વિશ્રામ ૨૬
ત્યાર પછી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિના સુખભોક્તા ને શ્રીજીમહારાજને વિષે અતિ પ્રેમ ને દાસપણું તેણે યુક્ત ને શ્રીજીમહારાજના સંકલ્પથી મનુષ્યસ્વરૂપ એવા અનાદિમુક્ત અબજીબાપાશ્રી -તે જ્યેષ્ઠ માસમાં ઠાકોરજીનાં દર્શન કરવા સારુ ભૂજ પધાર્યા હતા. તે સમે સાધુની સભામાં બેસીને ધર્મામૃતની કથા ચાલુ થઈ હતી ને સર્વે સંત સાંભળવા બેસતા ને બાપાશ્રી પણ સભામાં બેસીને સર્વે સંતને ધર્મામૃતની તથા ઉપાસનાની વાતો કરતા ને સંત પણ બાપાશ્રીની વાતો સાંભળીને રાજી થયા હતા.
પછી કોઈક સમયે અમદાવાદ-મંદિરમાં નાના આચાર્યને ગાદીએ બેસાર્યા હતા, તેથી કરીને સાધુ હરિભક્તમાં ઘણો જ વિક્ષેપ થયો હતો. તેના સમાધાન સારુ અબજીબાપાશ્રી તથા સ્વામી અક્ષરજીવનદાસજી-તે સંત-હરિભક્તને સાથે લઈને મૂળીએ આવ્યા હતા ને બાપાશ્રીએ સંતોને આજ્ઞા-ઉપાસનાની વાતો કરીને શ્રીજીમહારાજનો સિદ્ધાંત સમજાવ્યોજે, ‘‘આ મંદિર, દેવ તથા આચાર્ય તે શ્રીજીમહારાજે ને મુક્તોએ કર્યાં છે તેને અનુસરીને ભજન કરવું ને આજ્ઞામાં રહેવું પણ આચાર્યની ત્રીજી ગાદી કરવી નહિ, તેમ શિખરબંધ મંદિર પણ ન કરવું, આજ્ઞા-ઉપાસના દૃઢ રાખવાં ને એકાંતમાં રહીને ભજન કરવું.’’ -એમ બાપાશ્રીએ ને સ્વામી અક્ષરજીવનદાસજીએ ઘણી વાતો કરી. તેથી સર્વે સંતને એમ જણાયું જે, ‘‘આ મુક્તરાજ બાપાશ્રીને શ્રીજીમહારાજે મોકલ્યા છે ને મહારાજ જાણે તેટલું જ પોતે જાણે છે; માટે આપણે તેમનાં વચનમાં રહેવું.’’ -એમ ઘણા સંત-હરિભક્તને બાપાશ્રીનો મહિમા જણાયો. ત્યાંથી બાપાશ્રી ને સ્વામી આદિ સર્વે લીલાપુર, સેડલા, પાટડી, બામણવા, જરવલા, કાળિયાણા ને વિરમગામ થઈને શ્રીનગર પધાર્યા. ત્યાં પણ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ ઘણા સંતોને તથા રાવસાહેબ કેશવલાલભાઈ, શેઠશ્રી આશાલાલભાઈ ને વકીલ સોમેશ્વરભાઈ આદિ ઘણા મોટા મોટા હરિભક્તોને ભેગા કરીને સમાધાન કરવાની વાતો કરી ને સર્વેને એકતા કરાવી, તેથી સર્વે સંત-હરિભક્ત ઘણા રાજી થયા. પછી બાપાશ્રી પાછા ભૂજ પધાર્યા ને સ્વામીશ્રી આદિ ભૂજ રહ્યા ને બાપાશ્રી આદિ વૃષપુર પધાર્યા.
