૮. એકાત્મતા

0:000:00

જીવોનું આત્યંતિક શ્રેય કરવું એ જ જેમનો જીવનમંત્ર હતો. એ કલ્યાણકારી કાર્ય કરતાં જીવો જ્યારે પોતાનાં કષ્ટો જણાવે, ત્યારે પોતાના સહજ દયાળુ સ્વભાવને કારણે તેઓને દૂર કરતાં, પરંતુ કેટલાકનાં કઠણ પ્રારબ્ધકર્મોનાં કષ્ટોને દૂર કરવા શ્રીજીમહારાજને પ્રાર્થના કરી પોતે તેને ગ્રહણ કરીને પોતાના દેહ દ્વારા મંદવાડરૂપે બતાવતાં. પૂ. મામાએ જ્યારે હૃદયરોગરૂપે મંદવાડ ગ્રહણ કર્યો, ત્યારે માસીનું હૈયું હાથ રહ્યું ન હતું. ઉપરથી તો તેઓએ ધીરજ રાખી હોય તેવું લાગતું હતું, પરંતુ અંદરખાને તેઓએ ખૂબ જ આઘાત પામ્યાં હતાં. એ રાત્રે તેમણે તથા અંતરંગ સેવકોએ મામાને હૃદયના ખરા ભાવથી મંદવાડને રજા આપી લાંબો સમય દર્શનીય રહેવા માટે આર્તનાદે પ્રાર્થના કરી હતી. છેલ્લે તો માસીએ પોતાનો હક્ક જતાવતાં હોય એમ કહ્યું, ‘‘આપે રહેવું જ પડશે. આપે મને વચન આપ્યું છે.’’ આવું કહેતાં ત્યારે તો મામાએ મંદવાડને રજા આપી હતી, પરંતુ સંપૂર્ણ સ્વસ્થતા તો થોડા દિવસો પછી જ જણાવી હતી.

એ દિવસોમાં માસીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન એક મામા પ્રત્યે જ કેંદ્રિત કરી દીધું હતું. જરા ય આરામ નહિ, મનમાં બસ એક જ ભાવ કે તેઓ જલદી સાજા થઈ જાય. સેવક-સેવિકાઓ બહુ આગ્રહ કરી કહે કે માસી, તમે થોડીવાર તો આરામ કરો, નહિ તો પછી આપનું સ્વાસ્થ્ય કથળશે તો મામાની સેવા કોણ કરશે ? સેવકો એમ કહે ત્યારે પોતે થોડીવાર આરામ કરે. એમનું શરીર આરામ કરતું દેખાય, પરંતુ તેમનું મન તો તે વખતે પણ મામાના સ્વાસ્થ્યની ચિંતામાં જ ઉદ્વિગ્ન રહ્યા કરતું. એ આરામના સમયે પણ આંખો બંધ હોવા છતાં પોતે એમ બોલ્યા કરતાં હોય કે તમારા મામાને નાસ્તો આપવાનો સમય થયો છે તો તેમને નાસ્તો આપો. તેમને થોડો જ્યૂસ તો આપો. તેમને હવે ભૂખ લાગી હશે. જ્યારે તેઓ જાગે ત્યારે સેવિકાઓ કહે, ‘‘માસી, તમે આવું બોલતાં હતાં.’’ ત્યારે પોતે ગદ્‌ગદ થઈ કહેતા, ‘‘મારું મન તો તેમની પાસે જ છે. તમે પરાણે મને અહીં આરામ કરવા લઈ આવો છો. અત્યારે તેમને મારી ખાસ જરૂર છે. મારા શરીરને શું થવાનું હતું ? જો એ સાજા-સારા રહેશે તો હું સાજી-સારી જ રહીશ અને જો તેઓ માંદા રહેશે તો હું કઈ રીતે સાજી રહી શકું ? અત્યારે મને કોઈએ એમની સેવામાંથી દૂર રાખવી નહિ.’’ આ રીતે એવા ભાવવિભોર થઈ બોલે કે પછી તેમને કોઈ કાંઈ કહી શકે જ નહિ. એ સ્વતંત્રપણે ગ્રહણ કરેલા ગંભીર મંદવાડમાંથી પોતાની મરજીથી જ મામા સંપૂર્ણ સ્વસ્થ થયા ત્યારે જ તેમને શાંતિ થઈ અને તેઓ આરામથી સૂઈ શક્યાં.

