નિવેદન
સજીવ ઉત્ક્રાંતિમાં ટોચનું સ્થાન માનવજાત ભોગવે છે. એનું કારણ એ છે કે માનવ દેહ દ્વારા જ જીવાત્મા પોતાના મોક્ષનું કાર્ય સાધી પરમપદ જે પૂર્ણ પુરુોત્તમનું સાધર્મ્ય તેને પામી શકે છે. પરમાત્મા સ્વયં કે તેમના મહાસમર્થ મુક્તપુરુષો પૃથ્વી પર પ્રગટ થઈ જીવોને સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિનો સહજ, સુલભ માર્ગ બતાવે છે. તેઓ પૂર્ણ હોવા છતાં, સામાન્ય જીવો તેમનું અનુકરણ કરી, પૂર્ણતા પ્રાપ્ત કરી શકે તે માટે નિયમ-ધર્મ, ત્યાગ-વૈરાગ્ય, આજ્ઞા-ઉપાસના સંત-સમાગમ આદિ કર્તવ્યો ધારણ કરે છે. આ કથન આ ‘જીવનવૃત્તાંત’ના દિવ્ય સ્વરૂપ શ્રી અબજીબાપાશ્રીના જીવનની બાબતમાં અક્ષરશઃ સત્ય ઠરે છે.
સંવત ૧૯૫૧ની સાલમાં બાપાશ્રી ધોળકે પધાર્યા ત્યારે સદ્. સ્વામી વૃંદાવનદાસજી ત્યાં મહંત હતા. સ્વામીએ બાપાશ્રીને ખૂબ રાજી કર્યા. બાપાશ્રીએ કહ્યું, ‘‘સ્વામી, તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો ?’’ સ્વામી બોલ્યા જે, ‘‘અત્યારે કાંઈ જણાતું નથી ને કરવાનું છે તે થતું નથી. તમે કરાવો તો થાય.’’ બાપાશ્રી બોલ્યા, ‘‘તમે તો શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો; હવે તમારે ને અમારે કોઈ અંતરાય નથી.’’ આટલું કહી બાપાશ્રી સ્વામીને ભેટ્યા ત્યાં સ્વામીને હૃદયમાં પ્રકાશ થઈ ગયો; શ્રીજીમહારાજ સાક્ષાત્ તેજોમય દેખાયા. ત્રણેય અવસ્થામાં મૂર્તિ દેખાવા લાગી.
આ સાલમાં જ અબજીબાપાશ્રીના આ જીવનવૃત્તાંતનો સંગ્રહ કરનાર સદ્. મુનિસ્વામીશ્રી કેશવપ્રિયદાસજીએ પ. પૂ. ધ. ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે મહાદીક્ષા લઈ, સદ્. સ્વામીશ્રી મોરલીમનોહરદાસજીના શિષ્યપદે સાધુતા ગ્રહણ કરી. સદ્. સ્વામી કેશવપ્રિયદાસજી તથા તેમના પરમ મિત્ર પૂ. સ્વામિ હરિપ્રસાદજીને શ્રીહરિની મૂર્તિનો સાક્ષાત્કાર કરવાની પ્રબળ તાલાવેલી હતી. આ બંને સંતોને માર્ગદર્શન આપતાં સદ. સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું, ‘‘અનાદિમુક્ત અબજીભાઈ જેના ઉપર રાજી થાય છે તેને શ્રીજીમહારાજ દર્શન આપે છે.’’
સંવત ૧૯૫૬માં બાપાશ્રી પહેલી વખત છપૈયા પધાર્યા ત્યારે જયપુર મંદિરમાં સંઘ સહિત ઊતરેલા. ત્યાં સદ્. સ્વામી કેશવપ્રિયદાસજીને બાપાશ્રીનો પ્રથમ મેળાપ થયો. પછી સં. ૧૯૫૭માં કચ્છમાં બાપાશ્રીનો સમાગામ કરીને હળવદ આવ્યા તે રાત્રીએ તેમને સ્વપ્નમાં શ્રીજીમહારાજનાં તેજોમય દર્શન થયાં. આ અલૌકિક દર્શન બાદ મુનિસ્વામીને મૂર્તિનું અખંડ અનુસંધાન રહેવા લાગ્યું. આથી તેમને બાપાશ્રી પરત્વે દિવ્યભાવ દૃઢ થયો ને આત્મબુદ્ધિ થઈ ગઈ. ત્યારથી તેઓ કચ્છમાં બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા જવા લાગ્યા. સં. ૧૯૭૩માં તેમના ગુરુ સદ્. સ્વામી મોરલીમનોહરદાસજીના દેહવિલય બાદ તેઓશ્રી ભૂજમંદિરમાં જઈને રહ્યા, જેથી બાપાશ્રીના સમાગમનો વધુ ને વધુ લાભ મળ્યા કરે.
