વિશ્રામ ૮૫

સંવત ૧૯૮૪ના કાર્તિક સુદ ૧૦મે દિવસ બાપાશ્રી સદગુરુ આદિ સંત સહિત કેરાના મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને ઓસરીમાં દક્ષિણાદે પડખે ઢોલિયામાં બિરાજ્યા ને કથાવાર્તા કરીને સંત-હરિભક્તને આનંદિત કર્યા. પછી રાત્રીએ બાપાશ્રી ખીચડી, વંતાકનું શાક ને દૂધ જમ્યા અને મંદિરના ચોકમાં ઢોલિયે બિરાજ્યા ને સંત-હરિભક્તની સભા થઈ અને પહેલી કથા કરીને બાપાશ્રી સૂતા, ત્યારે સર્વે હરિભક્ત ઢોલિયા ફરતા ફરીને ઝાંઝ-મૃદંગ વજાવી કીર્તન બોલતા થકા રાસ રમવા લાગ્યા ને સંતમંડળમાં બેસીને કથાવાર્તા કરવા લાગ્યા, -તે બાર વાગ્યા સુધી રાસ તથા કથાવાર્તા કરીને સૂઈ રહ્યા. હવે કાર્તિક સુદ એકાદશીને દિવસ અનાદિ મુક્તરાજશ્રીએ ત્રણ વાગે જાગીને ધ્યાન કર્યું. પછી બાપાશ્રીએ સ્નાન, પૂજા, મંત્રજપ ને પાઠ આદિ નિત્યનિયમ કરીને ઠાકોરજીનાં તથા સંત-હરિભક્તનાં દર્શન કર્યાં તે સમે સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, ‘‘ભાઈ ! આજ નવા વર્ષની મોટી એકાદશી છે તેથી સર્વેને મળવું જોઈએ.’’ ત્યારે બાપાશ્રી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંતને મળ્યા. પછી મંદિરની ઓસરીમાં સાધુ તથા હરિભક્તની સભા બેઠી, ત્યારે અનાદિમુક્તશ્રી પણ સભામાં આવીને આસન ઉપર બેઠા. તે દિવસ કાર્તિક માસના શુક્લપક્ષની પ્રબોધિની એકાદશીની તિથિ છે. વળી અનાદિ મુક્તશ્રીની જન્મતિથિ છે ને ધર્મદેવની પણ જન્મતિથિ છે ને સદગુરુ આદિ સંતમંડળ સહિત બાપાશ્રી કેરા ગામે પધાર્યા છે, -એમ જાણીને કેરા ગામના ને વૃષપુરના તથા નારાયણપુર, ગોડપુર, દહીંસરા, રામપુર, ભારાસર, માનકૂવા, માધાપુર આદિ ગામેગામના ઘણા હરિભક્તો આવ્યા હતા ને તે સર્વે હરિભક્ત ઠાકોરજીનાં ને સભાએ સહિત બાપાશ્રીનાં દર્શન કરીને સભામાં બેઠા હતા. તે સમે શ્રીજીમહારાજના આશ્રિતને અનાદિમુક્તની સ્થિતિ કરાવવા સારુ શ્રીજીમહારાજની ઇચ્છાથી મનુષ્યરૂપે દર્શન આપતા એવા અનાદિ મુક્તશ્રીએ અમૃત દૃષ્ટિથી સભા સામું જોઈને સર્વેને આત્યંતિક મોક્ષરૂપી અભયદાન આપ્યું.