મામાએ જ્યારે અંતિમ મંદવાડ ગ્રહણ કર્યો હતો, ત્યારે માસીને પણ મામા સાથેની એકાત્મતાને કારણે મંદવાડ જેવું થઈ ગયું. શરીરમાં એકદમ અશક્તિ આવી ગઈ. પોતે જમવામાં પણ રુચિ જણાવતાં નહિ. જગત પ્રત્યે પણ ખૂબ જ ઉદાસીન થઈ ગયાં, જાણે મામાના મંદવાડમાંથી થોડો મંદવાડ પોતે ગ્રહણ કરી લીધો ન હોય ? દેખીતી રીતે કોઈ બીમારી ન જણાય, પરંતુ માસીનું શરીર ખૂબ જ દુર્બળ થઈ ગયું. કદાચ તેમને એવો અણસાર આવી ગયેલો કે હવે મામા દેહલીલા સંકેલવાનો સંકલ્પ કરે છે. એટલે પોતે તેમની પહેલાં જ દેહત્યાગ કરી દેવો એમ વિચારી દેહ ને જગત પ્રત્યે અતિ ઉદાસ થઈ ગયાં. પોતે સૂનમૂન બેસી રહે. કોઈ બહુ આગ્રહપૂર્વક જમાડે તો થોડું જમે, પણ તેમાં રુચિ નહિ. આમ સમય જતાં તેમનું શરીર સાવ અશક્ત થઈ ગયું. એક રાત્રે મહારાજ, બાપાએ દર્શન આપી તેમને કહ્યું, ‘‘તમે ઉદાસ થઈ બેઠા છો, પણ હાલ અમે તમને ધામમાં લઈ જવાના નથી, માટે ઉદાસીનતા છોડી દો.’’

મામા સાથેની એકાત્મતાને કારણે માસીને મંદવાડ થઈ ગયો તો સામા પક્ષે મામાએ પણ માસીના એ મંદવાડમાં તેમનું પૂરતું ધ્યાન રાખવા માંડ્યું. દિવસમાં ત્રણ-ચાર વખત સેવકો પાસે માસીના સમાચાર પૂછે. માસીને કંઈક સૂચનાઓ આપવી હોય તો સેવકો પાસે કહેવડાવે. સેવિકાઓને માસીનું બરોબર ધ્યાન રાખવાનાં સૂચનો આપે. આમ બંને જણાએ એકાત્મપણું જણાવ્યું. મામા માસીની ઉદાસીનતા ટાળવા એવું કહેવા માંડ્યા કે તમે કેમ સાવ આવા થઈ ગયા છો ? બહેનો જે થાળ બનાવી લાવે છે તે મને ભાવતો નથી. તમે મને કાંઈ બનાવીને જમાડતા નથી. તમે કંઈક બનાવી આપો તો મને ભાવે. માસીના શરીરમાં જરા પણ શક્તિ રહી ન હતી. એટલે તેઓ કહેવડાવે કે મારાથી કંઈ થઈ શકે એમ નથી. ત્યારે મામા કહેતા કે સેવિકાઓની મદદ લઈ મહારાજને સંભારી તેમના માટે બનાવતા એ રીતે બનાવો. મામા આમ કહે એટલે માસીને થોડો ઉત્સાહ આવે અને મામા ભૂખ્યા રહે છે એ વિચારે જ તેઓ ધીમે ધીમે ઊભાં થઈ રસોઈ બનાવે ને મામાને ભાવથી જમાડે. મામા તેમની રસોઈ વખાણે કે તમારા જેવી સ્વાદિષ્ટ ને સાત્ત્વિક રસોઈ કોઈને આવડતી નથી, એટલે માસી રાજી થાય. આ રીતે ધીમે ધીમે મામાએ માસીની ઉદાસીનતા ટળાવી. ત્યાર બાદ માસીની તબિયતમાં થોડો સુધારો થયો,પરંતુ માસીને સંપૂર્ણ સ્વસ્થતા ન આવી. માસીની તબિયત થોડી સુધરતા મામાએ પોતાના અંતર્ધાન થવાના સંકલ્પ પ્રમાણે અંતિમ મંદવાડ ગ્રહણ કર્યો હતો.