ઐશ્વર્યદર્શન : ૧૫
એક સેવકના મોટા ભાઈની દીકરી ઓસ્ટ્રેલિયામાં તેના પતિ સાથે રહેતી હતી. ત્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી અચાનક દીકરીની તબિયત ખૂબ જ બગડી ગઈ. તેનું બ્લડપ્રેશર લૉ થઈ ગયું ને પલ્સ ચાળીસથી નીચે જવા માંડી. તેના પતિએ દીકરીનાં માતાપિતાને ફોનથી દીકરીની પરિસ્થિતિથી વાકેફ કર્યાં ને ભગવાનને પ્રાર્થના કરવા જણાવ્યું. આવા સમાચાર આવતાં માતાપિતા ચિંતિત થઈ ગયાં. દીકરી એટલી બધી દૂર હોઈ તેની પાસે પહોંચી શકાય તેમ નહોતું, પરંતુ તેમનું મન દીકરી પાસે પહોંચી ગયું.
સમાચાર મળતાં તરત જ તેઓ માસીનાં દર્શને આવ્યાં. માસી ધામમાં પધાર્યા તેનો આગલો જ દિવસ તે હતો ને માસી સ્વાસ્થ્ય સારું જણાવતાં ન હતાં. માતાપિતાએ બારીમાંથી જ માસીનાં દર્શન કર્યાં ને માસીને પ્રાર્થના કરી. માસીની પોતાની તબિયત સારી ન હોવા છતાં માતાપિતાની પ્રાર્થનાનો સ્વીકાર થયો અને દીકરીની તબિયતમાં ચમત્કારિક સુધારો થઈ ગયો ને તે સાજી થઈ ગઈ.