પછી અમૃત સરખાં મધુર વચનથી બોલ્યા જે, ‘‘હે ભક્તજનો ! જેમ સ્વાંત નક્ષત્રમાં વરસાદ વરસે ને છીપો ઊછળીને બિંદુ ઝીલે-તેનાં સાચાં મોતી થાય છે, તેમ અત્યારે અનાદિમુક્તના જોગે અનાદિમુક્ત થાય છે. વળી બીજું દૃષ્ટાંત : -એક સમે એવું નક્ષત્ર આવ્યું હતું જે, ‘તે નક્ષત્રમાં પીપળાનાં જેટલાં પાન તોડીને શિવલિંગ ઉપર ચડાવે તે સર્વે સુવર્ણનાં થઈ જાય. -તેમ અત્યારે એવું ટાણું આવ્યું છે જે, જે કોઈ શ્રદ્ધા ને માહાત્મ્યથી શ્રીજીમહારાજ ને આ મુક્તને શરણે થાય તેને અનાદિમુક્ત કરે છે, પરંતુ તેમના જોગ વિના કોટી કલ્પ સુધી સાધન કરવાથી પણ અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય નહિ. તે એવી અનાદિમુક્તની સ્થિતિ આ જન્મે જ કરાવી આપે એવો જોગ આવ્યો છે માટે ચેતી જજો.’’ -એમ વાત કરી. પછી બાર વાગે કથાની સમાપ્તિ થઈ. ત્યાર પછી બાપાશ્રી સર્વે સંત-હરિભક્તને સાથે લઈ ગાડીમાં બેસીને નારાયણધરે નહાવા પધાર્યા, ત્યાં વસ્ત્ર ઉતારીને નદીના જળપ્રવાહમાં બેઠા ને સર્વે સંત-હરિભક્તોએ મુક્તરાજશ્રીને લોટા ને તૂંબડા વતી પાણી રેડીને નવરાવ્યા અને મુક્તશ્રી પણ જળમાં સર્વેને મળ્યા ને આત્યંતિક કલ્યાણનો વર આપ્યો, ને બહાર આવી વસ્ત્ર પહેરીને જ્યાં સાત કુંડ છે-ત્યાં કુંડને પડખે આવી સભા કરીને બેઠા. તે સમે બાપાશ્રીના પ્રતાપે કરીને સર્વેની મનોવૃત્તિ શ્રીજીમહારાજ ને મુક્તશ્રીમાં આકર્ષણ થઈ ગઈ હતી. પછી સર્વે સંત-હરિભક્તોએ અતિ પ્રેમે કરીને બાપાશ્રીની ચંદન ચર્ચી હાર પહેરાવીને પૂજા કરી. પછી દંડવત્‌ કરીને પાસે બેઠા.

તદનંતરમ્‌ બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, ‘‘આ ગઢમાં સદાબા રહેતાં; તે મહા સમર્થ હતાં. તેમણે ને માનકૂવાના અદાભાઈએ સાત દિવસ સુધી કથા કરાવી હતી અને આ ઠેકાણે સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી સંત-હરિભક્તએ સહિત સ્નાન કરવા આવ્યા હતા ને સ્નાન કરીને અહીં બેઠા હતા તે ઘણી વાતો કરી હતી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ‘‘શ્રીજીમહારાજ સદાબા આદિને સુખ આપતા તેવો વખત આજ છે કે નહિ ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ મુક્તનો ને શ્રીજીમહારાજની મૂર્તિનો મહિમા ને પ્રતાપ જાણે તેને એવો જ વખત છે.’’ પછી વળી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજ આ કેરા ગઢમાં સદાબાને ઘેરથી કરલે (ઊંટે) બેસીને માનકૂવે જતા હતા ને ભગુજી ભેગા હતા, તે માર્ગમાં ચાલતાં એક કંડો (ખીજડો) આવે છે ત્યાં કરલાને બાંધીને પોતે કંડા તળે પોઢી ગયા ને ભગુજી પગ દાબવા લાગ્યા. પછી જાગીને માનકૂવે ગયા. ત્યારે અદાભાઈએ પૂછ્યું જે, ‘‘હે મહારાજ ! તમે ક્યાંથી આવ્યા ?’’