વિશ્રામ ૪૩

એક સમે બાપાશ્રી મંદિરની ઓસરીમાં સંત-હરિભક્તની સભામાં બેઠા હતા. પછી બાપાશ્રી કૃપા કરીને વાત કરવા લાગ્યા જે, ‘‘સાધુને કોઈ પ્રકારનું માન કે મમત્વ ન કરવું : જે અમદાવાદ મારું, કે મૂળી મારું, કે ભૂજ મારું; કોઈ ઠેકાણે તમારું ખૂંટીવા ક્યાંય રાખ્યું નથી. તમારો સંતનો પ્રકૃતિના કાર્યમાં ક્યાંય ભાગ રાખ્યો નથી માટે માનસન્માન સારુ ક્યાંય બંધાવું નહિ તે ‘સાપ તુલ્ય સન્માન, પૂર્ણ પાપ તુલ્ય માન.’ સન્માન થાય તો કાળો નાગ વળગ્યો જાણવો. માન થાય તો પૂર્ણ પાપ વળગ્યું જાણવું. તે ઉપર સ્વામી અક્ષરજીવનદાસજીને ધ. ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે ગાદીતકિયો આપવા માંડ્યો પણ ન લીધો, તે વાત કરી. ને સંતને તો એમ સમજવું જે, ‘વનમાં છીએ, ગોળા માગી ખાઈએ છીએ પણ હવેલીઓ, બાગ-બગીચા, માન-સન્માન, ઉત્સવ-સમૈયા, રસોઈઓ એ આદિ કાંઈ નથી.’ ને ઘર મેલવું ત્યારે પણ એવો વિચાર કરવો જે, ‘વનમાં જઈએ છીએ ને ગોળા માગી ખાશું ને ભગવાન ભજશું.’ -તેવોજ ભાવ સદાય રાખે તો સુખે ભગવાન ભજાય ને મોટાનો જોગ-સમાગમ પણ થાય અને સત્સંગમાં પરિપક્વ નિશ્ચયવાળા સંતને માન-સન્માન, વસ્ત્ર, રસાસ્વાદ આદિ સિદ્ધિઓ મળે છે, પણ તેમાં બધી ગ્રહણ ન કરવી; ઘટે તેટલું ગ્રહણ કરવું બાકી ત્યાગ રાખવો, નહિતર ભગવાન ભુલાય ને વિષયી થઈ જવાય. અને રસાસ્વાદ જીવનું બહુ બગાડે છે; તે રસાસ્વાદ મૂકે તો મોટાના સમાગમનું સુખ આવે. તે બાજરાના રોટલા ઠાકોરજીને જમાડીને ભગવાન ભજવા ને સમાગમ કરવો. પૂર્વે ધોવરામણ પીને સમાગમ કર્યા છે; અત્યારે તો પત્તર ભરીને જોઈએ તેટલું મળે છે અને આગળ સંત પણ લીંબુ જેટલા ગોળા ખાઈને રહેતા ને આપણને તો પૂરેપૂરું મળે છે, તોપણ સ્વાદ ન મૂકે, તો દુઃખી થાય માટે રસાસ્વાદ ત્યાગ કરવો.’’ તે ઉપર પોતાની વાત કરી જે, ‘‘મારે બાજરીના રોટલા વિના બીજાની રુચિ જ નહિ ને દાંત નહિ તેથી ચવાય નહિ તે ઊનો રોટલો પાણીમાં બોળીને પછી દબાવીને રાખે. પછી દસ વાગે ગુવારનું કે રાતડિયાનું શાક હોય તે ચોળીને મહારાજને જમાડીએ ને સાંજના ચોખા વિનાની મઠની ખીચડી કરે, તેમાં મેળ લેવા બાજરીનો લોટ નાંખે તે ખીચડી જમાડીએ. તે વિના ગળ્યું-ચીકણું ગમે જ નહિ ને તે દેશમાં આવીએ તોપણ બાજરાનો રોટલો કરાવીએ ને ફળ, ફૂલ તથા નાના પ્રકારનાં મેવા-મીઠાઈ આવે પણ કોઈ દિવસ ખાવાનો સંકલ્પ જ થાય નહિ તે તમે જાણો છો, કોઈ દિવસ અમને જમતા દેખ્યા છે ?’’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘ખરું બાપા ! આપ સંતને વહેંચી આપતા પણ આપને કોઈ દિવસ જમતા દેખ્યા નથી.’ પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘કોઈ ભાવે કરીને આગ્રહ કરે તો લગાર ગ્રહણ કરીએ પણ તેની રુચિ નહિ; કેમ જે એ તો પછી જીવ ચાટણો થઈ જાય માટે એમ રાખીએ તો જ ઠીક રહે.’’ ત્યારે સંતે કહ્યું જે, ‘આપનું ખાવું-પીવું, ઓઢવું-પહેરવું તે તો સર્વે જીવના કલ્યાણને અર્થે છે, તોપણ અમને શીખવવા સારુ આપ એમ વર્તો છો. અમને પણ એવી રુચિ થાય તેવા આશીર્વાદ આપશો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મહારાજનો ને મોટાનો ખપ રાખશો તો તમારે પણ તેવું થશે.’’ -એમ રાજી થઈને બોલ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘ધર્મામૃતમાં બારશ ને પૂનમને દિવસે સાધુને પાકી રસોઈ લેવી તે વિના ન લેવી.’’ -એમ કહ્યું છે, ‘તેનું અમારે કેમ કરવું ?’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સાધુને ભોજનને વિષે સારા ભોજનનો ભાવ ન રાખવો; ગોળાનો ભાવ રાખવો ને પાણી નાખી મેળાવી એરંડિયા જેવું કરીને જમવું; મહારાજને સંભારીને મહારાજને જમાડવા. સંતને આજ્ઞા પ્રમાણે મળે ત્યારે જમવું પણ ડબ્બા ભરી ન લેવા; જમવાની ના નથી. અને કોઈને દૂર જવાનું હોય ને અવશ્ય લેવું પડે તો લેવું પણ અમથા ભરી ન રાખવું ને સંતને પોતાને હાથે ઠાકોરજીનો થાળ કરીને સંતને જમાડવાની શ્રદ્ધા રાખવી. મહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહારાજ રાજી થાય, પણ અમથા બેસી રહેવું નહિ; સેવા કરવી. અને અમદાવાદમાં બ્રાહ્મણ પાસે રસોઈ કરાવે છે પણ સંત હાથે કરતા નથી તેમાં ઠાકોરજીની ને સંતની સેવા કરવાનો મહિમા ક્યાં રહ્યો ? ન રહ્યો, માટે શ્રદ્ધા રાખવી ને મહિમા રાખવો. અને બ્રાહ્મણ સત્સંગી હોય ને વર્તમાન પાળતા હોય તેના હાથનું ખાવું ને જે બ્રાહ્મણ સત્સંગી ન હોય, ને વર્તમાન પાળતા ન હોય તેવાના હાથનું ખાવું નહિ.’’

