• મંદવાડની લીલા અને અંતિમ વિદાય (વિભાગ - ૪)
કેટલાંય બહેનો માસીની પાલખીની સાથે સાથે ચાલી માસીની જ્યાં અંતિમવિધિ કરવાની હતી ત્યાં સુધી ગયાં. કદાચ આ પહેલો જ પ્રસંગ હશે કે વાડજની એ કૈલાસભૂમિમાં આટલી મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હોય ! ત્યાં પહોંચતાં પહેલાં રસ્તામાં અસંખ્ય લોકો માસીનાં દર્શન કરી ધન્ય બન્યાં. પાલખીમાંથી સેવકો પ્રસાદીનાં પુષ્પો ને રૂપિયા ઉછાળતા તે માસીની અંતિમ સ્મૃતિના પ્રતીકરૂપે લોકો લઈ લેતા હતા. સ્મશાનભૂમિમાં પણ અશ્રુભીની આંખ હોવા છતાં બધા ‘સ્વામિનારાયણ’ નામનું ઉચ્ચારણ સતત કરતા હતા. સાંખ્યયોગી બાઈઓએ છેલ્લી આરતી ઉતાર્યા બાદ માસીના પવિત્ર દેહને ચિતામાં પધરાવવામાં આવ્યો. ઘી તથા સુગંધીમાન દ્રવ્યોનું લેપન કર્યા બાદ અગ્નિ અર્પણ કરતી વખતે અગ્નિ સ્પર્શતો ન હતો. એ વખતે સેવકને પૂ. મામાએ વર્ષો પહેલાં કહેલી વાત યાદ આવી. મામાએ કહ્યું હતું કે, ‘‘તમારાં માસી લાડુબા-જીવુબા જેવાં મહાસતી છે એટલે તેમને અગ્નિ સ્પર્શ નહિ કરે, પણ હું જે રીતે પ્રાર્થના શીખવાડું એ રીતે તમે પ્રાર્થના કરશો પછી જ અગ્નિ સ્પર્શ કરશે.’’ ત્રણ-ચાર વખત પ્રયત્ન છતાં અગ્નિ સ્પર્શ કરતો ન હતો. પછી સેવકની પ્રાર્થના બાદ અગ્નિએ સ્પર્શ કર્યો ને અગ્નિસંસ્કાર થયા અને માસીનો પંચભૂતાત્મક દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયો. તા. ૨૭ નવેમ્બર, ૨૦૧૦ - બપોરે ત્રણ વાગ્યે અંતિમવિધિ સંપન્ન થઈ.
માસી મૂર્તિને સુખે સુખિયા થયાં તે તિથિ પાંચમ હતી. તેઓ તે તિથિ બે દિવસ પહેલાંથી જ સંભારતાં હતાં. મામાની અંતર્ધાન તિથિ પણ પાંચમ હતી. તેઓ જાણે કહેતાં હોય કે હું પતિવ્રતા સ્ત્રી છું એટલે પતિ વગર મારું નોખું અસ્તિત્વ ન સંભવે. તેઓના નામમાં મારું નામ, તેમના સ્મરણમાં મારું સ્મરણ, તેમની ઓળખમાં મારી ઓળખ છે, માટે મારી જુદી સ્મૃતિ નહિ. તેમના ભેળી જ મારી સ્મૃતિ. એટલે તેમની તિથિના દિવસે હું પણ એમની સાથે શ્રીજીમહારાજની મૂર્તિમાં વિલીન થઈ રહીશ !
આ રીતે પૂ. લીલામાસી ભૌતિકદેહથી અદૃશ્ય થઈ ગયાં છે, પરંતુ મુક્તોને આવા-ગમન ન હોવાથી મહારાજની સાથે સદાકાળ દિવ્યભાવે સત્સંગમાં રહે છે. કોઈ ભક્ત અતિ હેતથી દિવ્યભાવે તેમને સંભારે ને પ્રાર્થના કરે તો તેની પ્રાર્થના સ્વીકારી જરૂર તેને સહાય કરે છે. બાપાશ્રી પણ કહે છે કે, ‘‘મુક્ત અદૃશ્ય હોય, પણ દિવ્યભાવે સંભારે તો પ્રગટ જેવું જ કામ કરે છે.’’
