વિશ્રામ ૬૭

હવે બાપાશ્રી અમદાવાદ આવ્યા પછી પોતાના પૌત્ર જાદવજીની આંખે ને હરજીભાઈના શરીરે ઠીક થતું આવતું હતું અને બાપાશ્રી પણ તેમને રાજી કરવા ત્રણ દિવસ ત્યાં રહ્યા. તે સમે નિત્યે શેઠ બળદેવભાઈની મોટરમાં બેસીને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા જતા ને સંતનાં દર્શન કરીને સભામાં બેસતા ને ઘણા સંત-હરિભક્ત બાપાશ્રી પાસે આવી આવીને દર્શન કરતા ને બાપાશ્રી પણ તેમને માથે હાથ મૂકી આશીર્વાદ આપે, બોલાવે, મહારાજની આજ્ઞા-ઉપાસનાની વાતો કરે -એમ અનેક પ્રકારે સુખ આપતા. પછી મંદિરમાંથી મિલમાં પધારે ત્યારે સંત પણ ઠાકોરજી જમાડીને મિલમાં આવે. ત્યાં બાપા પાસે સભા ભરાય ને ‘વચનામૃત’ની કથા વંચાય ને સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ ઘણા મોટા સંત તથા હરિભક્ત સભામાં બેઠા હોય ને બાપાશ્રી પરભાવની વાત કરતા ને વળી સંત પ્રશ્ન પૂછે તેના ઉત્તર સમજાવીને સર્વેને આનંદ પમાડતા હતા ને સર્વેને અક્ષરધામના જેવું મૂર્તિનું સુખ આવતું હતું. આવી રીતે નિત્ય પ્રત્યે કથાવાર્તા થતી. તેમાં એક દિવસ શેઠ બળદેવભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘હરિભક્તને આપની સ્મૃતિ રહે તે માટે સભાએ સહિત આપના ફોટોગ્રાફ લેવા છે.’ ત્યારે બાપાશ્રીએ હા કહી. પછી ફોટોગ્રાફવાળાને બોલાવીને ત્રણ-ચાર વખત છબીઓ પડાવી લીધી.

ત્યાર પછી એક દિવસ સભામાં બાપાશ્રી વાતો કરતા હતા જે, ‘‘આ સભા અક્ષરધામની છે ને શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત જેવા અક્ષરધામમાં છે તેવા જ મનુષ્યરૂપ છે, તોપણ દિવ્ય છે.’’ -આવી રીતે પ્રસંગોપાત્ત બાપાશ્રી અલૌકિક વાતો કરતા ને સંત-હરિભક્તને અત્યંત આનંદ થતો. ને શેઠ બળદેવભાઈ તો જાણે આમ ને આમ ઝાઝા દિવસ રોકાશે તેથી સૌની ઘણા દિવસની તાણ પૂરી થશે, ત્યાં તો નળકાંઠાના શામજીભાઈ, વેલસીભાઈ આદિ હરિભક્તોએ આવીને પ્રાર્થના કરવા માંડી જે, ‘બાપા ! દયા કરીને અમારાં ગામોમાં દર્શન દેવા પધારો ને ઘણા હરિભક્તો વાટ જોઈ રહ્યા છે.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે તો તમારા જેવા હરિભક્તોના મનોરથ પૂરા કરવા શ્રીજીમહારાજની ઇચ્છાથી અક્ષરધામમાંથી આવ્યા છીએ ને સર્વેને મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ આપવું -એવી શ્રીજીમહારાજે અમને આજ્ઞા કરી છે, તેથી તમે જ્યાં કહેશો ત્યાં આવીશું ને તમને મૂર્તિનું સુખ આપીશું, ને તમે પણ એક મહારાજની મૂર્તિ રાખશો ને મહારાજના વચનમાં વર્તશો.’’ -આવાં બાપાશ્રીનાં વચન સાંભળીને હરિભક્ત ઘણા રાજી થયા ને બાપાશ્રીને પોતાના ગામ લઈ જવા સારુ મોટર ભાડે કરીને લાવ્યા, એટલે બાપાશ્રી પોતે તૈયાર થયા ને બાપાશ્રીની સાથે આશાભાઈ, દલસુખભાઈ વગેરે હરિભક્ત પણ ચાલવા તૈયાર થયા ને સર્વે મોટરમાં બેઠા તે ગામ કુંડળ, નાનોદરા, દેવધોલેરા, કેસરડી, ઝાંપ, વનાળિયા, ઉપરદળ, મેટાળ, રેથળ વગેરે ગામોનાં હેતવાળા હરિભક્તોને દર્શન દઈ ઘેર ઘેર પધારીને સર્વેને મોક્ષના આશીર્વાદ આપ્યા ને હરિભક્તોએ ચંદનપુષ્પથી પૂજાઓ કરી. આવી રીતે સર્વે હરિભક્તની સેવા અંગીકાર કરીને બાપાશ્રી વાંસવા પધાર્યા.