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘ભગવાન પોતાના પ્રકાશનાં કિરણે કરીને અનંત ધામ ને અનંત બ્રહ્માંડને ધરી રહ્યા છે અને અક્ષરાતીત મુક્તને તેજમાં ધરી રહ્યા છે. વળી જે ભગવાન અનાદિમુક્તના આધાર છે અને સર્વથી પર એવો પોતાના અંગના તેજનો સમૂહ તેમાં વાસ કરીને રહ્યા છે ને સર્વના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા શ્રીકૃષ્ણભગવાન -તે પોતે વૈકુંઠમાં વાસ કરી રહ્યા હતા. પછી ગોલોકમાં જવાની ઇચ્છા કરી ને ગરુડ ઉપર બેસીને ચાલ્યા, તે રસ્તામાં શતશૃંગ પર્વતનું ઉપવન આવ્યું, તેમાં કલ્પતરુની છાંયે ગરુડને બેસાર્યો ને પોતે પણ કલ્પતરુની છાંયે શયન કર્યું ને સેવામાં મુક્ત હતા તે પ્રભુની પગચંપી કરવા લાગ્યા. પછી શ્રીકૃષ્ણભગવાન જાગીને ગરુડ ઉપર બેસીને ગોલોકમાં આવ્યા.’’ -એમ શ્રીકૃષ્ણભગવાનના વિષે કરીને પોતાની વાત કરી. ત્યારે અદાભાઈએ કહ્યું જે, ‘‘હે મહારાજ ! આપે વાત કરી તે સમજાણી નહિ.’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘વૈકુંઠ તે કેરા ને ગોલોક તે માનકૂવા જાણવું, ગરુડ તે ઊંટ જાણવો, કલ્પતરુ તે ખીજડાનું વૃક્ષ ને મુક્ત ભગુજીને જાણવા અને શ્રીકૃષ્ણભગવાન કહ્યા તે અમે પોતે જ છીએ.’’ -એમ શ્રીજીમહારાજે વાત કરીને કહ્યું જે, ‘‘શાસ્ત્રમાં આવા શબ્દછળ હોય ને અમારી વાતમાં પણ હોય, તે અમે અથવા અમારા મુક્ત સમજાવે ને શ્રધ્ધા, પ્રીતિ ને અનુવૃત્તિથી સમજે તો સમજાય અને પંચવિષયનો રાગ ને કામ, ક્રોધાદિક સ્વભાવ જીવમાંથી ટળી જાય ને આત્મા ભગવદ્‌ભાવનાને પામે. પછી તેને કેવળ કૃપા કરીને અમારી મૂર્તિમાં રાખીએ ને સળંગ મૂર્તિના સુખનો અનુભવ કરાવીએ, ત્યારે તે અનાદિમુક્ત કહેવાય.’’ આવી પ્રાપ્તિ કરાવવા શ્રીજીમહારાજના સંકલ્પથી અમે આવ્યા છીએ.’’ એમ વાત કરીને બાપાશ્રીએ સર્વેને ઊઠવાની રજા આપી ને બોલ્યા જે, ‘‘આ સાત કુંડ મહારાજની પ્રસાદીના છે તેનાં સર્વે દર્શન કરો.’’ ત્યારે સર્વે સંત-હરિભક્તે દર્શન કર્યાં. પછી સર્વે સંત-હરિભક્ત સહિત મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને ઓસરીમાં સભામાં બેસીને કથાવાર્તા કરી, સંધ્યા-આરતી કરીને બાપાશ્રી ઢોલિયે બિરાજ્યા ને સંત-હરિભક્તોએ પાસે બેસીને કથાવાર્તા કરી. પછી હરિભક્તોએ બાપાશ્રીના ફરતા ફરી ઝાંઝ-મૃદંગ બજાવીને કીર્તન ગાયાં અને તે દિવસ પ્રબોધિની એકાદશીનું રાત્રીએ જાગરણ કર્યું ને સંતમંડળે મંદિરમાં કથાવાર્તા કરીને જાગરણ કર્યું ને બે વાગે સૂતા.