ત્યાર પછી સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ તથા મૂળીના સ્વામી બાળકૃષ્ણદાસજી, પુ. ધર્મકિશોરદાસજી આદિ ઘણા સંત તથા હરિભક્ત-તે બાપાશ્રીનો સમાગામ કરવા સારુ આવ્યા હતા. તે સમે બાપાશ્રી મંદિરમાં હરિભક્તની સભામાં ભીંતે આસન ઉપર બેઠા હતા, તેમનાં દર્શન કરીને સર્વે સંત-હરિભક્તને અતિશય આનંદ થયો ને દંડવત્ કરવા લાગ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને બાપાશ્રીને મળ્યા. પછી સર્વે સંત આસને બેસીને કથાવાર્તા કરવા લાગ્યા ને કથાની સમાપ્તિ થઈ, એટલે બાપાશ્રીએ સંતને ખીચડી કરવાનું પૂછ્યું. ત્યારે સંતોએ ના કહી ને હરિભક્તોને પોતાને ઘેર વાળુ કરવા તેડી ગયા ને જમીને સૌ મંદિરમાં આવ્યા ને કથાવાર્તા કરી. પછી સમાપ્તિ કરીને બાપાશ્રીએ મંદિરની ઓસરીમાં શયન કર્યું ને રાત્રીના ચાર વાગે જાગીને મૂર્તિનું ધ્યાન કરવા બેઠા. તે સમે કેટલાક સંત-હરિભક્તને મુક્તરાજની દયાથી શ્રીજીમહારાજનાં દિવ્યરૂપે દર્શન થયાં, તે જાણે શ્રીહરિનાં અંગેઅંગમાંથી તેજની છટાઓ છૂટે છે ને બાપાશ્રી પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં છે -એવાં દર્શન કરીને સૌ અતિશય આનંદ પામ્યા. પછી શ્રીહરિ અદૃશ્ય થયા ને બાપાશ્રી જેવા હતા તેવા જ દેખાયા, ત્યારે સર્વે દર્શન કરી નિત્યવિધિ કરવા ગયા ને બાપાશ્રી પણ સ્નાન-પૂજા કરી ઘેર પધાર્યા ને સંત-હરિભક્ત મંદિરમાં કથાવાર્તા કરવા લાગ્યા ને બાપાશ્રી સંત-ભક્ત સારુ રસોઈનો સામાન મંદિરમાં મોકલાવીને પોતે સભામાં પધાર્યા ને આસન ઉપર ધ્યાનસ્થ બેઠા.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘‘જ્યારે વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે ભગવાન જીવને સમીપે થાય છે કે જીવ ભગવાનને સમીપે જાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘જીવને આવા મુક્તનો જોગ થાય છે ને તે જીવ પોતાના મનનું ગમતું મૂકીને તે કામાદિક દોષને ટાળીને મોટાને જીવ સોંપી દે છે ને આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે છે ને ખરો ગરજવાન ને દીન થાય છે, ત્યારે મોટા મુક્ત એના પડદા ટાળી દે છે, એટલે અને મૂર્તિ દેખાય છે; એટલે મોટા મૂર્તિ પમાડે છે. માટે મોટા સાથે હેત કરવું.’’
ત્યારે ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ‘‘જીવની ને શ્રીજીમહારાજની વચ્ચે પડદા કેટલા હશે?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ ને પંચવિષયનો રાગ એ માયાના પડદા છે. તેથી પર પુરુષ, તેથી પર બ્રહ્મ ને તેથી પર અક્ષર એ ત્રણ પડદા છે. તે જ્યારે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા મુક્તનો જોગ થાય ત્યારે તે મુક્તના પ્રતાપે કરીને સ્વામિનારાયણ ભગવાનની દૃઢ ઉપાસના સમજાય, ત્યારે તેને પડદા રહેતા નથી. માટે પુરુષ, બ્રહ્મ અને અક્ષર એ ત્રણને પડ્યા મૂકી શ્રી સ્વામિનારાયણરૂપ થઈને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવી, અથવા અનાદિમુક્તરૂપ થાવું અથવા શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનવું ને તે તેજમાં મૂર્તિ ધારવી અથવા મૂર્તિમાં રહીને મૂર્તિ ધારવી ત્યારે તે પુરુષોત્તમરૂપ થાય છે; તેને કોઈ આવરણ રહેતું નથી.’’ -આવી રીતે મુક્તશ્રી સંત-હરિભક્તને વાતો કરી સુખ આપતા હતા.
