વિશ્રામ ૯
જેમણે મહામુક્તને પોતાની પાસે રાખ્યા છે ને તે મુક્તને પોતાનાં દર્શન-સ્પર્શનું સુખ આપે છે અને કૈવલ્યમુક્તને મૂર્તિમાં રાખ્યા છે ને પોતાની સળંગ મૂર્તિનું સુખ અનુભવાવે છે ને અકળિત સ્વરૂપ એવા ને સર્વના સ્વરૂપના સ્વરૂપી, સર્વે મુક્તના સ્વામી, સર્વ અવતારના અવતારી નેપોતાના અંગપ્રકાશરૂપ અક્ષરધામના ધામી એવા શ્રીહરિજી સ્વામિનારાયણ ભગવાન, તેમની ઇચ્છાથી અનંત જીવના આત્યંતિક મોક્ષ કરવા મનુષ્યરૂપે પ્રગટ થયેલા એવા મુક્તશ્રી અબજીભાઈ તે પોતાને ઘેર આવી પોતાને વિષે અતિ સ્નેહવાળા જે પોતાનાં માતાપિતા તેમને તથા પોતાને વિષે અનન્ય નિષ્ઠાવાળાં પોતાનાં પત્ની ને બીજા સ્નેહી ભક્તજનો તેમને આનંદ ઉપજાવતા થકા પોતાનાં પત્ની સાથે ગૃહસ્થાશ્રમમાં ધર્મનું અનુકરણ કરતા થકા પોતાના ઘરને વિષે નિવાસ કરીને રહ્યા છે. તે સમયને વિષે શ્રીનગરને વિષે રહ્યા ને અનાદિમુક્ત ગોપાળાનંદસ્વામીના શિષ્ય અને ગોપાળાનંદસ્વામી તુલ્ય ને મૂર્તિને સુખે સુખિયા ને નિરાવરણ દૃષ્ટિવાળા ને શ્રીજીમહારાજના સ્વરૂપનું રહસ્યજ્ઞાન તેના જ્ઞાતા ને દાતા ને અનંત જીવને જ્ઞાનદાને કરીને સર્વેને મૂર્તિનું સુખ આપતા ને અનાદિમુક્ત એવા સદ્. સ્વામી નિર્ગુણદાસજી-તે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં તો આ મુક્ત ભેળા રહ્યા છે, તોપણ અનેક ભક્તજનના સમાસને અર્થે આ અનાદિ મુક્તરાજશ્રીને મળવાની ઘણી ઇચ્છા કરવા લાગ્યા. પછી તે સ્વામી નિર્ગુણદાસજી પોતાના સાધુ કૃષ્ણચરણદાસજી આદિ સંતમંડળને સાથે લઈને મુક્તશ્રીને મળવા સારુ ભૂજનગરની યાત્રાનું નિમિત્ત કરીને શ્રીનગરથી ચાલવા તૈયાર થયા, ત્યારે સ્વામીશ્રીને ભાઈશ્રીને મળવા જતા જાણીને પુ. દેવચરણદાસજી ને પુ. કૃષ્ણજીવનદાસજી તે પણ પોતાના મંડળ સહિત સ્વામી સાથે ચાલ્યા. તે મૂળીપુરમાં આવી વસંતપંચમીનો સમૈયો કર્યો ને ત્યાંથી સાધુ બાળકૃષ્ણદાસજી તે પણ સ્વામી નિર્ગુણદાસજીનાં ને અબજીભાઈનાં દર્શન-સમાગમ સારુ ભેગા ચાલ્યા. પછી સદ્. સ્વામી નિર્ગુણદાસજી તે સર્વે સંતમંડળ સહિત ગામ હળવદ આવ્યા, ત્યાંથી ગામ ઘાંટીલા થઈ રણ ઊતરીને ગામ ગાંગોદર પહોંચ્યા, ત્યાંથી ગામ ભચાઉ, અંજાર થઈને ભૂજનગરમાં આવ્યા ને ભૂજમંદિરમાં દેવનાં દર્શન કરી પાંચ દિવસ રહી સર્વેને રાજી કર્યા. પછી સ્વામીએ મુક્તશ્રી અબજીભાઈને મળવા સારુ શ્રીવૃષપુર જવાની ઇચ્છા કરી. હવે મંડળે સહિત સદ્. સ્વામી ભૂજનગરમાં આવ્યા છે તે વાત સાંભળીને મુક્તરાજશ્રી પટેલ કુંવરજીને તથા નારાયણભક્ત અને નારાયણપુરના જાદવજીભાઈને કેસરાભાઈ એ આદિ કેટલાક સ્નેહી ભક્તોને