• ગુણદર્શન
પરમાત્મા સાથે પૂર્ણ ઐક્ય સાધેલા મુક્તમાં પરમાત્માના દિવ્ય કલ્યાણકારી ગુણો પૂર્ણરૂપે વિકસેલા હોય જ છે. મુક્ત જ્યારે સ્ત્રીરૂપે પ્રગટ થાય છે, ત્યારે સ્ત્રીચૈતન્યોના ઉત્થાન, ઉત્કર્ષ ને અભ્યુદય માટે કેટલાક વિશિષ્ટ ગુણો પ્રગટ કરે છે, જેથી સ્ત્રીભક્તો સ્ત્રીમુક્તના સેવા સાંનિધ્યમાં રહી એ દિવ્ય ગુણોને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાની અખૂટ પ્રેરણા ને બળ મેળવી શકે. પૂ. લીલામાસીએ પોતાના જીવનમાં સતીત્વ, પતિવ્રતાપણું, સંયમનિષ્ઠા, આજ્ઞાપાલન, સત્યનિષ્ઠા, સેવા, સાદગી, નીડરતા, ચોકસાઈ, ચોખ્ખાઈ, સુઘડતા વગેરે અનેક સદ્ગુણોનું દર્શન કરાવ્યું છે. જેના અનુસરણથી સ્ત્રીભક્તો સરળતાથી પોતાના જીવનઘડતરની સાથે ચૈતન્યનું ઊર્ધ્વગમન કરી શકે એવા શુભાશયથી અહીં ગુણદર્શન કરાવ્યું છે.