ઐશ્વર્યદર્શન : ૧૩

0:000:00

મુક્તોનો સ્વભાવ દયાળુ જ હોય છે. તેમાં ય માસી તો ખૂબ જ લાગણીશીલ હતાં. કોઈ પણ આવી માસીને પોતાની તકલીફ જણાવે ને માસીનું દિલ દ્રવી જાય. તેઓ તરત તેમની તકલીફ દૂર કરવાની મહારાજને પ્રાર્થના કરે. માસી મહારાજના લાડીલા મુક્ત હોવાથી મહારાજ તેમની પ્રાર્થના તરત સાંભળતા.

સત્સંગમાં એક દંપતી ખૂબ જ સાધન સંપન્ન અને સુખી. ઘરમાં દરેક પ્રકારનું રાચરચીલું હાજર હતું. દેખીતી રીતે સુખી હોવા છતાં મનમાં તેઓ દુઃખી હતા. દાંપત્યજીવનનાં છ-છ વર્ષ વીત્યા છતાં ઘરમાં શેર માટીની ખોટ હતી. મોટા મોટા ડૉક્ટરોને બતાવતા જાણ થઈ કે બહેનને અમુક ક્ષતિઓ છે, જેને કારણે તે સગર્ભા થઈ શકે તેમ નથી. આવું નિદાન થતાં ઘરમાં વિષાદનું વાતાવરણ છવાઈ ગયું. વિષાદમાં ને વિષાદમાં થોડા દિવસો પસાર થયા ને તેમને માસી સાંભર્યાં. માસીમાં તેમને ખૂબ શ્રદ્ધા. એક આશા સાથે તેઓ માસીનાં દર્શને આવ્યા. માસીને આવી વાત કરતાં બહેનને ક્ષોભ થતો હતો, પરંતુ પછી એમ થયું કે હવે તો માસી જ એક આધાર છે. જો તેમને વાત નહિ કરું તો કોને કરીશ ? બહેને પોતાની વેદના માસીને જણાવી ને રડી પડ્યાં. તેને રડતાં જોઈ માસી પણ દ્રવી ગયાં. બહેનને કહે, ‘‘તું રડ નહિ. હું મહારાજને પ્રાર્થના કરીશ. મહારાજ તને જરૂર દીકરો આપશે. ડૉક્ટરના કહેવાથી શું થશે ? દીકરો તો મહારાજને આપવો છે ને ?’’ આમ કહી માસીએ મહારાજ પાસે પડેલું એક ગુલાબનું ફૂલ પુત્રપ્રાપ્તિના પ્રતીકરૂપે બહેનને આપ્યું.

માસીના આશીર્વાદ પ્રમાણે બહેનને દીકરો જન્મ્યો. આ બનાવથી ડૉક્ટરો પણ નવાઈ પામી ગયા. દંપતીના જીવનમાં તો આનંદની હેલી ઊભરાઈ. અશક્ય વાત શક્ય બની હોવાથી તેઓ ભાવવિભોર બની ગયા. પુત્રને પણ માસીના આશીર્વાદ અપાવવા માસીનાં દર્શને લઈ આવ્યા. માસીએ તેને પણ રૂડા આશીર્વાદ આપ્યા.