વિશ્રામ ૨

ક્ષર અક્ષરથી પર, સર્વ કારણના કારણ, અપરિમિતકોટિ પરમએકાંતિક અનાદિમુક્ત તેમના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન, તે પોતાના અક્ષરધામમાં સદા વિરાજમાન છે. તે પોતાના પ્રેમી ભક્તને લાડ લડાવવા છપૈયાપુરમાં ધર્મભક્તિ થકી પ્રગટ થયા અને પોતાને વિષે અતિ પ્રીતિવાળા ધર્મદેવને ભક્તિમાતા અને રામપ્રતાપભાઈ એ આદિ સ્વજન તેમને તથા બીજા ભક્તોને બહુ સુખ આપ્યાં. પછી વનવિચરણ કર્યું અને પુલહાશ્રમમાં એક પગે ઊભા રહી તપશ્ચર્યા કરી, તે સમયે નરનારાયણ તથા બ્રહ્મા, શંકર, સૂર્ય આદિ દેવ દર્શન કરવા આવ્યા, તેમણે પ્રાર્થના કરી ત્યારે તપની સમાપ્તિ કરી. પછી વનમાં અનેક જીવનો ઉદ્ધાર કરતા થકા ગોપાળજોગીને મળ્યા, ને તે જોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી દેહ મેલાવીને મુક્ત કર્યા તથા નવ લાખ જોગીને દયા કરીને દર્શન દીધાં ને નવ લાખ સ્વરૂપે થઈને સર્વને મળ્યા ને તેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા. પછી જગન્નાથપુરી ને સેતુબંધ રામેશ્વર આદિ તીર્થમાં ફરી લોજપુરમાં આવીને મુક્તાનંદસ્વામી આદિ સંત ભેગા રહ્યા અને રામાનંદસ્વામીને પત્ર લખ્યો તેમાં મુમુક્ષુ જીવોના મોક્ષ સારુ પોતાનું વર્તન તે લખી જણાવ્યું. પછી રામાનંદસ્વામીને પીપલાણામાં મળ્યા ને તેમની પાસેથી મહાદીક્ષા ગ્રહણ કરીને રામાનંદસ્વામીને ગુરુ કર્યા. અને રામાનંદસ્વામી શ્રીજીમહારાજને ગાદીએ બેસારી અંતર્ધાન થયા. પછી શ્રી સહજાનંદસ્વામી, નારાયણમુનિ, સ્વામિનારાયણ, સ્વામી, હરિકૃષ્ણ તથા હરિ અને કૃષ્ણ ને શ્રી ઘનશ્યામ મહારાજ ને શ્રીજીમહારાજ એ આદિ નામે કરીને પોતાનું ભજન અને પોતાની મૂર્તિનું ધ્યાન પોતાના ભક્તજનને કરાવવા માંડ્યું, અને મોટા મોટા સદ્‌. મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી આદિ પાંચસો પરમહંસ તથા મુકુંદાનંદ ઇત્યાદિક નૈષ્ઠિક બ્રહ્મચારી અને મોટા મોટા સદ્‌ગૃહસ્થ દાદાખાચર, સુરાખાચર, સોમલાખાચર, હિંમતસિંહ, સુરસિંહ આદિ પોતાના આશ્રિત થયા. અને શ્રી સહજાનંદસ્વામી સંત-હરિભક્તને સાથે લઈને સોરઠ, કચ્છ, કાઠિયાવાડ આદિ દેશમાં વિચર્યા, અને અનેક મતવાદીઓને સમાધિઓ કરાવી. એ આદિ અનંત, અપાર ને દિવ્ય અદભુત એવો પોતાનો ઐશ્વર્ય-પ્રતાપ જણાવીને હજારો મનુષ્યને પોતાનાં આશ્રિત કર્યાં ને પૃથ્વીને વિષે ત્યાગી-ગૃહીના આશ્રમના વિભાગપૂર્વક શુદ્ધ એકાંતિક ધર્મ સ્થાપન કર્યો ને પોતાનું સર્વોપરી ‘સ્વામિનારાયણ’ નામે પૂર્ણ પુરુષોત્તમપણું પ્રગટ કર્યું. પછી શ્રીજીમહારાજ દુર્ગપુરમાં વિશેષપણે રહેતા અને કોઈક સમયે ભક્તના પ્રેમને વશ થઈને ગુજરાત આદિ દેશમાં જતા-આવતા, પણ કચ્છ આદિ દૂર દેશમાં જવાનું બંધ રાખ્યું હતું.

