૧૦. ચોકસાઈ અને ચોખ્ખાઈ

0:000:00

શ્રીજીમહારાજને ગમતા બધા ગુણો માસીએ પોતાના જીવનમાં યથાર્થપણે વિકસાવ્યા હતા. કોઈ પણ કાર્ય તે પૂરી જાગૃતિ સાથે, એકાગ્રતાપૂર્વક ને પૂરી ચોકસાઈ રાખી કરતાં. કામ કરવામાં આળસ-પ્રમાદ, કંટાળો કે થાકનું નામ જ નહિ. કોઈ વ્યક્તિ કામમાં ઉતાવળ કરી વેઠ ઉતારે તે તેમને બિલકુલ પસંદ ન હતું. તેમની સ્મરણશક્તિ પણ ગજબની હતી. કઈ વસ્તુ ક્યાં પડી છે, કયા ઘોડામાં, કયા ખાનામાં પડી છે. કબાટના કયા ખાનામાં શું પડ્યું છે, માળિયામાં કઈ કઈ વસ્તુ છે વગેરે બધું જ તેમની સ્મૃતિમાં હોય જ. જ્યારે કોઈ વસ્તુ જોઈએ ત્યારે તરત જ કાઢી આપતાં તેમ જ આટલા વિશાળ સત્સંગ સમુદાયમાં હરિભક્ત ભાઈ-બહેનોનાં નામ તો તેમની સ્મૃતિમાં રહેતાં જ, સાથે સાથે તેમનાં સગાં-વહાલાં પર આવેલી મુસીબતને માટે કરેલી પ્રાર્થનાથી તે મુસીબતનું નિવારણ થયું કે નહિ ? તે અંગે પૃચ્છા કરવાનું પણ વિસરતાં નહિ. તેમની પાછલી અવસ્થામાં સેવિકાઓ ને સેવકો તેમની સેવામાં લાગ્યા. સેવા કરવાથી સેવકોનું સારી રીતે જીવનઘડતર થાય, તેમનાં કઠણ પ્રારબ્ધો ટળી જઈ ચૈતન્યનું ઊર્ધ્વીકરણ થાય એવા ઉદ્દાત હેતુથી મુક્તો સેવાનો મોકો આપતા હોય છે. માસી સેવામાં આવનારને કોઈ ને કોઈ સેવા બતાવતાં. કઈ સેવામાં કઈ વ્યક્તિ યોગ્ય છે તેની પરખ તેમને તરત થઈ જતી, એટલે એ વ્યક્તિની યોગ્યતા પ્રમાણે સેવા બતાવતાં. સેવકોની સ્મૃતિ માસી જેટલી તીવ્ર ન હોવાથી તેમને સૂચના આપતાં કે કઈ વસ્તુઓ કયા કબાટમાં કે ઘોડામાં છે તેનું વ્યવસ્થિત લિસ્ટ બનાવી નોંધપોથીમાં નોંધી રાખવું એટલે તે જોઈએ ત્યારે તરત મળી શકે.

એક વખત સેવક પાસે વસ્તુ મુકાવી હતી અને થોડા વખતે તે વસ્તુની જરૂર પડતાં સેવકને કહ્યું ત્યારે સેવકે વસ્તુ ક્યાં મૂકી છે તે યાદ ન આવતાં ઘણું શોધવા છતાં તે વસ્તુ મળી નહિ. એટલે માસીએ નોંધપોથીમાં જોવા કહ્યું, પરંતુ બેદરકારીને લઈને સેવકે નોંધપોથીમાં પણ તે વસ્તુની નોંધ કરેલી ન હતી. એ વખતે માસીએ થોડી નારાજગી જણાવી. પછી કહે, ‘‘જરૂર પડ્યે વસ્તુ કામ ન આવે તો પછી એ વસ્તુનો ઉપયોગ શું ? સમયે વસ્તુ ઉપયોગમાં આવે તો જ તેની કિંમત. જરૂરિયાત ન હોય ત્યારે વસ્તુ ઘરમાં પડી હોય કે દુકાનમાં, એ બંને સરખું જ છે. તમને યાદ ન રહેતું હોય તો નોંધ કરવાની સૂચના મેં આપેલી જ છે, તેમાં પણ તમે ચોકસાઈ નથી રાખતા. આવા નાના નાના કામમાં ચોકસાઈ રાખતાં શીખીએ ત્યારે જ જીવનમાં મોટાં કાર્યો કરવામાં ચોકસાઈ રાખતા આવડે ને કાર્યો સફળ થાય. ચીવટ ને ચોકસાઈથી કરેલાં કાર્યોથી ભગવાન પણ રાજી થાય છે. હવેથી બધા આ વાત યાદ રાખજો.’’ પલંગ ઉપર ચાદર પાથરવા જેવી કે રૂમાલને ઘડી કરવા જેવી નાની બાબત હોય તે દરેક કામ પોતે જાગૃતિ રાખી ચોકસાઈથી કરતાં અને સેવિકાઓ તથા સેવકોને પણ એ રીતે કાર્ય કરવાની ટેવ પડાવતાં.

