે પાછા આવ્યા.

પતિવ્રતાના લક્ષણની આ પરાકાષ્ઠા છે. પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે એક ઘરમાં એકાંતમાં ન રહેવું. એમ મુક્તો પોતાના વર્તન દ્વારા સમાજમાં આદર્શ પ્રસ્થાપિત કરે છે. અત્યારના કળિયુગમાં ધીમે ધીમે સંબંધોનું મૂલ્ય ઘટતું જાય છે, ત્યાં જો પૂરતી મર્યાદા સાથે રહેવામાં આવે તો સંબંધો ક્યારેય કલંકરૂપ બને નહિ.