વિશ્રામ ૭૮

હવે તે યજ્ઞમાં બાપાશ્રીના સમાગમથી ને બાપાશ્રીના મુખથી જ્ઞાનામૃતનું પાન કરીને કેટલાક હરિભક્ત દેહના ભાવ પણ ભૂલી ગયા હતા, તો સુખ-દુઃખ, ભૂખ-તરસ, માન-અપમાન તે ભૂલી જાય તેમાં શું કહેવું ! એવો બાપાશ્રીનાં દર્શન-સમાગમથી શ્રીજીમહારાજની મૂર્તિનો આનંદ આવતો હતો. એવી રીતે સર્વેને આનંદમાં કથાવાર્તા કરતા થકા સાત દિવસ વીત્યા. પછી કચ્છના રિવાજ પ્રમાણે તે દેશના કણબીનાં ચોવીસ ગામનાં બાઈઓ-ભાઈઓ નાના-મોટા સર્વે હરિભક્તો આવ્યા. તે સર્વેને જમાડવા સારુ અનાદિમુક્ત બાપાશ્રીએ પોતાના વંડામાં પાકશાળા કરાવી હતી, તેમાં હજારો હરિભક્ત પાસે સુખડીઓ કરાવીને ભોજાણી અરજણભાઈના ઘરના બે ઓરડા ભરાવ્યા હતા ને શીરો કરાવીને વંડામાં મોટો હોજ તે ભર્યો હતો અને બીજું ખીચડી, દાળ વગેરે કરાવ્યાં હતાં. તેમાં પ્રથમ અનાદિ મુક્તરાજશ્રી મંદિરમાંથી સાધુ પાસે ઠાકોરજી લેવરાવી સર્વે સંત-હરિભક્ત સહિત ઠાકોરજીને જમાડવા પાકશાળામાં પધાર્યા ને સુખડીના ઓરડામાં પોતે આવીને બેઠા ને સંતમંડળે ઠાકોરજીને સુખડીના ઢગલા પાસે પધરાવ્યા ને ધૂપદીપ કરી થાળ બોલીને ઠાકોરજીને જમાડ્યા. તે સમે શ્રીજીમહારાજ મૂર્તિરૂપે પ્રત્યક્ષ જમ્યા અને જળપાન કર્યું, તેને જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા અને બાપાશ્રીએ સુખડીમાં હસ્ત ફેરવીને પ્રસાદીની કરી. પછી વંડામાં શીરાના હોજ પાસે ઠાકોરજીને પધરાવીને શીરો, ખીચડી, શાક, દાળ વગેરે ભોજન જમાડ્યાં ને બાપાશ્રી શીરાના હોજના કાંઠા પાસે બેઠા હતા, તે સમે કેટલાક ભક્તને બાપાશ્રીનાં દિવ્યસ્વરૂપે દર્શન થયાં. પછી ઠાકોરજીને જમાડીને સંતમંડળ મંદિરમાં આવ્યાં ને બાપાશ્રીએ સર્વે હરિભક્તને જમવાની આજ્ઞા કરી. ત્યારે કુંવરજી ભક્તની ઘનશ્યામવાડીમાં સર્વે હરિભક્તની મોટી મોટી પંક્તિઓ થઈ ને પીરસનારા ભક્ત શીરો, સુખડી આદિ ભોજન સર્વેને પીરસવા લાગ્યા ને સર્વે પંક્તિઓમાં પિરસાઈ રહ્યું ત્યારે ‘જય બોલાણી’ અને સર્વે જમવા લાગ્યા. એવી રીતે સર્વે હરિભક્ત ત્રણ દિવસ સુધી જમ્યા.