સં. ૧૯૫૭થી ૧૯૮૪ એટલે (સત્તાવીશ) ૨૭ વર્ષ સુધી મુનિસ્વામી બાપાશ્રીના પ્રત્યક્ષ જોગમાં રહ્યા. બાપાશ્રીએ પણ શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરવા અંગેનો મુનિસ્વામીનો પ્રબળ સંકલ્પ પૂર્ણ કર્યો. એ સમય દરમિયાન મુનિસ્વામીએ બાપાશ્રીના સાંનિધ્યમાં રહી જે કાંઈ જોયું, સાંભળ્યું ને અનુભવ્યું તે પુસ્તકરૂપે લખી નાખ્યું. સં. ૧૯૮૧માં બાપાશ્રીને આ લખાણ બતાવીને વાંચી સંભળાવ્યું. પછી બાપાશ્રીએ તેમાં સહી કરીને આશીર્વાદ આપ્યા કે, ‘‘આ જીવનવૃત્તાંત જે વાંચશે, સાંભળશે તેમને શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના દૅઢ થશે ને અંતે શ્રીજીમહારાજની કૃપાથી મૂર્તિના સુખભોક્તા થશે.’’
પ. પૂ. બાપાશ્રીના અંતર્ધાન બાદ મુનિસ્વામીશ્રીએ શિક્ષાપત્રીનું સંપૂર્ણ હાર્દ સમજાવતો ગ્રંથ ‘શિક્ષાપત્રી રહસ્યાર્થ’ તથા આજ્ઞા-ઉપાસનારૂપી જ્ઞાનજળથી ભરેલો ગ્રંથ ‘શ્રી અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત’ છપાવી પ્રકાશિત કરાવ્યા. તદુપરાંત બાપાશ્રીના સંકલ્પાનુસાર તેમણે ગામેગામ વિચરણ કરી અખૂટ જળથી ભરેલાં વાદળની જેમ શ્રીજીમહારાજના અનેક આશ્રિતોને તેમજ અન્ય ધર્મીઓને પણ શ્રીહરિની મૂર્તિના સુખનો બ્રહ્મરસ રેલાવી સુખિયા કર્યા. પ. પૂ. મુનિસ્વામી રચિત આ ‘જીવનવૃત્તાંત’ ગ્રંથમાં અલૌકિક જ્ઞાનરસ શબ્દે ને વાક્યે સરતો માલુમ પડે છે. આ ગ્રંથ રચી પ. પૂ. સ્વામીશ્રીએ સત્સંગ સાહિત્યમાં મહત્વનું પ્રદાન કર્યું છે.
આ ગ્રંથનું પ્રકાશન ઘણાં વર્ષો પહેલાં બળદીઆ (વૃષપુર)ના અ. મુ. શ્રી ગોપાળજીભાઈ કાનજીભાઈ, પૂ. અ. મુ. શ્રી વિઠ્ઠલજીભાઈ દવે આદિ આઠ અગ્રણી હરિભક્તોએ મળીને કરાવેલું. હાલ આ મહાન હરિભક્તોમાંથી એકેય મુક્ત દર્શન આપતાં નથી. એ સર્વે વતી પૂ. અ. મુ. શ્રી વિઠ્ઠલજીભાઈ દવેના આજ્ઞાપરાયણ ને શ્રીહરિના અનન્ય ઉપાસક સુપુત્રો અ. મુ. શ્રી રસિકભાઈ, હરસુખભાઈ તથા રમેશભાઈ દવે તરફથી આ ગ્રંથના પ્રકાશનના સર્વે હક્કો સહર્ષ પ્રાપ્ત થતાં શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ દ્વારા તેના સંસ્થાપક અ. મુ. શ્રી નારાયણભાઈ ગી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ. આ દિવ્ય ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. વિશેષે કરીને શ્રીહરિની મૂર્તિના સુખની અણમોલ લહાણીનું સદાવ્રત કરતો આ ગ્રંથ, અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સાર્ધ શતાબ્દી ઉપલક્ષ્યે, સત્સંગ તેમજ સમગ્ર માનવસમાજની સેવામાં અર્પણ કરતાં ધન્યતા અનુભવીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશન કાર્યને સર્વાંગી સુંદરતા બક્ષવા માટે તન-મન-ધનથી સેવારૂપ થનાર સર્વે પર શ્રીહરિજી ને તેમના મહામુક્તોની પ્રસન્નતા સદાકાળ વરસતી રહે એ જ અભ્યર્થના.
સં. 2050, વૈશાખી પૂર્ણિમા
ઇ. સ. 1994, 25 મે
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન