વિશ્રામ ૪૪

એવી રીતે અનાદિ મુક્તરાજશ્રી દિવસ દિવસ પ્રત્યે શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત તેમનું સ્વરૂપ સમજવાની રહસ્યરૂપ વાતો કરીને સર્વે સંતને બહુ સુખ આપતા હતા. તેવા સમયમાં અસલાલીના પટેલ શામળભાઈનાં બહેન કંકુબા હતાં,તે નાનપણમાંથી સાંખ્યયોગી થયાં હતાં ને સ્વધર્મનિષ્ટ ને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની સર્વોપરી ઉપાસનાની નિષ્ઠાવાળાં હતાં,તે કંકુબા આજ્ઞામાં રહીને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરતાં ને બીજી બાઈઓને કરાવતાં. એ કંકુબાએ જયતલપુરમાં માહોલથી ઉગમણી બાજુમાં તુલસીક્યારો હતો ને જ્યાં શ્રીજીમહારાજ દાતણ કરવા બેસતા, તે ઠેકાણે છત્રી કરાવી હતી. તેમાં અનાદિમુક્તના હાથે ચરણારવિંદ પધરાવવા અને ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડવું, તે પ્રસંગે અનાદિમુક્તશ્રીને તેડાવવાનો પત્ર પ્રાણશંકરભાઈની પાસે લખાવ્યો જે, ‘છત્રીએ ચરણારવિંદ પધરાવવાનાં છે ને પારાયણ કરાવવું છે માટે વસંતે પધારશો.’’ તે વાત જાણીને સ્વામી ઈશ્વરચરણદાસજીએ પણ બાપાશ્રીને પત્ર લખ્યો જે, ‘‘આપ વસંત ઉપર આવવાનું મુલતવી રાખશો ને અમે તેડવા આવીએ ત્યારે પધારશો; કેમ જે મૂળીના મહંત સ્વામી હરિનારાયણદાસજી ને અમદાવાદના પુ. નંદકિશોરદાસજી તથા ભગવત્સ્વરૂપદાસજી તેમણે છપૈયામાં શ્રીઘનશ્યામ મહારાજનું જન્મસ્થાન કરાવ્યું છે, -તેમાં બાળસ્વરૂપ શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવાની છે, તેથી ઘણાક સંત-હરિભક્ત સહિત ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી છપૈયે પધારવાના છે માટે તે પ્રસંગે આપશ્રી પણ પધારવાનું રાખશો; કેમ જે શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા સંતો તથા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તથા આપશ્રીના હાથે થાય તો શ્રીજીમહારાજના હાથે જ પ્રતિષ્ઠા થયા જેવો સૌને આનંદ થાય. તે જુઓને :- મૂળીમંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવા આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા હતા, તોપણ મહા સદગુરુ બ્રહ્માનંદસ્વામી પોતે ગઢપુર જઈ ગોપાળાનંદસ્વામીને ઘણી વિનંતી કરીને મૂર્તિ પધરાવવા સારુ તેડી લાવ્યા ને શ્રીજીમહારાજની મૂર્તિ ધ. ધુ. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ ને અનાદિમુક્ત ગોપાળાનંદસ્વામી તેમણે પ્રથમ મૂળીમાં ધ. ધુ. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ ને અનાદિમુક્ત ગોપાળાનંદસ્વામી તેમણે પ્રથમ મૂળીમાં પધરાવી, તો શ્રીજીમહારાજે પોતે પધરાવી હોય તેવો આનંદ સર્વેને થયો. તેમાં આંહીં પણ સર્વેને આનંદ થાય ને વળી અમદાવાદ ને વડતાલ એ બે દેશના સાધુ-હરિભક્ત સર્વેને એમ છે જે, ચૈત્રમાસના શ્રીહરિજયંતીના સમૈયામાં અનાદિમુક્તશ્રી પધારશે તો નાના મોટા આપણ સર્વેને દર્શનનો લાભ મળશે. એના સૌના અભિપ્રાયથી મેં આપને આ પત્ર લખ્યો છે.’’ -આવી રીતે પત્ર લખીને બાપાશ્રીને મોકલાવ્યો.