પછી ચૈત્ર વદ આઠમ ને મંગળવારે અનાદિ મુક્તરાજ બાપાશ્રી ત્રણ વાગે જાગ્યા ને અનાદિ શ્રીકૃષ્ણ શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેઠા. પછી શૌચ-સ્નાનાદિક ક્રિયા કરીને માનસીપૂજા ને પાઠ-પૂજા આદિ નિત્યવિધિ કર્યો ને મંદિરમાં ઠાકોરજી, સંત ને હરિભક્તનાં દર્શન કરી વસ્ત્ર પહેરીને પોતાને ઘેર ગયા; ત્યાં સર્વેને દર્શન દીધાં. પછી ભૂજના ઠાકોરજી સારુ કરાવેલ જે હેમનાં આભૂષણ તથા વાઘા, શેલાં ને ટોપીઓ તે છાબોમાં ભરાવ્યાં, ને ઠાકોરજીને ભેટમાં અર્પણ કરવા રૂપામહોરના થાળ ભરાવ્યા. પછી તે થાળ ને છાબો પોતાના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ, માવજી, હરજી ને પોતાના ભાણેજ અરજણ તેમની પાસે ઉપડાવીને તેમની સાથે બાપાશ્રી ઘેરથી ચાલ્યા ને ઉત્સવિયાની મંડળીઓ પણ ઝાંઝ-મૃદંગ બજાવતાં ને ઉત્સવ કરતા આગળ ચાલી, તે બાઈઓના મંદિર પાસે થઈને આ (ભાઈઓના) મંદિરમાં આવ્યા ને ઠાકોરજી આગળ છાબો મેલી. પછી કથાની સમાપ્તિ કરાવી, ને બાપાશ્રી પુસ્તક તથા પુરાણીની પૂજા કરીને આરતી કરવા લાગ્યા. પછી સંત-હરિભક્તો ‘આનંદ આપ્યો અતિ ઘણો રે’ એવાં કીર્તન પ્રેમથી બોલવા લાગ્યા ને બાપાશ્રી સભામાં આસને બેઠા, ને કાનજીભાઈ તથા મનજીભાઈ આદિ તેમણે સભામાં સર્વે સંતને ચંદન ચર્ચી હાર પહેરાવીને ધોતિયાં ઓઢાડ્યાં.

પછી ભૂજના મહંત સ્વામી ભક્તિપ્રિયદાસજી ને કોઠારી વેલજીભાઈ તેમણે ભૂજ-કોઠારની વતી અનાદિ મુક્તરાજ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવીને પાઘ બંધાવી ને ખભાને વિષે શેલું ધરાવ્યું. તેવી રીતે તેમના પુત્ર-પૌત્ર તેમને પણ ચંદન ચર્ચી હાર પહેરાવીને ધોતલીઓ બંધાવી. પછી સદ્‌. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંતો ચંદનપુષ્પથી બાપાશ્રીની પૂજા કરવા લાગ્યા. પછી સર્વે હરિભક્ત પણ ચંદન-પુષ્પહારથી પૂજા કરીને મસ્તકે પાઘડીઓ બંધાવા લાગ્યા. તે સમયે બાપાશ્રીની પૂજા કરતાં હરિભક્તની અતિશય જ ભીડ થઈ હતી ને સર્વે હરિભક્તની મનોવૃત્તિઓ શ્રીજીમહારાજ ને બાપાશ્રીમાં તદાકાર થઈ રહી હતી ને સર્વેને અતિ આનંદ ઊભરાતો હતો; કોઈને શરીરની પણ સંભાળ નહોતી રહી. એવી રીતે સર્વે ભક્તજને બે કલાક પૂજા કરી. પછી મુક્તરાજશ્રી પૂજાઓ બંધ રખાવી ઘનશ્યામવાડીમાં હરિભક્તની જમવાની પંક્તિઓ બેઠી હતી, ત્યાં દર્શન દેવા પધાર્યા ને સર્વે પંક્તિઓમાં ફરીને દર્શન દીધાં. પછી આંબાના વૃક્ષ નીચે ખુરશીમાં બેઠા ને મોટા મોટા હરિભક્તોને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવી ને હરિભક્તોએ પણ બાપાશ્રીને પાઘડીઓ બંધાવી. એવી રીતે લીલા કરીને સર્વેને જમાડીને પછી પોતાના ભુવનમાં આવ્યા ને પોતાના સેવકે થાળ કરી રાખ્યા હતા તે જમીને ઓસરીમાં આસન ઉપર બેઠા. તે સમે ચોવીસ ગામના કણબી હરિભક્ત બાપાશ્રીને ભેટ કરવા આવ્યા, તેઓ સર્વેએ મુક્તરાજનાં દર્શન કર્યાં ને પૂજા કરીને પોતપોતાના ગામની ભેટ મેલી. પછી બાપાશ્રીની આજ્ઞા લઈને તથા પોતપોતાનાં ગાડાં જોડાવીને ચાલ્યા ને બીજા પણ કચ્છદેશના તથા વાગડ-અબડાસાના હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને પોતપોતાને ગામ ગયા.