પછી સાધુ કેશવપ્રિયદાસે પૂછ્યું જે, ‘‘સાધુમાં પણ વર્તમાન ન પાળતા હોય, તેના હાથનું ખાવું કે નહિ ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તેવાના હાથનું ન ખાવું પણ પોતાના હાથે રસોઈ કરીને જમવું, ને નોખી રસોઈ કરવાની સગવડ ન હોય ને ઉપાધિ થાય તેમ હોય અને ઠીક પડે તેમ ન હોય ત્યારે તો જગન્નાથપુરી સમજીને મહારાજને સંભારીને જમવું.’’

વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ‘‘પ્રથમના ૪૮ના વચનામૃતમાં કાગળની મૂર્તિ પૂજવાનું કહ્યું છે, તે કપડાની મૂર્તિ પૂજવામાં કાંઈ બાધ હશે ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમારે સંતને તો બાધ ખરો; કેમ જે લૂગડામાંથી રેશમી લૂગડાની થાય; ભરતવાળી થાય, હદ ન રહે. તેમાંથી જેનો તમે ત્યાગ કર્યો છે તે જડમાયાનો જોગ થયો કહેવાય; કેમ જે પાંચ સંત પાસે પાંચ પાંચ રૂપિયાનો માલ હોય તો પચીસ રૂપિયા થયા તો એટલો જડમાયાનો જોગ થયો કહેવાય, માટે સંતને જડમાયાજે દ્રવ્ય ને ચૈતન્યમાયા જે સ્ત્રી એ બેનો ત્યાગ દૃઢ જોઈએ ને તેમાં ફેર હોય તો તેના હાથનું અન્નજળ લેવામાં પણ દોષ છે અને તેવા સત્સંગમાં હોય તોપણ તેનો મોક્ષ થાય નહિ, માટે ત્યાગી થઈને જડમાયા ને ચૈતન્યમાયાનો ત્યાગ દૃઢ રાખવો. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, ‘‘સાચો ત્યાગી કોને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ પણ ન થાય.’’ તે તમે જડમાયા ને ચૈતન્યમાયાનો ત્યાગ કર્યો છે, તેનો સંકલ્પ પણ ન કરવો અને નિષ્કામશુદ્ધિ પ્રમાણે આજ્ઞાના ઉપવાસ અવશ્ય કરવા. તે ઉપર મધ્યના ૩૩ના વચનામૃતમાં કહ્યું છે તે વાત કરી.’’