પછી બીજે દિવસ અનાદિમુક્ત બાપાશ્રી વહેલા જાગીને ધ્યાન કરવા બેઠા, પછી સ્નાન-પૂજા કરીને એમ બોલ્યા જે, ‘‘લો સર્વેને મળીએ.’’ -એમ કહીને સર્વેને મળ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને આસને વિરાજ્યા ને કથાવાર્તા કરી. પછી બોલ્યા જે, ‘‘કૈવલ્ય દિવ્યમૂર્તિ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના સ્વરૂપમાં અમે રહીએ છીએ ને અનાદિમુક્ત છીએ.’’ -એમ વાત કરીને પછી કુંવરજી રામજીની વાડીએ નાહવા ગયા. ત્યાં બાપાશ્રી ઢોલિયામાં બેઠા અને સર્વે સંત ફરતા બેઠા ને હરિભક્ત કીર્તન ગાવા લાગ્યા. પછી બાપાશ્રીએ વાત કરી જે, ‘‘આ વાડી મૂળજીભાઈની છે. તેના કૂવામાં અમે નાનપણમાં પડી ગયા હતા ને કૂવાના પખેરામાં પાણી ઉપર બેસી રહ્યા હતા. પછી કોસ જોડ્યા ત્યારે કોસમાં બેસીને બહાર નીકળ્યા. તે મૂળજીભાઈ અમારા નાના(પોતાની માતૃશ્રીના પિતા) થતા. એમને ઘેર અમે નાનપણમાં રહ્યા હતા.’’ -એમ વાત કરીને મંદિરમાં પધાર્યા. પછી રાત્રીએ જમીને પોઢી ગયા. પછી તુરત જ હરિભક્તોએ આવીને પ્રાર્થના કરી જે, ‘બાપા ! અમારાં ઘર પાવન કરવા ગામમાં પધારો.’ ત્યારે બાપાશ્રીએ જરા રીસ કરીને કહ્યું જે, ‘‘નહિ આવીએ; લગાર પણ સૂવા દેતા નથી.’’ પછી સ્વામીને વઢ્યા, ત્યારે સર્વે ઉદાસી થઈ ગયા. પછી દયા કરીને બોલ્યા જે, ‘‘બેઠા કરો; ચાલો આવીએ.’’ ત્યારે બેઠા કર્યા ને પાલખીમાં બેસારીને ગામમાં પધરામણીએ તેડી ગયા. પછી સિત્તેર ઘરે પધરામણી કરાવી ને રાત્રે સવા વાગે મંદિરમાં આવ્યા ને ઢોલિયે બેઠા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે મસ્તકે અને કાને બોકાનીની પેઠે પાટો બંધાવ્યો; કેમ જે બાપાશ્રીને કાનમાં દુખાવો રહેતો હતો. પછી બોલ્યા જે, ‘‘અમે ગુણમાં આવી ગયા તેથી તમને વઢ્યા, તે માફ કરજો.’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘તે તો આપ લીલા કરો છો; આપ જ દિવ્યમૂર્તિ છો અને નિર્ગુણ ને દિવ્યગુણે યુક્ત છો, તે તમારામાં માયિક ગુણ ક્યાંથી હોય ? હોય જ નહિ. નેતમે તો અમારા સર્વેના માયિક ગુણ નાશ કરીને અમને પણ નિર્ગુણ ને દિવ્ય કર્યા છે.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ તો જેમ મૂળજી બ્રહ્મચારી ને આનંદસ્વામી લડતા એવું છે; એ બે લડે ને વળી પાછા બ્રહ્મચારી બોલે જે, ‘સ્વામી ! સીધું કેટલું કરવું છે ?’ -એમ પૂછે. તે જાણતા હોય તે જાણે પણ ન જાણતા હોય તેનું ઘર જાય; આ અમારું વઢવું એવું છે. અને આ આશાને વઢીએ છીએ પણ તેના ઉપર રાજી બહુ છીએ, તે જેને ખબર હોય તે જાણે, ને ન સમજે તે એમ જાણે જે, ‘બાપા કચવાયા.’ પણ અમે તો લીલા કરીએ છીએ, પરંતુ કચવાતા નથી.’’ એમ વાતો કરીને હરિભક્તને આજ્ઞા કરી જે, ‘‘દોઢ વાગ્યો છે માટે જાઓ; સૂઈ રહો, ને સંતો ! તમે પણ પોઢી જાઓ.’’ પછી હરિભક્ત ગયા ને બાપાશ્રી તથા સર્વે સંત સૂઈ રહ્યા.

ઇતિ વિશ્રામ ૮૫