ત્યાર પછી બીજે દિવસે ભૂજના ને વડતાલ આદિ ધામના સંત ને પરદેશના હરિભક્ત તે પણ જવાની તૈયારી કરીને બાપાશ્રીનાં દર્શન કરીને ચાલ્યા તે અમદાવાદના સદ્‌. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુ. હરિપ્રસાદદાસજી તથા મૂળીના પુ. ધર્મકિશોરદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી, ગોપીવલ્લભદાસજી, ગુણાતીતદાસજી આદિ સંતમંડળ ને શેઠ બળદેવભાઈ, બાલુભાઈ, બહેચરભાઈ, લાલુમલભાઈ, સોમચંદભાઈ, ભોગીલાલભાઈ આદિ હરિભક્ત તે પણ સર્વે બાપાશ્રીનાં દર્શન-સમાગમનું સુખ લઈને ચાલવા તૈયાર થયા. તે સમે બાપાશ્રી મંદિરની ઓસરીમાં વિરાજમાન હતા, તેમને સર્વે દંડવત્‌ કરીને મળ્યા ને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘હે કૃપાળુ ! તમે અમારા ઉપર આવા રાજી રહેશો ને સદાય ભેગા રાખશો અને મૂર્તિમાં રાખી મૂર્તિનું સુખ અપાવશો.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે તમારા ભેગા જ રહીએ છીએ ને હવે તમે સર્વે કાલે દેશમાં જવાનું કરો.’’ ત્યારે તેઓ બાપાશ્રીનું વચન માથે ચડાવી બીજે દિવસે તૈયાર થઈ બાપાશ્રીને મળીને ચાલ્યા ને બાપાશ્રી સર્વેને વળાવીને પાછા મંદિરમાં આવ્યા ને સંત-હરિભક્ત ભૂજ-ઠાકોરજીનાં દર્શન કરીને દેશમાં ગયા. અને તે સંતને પણ અખંડ મૂર્તિમાં રહ્યા છીએ, એમ સર્વે ક્રિયામાં મૂર્તિનો સાક્ષાત્કાર વર્તતો હતો અને જાગ્રત, સ્વપ્નમાં ને સુષુપ્તિમાં પણ મૂર્તિની અખંડ સ્મૃતિ રહેતી ને તે સંતોને કથાવાર્તા કરતા થકા જ રાત્રિદિવસ પસાર થતા અને તેમને સર્વ ક્રિયામાં શ્રીજીમહારાજ ને મુક્તરાજશ્રીનાં અખંડ દર્શન થતાં તે જાણીએ જે, ‘મુક્તરાજ પલંગમાં પોઢ્યા છે ને હું પગ દાબું છું, ને ઓસરીમાં બેઠા છે ને આગળ કથા વંચાય છે.’ અને ક્યારેક જાણીએ જે, ‘વાડીમાં બેઠા છે ને સંત-હરિભક્ત પૂજા કરે છે.’ -એમ દર્શન થતાં, તેથી આનંદમાં તે સંતો શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરતા થકા અનેક જીવોને પોતા જેવા સુખિયા કરતા હતા.

ઇતિ વિશ્રામ ૭૮