વિશ્રામ ૪
ત્યાર પછી સત્યસંકલ્પ ને સર્વને સુખદાતા અક્ષરાતીત મુક્તના સ્વામી, એવા સહજાનંદસ્વામી શ્રીજીમહારાજે પોતાના અનાદિમુક્તને સત્સંગમાં પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. ત્યારે અનાદિમુક્તે પાંચાભાઈના મનને વિષે પ્રવેશ કરીને દેવબાના ઉદરને વિષે પ્રવેશ કર્યો. ત્યારે તે દેવબા અતિ દિવ્યસ્વરૂપ દેખાવા લાગ્યાં નેસર્વે જન દેવબાને જોઈને આશ્ચર્ય પામવા લાગ્યાં. પછી શ્રીજીમહારાજના અનાદિમુક્ત શુભકાળને વિષે સંવત ૧૯૦૧ના હેમંતઋતુમાં કાર્તિક માસના શુક્લપક્ષમાં પ્રબોધિની એકાદશી ને સોમવારની રાત્રિના નવ વાગ્યાના સમયે (રાત્રિ સાડા સાત ઘડી જતાં) અનાદિમુક્તરાજ પ્રગટ થયા. તે સમયે માતા દેવબાને અતિ શ્વેત ને શીતળ એવો તેજનો સમૂહ દેખાયો; તેમાં તેજોમય, અતિ આનંદઘન, દિવ્ય દ્વિભુજ ને મૂર્તિમાન એવા શ્રીજીમહારાજનાં દર્શન થયાં. ત્યારે દેવબા શ્રીજીમહારાજને જોઈને અતિશય આનંદમાં બે હસ્ત જોડી નમસ્કાર કરીને જેટલામાં સ્તુતિ કરવાનું કરે છે ત્યાં તો શ્રીજીમહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી દેવબા બાળસ્વરૂપ મુક્તરાજને જોઈને અતિશય આનંદ પામ્યાં. અને તે મુક્તરાજના પ્રગટ થયાથી તે સમયે તે ગામ અને દેશને વિષે ઘણું જ મંગળ વર્તી રહ્યું હતું. અને સત્સંગમાં પણ સર્વે ભક્તજનનાં મન પ્રસન્ન થયાં અને માતાપિતા પોતાના પુત્રને લાલન-પાલન વગેરે સેવા કરવા લાગ્યાં.
ત્યાર પછી એક માસના પુત્ર થયા ત્યારે કોઈક દિવસ સ્તનપાન કરીને માતાના ખોળામાં બેઠા હતા. તે સમયે અનંતદેવ તે મુક્તનાં દર્શન કરવા સારુ આવ્યા અને તેમના વિમાનથી આકાશ સર્વે ઢંકાઈ ગયું અને મુક્ત ઉપર ચંદનપુષ્પની વૃષ્ટિ કરવા માંડી, ત્યારે માતાપિતા વગેરે સર્વને આશ્ચર્ય થયું. પછી મુક્તરાજશ્રીએ તે સર્વે દેવને પોતાનાં દર્શનથી આનંદ પમાડીને જવાની રજા આપી. તે જોઈને માતાપિતા તથા સર્વે જન આશ્ચર્ય પામ્યાં ને તે પુત્રને શ્રીજીમહારાજના મોટા મુક્ત જાણીને અતિશય સ્નેહ કરવા લાગ્યાં. એક વખત તે મુક્ત બે મહિના સુધી સ્તનપાન કર્યા વિના રહ્યા તોપણ અતિ રાજી રહે અને રુએ પણ નહિ ને શરીરે અતિ પુષ્ટ એવા મુક્તરાજશ્રી બાળચંદ્રની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યા અને દેવબાના ઘરમાં સર્વે સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામવા લાગી. અન્ન, ધન, વસ્ત્ર વગેરેથી ઘર ભરાઈ ગયું ને જે વસ્તુ જોઈએ તે તરત આવી પ્રાપ્ત થાય એવો મુક્તરાજશ્રીને પ્રગટ પ્રતાપ દેખાવા લાગ્યો અને મુક્તરાજશ્રી બાળચરિત્ર કરીને સર્વેને આનંદ પમાડવા લાગ્યા.
