વિશ્રામ ૩૨
ત્યાર પછી સર્વથી પર, સર્વના કારણ, સર્વાધારના આધાર, સર્વ અવતારના અવતારી, સર્વના સ્વામી, સુખધામ, સર્વ સ્વરૂપના સ્વરૂપી, સર્વ નામના નામી, સર્વથી પર એવા એક શ્રી સ્વામિનારાયણ ભગવાન છે ને તેમના અનાદિમુક્ત આદિ સર્વ અનંત છે. તે શ્રીજીમહારાજ પોતે જીવોના મોક્ષ કરવા મનુષ્યરૂપે દર્શન દે છે ત્યારે મુક્તને પણ ભેળા લાવે છે, ને ક્યારેક શ્રીજીમહારાજની ઇચ્છાથી મુક્ત આવે છે ત્યારે મુક્ત ભેળા પણ શ્રીહરિ રહે છે ને મુક્તદ્વારે જીવોના મોક્ષ કરે છે -એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે પ્રમાણે શ્રીજમહારાજની ઇચ્છાથી આ અનાદિમુક્ત પ્રગટ થઈને મનુષ્યરૂપે દર્શન દે છે; એવા અનાદિમુક્ત બાપાશ્રીએ બ્ર. નિર્ગુણાનંદજીને અનુભવજ્ઞાન આપીને મૂર્તિના સુખભોક્તા કરવાની ઇચ્છા કરી. પછી પોતે દેવરાજભાઈને સાથે લઈને ભૂજ આવ્યા ત્યારે બ્ર. નિર્ગુણાનંદજી બાપાશ્રીને મળવા સારુ આવ્યા, એટલે બાપાશ્રી બ્રહ્મચારીને બાથમાં ઘાલીને મળ્યા. તે સમે બ્રહ્મચારીને બાપાશ્રીનું સ્વરૂપ અતિ કોમળ અને અતિ સુગંધીમાન ને તેજોમય એવું અલૌકિક દેખવામાં આવ્યું ને શરીરનું ભાન ભૂલી ગયા ને મૂર્તિમાં ચિત્તનો નિરોધ થઈ ગયો. પછી બાપાશ્રીને મેડા ઉપર આસન કરી દીધું ને પોતે ઠાકોરજીની સેવા કરવા ગયા ને ઠાકોરજીના થાળની આરતી કરી ને બાપાશ્રીને પણ પ્રેમથી જમાડ્યા. પછી ઠાકોરજીને પોઢાડ્યા ને બપોરની કથા થઈ રહી ને સર્વે સંત સૂઈ રહ્યા ત્યારે બ્ર. નિર્ગુણાનંદજી મેડા ઉપર બાપાશ્રીનું આસન કરીને બાપાશ્રીને બોલાવ્યા, એટલે બાપાશ્રી બ્રહ્મચારીના મેડે આવીને આસન ઉપર બેઠા. પછી બ્રહ્મચારીએ બાપાશ્રીને ચંદન ચર્ચી પુષ્પના હાર પહેરાવ્યા ને બાપાશ્રીની સન્મુખ બેસી હાથ જોડીને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! તમે શ્રી મહારાજરૂપ શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો-એમ હું તમને જાણું છું, પણ અનાદિમુક્તનું દિવ્યસ્વરૂપ કેવું હશે?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે અમને જેવા દિવ્ય દેખો તેવા અમને દિવ્ય જાણો.’’ -એમ કહ્યું, ત્યાં તો બ્રહ્મચારી મહારાજની દિવ્ય દૃષ્ટિ થઈ ગઈ ને તે જ સમે બાપાશ્રી દિવ્યસ્વરૂપ દેખાયા ને પોતાના હૃદયમાં શ્રીજીમહારાજ પણ દિવ્ય તેજોમય દેખાયા ને અનંત અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સુખ લે છે, એવાં શ્રીજીમહારાજનાં દર્શન બાપાશ્રીની કૃપાથી થયાં, ત્યારે બ્રહ્મચારી મૂર્તિમાં લીન થઈ ગયા ને બ્રહ્મસ્થિતિને પામી ગયા ને સમાધિ થઈ ગઈ. પછી બાપાશ્રી ત્યાંથી બહાર પોતાને આસને આવીને સૂઈ રહ્યા ને બ્રહ્મચારી તો મૂર્તિનું બહુ સુખ આવવાથી ત્યાં જ પડી રહ્યા ને ચાર વાગ્યાને સમય થયો ત્યારે શ્રીહરિની ઇચ્છાથી સમાધિમાંથી જાગ્યા. પછી ધીરા રહી ઠાકોરજીને જગાડવા ગયા ત્યારે મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા શ્રી નરનારાયણ દેવ તે પણ તેજોમય દેખાવા લાગ્યા ને તે બ્રહ્મચારી ઠાકોરજીની રસોઈ કરે, જમાડે એ આદિ સર્વે ક્રિયા કરે, પણ પોતાને ક્રિયાની તથા દેહની સ્મૃતિ ન રહે ને અખંડ મૂર્તિના સુખમાં જ રહેવાય ને ક્રિયા તો મુક્તદ્વારે મહારાજ કરે, એવી અનાદિમુક્તની સ્થિતિ બ્રહ્મચારીને બાપાશ્રીએ કરાવી ને બીજા સંત-હરિભક્ત પણતે બ્રહ્મચારીની સ્થિતિ જોઈને આશ્ચર્ય પામવા લાગ્યા. આવી રીતે બાપાશ્રીએ બ્રહ્મચારીને મૂર્તિમાં સુખમાં જોડી દીધા.
વળી કોઈક સમયે બ્રહ્મચારી બાપાશ્રી પાસે બેઠા હતા ને સ્વામી ભક્તિપ્રિયદાસજી, પુ. કેશવપ્રિયદાસજી ને દેવરાજભાઈ આદિ બેઠા હતા. તે સમે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ બ્રહ્મચારી તો અમારું મન છે. તેમ જ આ બ્રહ્મચારી અમારો જે અભિપ્રાય તથા રુચિ હોય તેને જાણે છે ને આ બ્રહ્મચારી નિર્ગુણદાસજી નિર્ગુણ મૂર્તિ છે પણ તેમાં કોઈ માયાનો ગુણ નથી ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણે યુક્ત છે ને અખંડ કથાવાર્તા-ધ્યાનભજન કર્યા કરે છે ને અનંત સંત-હરિભક્તને મહારાજનું પ્રત્યક્ષ રહસ્યજ્ઞાન સમજાવીને પ્રત્યક્ષ મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે છે ને આ લોકમાંથી લૂખા કરીને શ્રીજીમહારાજના સુખમાં જોડી દે છે.’’ ત્યારે બ્રહ્મચારી મહારાજે કહ્યું જે, ‘‘બાપા ! તમે દયા રાખજો; હું જેવો છું તેવો તમારો છું.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ’ તમે દેખાઓ છો આદિ પણ છો અનાદિ. આજથી તમારું પૂરું થયું અને જે જોઈએ તે તમને મળ્યું. અને સુખ, મુક્ત, ધામ તે સર્વે મહારાજની મૂર્તિમાં છે ને તમને મૂર્તિમાં રાખ્યા છે. હવે કાંઈ બાકી નથી. -એમ કહીને બ્રહ્મચારી ઉપર બહુ રાજી થયા ને બે-ત્રણ દિવસ ભૂજમાં રહી સર્વેને રાજી કરીને પાછા વૃષપુર પધાર્યા.
