૧૨. નેતૃત્વ

0:000:00

નેતૃત્વનો ગુણ પણ પૂ. માસીમાં વિકસેલો હતો. બહેનોને કાર્યપદ્ધતિની બરોબર સમજણ આપી તેમની પાસેથી ચોકસાઈપૂર્વક કેમ કામ લેવું, અનેક સેવક-સેવિકાઓને એકસાથે અનેક કાર્યો સોંપી કુશળતાપૂર્વક તે કાર્યો પાર પાડવાની કુનેહ પણ તેઓ ધરાવતાં હતાં. મિશનની પ્રવૃત્તિઓમાં પોતાની દોરવણી, સચોટ માર્ગદર્શન અને યોગ્ય નિર્ણયો લેવા આ બધામાં પૂ. માસી ખૂબ જ સક્ષમ હતાં. એક કુશળ નેતાના બધા જ ગુણો તેમનામાં આવિર્ભૂત હતા. વ્યક્તિની તેની યોગ્યતા મુજબ તેનો આદર-સત્કાર કરવો, માન આપવું, યોગ્યતા પ્રમાણે કાર્યની સોંપણી કરવી, કેવી રીતે બોધ કે ઠપકો આપવો, દરેક કાર્ય વિચારીને જ કરવું, વિચાર્યા વગર કોઈ કાર્ય કરવું નહિ તથા વિચાર્યા વગર કોઈ નિર્ણય કે અભિપ્રાય આપવો નહિ - આ બધું માસી યથાર્થપણે જાણતાં અને એ પ્રમાણે જ વર્તતાં. કોઈ પણ કાર્યમાં બિનજરૂરી ઉતાવળ કરવી, આળસ-પ્રમાદ કરી કાર્યને પાછળ ઠેલવું, વેઠ ઉતારવી, કંટાળો લાવવો વગેરે બાબતો તેમની પ્રકૃતિમાં હતી જ નહિ. પૂ. મામાના સાંનિધ્યમાં રહી માસીએ પોતાના જીવનમાં પણ આ બધા ગુણો કેળવેલા હતા. પૂ. મામા પણ તેમને વિશે કહેતા કે જો મહિલાનો આશ્રમ કર્યો હોય તો માસી એક આદર્શ ગૃહમાતા બની તેનું સારામાં સારું સંચાલન કરી શકે એવા બધા જ ગુણો તેમનામાં છે.

પૂ. માસીમાં રહેલા આ બધા સદ્‌ગુણોની વારંવાર સ્મૃતિ કરી તે ગુણોને પોતાના જીવનમાં આત્મસાત્‌ કરવાનો પ્રયત્ન કરવો, જેથી ચેતનાની ઊર્ધ્વગતિ સરળતાથી થઈ શકે. એવો પ્રયત્ન કરવો એ જ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની ચાવી છે.