ત્યાર પછી બાળસ્વરૂપ એવા મુક્તરાજશ્રી ત્રણ મહિના અને અગિયાર દિવસના થયા ત્યારે સદ્. સ્વામી અચ્યુતદાસજી પોતાના મંડળ સહિત મહારાજની ઇચ્છાએ કરીને ભૂજનગરથી વૃષપુરને વિષે આવ્યા હતા, ત્યારે મુક્તરાજના પિતા પાંચાભાઈ સ્વામીને મોટા સમર્થ ને દિવ્ય દૃષ્ટિવાળા જાણીને પોતાના પુત્રને વર્તમાન ધરાવવા ને નામકરણ કરાવવા સારુ સ્વામીની પાસે લાવ્યા. ત્યારે સ્વામી અચ્યુતદાસજી તે બાળસ્વરૂપ મુક્તના મુખચંદ્ર સામું બે ઘડી જોઈ રહ્યા ને સ્વામીની વૃત્તિ મુક્તસ્વરૂપમાં જોડાઈ ગઈ, પછી બહુ મોટા જાણી તે મુક્તરાજનો જમણો હસ્ત પોતાના હાથમાં લઈને તેમાં ચિહ્ન જોઈને અતિ પ્રસન્ન થયા ને જળ રેડીને ‘સ્વામિનારાયણ’ એ ષડાક્ષર મંત્ર તથા ‘अनादि मुक्तोहं स्वामिनारायणदासोस्मि’ એ મંત્ર બોલીને વર્તમાન આપ્યાં, પછી સ્વામીએ બાળસ્વરૂપ મુક્તના કંઠને વિષે તુલસીના કાષ્ઠની સૂક્ષ્મ મણકાની બેવડી માળા પહેરાવી અને ભાલને વિષે કંકુમના ચાંદલા સહિત કેસરચંદનનું ઊર્ધ્વપુંડ્ર તિલક કરાવ્યું. અને બે બાહુ ને હૃદયને વિષે કેસરચંદનનાં તિલક કર્યાં. પછી પાંચાભાઈએ સ્વામીને ‘નામકરણ’ કરવાનું કહ્યું. ત્યારે સ્વામીશ્રી બાળસ્વરૂપ મુક્ત સામું જોઈ રહ્યા, ત્યારે અતિ દિવ્યતેજોમય સ્વરૂપ દેખાયા અને તેમના અનંત ગુણ-ઐશ્વર્ય દેખાયા પછી ‘અબજીભાઈ’ એવું નામ કર્યું. પછી મુક્તરાજને ઠાકોરજીની પ્રસાદીના પેંડા-પતાસાં આપીને વળી સ્વામી મુક્ત પ્રત્યે બોલ્યા જે, ‘‘હે મુક્તરાજ ! તમે સ્વામિનારાયણ ભગવાન-સ્વરૂપ છો ને સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પમૂર્તિ છો, માટે સર્વેને શ્રીજીમહારાજના સુખે સુખિયા કરજો અને શ્રીજીમહારાજની આજ્ઞા પાળજો ને પળાવજો.’’ પછી સ્વામીના મુક્તના પિતા પ્રત્યે બોલ્યા જે, ‘‘હે પાંચાભાઈ ! આ તમારા પુત્ર બહુ મોટા ને બહુ સમર્થ છે; સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત છે, માટે તમારા પુત્રને હજારો સંત-હરિભક્ત વશ વર્તશે ને સેવા-સમાગમ કરશે. વળી આ બાળસ્વરૂપ મુક્તરાજની કીર્તિ સમગ્ર સત્સંગને પવિત્ર કરશે ને અનાદિમુક્ત એવા મોટા મોટા સદગુરુ તથા હજારો સંત-હરિભક્ત તે પણ આ મુક્તને ગુરુ માનીને સમાગમ કરશે ને આ મુક્ત મોટા મોટા યજ્ઞ કરી લક્ષાવધિ સંત-હરિભક્તને ભેગા કરીને શ્રીજીમહારાજનું દિવ્ય સુખ આપશે ને શ્રીજીમહારાજે પોતે પ્રવર્તાવેલો એકાંતિક ધર્મ અને પોતાના સ્વરૂપની ઉપાસના તેની અતિશય જ પુષ્ટિ કરશે. અને અનંત સંત-હરિભક્તને સર્વોપરી માહાત્મ્યજ્ઞાને સહિત શ્રીજીમહારાજની ઉપાસના ને અનાદિમુક્તની સ્થિતિ સમજાવીને અનાદિમુક્તની સ્થિતિ કરાવશે ને અનંત મુક્તને શ્રીહરિજીની મૂર્તિમાં રાખશે. વળી આ તમારા પુત્ર તે પુરુષોત્તમ તુલ્ય અનાદિમુક્ત છે તથા સ્વતંત્ર ને નિરાવરણ દૃષ્ટિવાળા છે ને મૂર્તિમાં સળંગ રહ્યા છે ને ઉપશમ સ્થિતિમાં રહે છે; વળી અનુભવજ્ઞાને યુક્ત છે ને શ્રીજીમહારાજના સંકલ્પરૂપ એવા અનાદિમુક્ત છે અને આ મુક્તને વિષે શ્રીજીમહારાજના દિવ્ય ગુણ રહ્યા