હવે વાંસવાના શામજીભાઈ તથા લાલજી આદિ હરિભક્તો સામા આવી વાજતેગાજતે ધામધૂમથી બાપાશ્રીને મંદિરમાં તેડી ગયા ને પ્રાર્થના કરી જે, ‘બાપા ! અમારે આંહીં બાઈઓના મંદિરમાં મૂર્તિ પધરાવવાની છે, તેથી અમે સૌ આપની વાટ જોઈ રહ્યા છીએ, માટે દયા કરીને ત્યાં પધારો.’ -આવી પ્રાર્થનાથી હરિભક્તોએ સહિત પોતે મંદિરમાં આવીને મૂર્તિ પધરાવી ને આરતી ઉતારી તથા થાળ જમાડ્યો. પછી સૌને પ્રસાદી વહેંચી ને શામજીભાઈને ઘેર થાળ કરાવ્યો હતો ત્યાં બાપાશ્રી જમ્યા. પછી ચાલવાની ઇચ્છા જણાવી પણ હરિભક્તોની તાણે ત્યાં જ રાત રહી સર્વેને રાજી કર્યા. ત્યાં વિરમગામથી ડૉ. મણિલાલ બાપાશ્રીને તેડવા આવ્યા. તેમની સાથે બાપાશ્રી સેવકોએ સહિત વિરમગામ પધાર્યા. ત્યાં પણ હરિભક્ત સામા આવી બાપાશ્રીને ધામધૂમથી મંદિરમાં તેડી ગયા. પછી ડૉ. નાગરદાસભાઈને ઘેર થાળ કરાવ્યો હતો તેથી તેમને ઘેર જમ્યા ને ઘરનાં સૌને રાજી કરી મંદિરમાં આવીને આસન કર્યું. પછી સાંજના આરતીધૂન-કથાવાર્તા તથા નિત્યનિયમ કરીને હરિભક્તોને રાજી કર્યા. પછી ત્યાંથી પાટડી પધાર્યા.

ત્યાં દિવ્ય દૃષ્ટિવાળા મુક્તરાજ નાગજીભાઈ રહેતા તે ઘણા હરિભક્તોને સાથે લઈ તથા દરબારી ઘોડાગાડી ને વાજિંત્ર વગાડનારાઓએ સહિત સ્ટેશન સામા આવ્યા ને સૌ હરિભક્તોએ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવીને ઘોડાગાડીમાં બેસાર્યા. પછી વાજતેગાજતે બાપાશ્રીને શહેરમાં પધરાવી મંદિરમાં તેડી લાવ્યા ને બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને નાગજીભાઈને ઘેર થાળ તૈયાર કરાવેલ હોવાથી તેમને ઘેર જમવા પધાર્યા. ત્યાંથી પાછા મંદિરમાં આવી થોડી વાર આસન કર્યું ત્યાં તો નાગજીભાઈ, મેરાઈ નાથાલાલ આદિ હરિભક્તોએ આવીને બાપાશ્રીને ઘેર પધારવા વિનંતી કરી, ત્યારે બાપાશ્રીએ ઘરોઘર પધારીને સર્વના મનોરથ પૂરા કર્યા. પછી મંદિરમાં પધાર્યા ને હરિભક્તો સર્વે બાપાશ્રી પાસે આવીને બેઠા. ત્યારે બાપાશ્રી હરિભક્તને કહેવા લાગ્યા જે, ‘‘તમારા ગામમાં નાગજીભાઈ જેવા મુક્ત દર્શન દે છે માટે સૌ જોગ કરી લેજો.’’ -આમ કહીને નાગજીભાઈને કહ્યું જે, ‘‘તમે સર્વેને વાતો કરીને સુખિયા કરજો.’’ પછી રાત્રીએ કથાવાર્તા કરીને દર્શન-સેવાનો લાભ આપ્યો. ત્યાર પછી રેલે બેસી બાપાશ્રી અમદાવાદ પધાર્યા. આવી રીતે જ્યાં જ્યાં હરિભક્ત તેડાવે ત્યાં ત્યાં દર્શન દઈ આવીને પાછા શેઠ બળદેવભાઈની મિલમાં આવે. -એમ કરતાં અડખેપડખેનાં ગામડાંઓ વહેલાળ, કુજાડ, કણભા વગેરે ગામમાં દર્શન દેવા ગયા ને અમદાવાદમાં પણ પોતાના પૌત્ર જાદવજીની આંખે દવા કરવાથી ઘણો જ ફાયદો જણાવા લાગ્યો અને એ આંખોના નિમિત્તે હજારો હરિભક્તો તથા મુમુક્ષુઓને પણ બાપાશ્રીનાં દર્શન ને પ્રસન્નતાનો મોટો લાભ મળ્યો, તેથી સદ્‌. વૃંદાવનદાસજી ને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા શેઠ બળદેવભાઈ આદિ હરિભક્તો ઘણા રાજી થયા ને શેઠ બળદેવદાસજીએ પણ બાપાશ્રીની સેવા-સમાગમનો બહુ જ લાભ લીધો ને બાપાશ્રી પણ તેમની ઉપર પ્રસન્ન થયા.

