૯. અનુકંપા
પૂ. માસીની પ્રકૃતિ અતિ દયાળુ હોવાથી બાળપણથી જ તેઓ દીનદુઃખિયાની સહાય કરવાની એકે ય તક ચૂકતાં નહિ. પોતાની નજીકમાં રહેતાં ગરીબ બાળકો ને બાલિકાઓને તેની આવશ્યકતા મુજબ કપડાંનું દાન કરી આવતાં. કોઈ ગરીબ-લાચાર ભૂખ્યા આંગણે આવે તો તેને ખાવાનું આપતાં. લગ્ન પછી પણ પોતાને ઘેર ગમે તે આવે, તેને ઘરમાં જે કંઈ ખાવાનું પડ્યું હોય તેમાંથી આપતાં. કાંઈ ન હોય તો છેવટે પાણી પીવા તો આપતાં જ. ધામમાં જતાં પહેલાં પણ તેમણે કહેલું કે પાણીની પરબો બંધાવવી જોઈએ, જેથી તરસ્યા માણસોને પીવાનું પાણી મળી રહે. ગરીબોને પોતાની શક્તિમર્યાદા પ્રમાણે મદદ કરવાથી શ્રીજીમહારાજનો ખૂબ રાજીપો થાય છે. ગરીબને ક્યારેય દુભવવા નહિ એમ જણાવતાં. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે કષ્ટથી પીડિત વ્યક્તિ આવે તો તેમને માટે મહારાજને પ્રાર્થના કરી તેને કષ્ટમાંથી મુક્તિ અપાવતાં. આમ અનુકંપાનો ગુણ માસીમાં પૂર્ણ રીતે વ્યક્ત થયેલો હતો.