મુક્તરાજ પૂ. માસીએ અનેક સેવિકાઓ ને સેવકોમાં સંસ્કાર સિંચન કરી તેઓનું ઉત્કૃષ્ટ પ્રકારે જીવન ઘડતર કર્યું છે. અનેકની ત્રિવિધતાપથી રક્ષા કરી, કષ્ટો દૂર કરી સુખ-શાંતિ-આરોગ્ય ને સમૃદ્ધિ પ્રદાન કર્યાં છે. સત્સંગના અગ્રગણ્ય સંતો ને હરિભક્તો પણ પૂ. માસીનો આદર કરતા ને તેમની પાસેથી શુભાશિષ મેળવી પોતાની જાતને ધન્ય બનાવતા. પૂ. માસીનું માતૃતુલ્ય વાત્સલ્ય, પ્રેમ, ઔદાર્ય, કરુણા, અનુકંપા વગેરે ગુણોથી સભર સ્ફટિક સમાન પારદર્શી પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમનાં દર્શન કરનાર દરેકના હૃદયને સ્પર્શી જતું અને હૃદયમાંથી ઊઠતો અંતર્નાદ એ વાતની પ્રતીતિ કરાવતો કે આપણે આ મુક્તની કૃપાવર્ષામાં આવીને અભયપદને પામી ચૂક્યા છીએ.
આવા સમર્થ મુક્તના કલ્યાણકારી ગુણોને આપણા જીવનમાં આત્મસાત્ કરી તેમની પ્રસન્નતાના પાત્ર બનવા પ્રયત્ન કરીશું તો જ સાચા અર્થમાં આપણે તેમને દિવ્યાંજલિ અર્પી ગણાશે.
સાંપ્રત સમયમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોમાં ઓટ અને ખોટ બંને વર્તાય છે. એકબીજા પ્રત્યે હૃદયમાં અતૂટ પ્રેમને બદલે કટૂતા ને વૈમનસ્ય જન્મ્યા છે. હવસ-વાસના સંતોષવાના કે પોતપોતાનો અંગત સ્વાર્થ સાધવાના પેંતરા રચાય છે એને લઈને છૂટાછેડા, અવૈદ્ય સંબંધો, વ્યભિચાર, બળાત્કાર કે હત્યા જેવા જઘન્ય અપરાધો થવા એ રોજબરોજની ઘટનાઓ બની ગઈ છે. સમાજની આવી કથળતી જતી પરિસ્થિતિમાં દિશાહીન થયેલા ને રાહભૂલેલાઓ માટે પૂ. મામા ને પૂ. માસીનું દાંપત્ય દીવાદાંડીરૂપ ને અજોડ છે. પૂ. માસી જેવું આદર્શ પતિવ્રતાપણું અને પૂ. મામા જેવી પત્ની પ્રત્યેની વફાદારી, નિષ્ઠા ને નિર્દોષ પ્રેમ જો સર્વના દાંપત્યમાં પ્રગટે તો સમાજમાં રહેલાં અનેક પ્રકારનાં દૂષણો ને સંઘર્ષોનો આપોઆપ અંત આવી જાય ને સારા ય વિશ્વમાં સર્વત્ર સુખ, શાંતિ ને આનંદ પ્રસરે. દરેક જણ પોતાનો તથા અન્યનો સરળતાથી અભ્યુદય સાધી દુર્લભ ગણાતું મનુષ્યજીવન સાર્થક કરી શકે. પ્રભુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ કે આવી વિશુદ્ધ ભાવના વાસ્તવિકતામાં પરિણમે !