સાથે લઈને સ્વામીનાં દર્શન કરવા ભૂજમંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને સંત-હરિભક્તની સભામાં બેઠેલા સદ્. સ્વામી નિર્ગુણદાસજીને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી તત્કાળ ઊભા થઈને મુક્તરાજશ્રીને પોતાને હાથે ઉપાડી લઈને અતિ સ્નેહે કરીને મળ્યા ને બીજા સર્વેને પણ મળ્યા. પછી મુક્તરાજશ્રીને પોતાની પાસે બેસાડીને સર્વે સમાચાર પૂછવા લાગ્યા ને ઠાકોરજીના થાળની આરતી થઈ, ત્યારે સ્વામીશ્રીએ મુક્તરાજશ્રીને તથા તેમની સાથે આવેલા ભક્તોને ઠાકોરજીના થાળનાં ભોજન જમાડીને અતિશય તૃપ્ત કર્યા. પછી તે જ દિવસે માંડવીથી લક્ષ્મીરામભાઈ તથા રામપુરથી દેવરાજભાઈ આદિ હરિભક્ત સ્વામીનાં દર્શન કરવા આવ્યા અને શ્રીઠાકોરજી તથા સ્વામીનાં દર્શન કરી પરમ આનંદ પામ્યા. તે સમે મુક્તરાજશ્રી ને સ્વામી નિર્ગુણદાસજી તેમનો મેળાપ થયો અને વળી સર્વે મોટા મોટા હરિભક્તો પણ આવ્યા, તેથી સમૈયો બહુ સારો થયો. નિત્યે સભામાં સ્વામીશ્રી તથા મુક્તરાજશ્રી અતિ રહસ્યની વાતો કરતા ને તે સમે સર્વે સંત-હરિભક્તને પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ભેગા રહ્યા જેવો આનંદ વર્તાતો હતો.
એક દિવસ સ્વામી નિર્ગુણદાસજી ને મુક્તશ્રી સભામાં બેઠા હતા ને લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, જાદવજીભાઈ, કુંવરજી પટેલ, વશરામભાઈ, દેવરાજભાઈ, ભૂજના પુરુષોત્તમભાઈ, કોઠારી જાદવજીભાઈ આદિ મોટા મોટા હરિભક્ત તથા સ્વામી દેવચરણદાસજી, સ્વામી અક્ષરજીવનદાસજી આદિ મોટા મોટા સંત પણ બેઠા હતા. તે સમયે સ્વામી નિર્ગુણદાસજી વચનામૃતમાંથી શ્રીજીમહારાજના અભિપ્રાય પ્રમાણે શ્રીજીમહારાજ ને અનાદિમુક્તના માહાત્મ્યજ્ઞાનની વાતો કરતા થકા બોલ્યા જે, ‘‘મહામાયા ને મહાપુરુષથી પર મહાકાળ ને નરનારાયણ છે અને તેથી પર વાસુદેવબ્રહ્મ ને તેમના મુક્ત છે, તે સર્વે બ્રહ્મકોટિ કહેવાય છે. તેથી પર સૃષ્ટિકર્તા અક્ષર ને તેમના મુક્ત છે, તે અક્ષરકોટિ કહેવાય છે. તેથી પર શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે, તે અક્ષરધામ, બ્રહ્મમહોલ, બ્રહ્મ એ આદિ નામે કરીને કહેવાય છે. તે ધામને મધ્યે દિવ્ય સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે અને તે શ્રીજીમહારાજને ચારે કોરે તથા નીચે ઉપર અનંતકોટિ મહામુક્તનાં મંડળ બેઠાં છે ને તે સર્વે મુક્ત શ્રીજીમહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે શ્રીજીમહારાજની મૂર્તિમાં અપાર, અલૌકિક ને અનહદ સુખ છે ને સર્વે મુક્ત તે મૂર્તિને જોઈને