ત્યાર પછી સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો બાપાશ્રીને છપૈયે પધારવાનું આમંત્રણ આપવા સારુ વૃષપુર આવ્યા હતા ને બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેતા હતા. તેમાં એક દિવસ સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, ‘‘છપૈયે જન્મસ્થાનમાં મૂર્તિ પધરાવવાની છે, તેથી અમે આપશ્રીને તેડવા આવ્યા છીએ,’’ ત્યારે મુક્તરાજ બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમારું શરીર ખમે તેમ નથી માટે તમે જાઓ ને અમારા વિના ચલાવો તો ઘણું સારું; અમે દિવ્યસ્વરૂપે તમારા ભેળા આવશું,’’ -એમ કહ્યું, પણ બાપાશ્રીને સર્વેના મનોરથ પૂરા કરવાની ઇચ્છા છે તેને સદગુરુ જાણે છે; કેમ જે મૂળીના સંત-હરિભક્તને બાપાશ્રીનાં દર્શન-સમાગમની ઘણી ઇચ્છા છે. તેમ જ ગુજરાત, ખાખરિયા, નળકાંઠો આદિ દેશના ઘણા હરિભક્ત બાપાશ્રીનાં દર્શનની રાહ જોઈ રહ્યા છે ને કેટલાક તો બાપાશ્રી પધારે ત્યારે પારાયણો કરાવવાં ને કેટલાકે નવાં મંદિર કરાવ્યાં છે તેમાં બાપાશ્રી પધારે ત્યારે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવવી. એવી રીતે સર્વે નાના પ્રકારના મનોરથ કરીને બાપાશ્રીના પધારવાની વાટ જોઈ રહ્યા છે ને બાપાશ્રીને પણ તે સર્વેના મનોરથ પૂરા કરવાની ઇચ્છા છે, તેથી સદગુરુ સ્વામી બંને બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘‘હે કૃપાળુ ! આપને જરૂર પધારવું જોઈએ તેવું છે, પણ ચાલે તેવું નથી. પછી આપની મરજી હોય તેમ કરો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તે દેશમાં આવીએ તો મૂળીવાળા કહેશે જે આંહીં રહો ને ગામડાનાં કહેશે જે અમારે ત્યાં આવો ને નળકાંઠાવાળા કહેશે જે અમારે ત્યાં આવો. વળી તમે કહેશો જે ખાખરિયામાં આવો અને અમદાવાદવાળા કહેશે જે અમારે તો અહીં આટલું રહેવું જોઈશે અને અમારે શરીરે ખમાય એવું રહ્યું નહિ, ત્યારે કેમ કરવું ?’’ ત્યારે બીજા સંતોએ કહ્યું જે, ‘બાપા ! ગુજરાત પ્રેમી કહી છે, તે ત્યાંના હરિભક્ત તો બહુ પ્રેમ કરે ને આપને હેરાન કરે માટે ત્યાં જાવું નહિ તે ઉત્તમ છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘એનું તો કાંઈ નહિ; કેમ જે આ દેહ તો ગુજરાતના હરિભક્તો સારુ જ ધારણ કર્યો છે, એમને તો સર્વેને સુખી કરવા છે અને સર્વેના મનોરથ પૂરા કરી રાજી કરવા છે, પરંતુ જે ભક્ત મરજી જાણે નહિ ને પોતાનું ધાર્યું કરવા સારુ ખેંચતાણ કરે ને અમારી મરજી પ્રમાણે કરે નહિ તે અમને ગમે નહિ; ને જે મરજી પ્રમાણે જ કરે પણ પોતાનું ધાર્યું કરવાનો સંકલ્પ પણ રાખે નહિ તે ગમે અને તેના ઉપર ખરો રાજીપો થાય.’’ -એમ બાપાશ્રીએ કહ્યું. ત્યારે સદગુરુ સ્વામી બોલ્યા જે, ‘‘બાપા ! અમારે કાંઈ સંકલ્પ નથી પણ હરિભક્તના વતી આપને તેડવા આવ્યા છીએ.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘રામપુરની કથા સાંભળીને સંઘ સોંઢાડશું.’’

