વિશ્રામ ૬૩
હવે સર્વ સુખના નિધિ ને અતિ સમર્થ ને સર્વના સ્વામી ને સર્વના સુખદાતા ને એક ને અદ્વિતીય મૂર્તિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તેમની ઇચ્છાએ કરીને જીવોના મોક્ષ કરવા મનુષ્યરૂપે દર્શન દેતા, એવા અનાદિમુક્તશ્રી તે મહાયજ્ઞને વિષે સર્વે સંત-હરિભક્તને દર્શન-સમાગમનું સુખ આપતા હતા, અને સર્વે સંતમંડળને લાડુ, પૂરી આદિની નિત્યે તરેહતરેહની રસોઈઓ કરાવીને જમાડતા. અને તે યજ્ઞમાં આવેલા સર્વે હરિભક્તને જમવા સારુ મોટું રસોડું કરાવ્યું હતું. તેમાં સાંખ્યયોગી બાઈઓ રસોઈ કરતાં ને હરિભક્ત પિરસતા ને સર્વે હરિભક્ત જમતા. અને તે યજ્ઞમાં કેડેથી આવનાર જે કચ્છના હરિભક્તો તેમને જમાડવા સારુ પોતાના વંડામાં પાકશાળા કરી હતી. તેમાં આશરે ચાર-પાંચ હજાર હરિભક્તો શીરો, સુખડી, શાક, ખીચડી આદિ ભોજન તૈયાર કરતા હતા. અને શીરો ભરવા માટે પથ્થર તથા ચૂનાથી પાકા હોજ કર્યા હતા ને તેમાં શીરો કરાવીને ભરાવ્યો હતો અને સુખડી કરાવીને બે મોટા ઓરડા ભર્યા હતા.
હવે કથાની સમાપ્તિને આગલે દિવસે સવારમાં સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી ને બ્ર. નિર્ગુણાનંદજી આદિ સર્વે સંત ને હજારે હજાર હરિભક્તો તેમણે સહિત મુક્તરાજ બાપાશ્રી કાળીતલાવડીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરવા સારુ આવ્યા ને સંવત ૧૯૭૮ના વૈશાખ સુદ બીજને દિવસ નવ વાગ્યાના સમયે પ્રતિષ્ઠા કરીને હનુમાનજીને પધરાવ્યા. તે સમે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે : ‘‘આ હનુમાનજીનું નામ શું છે ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આમનું નામ ભીડભંજન હનુમાન.’’ વળી સ્વામીએ કહ્યું જે, ‘‘અહીં દર્શન કરવા આવનારને વર આપો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે ને આ હનુમાનજીની માનગત, પૂજા વગેરે કરશે તેનાં દુઃખ, દરિદ્ર, ભય, શોક, રોગ આદિ સર્વે નાશ પામશે ને સ્ત્રી, પુત્ર, ધન આદિ જે ઇચ્છશે તેની પ્રાપ્તિ થશે. અને જે નિષ્કામભાવે અહીં દર્શન કરવા આવશે તેને અમે અક્ષરધામમાં તેડી જઈશું.’’ -એમ વર આપ્યો. એવી રીતે હનુમાનજીની પ્રતિષ્ઠા કરીને બાપાશ્રી આદિ સર્વે મંદિરમાં પધાર્યા.
પછી તે દિવસ સાંજની કથાના પ્રારંભ પહેલાં બે વાગે અનાદિ મુક્તરાજ બાપાશ્રી સંતમંડળ તથા હરિભક્તને સાથે લઈ મંદિરમાંથી ઠાકોરજીને તેડીને પાકશાળામાં જમાડવા ગયા. ત્યાં સંતમંડળે શીરાના હોજ પાસે ઠાકોરજીને બાજઠ ઉપર પધરાવ્યા, પછી થાળનાં પદ બોલીને મહારાજને જમાડવા લાગ્યા. તે સમે કેટલાક સંત-હરિભક્તને શ્રીજીમહારાજનાં દિવ્યસ્વરૂપે દર્શન થયાં તે થાળનાં કીર્તન બોલ્યા ત્યાં સુધી દર્શન દઈપછી અદૃશ્ય થયા. ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી સર્વે સંત-હરિભક્તને સાથે લઈને ત્યાંથી સુખડીઓ જ્યાં રાખી હતી તે ઘેર આવ્યા ને સુખડીના જે ઓરડા, તેમાં મોટા મોટા તાંબાના પતરાંમાં ભરેલી જે સુખડી તેના ઉપર ઠાકોરજીને પધરાવ્યા ને થાળનાં પદ બોલી ઠાકોરજીને જમાડ્યા. પછી સર્વે મંદિરમાં આવ્યા ને બાપાશ્રી મંદિરમાં આવીને ઓરડીમાં ઢોલિયે વિરાજમાન થયા ને સંત-હરિભક્તો અનાદિ મુક્તરાજશ્રીની પાસે બેઠા હતા. તે સમે કણબીના ચોવીસ ગામના હરિભક્ત નાના, વૃદ્ધ ને યુવાન એવાં બાઈઓ-ભાઈઓ સર્વે આવવા લાગ્યાં અને ગામેગામના ઉત્સવિયાની મંડળીઓ પણ આવી. આવી રીતે તે ગામ ને સીમ, તે સર્વે હરિભક્તમય થઈ રહ્યું હતું. પછી હરિભક્તને જમવાના ‘હરે’ થયા ને કુંવરજીભાઈની ઘનશ્યામ વાડીમાં પંક્તિઓ થઈ ને પીરસનારા હરિભક્ત શીરો, સુખડી આદિ ભોજન પીરસવા લાગ્યા ને બાપાશ્રી પંક્તિઓમાં ફરીને દર્શન દેતા હતા. એવી રીતે સર્વેને જમાડીને તૃપ્ત કર્યા.
ત્યાર પછી બીજે દિવસે એટલે અક્ષયત્રીજને દિવસે કથાયજ્ઞની સમાપ્તિ હતી, તેથી સર્વે વહેલા નિત્યવિધિ કરીને પરવાર્યા હતા ને ચોઘડિયાં તથા નાના પ્રકારનાં વાજિંત્રો વાજતાં હતાં ને ઉત્સવિયાની મંડળીઓ ઉત્સવની ઝીક મચાવી રહી હતી. હવે અનાદિ મુક્તરાજશ્રી ઠાકોરજીને અર્પણ કરવાના રૂપિયાની છાબો તથા ઠાકોરજીના વસ્ત્રની છાબો તેને પોતાના સેવક પાસે ઉપડાવીને ચાલ્યા. તે આગળ ઉત્સવિયા હરિભક્ત ઉત્સવ કરે છે એવા થકા સભામંડપમાં આવી ઠાકોરજીની આગળ ભેટની છાબો મેલી, ને ચંદનપુષ્પના હારથી પુસ્તક ને પુરાણીની પૂજા કરીને બાપાશ્રી પરિવારે સહિત આરતી કરવા લાગ્યા. તે સમે નાનાં પ્રકારનાં વાજિંત્ર વાજી રહ્યાં હતાં ને ચંદનપુષ્પની વૃષ્ટિઓ થતી હતી, પછી આરતી થઈ રહી ત્યારે સંતમંડળ ઝિલણિયાં કીર્તન ગાવા લાગ્યાં. ને કેટલાક ભક્તજન પરમ આનંદમાં મહારાજ ને મુક્તની સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘હે બાપા ! તમે તો સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત છો ને તમારાં કોઈ માતાપિતા નથી; તમે તો સર્વે સત્સંગીનાં માતાપિતા છો અને સત્યસંકલ્પ છો, તે તમે દયા કરીને તમારાં દર્શન, સેવા, સમાગમ આદિનું સુખ અમને આપ્યું ને શ્રીજીમહારાજની મૂર્તિના સુખના અધિકારી કર્યા, એ કેવળ આપની દયા માનીએ છીએ ને તમે સદાય અમારી ઉપર રાજી રહેશો.’ પછી મુક્તરાજશ્રીના પુત્ર આદિ તેમણે સંતની ચંદનપુષ્પથી પૂજા કરીને ધોતિયાં ઓઢાડ્યાં. પછી મહંત સ્વામી મહાપુરુષદાસજી તેમણે ભૂજમંદિર તરફથી બાપાશ્રીને ચંદન ચર્ચી પુષ્પના હાર પહેરાવીને મસ્તકે શ્વેત ફેંટો બંધાવ્યો ને ખેસ ઓઢાડ્યો ને બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તેમને પણ હાર પહેરાવીને છેડાવાળી ધોતલીઓ બંધાવી અને પછેડીઓ આપી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીની ચંદનપુષ્પથી પૂજા કરવા લાગ્યા અને સર્વે હરિભક્ત બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા લાગ્યા. એવી રીતે પૂજાવિધિ સમાપ્ત થયો.