સંવત ૧૮૬૫ના ફાગણ સુદ બીજને દિવસે ભૂજમાં છત્રીએ ચરણારવિંદ પધરાવવાનું મુહૂર્ત હતું. તે છત્રી જેઠી ઘેલાભાઈએ જે ઠેકાણે નવા પરમહંસની મંડળીને શ્રીજીમહારાજ દર્શન દેવા સામા ગયા હતા. અને જે ઠેકાણે સંતને સામા જઈને મળ્યા હતા ત્યાં કરાવી હતી. તે સમે ભૂજમાં સ્વામી અક્ષરજીવનદાસજી માંદા હતા, તેમને એમ સંકલ્પ થયો જે, ‘‘છત્રીના સમૈયા ભેળો જ મારે પણ દેહત્યાગનો સમૈયો કરવો.’’ અને તે છત્રીના ઉત્સવમાં ઘણા સંત-હરિભક્ત આવ્યા હતા ને મુક્તશ્રી પણ વૃષપુરથી આવ્યા હતા. પછી તે મુક્તશ્રીએ સ્વામી અક્ષરજીવનદાસજીની પાસે આવી દર્શન કરીને તથા દર્શન દઈને સ્વામીને કહ્યું જે, ‘‘સ્વામી ! શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ રહો; સુખ માત્ર મૂર્તિમાં જ છે.’’ ત્યારે સ્વામીએ હાથ જોડી મુક્તશ્રીને 'જય સ્વામિનારાયણ' કર્યા ને કહ્યું જે, ‘‘સ્વામી ! તમે ઘણા જીવને સુખી કર્યા છે, તેથી તમારા ઉપર શ્રીજીમહારાજ અતિશય રાજી છે.’’ -એમ કહ્યું. તે જ સમયે સ્વામીને તેજમાં તેજોમય શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને મૂર્તિમાં જોડાઈ ગયા. ને બાપાશ્રી સ્વામી પાસે બેઠા હતા ને બીજા કેટલાક સંત-હરિભક્ત પણ બેઠા હતા. અને જેઓ છત્રીએ ચરણારવિંદ પધરાવવા ગયા હતા તેમણે પ્રતિષ્ઠાવિધિ કરી ચરણારવિંદ પધરાવ્યા. પછી સર્વે સંત-હરિભક્ત જમી રહ્યા-તે જ સમે સ્વામીશ્રીએ દેહ મૂક્યો. તે વાત સાંભળીને સર્વે અતિ શોકાતુર થયા ને તુરત મંદિરમાં સ્વામીશ્રી પાસે આવ્યા, પણ સ્વામીને દેહ મેલી ગયા જાણી અતિ શોકમાં સ્વામીને દંડવત્ કરીને ચંદન-પુષ્પહારથી પૂજા કરવા લાગ્યા. પછી સ્વામીશ્રીને પાલખીમાં પધરાવી ઉત્સવ કરતા થકા નદીએ લઈ ગયા, ત્યાં અગ્નિદાહાદિક સર્વે વિધિ કરી. પછી સર્વે મંદિરમાં આવ્યા ને તે રાત્રીએ સંત-હરિભક્તની સભા થઈ હતી ને બાપાશ્રી પણ તે સભામાં બેઠા હતા. તે સમે સ્વામીશ્રીના શોકે કરીને દિલગીર થતા એવા સર્વે સંત-હરિભક્તને બાપાશ્રીએ શાંતિ પમાડ્યા, તોપણ બ્ર. નિર્ગુણાનંદજીને સ્વામીના વિરહનો શોક મટ્યો નહિ ને શોકે કરીને કથા વાંચતાં વાંચતાં હૃદય ભરાઈ આવતું હતું ને નેત્રમાં જળ આવવાથી વાંચી શકતા નહિ. ત્યારે અનાદિ મુક્તરાજ બાપાશ્રી બ્રહ્મચારીને શાંતિ પમાડવા સારુ તેમના સામું જોઈને કહેવા લાગ્યા જે, ‘‘સ્વામી ! દિલગીર કેમ થાઓ છો ? સ્વામી ક્યાંય ગયા નથી; અહીં આ મૂર્તિમાં જ છે ને શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત આ સભામાં પ્રત્યક્ષ છે.’’ એમ કહ્યું. તે જ સમયે બ્રહ્મચારીને સર્વે સભા તેજોમય દેખાઈ ને મધ્યસ્થ શ્રીજીમહારાજની મૂર્તિ તેજોમય દેખાઈ ને બાપાશ્રીને વિષે પણ દિવ્યભાવ થઈ ગયો. એવી રીતે મુક્તરાજશ્રીએ સર્વેને શાંતિ પમાડ્યા. ત્યાર પછી કથાની સમાપ્તિ કરી ને બાપાશ્રીએ બીજે દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સર્વે સંત-હરિભક્તને દેશમાં જવાની આજ્ઞા કરી ને સર્વેને મળ્યા ને રાજી કર્યા, પછી પોતે કેસરાભાઈ આદિ હરિભક્તને સાથે લઈ વૃષપુર પધાર્યા.
ઇતિ વિશ્રામ ૨૬