૭. અનુવૃત્તિ ને આત્મીયતા

0:000:00

મોટા મુક્તોનો દિવ્યભાવ રાખી અને તેમની અનુવૃત્તિ સાચવવાથી ધીમે ધીમે તેમની સાથે એકાત્મતાનો ભાવ દૃઢ થતો જાય છે. માસીને પણ મામાની અનુવૃત્તિ સાચવવાનું અંગ હોવાથી મામા સાથે આત્મીયતા થઈ ગઈ હતી. મામાને ક્યારે કઈ વસ્તુ જોઈશે, સવારે ઊઠે ત્યારે ગરમ પાણી કરવાથી માંડી રાત્રે સૂતી વખતે ઓઢવાની ચાદર સુધીની દરેક ઝીણી- મોટી વસ્તુ મામા કહે તે પહેલાં જ હાજર રાખતાં. મામાને ક્યારેય વસ્તુ માગવી પડતી નહિ. ઝીણામાં ઝીણી વસ્તુ પણ તેના યથાસ્થાને મૂકેલી જ હોય, જેથી મામા ત્યાં જાય કે તરત જ તેમને વસ્તુ મળી રહે તે રીતે ગોઠવીને રાખતાં. કયા સમયે મામાને કઈ વસ્તુ જોઈશે તે માસી સુપેરે જાણતાં. જાણે મામાનું મન કળી લેતાં ન હોય ! કેવી આત્મીયતા ! માસીનું જીવન મામામય જ બની ગયું હતું. જીવનમાં કોઈ પણ વાત મામાની મરજી વિરુદ્ધની થતી નહિ. જે મામાને ગમે, પોતાને પણ તે જ ગમે. જે મામાને ભાવે, પોતાને પણ તે જ ભાવે. પોતાનું સમગ્ર જીવન એવું કરી નાખ્યું હતું કે એમની રુચિ એ મારી રુચિ.

એક વખત તેમને અણસાર આવ્યો હતો કે મામાને ગુલાબી રંગ ગમે છે. ત્યાર પછી પોતે મોટે ભાગે ગુલાબી રંગની સાડી પહેરતાં. મામાને ચોખ્ખાઈ ગમે તો મને પણ એમ જ રહેવું ગમે. તેઓ સમયના પાબંદ છે, તો હું પણ સમયની પાબંદી જાળવીશ. મામાને ધ્યાન કરે છે એ બહુ ગમે છે, તો હું પણ વધુમાં વધુ ધ્યાન કરી મહારાજ તથા તેમનો રાજીપો મેળવીશ. પત્નીધર્મ પૂરેપૂરો પાળવાથી તેઓ રાજી થાય છે, આથી પોતે સંપૂર્ણપણે પતિવ્રતાધર્મ નિષ્ઠાપૂર્વક આજીવન પાળ્યો. તેમાં નાની બાબતો પણ આવી જતી. સવારે નાહી-પૂજા કરી તેઓ મામાનાં દર્શન કરી તેમને પગે લાગતાં. મામા કહે, ‘‘આ શું કરો છો ?’’ ત્યારે જવાબ આપતાં કે, ‘‘પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે સવારે પતિ પરમેશ્વરનાં દર્શન કરી તેમને પગે લાગવું.’’ આમ માસીનું સમગ્ર જીવન મામામય જ બની ગયું હતું. મામા વગરનો દિવસ તેઓ ક્યારેય કલ્પી શકતાં નહિ. તેમનું સંપૂર્ણ જીવન પૂર્ણ રીતે પતિપરાયણ હતું.

મામા અને માસી જ્યારે વિદેશ ગયાં, ત્યારે પણ માસી મામાની સગવડતાનું ખાસ ધ્યાન રાખતાં. બીજાના ઘરે તેમને કોઈ જાતની અડચણ ન પડે તેની સતત કાળજી રાખતાં. પોતાને કોઈ તકલીફ પડે તે તેઓ ગણતાં જ નહિ, પરંતુ મામાને ખાવાની કે સૂવાની કે બીજી કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાનું તે ઘરની વ્યક્તિઓને સૂચના આપી મામાનું કાળજીપૂર્વક ધ્યાન રખાવતાં.