ત્યાર પછી ભાદરવા માસમાં બાપાશ્રીએ પેટમાં દુખાવારૂપી મંદવાડની લીલા કરી તે વાત કહીએ છીએઃ એક સમે બાપાશ્રીએ એવું ચરિત્ર કર્યું જે, પેટમાં અતિશય દુઃખવા લાગ્યું. તેથી કરીને મંદિરમાં જઈ શકાય નહિ ને પોતાને ઘેર ઢોલિયામાં સૂતા રહે. તે સૂવામાં પણ ક્યારેક પડખાભેર સૂએ, ક્યારેક બેઠા રહે એવો પેટમાં દુખાવો થવા લાગ્યો. તે મંદવાડને સાંભળીને નારાયણપુરથી ધનજીભાઈનું કુટુંબ ને દહીંસરાના કેસરાભાઈ, રામપુરના દેવરાજભાઈ, મુક્ત ધનુબા ને કાનબા આદિ ઘણાંક બાઈઓ-ભાઈઓ વૃષપુર આવ્યાં ને અનાદિ મુક્તરાજશ્રીનાં દર્શન કર્યાં ને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા પણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ, તેથી સર્વે ઉદાસ થઈ ગયાં ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી શ્રીજીમહારાજની પ્રાર્થના કરવા લાગ્યાં. ત્યારે ધનુબા તથા કાનબા તેમને મહારાજની મૂર્તિમાં તેજ દેખાયું ને શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘કાંઈ ચિંતા કરશો નહિ; તેમને સારું થઈ જશે.’’ તેમ જ કેસરાભાઈને પણ શ્રીજીમહારાજનાં દર્શન થયાં જે, ‘શ્રીજીમહારાજ મુક્તરાજ બાપાશ્રીની પાસે આવીને બેઠા, પછી અદૃશ્ય થઈ ગયા.’ તે વાત પરસ્પર સાંભળીને સર્વે બાપાશ્રી પાસે આવ્યા ત્યારે બાપાશ્રીએ સર્વેને ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને કહ્યું જે, ‘‘અમને સારું છે.’’ ત્યારે સર્વે રાજી થઈ દર્શન કરીને પોતપોતાને ઘેર ગયા.
પછી વળી કેસરાભાઈને સ્વપ્નમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં; તે જાણે ‘શ્રીજીમહારાજ ગઢપુરમાં અક્ષરભુવનમાં ઢોલિયામાં સૂતા છે ને મહારાજને અતિશય પેટમાં દુઃખે છે. તેથી કરીને શ્રીજીમહારાજ ઘડીક આ પડખે સૂએ છે ને ઘડીક આ પડખે સૂએ છે અને ઘડીક બેઠા થાય છે ને વળી સૂએ છે ને મૂળજી બ્રહ્મચારી ને ભગુજી આદિ સેવામાં છે.’ -એવા શ્રીજીમહારાજનાં દર્શન કરીને કેસરાભાઈએ કહ્યું જે, ‘‘મહારાજ ! તમને આ દુઃખ થાય છે, તે અમને આપો ને તમે સુખે કરીને પોઢી જાઓ !’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘અમો તો અમારા મુક્તનું દુઃખ લીધું છે.’’ ત્યાં તો મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન થયાં. તે તેજોમય ને શરીરમાં કાંઈ પણ મંદવાડ નહિ એવા થકા શ્રીજીમહારાજમાં લીન થઈ ગયા, ત્યાં તે કેસરા ભક્ત જાગી ગયા એમ શ્રીજીમહારાજે અનાદિમુક્તનું પોતા સાથે એકાત્મ્યપણું જણાવ્યું.