ચોકસાઈની સાથે સાથે ચોખ્ખાઈ વિશે પણ માસી એટલાં જ આગ્રહી અને સજાગ હતાં. જ્યારે પોતે કામ કરતાં, ત્યારે તો આખા ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા રહેતી. ‘સર્વમંગલ’ સોસાયટીમાં તેમનું ઘર રસ્તા પાસે જ હોવાથી વાહનોની અવર-જવર રહેતી હોવાથી સતત ધૂળ ઊડ્યા કરવી એ સ્વાભાવિક છે, પરંતુ માસીના ઘરમાં તમે ગમે ત્યારે જાઓ, ગમે તે જગ્યાએ હાથ ફેરવીને જુઓ તો ધૂળનું નામ-નિશાન ન હોય. ઘરની દરેકે દરેક વસ્તુ સંપૂર્ણ સ્વચ્છ જ હોય ! સેવા કરનારને પણ તેઓ સ્વચ્છતાથી કામ કરતાં શીખવતાં અને કહેતાં કે, ‘‘તમારા મામાને ચોખ્ખાઈ બહુ ગમતી. ચોખ્ખાઈ એ પ્રભુનો ગુણ છે. તે દરેકે કેળવવો જ જોઈએ. ઉતાવળથી ગમે તેમ વેઠ ઉતારી કામ નહિ કરવાનું. તમે ત્રણ કામ કરતા હો તો બે જ કામ કરો, પણ સંપૂર્ણ ચોકસાઈ ને ચોખ્ખાઈથી કરો.

ક્યારેક એવું બનતું કે કોઈ સેવકને વરંડાની જાળી કે બહારના દરવાજાની જાળી સાફ કરવાની સૂચના આપી પોતે ઘરમાં બીજું કામ કરવા જાય. થોડી વાર તે સેવક તે કામ પૂરું થયે માસીને કહેવા આવે ત્યારે પોતે જઈ બરોબર તપાસે કે સેવકે કેવું કામ કર્યું છે. પછી જ્યાં સફાઈ બરોબર ન થઈ હોય, ત્યાં જ તેમની દૃષ્ટિ પડે એટલે તે બતાવીને કહે કે, ‘‘જુઓ, અહીં થોડું રહી ગયું છે.’’ કોઈ બટકબોલો સેવક હોય તો કહે, ‘‘માસી, હમણાં થોડીવારમાં જ એ પાછું મેલું થઈ જશે. રસ્તા પરથી કેટલાં બધાં વાહનો ધૂળ ઉડાડતાં જાય છે !’’ ત્યારે માસી કહે, ‘‘પાછું મેલું થઈ જશે એમ વિચારીને સફાઈ ન કરીએ તો બે-ચાર દિવસમાં કેવું ગંદું થઈ જાય ? આ તારો દેહ મેલો થઈ જ જવાનો છે તો પછી તેને રોજ શા માટે નવરાવીને સાફ રાખે છે ? ફરી પાછો મેલો થવાનો જ છે.’’ આમ કહે એટલે સેવક નિરુત્તર થઈ જાય. માસી તેને સમજાવતાં કહે કે, ‘‘ફરી ગંદું થશે એમ વિચારી સફાઈ ન કરીએ તો પછી કેટલી બધી ગંદકી ભેગી થાય ? આપણા ઘરમાં ભગવાનનો વાસ છે એમ સમજવું જોઈએ. અસ્વચ્છ સ્થાનમાં ભગવાન કેવી રીતે રહે ? માટે આપણું ઘર, આંગણું, આપણું શરીર આ બધું સ્વચ્છ રાખવું ને સાથે સાથે અંતર પણ સ્વચ્છ રાખીએ તો ભગવાન આપણામાં પણ નિવાસ કરે છે. માટે ચોકસાઈ અને ચોખ્ખાઈ બંને ગુણો જીવનમાં વણાયેલા હોવા જોઈએ. તમે જાળી બરોબર સાફ કરી હોત તો ફરી કરવી ન પડત ને સમય પણ ન બગડત. હવે ફરી કરવાથી એટલો સમય બગડશે ને બીજાં કામ અટકી પડશે. માટે દરેક કામ પૂરી ચોકસાઈ ને ચોખ્ખાઈથી જ કરવાની ટેવ પાડો. એમાં મહારાજનો ને મામાનો રાજીપો છે.’’

આવી તો ઘણી બાબતો માસી પાસે રહેવાથી સેવિકાઓ ને સેવકોને શીખવા મળતી અને તેમનું જીવનઘડતર થયા કરતું. જેમણે માસી પાસે સેવામાં રહી જીવનઘડતર કર્યું હોય તેમને જીવનમાં અચૂકપણે સફળતા મળે જ એવું એમનું પ્રશિક્ષણ હતું.