પછી બ્રહ્મચારી નિર્ગુણદાસજીએ પૂછ્યું જે, ‘‘બ્રહ્મચારીને તીર્થ કરવા સારુ દ્રવ્ય રાખવું -એમ કહે છે તેનું કેમ સમજવું ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘બ્રહ્મચારીને સાધુની પેઠે જ દ્રવ્યનો ત્યાગ રાખવો. સાધુ, બ્રહ્મચારી, પાળા તે ત્યાગી કહેવાય માટે તે સર્વેને જડમાયા ને ચૈતન્યમાયાનો ત્યાગ દૃઢ રાખવો. પાળાને દેવનું તથા આચાર્યનું દ્રવ્ય હોય તેને અડવું, સાચવવું તેમાં બાધ નહિ, પણ પોતાનું કરીને પાળાને રાખવું નહિ -એવો મહારાજનો અભિપ્રાય છે. અને સાધુને લૂગડાં રાખવાનો વિધિ મહારાજે લખ્યો છે જે, ‘જાડાં ને હલકાં મૂલ્યવાળાં ને સાદાં હોય તેવાં રાખવાં પણ બહુ ભારે મૂલ્યવાળાં હોય તેવાં ન રાખવાં.’ અને કોઈને શરીરે ઠીક ન હોય, તો ઓઢવા-પહેરવામાં એક-બે લૂગડાં વધારે રાખે તેનો બાધ નહિ ને સંતને લૂગડાં પહેરવામાં, માથે બાંધવામાં રજોગુણ ન આવવા દેવો. તે ઉપર સ્વામી હરિનારાયણદાસજીની વાત કરી જે, માથે એક આંટો આમ દે ને એક આંટો આમ દે તેમાં રજોગુણ ન કહેવાય. અને પ્રથમના ૭૦ના વચનામૃતમાં કહ્યું છે જે, ‘ભગવાનના ભક્તને મોક્ષને અર્થે અહિંસાધર્મ પાળવો;’ તે અહિંસાધર્મ તે શું ? તો મન, વચન ને દેહે કરીને કોઈ જીવને દુખવશો નહિ અને બ્રહ્મચર્ય પાળવું તે અહિંસા ધર્મ કહેવાય. ને સાધુ થાવું, એટલે ત્રણ ગુણના ભાવ આવવા દેવા નહિ. તે કહ્યું છે જે, ‘નાખે અદાવત ને દિયે ગાળું, તેને ભક્ત સમજે દયાળુ.’ તે સદાનંદસ્વામીને માર્યા ને લાકડી ભાંગી ગઈ ત્યારે કહ્યું જે, ‘જે ગુરુભાઈકી લકડી ભાંગી ગઈ.’ તે સાધુતા કહેવાય. તે આપણે રાખવી પણ ડારા દેનારા તો ઘણા હોય પરંતુ તેવા થાવું નહિ. ને રુચિવાળા ને ધર્મવાળા હોય તેમણે ભેગા થઈને ભગવાન ભજવા ને ભગવાન ભજાવવા, તેમાં શ્રીજીમહારાજ રાજી થાય છે. ને માયા છે તે અંધકારરૂપ છે, તેથી જીવ આંધળા થાય છે. અને ઇંદ્રિયો-અંતઃકરણ સર્વે લૂંટારા છે તેનું કહ્યું કરે તો દુઃખ થાય. જેમ ચાર પાડાને ખવડાવીને પુષ્ટ કરી ખાટલાને પાયે બાંધીને સૂએ, તો સુખ ક્યાંથી આવે ? તેમ ઇંદ્રિયો-અંતઃકરણને મોકળાં મેલે તો મોક્ષના માર્ગથી પાડી નાખે; તેને નિયમમાં રાખે તો જ સુખ થાય. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે પણ હિંસા કહેવાય. તે અત્યારે તો દ્રોહની નદીઓ ચાલે છે, દ્રોહમાંથી તો જીવનો નાશ થઈ જાય ને તેમાંથી જીવનું બહુ બગડે તે આપણે જાળવવું.’’

પછી સાધુ કેશવપ્રિયદાસે પૂછ્યું જે, ‘‘મધ્યના ૫૧ના વચનામૃતમાં ‘અધિક ન વર્તવું’ -એમ કહ્યું છે તે શું સમજવું ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ગૃહસ્થને ત્યાગીનો ધર્મ જે સ્ત્રીદ્રવ્યનો ત્યાગ રાખવો ને સ્ત્રીદ્રવ્યને અડવું પણ નહિ તે. અને ત્યાગીને સૌની સાથે રાંધેલ અન્ન ન ખાવું ને લોટ પીને રહેવું તે અધિક વર્ત્યું કહેવાય, તેમ ન વર્તવું.’’

ઇતિ વિશ્રામ ૪૩