બાપાશ્રીનાં વચન પ્રમાણે કે મુક્તોનો બાહ્યવૃત્તિથી અને અંતર્વૃત્તિથી સમાગમ કરવો, તે પ્રમાણે જ માસી બહારથી મામાના સુખે સુખી ને મામાના દુઃખે દુઃખી રહેતાં. તે જ રીતે અંતર્વૃત્તિએ જેમ મામા મૂર્તિમાં જોડાઈ રહેતા તે રીતે માસી પણ અંતર્વૃત્તિએ મામાને સંભારી મૂર્તિમાં જોડાઈ જઈ અંતર્વૃત્તિએ પણ સમાગમ કરતાં.

માસી મામામય બની ગયાં હતાં, તો સામે પક્ષે મામા પણ માસીનું એટલું જ ધ્યાન રાખતા. ક્યારેક કોઈએ કાંઈ મહેણું માર્યું હોય અને માસીનો અતિ લાગણીશીલ સ્વભાવ હોવાથી તેઓ રડી પડતાં અને તેમને ઘણું લાગી આવતું. એ વખતે તેમને ખાવાનું પણ ભાવતું નહિ. ત્યારે મામા તેમને ખૂબ જ પ્રેમપૂર્વક સમજાવી કહેતા, ‘‘આ લોકના જીવો તો ગમે તે બોલે. તેની રીસ જમવા ઉપર ન ઉતારાય. પહેલાં જમી લો પછી રીસ રાખજો. તમે નહિ જમો તો હું પણ નહિ જમું.’’ ‘નહિ જમું’ એવું મામા કહે એટલે તરત જ માસી રીસ મૂકી દઈ જમી લેતાં. માસી માંદા પડ્યાં હોય ત્યારે મામાને કામ હોવાથી તેમની પાસે બેસી શકતાં નહિ, પરંતુ સેવા કરનાર બહેનને પૂરેપૂરી સૂચના આપી પછી જ બહાર જતા. માસીની નિર્મળતા, નિર્દોષતા, પતિવ્રતાપણું, સહનશીલતા, સુઘડતા, નિર્માનીપણું, સાદગી વગેરે અનેક ગુણો જે માસીએ જીવનમાં વિકસાવ્યા હતા તે બધા ગુણોથી મામા પોતે વાકેફ હતા. તેઓ પોતે પણ માસીનું માન ખૂબ જાળવતા.

મામા ઘણી વખત સેવકોને માસીનો મહિમા સમજાવતા કહેતાં કે, ‘‘તમારાં માસી જેવા નિર્મળ, નિર્દોષ, પતિવ્રતા સતી અત્યારે બ્રહ્માંડમાં શોધ્યા જડે તેમ નથી. તેમની સેવા કરવાથી ગોપાળાનંદ સ્વામીની સેવા કર્યા જેટલું ફળ મળે તેમ છે. તમારાં માસીને તમે કોઈ ક્યારેય દુભવશો નહિ. તેઓ પૂર્ણ સતી છે. માટે તેમની નારાજગી વહોરવી નહિ. તેમની નારાજગી વહોરવાથી મહારાજ રાજી ન થાય. તેમને ક્યારેય ઉદાસ થવા દેશો નહિ. તેઓ ઉદાસ થઈ મૂર્તિમાં જોડાઈ જશે તો પછી બહાર નહિ આવે. તેમને ક્યારેય એકલાં મૂકતા નહિ, સદાય દિવ્યભાવ રાખી તેમની સેવા કરજો, તો શ્રીજીમહારાજ રાજી થઈને એનું અનેકગણું ફળ આપશે.’’

મામા-માસી એકબીજાના પૂરક હતાં. મામા તો પૂર્ણ મુક્ત સ્થિતિને પામેલા મુક્ત હતા જ, પરંતુ તેમનાં સહધર્મચારિણી બની રહી માસી પણ સમર્થ મુક્ત દશાને પામ્યાં હતાં. તેમના જીવન એકમેકમાં એવાં વણાઈ ચૂક્યાં હતાં કે એકનો ઉલ્લેખ કરતાં આપોઆપ જ બીજાનો ઉલ્લેખ આવી જ જાય. મામાની વાત કરતાં માસીની વાત આવે જ અને માસીના જીવનનો કોઈ પ્રસંગ લઈએ તો તેમાં મામાનો ઉલ્લેખ હોય જ. આમ જે સંબંધ સ્વયં શ્રીજીમહારાજે નિર્માણ કર્યો હોય તે સંબંધ પૂર્ણરૂપે એક આદર્શ સંબંધ હોય જ તેમાં કોઈ મીનમેખ ન હોય !