તે સમે ગામ રામપુરમાં મુક્ત ધનુબાએ ‘વચનામૃત’ ને ‘ભક્તચિંતામણિ’ એ બે પુસ્તકનું તેર દિવસનું પારાયણ કરવાનો પ્રારંભ કર્યો હતો, તેથી સંત સહિત બાપાશ્રીને તે કથામાં પધારવાનું આમંત્રણ આવ્યું હતું. પછી બાપાશ્રી સર્વે સંતને સાથે લઈને રામપુર પધાર્યા ને ત્યાં ભૂજના સર્વે સંત પણ આવ્યા હતા ને ચોકમાં ચંદની બાંધી કથામંડપ શોભાવ્યો હતો ને બ્રહ્મચારી સ્વામી ‘ભક્તચિંતામણિ’ની ને સાધુ ભક્તિપ્રિયદાસજી ‘વચનામૃત’ની કથા વાંચતા હતા અને સંત-હરિભક્તની મોટી મોટી સભાઓ થતી ને બાપાશ્રી તે સભામાં આસન ઉપર બેસીને કથા સાંભળતા ને વાતો કરતા ને કથામાં ન સમજી શકાય તેવી વાત આવે તેનું વિવેચન કરીને સર્વેને સમજાવતા ને કથાની સમાપ્તિ થયા પછી વેકરાના મંદિરમાં પધારતા. તે વખતે સ્વામી આદિ સંતોનો ઉતારો વેકરાના મંદિરમાં રાખ્યો હતો ને બાપાશ્રી પણ રાત્રીએ ત્યાં પોઢતા ને સંત તથા બાપાશ્રી રાત્રીના ત્રણ વાગે સ્નાન, પૂજા આદિ કરીને કથાવાર્તા કરતા ને સર્વેસંત સાંભળતા અને કોઈક વખત સંતમંડળ વચનામૃત ને કીર્તન વગેરે કંઠે બોલતા.

એક દિવસ બ્ર. નિર્ગુણદાસજી ‘અધમ ઉધારણ અવિનાશી, તારા બિરદ તણી બલિહારી રે,’ -એ પ્રભાતિયું બોલ્યા ત્યારે બાપાશ્રી રાજી થકા બોલ્યા જે, ‘‘બ્રહ્મચારી ! તમે તો શ્રીજીમહારાજને બહુ રાજી કર્યા.’’ ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપે કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા છે એ નક્કી નિશ્ચય છે અને મૂર્તિ ભુલાતી પણ નથી ને મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવાય છે, પણ જેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવે છે તેમ સુખ ભોગવાતું નથી.’’ ત્યારે બાપાશ્રીએ બ્રહ્મચારીનો હાથ ઝાલીને કહ્યું જે, ‘‘તમને શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ જોડી દીધા છે અને તમારા તો સંકલ્પ ચાલે છે પણ તમને તમારા બળની ખબર નથી, ને તમારું બળ તો શ્રીજીમહારાજે ને અમોએ રોકી રાખ્યું છે તે તમારા સુખને સારુ, પણ તમે તો સદાય મૂર્તિના સુખમાં જ રહો છો ને અનાદિમુક્ત છો.’’