છે. તેને કહું છું જે : શમ, દમ, તપ, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બળ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિમાન, અનહંકૃતિ, અગર્વ, અમાનીપણું, અદંભીપણું, મિતાહાર, દક્ષતા, મિત્રપણું, સર્વોપકારીપણું, વિજય, બ્રહ્મણ્ય, શરણ્ય, અનિહ, અપરિગ્રહ, શ્રીજીમહારાજના સ્વરૂપમાં અચળ-દૃઢ માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી ભક્તિ, અને ગુરુસેવા ઇત્યાદિક દિવ્ય કલ્યાણકારી ગુણ આ પુત્રને વિષે રહ્યા છે. તે સર્વે ગુણને હું જાણી શકતો નથી અને બીજાને પણ જાણવા દુર્લભ છે. અને આ પુત્રને વિષે અનંત ઐશ્વર્ય, તેજ પ્રતાપ, શરીરનું સુંદરપણું આદિ રહ્યાં છે. એવા શ્રીજીમહારાજના અનાદિ મુક્તસ્વરૂપ આ પુત્રની સેવા કરજો. તેણે કરીને તમે સર્વે માયાના ભાવથી મુક્ત થઈને આત્યંતિક મોક્ષને પામશો અને જે કોઈ આ મુક્તનો આશ્રય કરશે ને સેવા-સમાગમ કરશેતે પણ મોક્ષને પામશે.’’ -આવી રીતે અચ્યુતદાસજી સ્વામીએ બાળસ્વરૂપ એવા મુક્તના ગુણ કહીને પછી શ્રીજીમહારાજની મૂર્તિ સંભારીને પ્રથમ નામ પાડ્યું છે તેનો અર્થ પણ સ્વામીએ પાંચાભાઈને કહ્યો જે, ‘અ’ કહેતાં સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત અને ‘બ’ કહેતાં સર્વને પામવા યોગ્ય એવા ફળરૂપ અને ‘જી’ કહેતાં સર્વને જીતવું એટલે વશ વર્તાવવું તેને વિષે સમર્થ અને ‘ભ્રાત’ કહેતાં બંધુની પેઠે સર્વેને મૂર્તિનું સુખ પમાડવું તે રૂપી હિત કરનારા માટે અબજીભાઈ એવો અર્થ સમજવો.
તેનો સવૈયો -
‘અખંડ અનાતિ સ્વતંત્ર હરિ,
સોય સંકલ્પ સ્વરૂપ દીખાયા.
બડહી પ્રતાપકું આપ છુપાય કે નિજ,
જનકો નિત્ય લાડ લડાયા.
જીવનપ્રાણ સદા સુખરાશિ,
ચૈતન્યનો નિત્યમુક્ત બનાયા.
ભ્રાત કે ભાતિ ભલાઈ કરીકે,
શ્રીજીસ્વરૂપમેં સ્થિર ઠેરાયા.’
એમ કહીને સ્વામી વિરામ પામ્યા. ત્યારે પાંચાભાઈ પોતાના પુત્રના ગુણ તથા નામ સાંભળીને અતિ હર્ષાયમાન થકા સ્વામીને નમસ્કાર કરી પોતાના પુત્રને તેડીને ઘેર ગયા ને પુત્રની માતા દેવબાને પુત્ર આપ્યા, ને પુત્રના ગુણ તથા નામ સ્વામીએ જે કહ્યાં તે સર્વે પોતાનાં પત્ની તથા સ્વજન તથા બીજા હરિભક્ત તેમને કહી સંભળાવ્યાં. ત્યારે તે સાંભળીને તે સર્વેને અતિશય આનંદ થયો અને દેવબાને શ્રીજીમહારાજે દર્શન દઈને વર આપ્યો હતો તે સાંભરી આવ્યો, તેથી પોતાના પુત્ર શ્રીજીમહારાજ-સ્વરૂપ અનાદિમુક્ત છે એમ જાણીને પુત્રને વિષે શ્રીજીમહારાજની ભાવનાએ અતિ સ્નેહ કરવા લાગ્યાં. પછી બાળસ્વરૂપ પુત્રને સ્તનપાન કરાવીને પારણિયામાં શયન કરાવ્યું. પછી દેવબા અને પાંચાભાઈ તેમણે પોતાના ઘેરથી ઘી, સાકર, લોટ આદિ લઈ જઈને સ્વાીને આપ્યાં ને નાના પ્રકારનાં ભોજન કરાવીને સર્વે સંતમંડળને જમાડ્યું, અને ચંદનપુષ્પના હારે કરીને સ્વામી વગેરે સંતની પુજા કરી ને વસ્ત્ર ઓઢાડ્યાં અને સ્વામી પણ મંડળ સહિત બાળસ્વરૂપ એવા મુક્તનાં દર્શન કરતા, ને કથાવાર્તા કરતા થકા તે ગામને વિષે પંદર દિવસ રહીને પાછા ભૂજનગર આવ્યા.
ઇતિ વિશ્રામ ૪