તે સમયે શ્રીજીમહારાજના વિયોગે કરીને દુખિયા કચ્છદેશના હરિભક્ત જે રત્નો ભક્ત, કરસન ને કચરો તથા ભીમજી, ગંગારામભાઈ, સુંદરજીભાઈ, હીરજીભાઈ, રાયધણજી આદિ તથા સૂરજબા, કરણીબા આદિ ઘણાં ભક્તજન બાઈઓ તથા ભાઈઓ તે શ્રીજીમહારાજને કચ્છમાં તેડી લાવવાની ઇચ્છાથી શ્રીજીમહારાજનાં દર્શન કરવા દુર્ગપુર આવ્યાં. તે સમે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા ને પાસે મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, દાદાખાચર, સોમલાખાચર, સુરાખાચર, ભગુજી અને મૂળજી બ્રહ્મચારી આદિ સંત-પાર્ષદ બેઠા હતા, અને કચ્છના હરિભક્તો દર્શન કરવા લાગ્યા. તે સમયે શ્રીજીમહારાજે દિવ્યસ્વરૂપે પોતાનું દર્શન આપ્યું, તેથી તે ભક્તો દેહનું ભાન ભૂલી ગયા અને શ્રીજીમહારાજના સ્વરૂપમાં જોડાઈ ગયાં, અને મૂર્તિનું બહુ સુખ આવ્યું. પછી શ્રીજીમહારાજે એ ભક્તોને બોલાવ્યા ત્યારે સ્મૃતિ આવી. પછી શ્રીજીમહારાજે સત્કાર કરીને રાખ્યા. તે કેટલાક દિવસ રહીને દર્શન-સેવાનો લાભ લીધો, પણ કચ્છના ભક્તોએ શ્રીજીમહારાજને વિનંતી કરી જે, ‘‘હે હરિ ! અમે સંતમંડળ સહિત આપને કચ્છમાં તેડી જવા આવ્યા છીએ અને કચ્છના નાનામોટા સર્વે ભક્તને તમારાં દર્શનની બહુ જ ઇચ્છા છે, માટે કચ્છમાં પધારવા કૃપા કરો ને આપણાં દર્શન-સેવાનો સર્વેને લાભ આપો.’’ ત્યારે તે કચ્છના સર્વે ભક્ત અતિશય દિલગીર થઈ ગયા. ત્યારે પરમ કૃપાળુ શ્રી સહજાનંદસ્વામી મહારાજ બોલ્યા જે, ‘‘હે ભક્તજનો ! અમે તમારા ભેગા જ છીએ, ને અમે તમારી સેવા બહુ અંગીકાર કરી છે અને વળી કચ્છદેશમાં અમારા અનાદિમુક્તને મોકલશું. અને અનાદિમુક્ત તે દેશમાં ઘણા દિવસ રહેશે અને તમો આદિ સર્વેને સુખિયા કરશે, માટે તમે કાંઈ ચિંતા કરશો નહિ. મારે કચ્છના સત્સંગી ઉપર ઘણું હેત છે માટે અમારી ઇચ્છાથી અનાદિમુક્ત ત્યાં આવીને રહેશે. તે મુક્તમાં ને અમારામાં કાંઈ ફેર સમજશો નહિ; એ તો અનેક જીવના આત્યંતિક મોક્ષ કરવા સારુ તે અનાદિમુક્ત અમારા સંકલ્પથી આવશે અને અનંત ભક્તને અનાદિમુક્ત કરશે.’’ ત્યારે વૃષપુરના રત્નાભક્ત બોલ્યા જે, ‘‘હે મહારાજ ! તમારા અનાદિમુક્ત કચ્છમાં કિયા ગામમાં પ્રગટ થશે ?’’ ત્યારે શ્રીજીમહારાજ ‘મંદ મંદ’ હસીને બોલ્યા જે, ‘‘તારા ગામમાં પ્રગટ થશે.’’ ત્યારે તે ભક્તે કહ્યું જે, ‘‘બહુ સારું, મહારાજ !’’ એમ કહીને તે ભક્તજનો પોતાના દેશમાં ગયા. આ વાત શ્રીજીમહારાજે મધ્યના ૪૮ના વચનામૃતમાં કરી છે જે, ‘‘અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકીશું, પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી તોપણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.’’-આમાં શ્રીજીમહારાજે અનાદિમુક્તને સત્સંગમાં મોકલવાની ઇચ્છા જણાવી છે.