ત્યાર પછી હરિભક્તોને જમવાના ‘હરે’ થયા ત્યારે સર્વે હરિભક્ત વાડીમાં જમવા ગયા અને સર્વે સંતમંડળ મંદિરમાં રસોઈ કરીને જમ્યા. પછી કેટલાક સંતો હરિભક્તની પંક્તિમાં દર્શન કરવા ગયા ને બાપાશ્રી પંક્તિમાં ફરી સર્વેને પિરસાવીને જમાડતા હતા ને ભક્તજનો બાપાશ્રીનાં દર્શન કરી આનંદમાં જમતા હતા. આવી રીતે યજ્ઞમાં સર્વે હરિભક્તને તથા અંત્યજ વર્ણ આદિ સર્વેને જમાડ્યા તોપણ સુખડીઓના મોટા ઢગલા પડ્યા રહ્યા હતા તેને જોઈને, તથા મુક્તરાજ બાપાશ્રી અનંતરૂપે હજારો હરિભક્તને દર્શન દેતા હતા, તેવું બાપાશ્રીનું ઐશ્વર્ય જોઈને સર્વેને આશ્ચર્યપૂર્વક આનંદ ઊભરાતો હતો. હવે બાપાશ્રી કેવી રીતે દર્શન આપતા, તો કોઈક સમે રાત્રીએ પોતે મંદિરમાં ઓરડામાં પોઢ્યા હોય અને કોઈક હરિભક્તને બીજે રૂપે દર્શન દઈને કહે જે, ‘કેટલી સુખડી થઈ ને કેટલી બાકી છે ?’ -એમ પૂછે. એવાં બાપાશ્રીનાં દર્શન પાકશાળામાં કરી તે હરિભક્ત મંદિરમાં આવે, ત્યાં તો બાપાશ્રીને ઢોલિયામાં સૂતા દેખીને આશ્ચર્ય પામે. અને વળી બાપાશ્રી કોઈકને કહેશે જે, ‘કેટલું ઘી, ગોળ વગેરે સીધાનો પાક થયો તેનો હિસાબ કરો.’ ને બીજે સ્વરૂપે તો પોતાને ઘેર બેઠા હોય એવાં દર્શન થતાં અને કેટલાક તો મંદિરમાં બાપાશ્રીનાં દર્શન કરીને છત્રીએ દર્શન કરવા જાય, ત્યારે ત્યાં પણ બાપાશ્રી બેઠા હોય, ને પાસે હરિભક્ત પણ બેઠા હોય ને વાતો કરતા હોય-એવાં દર્શન થતાં, ને વળી મંદિરમાં આવે ત્યારે બાપાશ્રી બેઠા હોય ને પાસે સંત-હરિભક્ત પણ બેઠા હોય, એવાં દર્શન કરીને આશ્ચર્ય પામે. ને કેટલાક હરિભક્ત આવતા હોય, તેમને રસ્તામાં પણ દર્શન દેતા. કેટલાકને તો અતિ તેજોમય એવા શ્રીજીમહારાજની જોડે દેખતા. કેટલાકને શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થતા દેખાતા. કેટલાકને અતિ વૃદ્ધ-સ્વરૂપ અને પરાણે ઊઠી બેસી શકે એવા અશક્ત દેખાતા ને કેટલાકને તો યુવાન અવસ્થાવાળા ને અંગે અંગને વિષે અતિ હૃષ્ટપુષ્ટ એવાં દર્શન થતાં. આવી રીતે બાપાશ્રીનાં ભિન્ન ભિન્ન દર્શન થતાં તેણે કરીને સર્વે હરિભક્તને અતિ આશ્ચર્ય થતું ને અતિશય આનંદ પામી શ્રીજીમહારાજની જોડે બાપાશ્રીને પણ સંભારતા.
હવે યજ્ઞની સમાપ્તિને અંતે ફરતા ગામડાના હરિભક્ત બાપાશ્રીનાં દર્શન-પૂજા કરી ને પોતપોતાનાં ગાડાં જોડી પોતપોતાને ગામ ગયા. પછી બીજે દિવસ ગુજરાત આદિ દેશના હરિભક્ત પણ બાપાશ્રીનાં દર્શન કરી, તથા ચંદનપુષ્પથી સેવા-પૂજા કરીને અને મુક્તે સહિત શ્રીજીમહારાજની મૂર્તિ હૃદયમાં ધારીને પોતપોતાના દેશમાં ગયા. અને તે સંત-હરિભક્ત અંતઃકરણમાં અહોનિશ શ્રીજીમહારાજ ને બાપાશ્રી તથા યજ્ઞની લીલા સંભારતા હતા ને તેમને રાત્રીએ સ્વપ્નમાં પણ મુક્તરાજ બાપાશ્રી ને શ્રીજીમહારાજ તે દેખાતા હતા. તેમાં કોઈકને એવાં દર્શન થતાં જે, ‘બાપાશ્રી સંતની સભામાં બેઠા છે ને મેં દર્શન કર્યાં ને મને પુષ્પનો હાર આપ્યો.’ અને કોઈક સંતને સ્વપ્નમાં શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દર્શન થયાં, તેમાં શ્રીજીમહારાજે સર્વે સોનેરી વસ્ત્ર પહેર્યાં છે અને દિવ્ય તેજોમય મૂર્તિ એવા, ને તેમના ભેળા બાપાશ્રી છે અને તેમણે શ્વેત ને જાડાં વસ્ત્ર પહેર્યાં છે, એવા બાપાશ્રીએ સહિત શ્રીજીમહારાજનાં દર્શન થયાં. તેણે કરીને સર્વે પરમ આનંદને પામી અનાદિમુક્તે સહિત પ્રત્યક્ષ શ્રીજીમહારાજનું ભજન કરતા હતા.
ઇતિ વિશ્રામ ૬૩