એક દિવસ બાપાશ્રીએ કલ્યાણસિંહજી ભક્તને કહ્યું જે, ‘‘તમે અહીં બેઠા ભજન કરો છો, પણ તમારે તો કથામાં આવવું જોઈએ. અને જો કથામાં આવો તો શ્રીજીમહારાજની મૂર્તિ સાક્ષાત્‌ દેખાડીએ.’’ ત્યારે તે ભક્તે કહ્યું જે, ‘‘જરૂર દેખાડશો ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘જરૂર દેખાડશું.’’ પછી તે ભક્ત અતિશય રાજી થયા અને બીજે દિવસ વહેલા સ્નાન-પૂજા કરી બાપાશ્રી પાસે આવીને બેઠા ને કહ્યું જે, ‘‘હવે મૂર્તિ દેખાડો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘કથામાં દેખાડશું.’’ પછી અજવાળું થયું ત્યારે બાપાશ્રી સંતમંડળ અને તે ભક્તને લઈને કથામાં પધાર્યા ને કથા ચાલુ થઈ હતી. તે વખતે બાપાશ્રી સભામાં દર્શન કરી આસન ઉપર બિરાજમાન થયા અને તે ભક્ત પણ પાસે બેઠા. ત્યારે તે ભક્તે બાપાશ્રીને કહ્યું જે, ‘‘હવે મૂર્તિ દેખાડો.’’ ત્યારે બાપાશ્રીએ લાંબો હાથ કરીને ખુરશીમાં પધરાવેલી શ્રીજીમહારાજની મૂર્તિ દેખાડીને કહ્યું જે, ‘‘જુઓ, આ કોણ છે ?’’ ત્યારેતે ભક્તને પ્રતિમાભાવ ટળીને દિવ્યભાવ આવી ગયો ને પોતાના હૃદયમાં મૂર્તિ ધારી, ત્યાં તો તેજમાં તેજોમય મૂર્તિ દેખાઈ ને પરમ આનંદને પામ્યા. પછી બાપાશ્રી સામું જોયું, ત્યાં તો બાપાશ્રીને પણ અતિ તેજોમય સ્વરૂપ દેખ્યા. પછી અંતર્વૃત્તિ કરીને મૂર્તિમાં જોડાઈ ગયા અને શ્રીજીમહારાજ જેવા અક્ષરધામમાં દિવ્યમૂર્તિ છે તેવા જ પ્રતિમા સ્વરૂપે સત્સંગમાં પ્રત્યક્ષ છે અને અનાદિમુક્ત દ્વારે સુખ આપે છે, એમ તેમને સાક્ષાત્કાર થઈ ગયો ને અખંડ શ્રીજીમહારાજની મૂર્તિ દેખાવા લાગી. અને મુક્તરાજ બાપાશ્રીએ તે કથામાં સંત-હરિભક્તને બહુ જ સુખિયા કર્યા ને કથાની સમાપ્તિને દિવસે સંતનાં મંડળ ને હરિભક્તના સમૂહે સહિત ગંગાએ સ્નાન કરવા પધાર્યા. ત્યાં બાપાશ્રી ગંગાની ધારાએ બેસીને સ્નાન કરવા લાગ્યા અને સંત-હરિભક્ત તે પ્રસાદીના જળમાં સ્નાન કરવા લાગ્યા ને સ્નાન કરી રહ્યા, એટલે સર્વે મંદિરમાં આવ્યા. પછી બાપાશ્રી જમીને ચાલવા તૈયાર થયા ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને કહ્યું જે, ‘‘તમે સર્વે ભૂજ જાઓ અને અમે ઘેર જઈ તૈયાર થઈને ભૂજ આવશું, પછી ત્યાંથી અમદાવાદ સમૈયે ચાલશું.’’ તેમ કહી સંતમંડળ સહિત ગાડામાં બેસીને ચાલ્યા અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી બાપાશ્રીની જોડે ગાડામાં બેઠા હતા અને બીજા સંતો બાપાશ્રીને છાંયો કરવા ગાડા ઉપર લૂગડાના ચાર છેડા ઝાલીને ચાલતા હતા, તેથી રસ્તામાં પથરા અને ઝાંખરાંથી સંતને અથડાતા જોઈને સ્વામીએ કહ્યું જે, ‘‘સાચવીને ચાલજો; વાગે નહિ.’’ ત્યારે સંતે કહ્યું જે, ‘‘વાગે તો ભલે, પણ બાપાશ્રીનાં દર્શન તો થાય છે.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ દર્શન ક્યાં મળે એવાં છે; બહુ દુર્લભ છે પણ તમને તો સુલભ થયાં છે.’’ -એમ વાતો કરતા રસ્તામાં જ્યાં માર્ગ બદલાય છે ત્યાંથી પોતે વૃષપુર ગયા ને સર્વે સંત ભૂજ ગયા.

ઇતિ વિશ્રામ ૪૪