સંવત ૧૮૮૫ના ચૈત્રમાસમાં શ્રીહરિનવમીને દિવસે શ્રીજીમહારાજે મોટી સભા કરી હતી તેમાં ધ. ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ તથા સદ્‌. મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, શુકાનંદસ્વામી, વાસુદેવાનંદસ્વામી આદિ મોટા મોટા સંત-બ્રહ્મચારી તથા દાદાખાચર, સોમલાખાચર આદિ મોટા મોટા હરિભક્ત સભામાં આવીને બેઠા હતા, અને મધ્યે ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા હતા. પછી શ્રીજીમહારાજે વાત કરી જે, ‘‘આપણે ઘણા જીવના મોક્ષ સારુ સત્સંગિજીવન ગ્રંથ કરાવ્યો છે ને બીજા પણ તેને અનુસરતાં શાસ્ત્ર કર્યાં છે. તેમાં કોઈક ઠેકાણે શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ અવતારને અને તે અવતારના અવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જે અમે, તે તેમની ને તમારી એકતા કરીને વર્ણન કર્યું છે ને કોઈક ઠેકાણે તે શાસ્ત્રમાં અમને સર્વ અવતારના અવતારી ને સર્વોપરી કહ્યા છે. અને અમે જે વાતો કરી છે તેનાં વચનામૃત લખાયાં છે, તેમાં તો એક અમે જ સર્વોપરી ભગવાન છીએ ને શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ સર્વે અમારા અવતાર છે. અને અમારા અક્ષરધામમાં પરમએકાંતિક મુક્ત અમારી પાસે રહ્યા છે ને અનાદિમુક્તને અમારી મૂર્તિમાં રાખ્યા છે. અને અમારા પ્રકાશનો સમૂહ તે જ અક્ષરધામ છે, તેમાં અમે સદાય વિરાજમાન છીએ. અને તે ધામનાં કિરણોમાં અનંતકોટિ અક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યાં છે, અક્ષરનાં કિરણોમાં વાસુદેવ બ્રહ્મરૂપી બ્રહ્માંડ રહ્યાં છે, વાસુદેવ બ્રહ્મનાં કિરણોમાં મહાપુરુષ ને મહામાયારૂપી બ્રહ્માંડ રહ્યાં છે, મહાપુરુષનાં કિરણોમાં વૈરાજરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે, અને અક્ષર પર્યંત સર્વેને અમારા તેજનાં કિરણો કરીને સુખ-સામર્થ્ય ને પ્રકાશને આપીએ છીએ. અને અમે તો પરમએકાંતિક તથા અનાદિમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા એક જ સ્વામિનારાયણ ભગવાન છીએ. આવી અમારા મહિમાની વાતો ને વચનામૃતમાં ને ખરડામાં છે. તે વચનામૃત અને ખરડા જેની પાસે હોય તે સર્વે અમારી પાસે લાવો.’’ ત્યારે જેની જેની પાસે હતા તે સર્વે લાવ્યા. પછી વચનામૃત ને ખરડા ભેગા કરાવીને શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, નિત્યાનંદસ્વામી ને શુકાનંદસ્વામી એ પાંચ સદગુરુને સોંપ્યા અને કહ્યું જે, ‘‘તમે પાંચ સદગુરુ આ સર્વે ઘણાંક વચનામૃત છે અને ખરડા છે, તેનું શોધન કરીને સત્સંગિજીવન ગ્રંથને મળતું થાય અને અમારું સર્વોપરીપણાનું જ્ઞાન રહે, એમ દ્વિઅર્થી ભાવમાં વચનામૃત લખો.’’ ત્યારે તે પાંચ સદગુરુઓએ શ્રીજીમહારાજને કહ્યું તે પ્રમાણે વચનામૃતનું શોધન કરવા માંડ્યું. પછી વચનામૃત આશરે નવસોથી બારસો હતાં તથા ખરડા પણ ઘણા હતા તેમાંથી શોધન કરીને ૨૬૨ વચનામૃત તૈયાર કર્યાં, અને તે વચનામૃતની બે પ્રતો લખીને શ્રીજીમહારાજને બતાવી ને વાંચી સંભળાવી. પછી શોધન કરતાં બીજાં ૧૧ વચનામૃત બીજા પાસે રહી ગયેલાં તે મળ્યાં, તે ૨૬૨ વચનામૃતમાં ઉમેરી ૨૭૩ વચનામૃત કર્યાં અને તે શ્રીજીમહારાજને બતાવ્યાં. તેને જોઈને શ્રીજીમહારાજ બહુ રાજી થયા ને સર્વે પ્રત્યે બોલ્યા જે, ‘‘આ વચનામૃતનું શોધન કર્યું તેથી આમાં હવે કોઈને સંશય નહિ થાય.’’

ત્યાર પછી કોઈક સમયે શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામી આદિ સદગુરુઓને કહ્યું જે, ‘‘આ વચનામૃતમાં અમારું રહસ્યજ્ઞાન છે, તે તમ જેવા મુક્ત વિના પોતાની મેળે સમજાય તેવું નથી. માટે તમે સર્વેને સમજાવજો; કારણ કે અમારી સર્વોપરી ઉપાસના સમજે તો જ અમારી મૂર્તિના સુખની પ્રાપ્તિ થાય, માટે તે વાત તમે જીવંત પર્યંત જરૂર પ્રવર્તાવજો, અને અમે તો અક્ષરધામમાં જઈને બેસશું, પણ તમારા જેવા અનાદિમુક્તને મોકલશું; તે વચનામૃતનાં રહસ્યાર્થ પછીથી સમજાવશે.’’