તે સમે ઝાલાવાડ દેશના હરિભક્તો બાપાશ્રીને પોતાના દેશમાં લઈ જવાની ઇચ્છાથી અમદાવાદ આવ્યા હતા. તેમણે બાપાશ્રીની પ્રાર્થના કરવા માંડી જે, ‘હે કૃપાળુ ! અમારા ઉપર કૃપા કરી અમારાં ગામોમાં પધારી નાનાંમોટાં સર્વેને દર્શન દઈને અમને કૃતાર્થ કરો અને તમારા પધારવાથી ને આપનાં દર્શનથી અનંત જીવોનો મોક્ષ થશે.’ આવી રીતની તે ભક્તોની પ્રાર્થના સાંભળીને બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું જે, ‘‘સ્વામી ! હવે મારે કેમ કરવું ? આજ દિવસ સુધી જેમ સૌ રાજી થાય તેમ કર્યું. વળી આ હરિભક્ત ઝાલાવાડમાં તેડી જવાની તાણ કરે છે.’’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘‘એ હરિભક્તને પણ ભેળા ભેળા રાજી કરો; તમારે બીજું શું કામ ખોટી થાય છે !’’ -આવો ઉત્તર મળતાં બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમારે ગઢડે દર્શન કરવા જવાનો વિચાર છે; કેમ જે ત્યાં શ્રીજીમહારાજ બહુ રહ્યા છે ને અમે પણ ભેગા હતા તેથી ગઢપુરનાં દર્શનની ઇચ્છા રહે છે.’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘પહેલાં તો ઝાલાવાડના હરિભક્તને રાજી કરો તો સારું; કેમ કે એ ઘણા દિવસથી આપને ઇચ્છે છે, ને જો આપને ગઢડે દર્શન કરવાની ઇચ્છા હશે તો કચ્છમાં જતી વખતે એ બાજુથી જવાનું કરશું.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સારું.’’ -એમ એ હરિભક્તની અરજી સ્વીકારી. પછી શેઠ બળદેવભાઈ ઉપર ઘણી પ્રસન્નતા જણાવી ને તેમને તથા અમદાવાદના સર્વે હરિભક્તનેરાજી કરી બાપાશ્રી ચાલવા તૈયાર થયા ને તેમની સાથે જનારા સંત-હરિભક્ત પણ તૈયાર થયા.

હવે તે વખતે શ્રીનગર આદિ ગુજરાતના સર્વે હરિભક્ત હાથ જોડીને બાપાશ્રીની પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘હે અનાદિ મુક્તરાજ ! શ્રીજીમહારાજ ને તમે અખંડ અમારા ઉરમાં રહેજો ને અમે એક શ્રીજીમહારાજ ને આપના ચરણકમળના દાસ છીએ, માટે અમારા ઉપર દયા કરીને આ લોક-પરલોકના વિષયની વાસના દૂર કરીને અને મહાપુરુષ ને મહામાયા અને મહાકાળ ને અક્ષર એ સર્વેના ઐશ્વર્ય-સુખમાં સારપ્યનો રાગ હોય તે નાશ કરીને દિવ્યમૂર્તિ એવા શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત તેમના ભેળા રાખશો ને મૂર્તિનું રોમરોમનું સમગ્ર સુખ આપશો. અને આ દેહે કરીને મહારાજની ને મુક્તની આજ્ઞા ક્યારેય લોપાય નહિ અને કોઈ ભક્તનો અવગુણ આવે નહિ, અને સંતનો સમાગમ દેજો ને કુસંગથી છેટે રાખજો અને અખંડ મહારાજ ને મુક્ત સાંભરે ને કામ, ક્રોધ, માન, લોભ, રસાસ્વાદ આદિ સર્વે દોષ નાશ પામી જાય ને કથાવાર્તા, કીર્તન ને ધ્યાનભજન કરવામાં દિવસ ને રાત્રી વીતે-તેવી શ્રદ્ધા આપશો ને તેવી દયાદૃષ્ટિ સદાય રાખશો.’’

આવી રીતની તેમની સ્તુતિ સાંભળીને અનાદિ મુક્તરાજ બાપાશ્રી રાજી થઈને સર્વે ભક્તજનોને મળ્યા ને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા જે, ‘‘તમે શ્રીજીમહારાજની આજ્ઞામાં દૃઢ રહેજો; માયાના ગુણને મેલી મૂર્તિમાં રહીને મહારાજનું ભજન કરજો ને મહારાજની સર્વોપરી ઉપાસના સમજીને મહારાજનો આશરો રાખશો, તો અમે તમને સર્વેને મહારાજની મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ ભોગવાવશું ને આ લોકમાં પણ સદાય ભેગા રહેશું ને સર્વ વિઘ્ન થકી રક્ષા કરશું.’’ -એમ બાપાશ્રી સર્વેને રાજી કરી આશીર્વાદ આપી સંત-હરિભક્ત સહિત સ્ટેશન આવ્યા ને રેલગાડીમાં બેઠા ને સર્વે હરિભક્ત ઉપર દયાદૃષ્ટિ કરીને સર્વેને પાછા જવાનું કહ્યું ને રેલગાડી ઊપડી ને બાપાશ્રી સંત સહિત વિરમગામ આવ્યા.

ઇતિ વિશ્રામ ૬૭