ત્યાર પછી મુક્તરાજશ્રીને માંદા સાંભળીને ભૂજના બ્ર. નિર્ગુણાનંદજી ને સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ સર્વે સંત-પાર્ષદ મુક્તરાજશ્રીનાં દર્શન કરવા સારુ આવ્યા. તે મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીને ઘેર આવીને તેમનાં દર્શન કર્યાં. તે સમે મુક્તરાજશ્રી ઢોલિયામાં સૂતા હતા, તે બેઠા થયા ને સર્વે સંતને ‘જય સ્વામિનારાયણ’ કર્યા અને પેટમાં અતિશય દુખાવો થતો હતો, તેથી બેઠું તથા સૂતું રહેવાતું નહિ. એવાં બાપાશ્રીનાં દર્શન કરીને બ્રહ્મચારી વગેરે અતિશય દિલગીર થઈ ગયા. તે સમે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સંતો ! આ દુઃખ સાંભળીને મટે તો સારું -એમ તમને થતું હશે પણ અમને તો શ્રીજીમહારાજ ને આ સંત દુઃખ મટાડે તો સારું - એવો સંકલ્પ પણ થતો નથી; આ દુઃખ તો શું, પણ આથી અધિક ગમે તેટલી પીડા થાય તોપણ આપણે મહારાજને કહેવું નથી, જે આ દુઃખ મટાડો; પણ જેમ તેમની મરજી હોય તેમ કરે ને આ પીડા આપણને કાંઈ નથી. આપણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છીએ ને અહીં છીએ, તોપણ અક્ષરધામમાં મહારાજાની મૂર્તિમાં છીએ ને આ દુઃખ જણાય છે, તે તો મનુષ્યપણાનો ભાવ છે. તે પણ અનંત જીવને દર્શન-સેવાનો લાભ મળે, તે સારુ શ્રીજીમહારાજની ઇચ્છાથી જણાય છે.’’ -એમ બાપાશ્રીવાતો કરતા હતા, તે સમે બ્રહ્મચારીને અતિશય દિલગીર થયા જાણીને બાપાશ્રીએ તેમને દિવ્યસ્વરૂપે દર્શન દીધાં, તેણે કરીને અતિશય આનંદ પામ્યા અને બીજા સર્વે સંતને તો જેવા બાપાશ્રી માંદા છે-તેવાં જ દર્શન થતાં હતાં. પછી સર્વે સંતે બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી અને ભૂજના ઠાકોરજીની પ્રસાદી આપી ને બાપાશ્રીની રજા લઈ મંદિરમાં આવ્યા. પછી સંત ઠાકોરજીને જમાડીને ભૂજ ગયા.
ત્યાર પછી અમદાવાદમાં સ્વામી ઈશ્વરચરણદાસજીને ધનજીભાઈએ બાપાશ્રીના મંદવાડનો પત્ર લખ્યો હતો. તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી તે પણ બાપાશ્રીને માંદા જાણીને બાપાશ્રીનાં દર્શન કરવા સારુ વૃષપુર આવ્યા ને મંદિરમાં નિવાસ કરીને રહ્યા, પણ બાપાશ્રીથી મંદિરમાં આવી શકાય તેવું હતું નહિ તેથી સદ્. સ્વામી સર્વે સંત બાપાશ્રીને ઘેર દર્શન કરવા સારુ ગયા ને બાપાશ્રીનો મંદવાડ જોઈને અતિશય દિલગીર થયા ને બાપાશ્રીને સમાચાર પૂછી પાછા મંદિરમાં આવ્યા. હવે સદગુરુઓ મંદિરમાં કથાવાર્તા કરતા ને બાપાશ્રીને ઘેર દર્શન કરવા જતા પણ તે સદગુરુને બાપાશ્રી વિના મંદિરમાં સારું લાગતું નહિ તેથી એમ થતું જે, ‘બાપાશ્રી સાજા થાય ને મંદિરમાં આવે તો બાપાશ્રી પાસે બેસીને કથાવાર્તા સાંભળીએ ને દર્શન-સેવાનો લાભ લઈએ.’ -એમ જાણીને બાપાશ્રી પાસે જઈને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપ કૃપા કરીને આ દુઃખ મટાડો.’’ ત્યારે તે સમે ઘણા હરિભક્ત પાસે બેઠા હતા તેમાં કોઈ કહે જે, ‘આ ઔષધથી મટે.’ ને કોઈ કહે જે, ‘આ ઔષધથી મટે.’ ને કેટલાકે કહ્યું જે, ‘ટાઢા દેવરાવો તો પેટમાં દુઃખતું તુરત મટી જાય.’ ત્યારે સદગુરુઓએ કહ્યું જે, ‘‘બાપા ! ટાઢા દેવરાવો તો મટી જશે.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘મહારાજ વિના કોઈથી દુઃખ મટે નહિ તો ટાઢાથી શું મટે ? જો મહારાજ ભેળા ભળે તો મટે.’’ ત્યારે સદગુરુઓએ કહ્યું જે, ‘‘બાપા ! ટાઢા દેવામાં મહારાજ ભેળા ભળશે ને મટી જશે.’’ ત્યારે બાપાએ કહ્યું જે, ‘‘મહારાજને સાથે લાવ્યા હો ને તેમની મરજીથી ટાઢા દેતા હો તો ભલે દો.’’ ત્યારે સદ્. સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતે કહ્યું જે, ‘‘મહારાજ ભેળા જ છે, તેથી મટી જશે.’’ -એમ કહીને ટાઢા દેવાનું નક્કી કર્યું. ત્યારે ટાઢા દેનાર કણબી શામજી પણ ત્યાં જ બેઠા હતા, તેમને ટાઢા દેવાનું કહ્યું ત્યારે તે શામજીભાઈએ બાપાશ્રીને કહ્યું જે, ‘‘લગાર પડખાભર સૂઓ ને મારા ઉપર દયા રાખજો.’’ -એમ કહી સગડી કરાવીને લોઢાના ખીલા ઊના મેલાવ્યા ને શામજી પટેલે બાપાશ્રીને પેટના જમણા ભાગમાં દુખાવો જોઈને પહેલા રાખના ચાંદલા કર્યા. પછી તે ઠેકાણે ચાળીસ ટાઢા દીધા, -એવી રીતે બાપાશ્રીને ટાઢા દેવરાવી સર્વે સદગુરુ મંદિરમાં આવ્યા. પછી મુક્તરાજશ્રીને તો દુઃખ મટાડવાની મરજી ન હતી-તે જાણ્યા વિના ટાઢા દેવરાવ્યા, તથી બાપાશ્રીના પેટમાં સામું અધિક દુઃખ થાવા લાગ્યું. પછી મોટા સંત મુક્તશ્રીની પાસે આવી હાથ જોડી દિલગીર થઈને કહેવા લાગ્યા જે, ‘‘બાપા ! આપ સમર્થ છો ને આપની મરજી વિના કોઈથી તરણું તૂટે નહિ તેવા છો. તે આપની મરજી જાણ્યા વિના અમે આગ્રહ કરીને આપને ટાઢા દેવરાવ્યા તે અમારો અપરાધ માફ કરો.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘તમારો કાંઈ અપરાધ નથી ને માફ જ છે. શ્રીજીમહારાજની ને તેમનામુક્તની મરજી શ્રીજીમહારાજ જાણવા ન દે તો ગમે તેવા મોટા હોય તોપણ જાણી શકે નહિ ને મહારાજ જાણવા દે તો જણાય ને મહારાજની મરજી હોય તેમ જ થાય માટે તમે કાંઈ ચિંતા કરશો નહિ. અમે તમારા ઉપર રાજી છીએ ને તમારા હેતથી અમારો મંદવાડ મટી જશે.’’ ત્યાં જ બાપાશ્રીના પેટમાં દુખાવો મટી ગયો ને સાજા થઈ ગયા ને મંદિરમાં આવી સદગુરુને દર્શન દઈને વાતો કરવા લાગ્યા, તેથી સર્વેને અતિશય આનંદ થયો. પછી સદગુરુ સ્વામી આદિ સંતે બાપાશ્રી પાસે થોડા દિવસ રહીને દર્શન-સમાગમનો લાભ લીધો. પછી રજા લઈને અમદાવાદ ગયા.
ઇતિ વિશ્રામ ૩૨