સુખ લે છે ને શ્રીજીમહારાજ તે સર્વે મુક્તને સમીપે ને સન્મુખ ભાસે છે, એવી અલૌકિક મૂર્તિ છે. અને તે સર્વે મુક્ત મૂર્તિ સાથે જોડાઈ ગયા છે ને મૂર્તિના સુખે સુખિયા છે ને તે મુક્તને પરમએકાંતિક મુક્ત, મહામુક્ત, ને વિદેહી મુક્ત એ આદિ નામે કરીને કહેવાય છે ને તે મુક્તને દેહદેહી ભાવ નથી અને તે મુક્ત શ્રીજીમહારાજની મૂર્તિ, ધામ ને મુક્ત તે વિનાબીજું કાંઈ જોતા નથી. અને અનંતકોટિ અનાદિમુક્ત છે, તે તો શ્રીજીમહારાજની મૂર્તિ સ્વરૂપ છે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે ને સળંગ મૂર્તિના રોમરોમના નવીન નવીન સુખ અનુભવજ્ઞાને કરીને અખંડ અનુભવે છે, માટે પરમ એકાંતિક મુક્તથી અનાદિમુક્તને અધિક આનંદનો અનુભવ છે. એવા જે અનાદિમુક્ત તેમને સર્વાત્માબ્રહ્મ, કૈવલ્યમુક્ત તથા નિત્યમુક્ત એ આદિ નામે કરીને શ્રીજીમહારાજે કહ્યા છે; અને તે અનાદિમુક્ત મૂર્તિમાં જ રહે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી, પરંતુ શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાય છે અને શ્રીજીમહારાજની ઇચ્છાએ કરીને અનંત જીવના મોક્ષને અર્થે અત્યારે આ લોકમાં પ્રગટ થયા છે, તે આ પ્રત્યક્ષ અબજીભાઈ છે. માટે આ મુક્તશ્રી શ્રીજીમહારાજના સ્વરૂપનું સર્વોપરી રહસ્યજ્ઞાન ને અનાદિમુક્તની સ્થિતિ સમજાવશે; ને અનંતને અનાદિમુક્ત કરશે.’’ -એમ સ્વામીશ્રીએ વાતો કરી, તેને સાંભળીને સર્વે સંત તથા હરિભક્ત અતિ રાજી થયા અને સ્વામીના જોગે કરીને અનાદિ મુક્તની સ્થિતિને શ્રીજીમહારાજનો મહિમા તેને સમજવા લાગ્યા. એવી રીતે વિશેષ જ્ઞાનની પ્રવૃત્તિ થવા લાગી.
કોઈક દિવસ સભામાં લક્ષ્મીરામભાઈએ નિર્ગુણદાસજીસ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, ‘‘સ્વામી ! શ્રીજીમહારાજ અક્ષરધામમાં બિરાજે છે તે પોતાના અનાદિમુક્ત તથા પરમ એકાંતિક મુક્ત તેમની સાથે કેમ હસતા હશે ? કેમ બોલાવતા હશે ? કેમ સુખ આપતા હશે ? અને મુક્ત મહારાજનું સુખ કેમ લેતા હશે ? અને તે મુક્તને માયિક દેહ-ઇંદ્રિયો તો નથી; ચૈતન્યઘન છે માટે તે દયા કરીને સમજાવો.’’ ત્યારે સદ્. સ્વામીએ તે પ્રશ્નનો ઉત્તર કર્યો નહિ ને અનાદિમુક્ત અબજીભાઈને કહ્યું જે, ‘‘તમે શ્રીજીમહારાજ ને મુક્ત તેમનો દિવ્યભાવ જોઈને આ પ્રશ્નનો ઉત્તર કરો.’’ ત્યારે ભાઈશ્રી કહે જે, ‘‘શ્રીજીમહારાજ અને તેમના મુક્ત દિવ્ય આનંદઘન સ્વરૂપ છે. તે અનુભવજ્ઞાને કરીને સળંગ મૂર્તિના સુખને અનુભવે છે ને શ્રીજીમહારાજ સર્વે મુક્ત સાથે હસે છે, બોલે છે, સુખ આપે છે ને મુક્ત મૂર્તિનું સુખ લે છે, તે જે તેવી સ્થિતિવાળા મુક્ત હોય તે જાણે, પણ તે વિના બીજાથી જણાય નહિ ને તેવી સ્થિતિવાળા મુક્ત હોય તે બીજાને કહે, તોપણ તે પરભાવની વાત સમજવામાં આવે નહિ, માટે મહારાજ ને મોટા પણ આ લોકની રીતે બોલે ને આ લોકની રીતે બીજાને સમજાવે ત્યારે જ સમજાય ને સુખ પણ ત્યારે જ થાય ને પરભાવમાં બોલવું, ચાલવું વગેરે શબ્દ ને આવી વાણી નથી; પરભાવમાં તો અનુભવજ્ઞાને કરીને સમજાય છે.’’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘યથાર્થ ઉત્તર થયો; તેમ જ છે.’’ -આવી રીતે સ્વામી ને મુક્તશ્રી વાતો કરીને સર્વેને આનંદ પમાડતા હતા અને લક્ષ્મીરામભાઈ પણ આ વાતને સાંભળીને આનંદ પામ્યા. વળી લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ મોટા મોટા મુક્ત તથા સ્વામી અક્ષરજીવનદાસજી, મૂળીના સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ મોટા મોટા સંતો તેમને પણ સ્વામી નિર્ગુણદાસજીની વાતો સાંભળીને, અ. મુ. અબજીભાઈ ને સ્વામી નિર્ગુણદાસજી તે સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત છે ને તેમણે કૃપા કરીને આપણને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખ્યા છે, માટે આપણે પણ અનાદિમુક્ત છીએ એવો અનુભવ થયાથી મૂર્તિના સુખનો અતિ આનંદ વધવા લાગ્યો. અને અનાદિ મુક્તરાજ અબજીભાઈશ્રી પણ સ્વતઃસિદ્ધ અનાદિ મુક્તરાજ છે, તોપણ મનુષ્યભાવને જણાવતા થકા પોતે સ્વામી પાસેથી વચનામૃતનાં રહસ્ય-અભિપ્રાય તથા બીજી પણ શ્રીજીમહારાજની રહસ્યમય એવી અનાદિમુક્તની સ્થિતિની વાતો સાંભળીને ગ્રહણ કરી લીધી અને સ્વામીશ્રીને ગુરુ કર્યા. અને સ્વામીશ્રીએ પણ ગોપાળાનંદસ્વામી પાસેથી જે જે રહસ્યવાતો સાંભળેલ તે સર્વે અબજીભાઈશ્રીને કહી સંભળાવી અને સ્વામી નિર્ગુણદાસજી પણ મુક્તરાજ અબજીભાઈ સાથે ઘણું હેત રાખતા ને મિત્રભાવ રાખતા હતા.
ત્યાર પછી લક્ષ્મીરામભાઈને પાસે રાખી સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ ભૂજમંદિરમાં માઘ સુદ એકાદશીનો મહોત્સવ કરીને મુક્તરાજશ્રીને તથા કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ હરિભક્તોને જનોઈઓ પહેરાવી (યજ્ઞોપવીત આપ્યું) અને મુક્તરાજશ્રી અબજીભાઈ, લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, જાદવજીભાઈ, દેવરાજભાઈ આદિ સર્વે હરિભક્ત તેમણે ઠાકોરજીના થાળ ને સંતની રસોઈ કરાવીને સર્વેને જમાડ્યા. એમ દસ દિવસ સુધી સેવા-સમાગમનો લાભ લીધો. પછી સ્વામીશ્રીની રજા લઈને પોતપોતાને ગામ ગયા ને સદ્. સ્વામી નિર્ગુણદાસજી ભૂજમાં રહ્યા.
ઇતિ વિશ્રામ ૯