ત્યાર પછી શ્રીજીમહારાજે અંતર્ધાન લાલી કરવા મંદવાડ ગ્રહણ કર્યો અને ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, ‘‘અમને રજા આપો.’’ ત્યારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે, ‘‘સારું મહારાજ. જેમ આપની મરજી હોય તેમ કરો; અમારે જેમ આપની મરજી હશે તેમ રહેવું છે.’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘અમે તમારા ઉપર બહુ રાજી છીએ અને હું જેવો છું તેવો તમારા ભેગો જ છું. અને જેટલું અમે કરીએ તેટલું તમે પણ કરશો.’’- એમ ગોપાળાનંદસ્વામી ઉપર શ્રીજીમહારાજે પ્રસન્નતા જણાવી.

પછી વળી શ્રીજીમહારાજે મોટા સદગુરુ આદિ સંતમંડળ તથા બ્રહ્મચારી, પાળા ને ગૃહસ્થ ભક્ત તેમની સભા કરી. પછી તે સર્વેને શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘હવે અમે અદૃશ્ય થઈશું અને તમે સર્વે ગોપાળાનંદસ્વામીની આજ્ઞામાં વર્તજો અને તે અમારે ઠેકાણે છે અને અમે શ્રીનરનારાયણ, શ્રીલક્ષ્મીનારાયણ, શ્રીરાધાકૃષ્ણ ને શ્રીગોપીનાથ આદિ મૂર્તિઓ પધરાવી છે, તે અમે જ અમારા સંકલ્પે કરીને તે મૂર્તિઓરૂપે થઈને દર્શન આપીએ છીએ, પણ બદરિકાશ્રમવાસી નરનારાયણ અને ગોલોકવાસી ગોપીનાથ તે ન જાણશો. અને અમારી શ્રીસહજાનંદસ્વામી નામની ચિત્રપ્રતિમા પધરાવી છે, તથા શ્રીહરિકૃષ્ણ નામે ધાતુની મૂર્તિ પધરાવી છે, તે મૂર્તિનું ધ્યાન કરજો. અને પ્રતિમારૂપ અમને પ્રત્યક્ષ જાણીને સેવા કરજો અને સર્વે સાધુ, બ્રહ્મચારી ને પાળા-તે શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામશુદ્ધિ પ્રમાણે આજ્ઞામાં રહેજો અને ગૃહસ્થ-ભક્ત તે શિક્ષાપત્રી પ્રમાણે રહેજો, તો અમે તમને અમારા ભેગા રાખશું અને અમારી કેડે કોઈ દેહ મૂકશો નહિ તથા અન્નજળ મૂકશો નહિ ને અમારા વચનમાં રહીને કથાવાર્તા-ધ્યાનભજન કરજો, તો હું સદાય તમારા ભેગો રહીશ અને મૂર્તિમાં અમારા ભેગા રાખીશ પણ જે ત્યાગી થઈને સ્ત્રીધનનો ત્યાગ રાખશે નહિ, તે ત્યાગીને આલોક-પરલોકમાં અમારા ભેગા નહિ રાખીએ.’’- એમ કહીને સભાની સમાપ્તિ કરી.

ત્યાર પછી શ્રીજીમહારાજે અંતર્ધાનલીલા કરી અને અક્ષરધામમાં વિરાજમાન થયા. તે સમયે શ્રીજીમહારાજે પોતાના નેત્રકમળનું મટકું માર્યું, ત્યારે સર્વે મુક્તોએ પૂછ્યું જે, ‘‘હે મહારાજ ! તમે આ શું ચરિત્ર કર્યું ?’’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘અમે એક નિમિષ માત્રમાં નરલોકમાં નરનાટક ધારણ કરીને ઓગણપચાસ વર્ષ, બે માસ ને એક દિવસ રહ્યા ને એકાંતિક ભક્તને લાડ લડાવ્યાં અને તેમને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા. હવે અમે મંદિરો કરાવીને મૂર્તિઓ પધરાવી છે ને શાસ્ત્ર કરાવ્યાં છે તથા મોટ સંત રાખ્યા છે તે દ્વારે જીવોના મોક્ષ કરશું. અને વળી અનાદિમુક્તને પણ મોકલશું. અને તે અનાદિમુક્ત દ્વારા વચનામૃતના રહસ્ય અર્થ ને અનાદિમુક્તની સ્થિતિ સમજાવીને અનાદિમુક્ત કરશું.’’

ઇતિ વિશ્રામ ૨