વિશ્રામ ૭૬

ત્યાર પછી રામપુરમાં ફઈબાનાં સેવક કાનબાઈએ ધનુબાની વરશીમાં ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડ્યું હતું ને અનાદિમુક્તશ્રી ત્યાં પધાર્યા હતા ને ભૂજના સર્વે સંત આવ્યા હતા ને ચોવીસ ગામની મંડળીઓ તેડી હતી ને સર્વે સાંખ્યયોગી બાઈઓને પણ તેડાવ્યાં હતાં. તે સમૈયામાં સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કોઈ સંત આવ્યા નહોતા ને બ્ર. નિર્ગુણાનંદજી આવ્યા હતા.

એક દિવસ બાપાશ્રીએ બ્રહ્મચારીને કહ્યું જે, ‘‘તમે તો મૂર્તિરૂપ છો ને મૂર્તિમાં રસબસ રહીને મૂર્તિનું સુખ ભોગવો છો, પણ તમારી સામર્થી અમે ઢાંકી રાખી છે તેથી તમને દેહભાવ દેખવા માત્ર જણાય છે, તેને ભુલવાડીને અનાદિમુક્તની સ્થિતિનો અનુભવ કરાવશું. પછી તમને આ દેહ, લોક, ભોગ એ આદિ કાંઈ નહિ દેખાય ને શ્રીજીમહારાજના સ્વરૂપમાં જ થીજી રહેવાશે; તમે અત્યારે પણ એવા જ છો પરંતુ શ્રીજીમહારાજને અમારી ઇચ્છાથી દેહભાવ દેખાય છે, ને મંદવાડ પણ જણાશે ને બેભાન અવસ્થા પણ થઈ જશે. તેમાં મહારાજની લીલા સમજીને સેવા કરશે તેને મહારાજ દેહભાવથી મુક્ત કરીને પોતાનું સુખ આપશે; જે અવગુણ લેશે તેને જન્મ-મરણનાં દુઃખ ભોગવવાં પડશે અને તમે તો અમે જેમ રાખીએ તેમ આનંદમાં રહેશો. પછી બ્રહ્મચારીને બાપાશ્રીએ મોતૈયા લાડુ જમાડ્યા, ત્યાર પછી બીજે દિવસે પારાયણ પૂરી થઈ, ને હરિભક્તે પુસ્તક ને પુરાણી ને બીજા સર્વે સંતની પૂજા કરી, ને બાપાશ્રીને પાઘ બંધાવી. પછી પંક્તિઓ કરીને સર્વેને જમાડ્યા ને બાપાશ્રી તે પંક્તિઓમાં ચારે કોર ફરીને દર્શનદાન દેતા હતા ને સર્વે હરિભક્તો જમી રહ્યા એટલે બાપાશ્રીના પુત્ર ઘોડાગાડી જોડીને લાવ્યા તેમાં બેસીને બાપાશ્રી વૃષપુર પધાર્યા.

ત્યાર બાદ સુખપુરમાં ‘સત્સંગિભૂષણ’ની કથા કરાવી હતી ને બાપાશ્રી પણ ત્યાં પધાર્યા હતા ને ભૂજથી સર્વે સંત-બ્રહ્મચારી પણ આવ્યા હતા. પછી તે કથા થઈ રહી ત્યારે સંતો ભૂજ જવા ચાલ્યા. તે વખતે બ્રહ્મચારીને હેડકી બહુ આવતી હતી ને શરીરે પણ માંદા તેથી આ લોકથી ઉદાસી થઈને દિવ્ય દેહે મૂર્તિમાં રહેવા તૈયાર થયા હતા. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હમણાં બાર મહિના ખમો; પછી તેડી જઈશું.’’ -એમ કહીને બાપાશ્રી વૃષપુર પધાર્યા ને બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસજી ભૂજ આવ્યા ને બ્રહ્મચારીને સારું થઈ ગયું ને ઠાકોરજીની સેવા પોતે એકલા જ કરતા. તેવા સમયમાં માગશર માસમાં મહંત સ્વામી મહાપુરુષદાસજી વધારે માંદા થયા તેથી બાપાશ્રી તેમને દર્શન દેવા ભૂજ પધાર્યા ને પાસે બેસીને વાતો કરી જે, ‘‘આ દેહ ખોટો છે પણ ખોટો મનાતો નથી, તેથી દુઃખ લાગે છે; અને જો આ દેહ ખોટો મનાય તો જીવને કાંઈ દુઃખ નથી.’’ -એ આદિ વાતો કરી શાંતિ પમાડીને બ્રહ્મચારીને આસને આવીને બેઠા ને સર્વે સંત-હરિભક્તોએ દર્શન કર્યાં. પછી સાંજના વૃષપુર પધાર્યા ને બીજે દિવસે સવારે સ્વામીએ દેહ મેલ્યો ને શ્રીજીમહારાજના ધામમાં ગયા.

ત્યાર પછી બ્ર. નિર્ગુણાનંદજી, સાધુ કેશવપ્રિયદાસ ને સોની મોતીભાઈ -તેઓ બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા હતા. તે સમે બાપાશ્રી નવીવાડીએ વડના ઉગમણા પડખે કાલર (ગંજી) પાસે ઢોલિયા ઉપર બિરાજમાન હતા, ત્યાં જઈ બ્રહ્મચારીએ બાપાશ્રીને દંડવત્‌ કરીને દર્શન કર્યાં. ત્યારે પોતે ઊભા થઈને અતિ રાજીપો જણાવીને મળ્યા. પછી ઢોલિયા ઉપર આથમણે મુખે બેઠા ને બ્ર. નિર્ગુણાનંદજી આદિ સાદડી ઉપર સન્મુખ બેઠા. પછી બાપાશ્રીએ બ્રહ્મચારીને વાતો કરી જે, ‘‘અમે તો આકાશ જેવા નિર્લેપ-અસંગી છીએ, ને અમને રૂપવાન ને યૌવનવાન એવી જે સ્ત્રીઓ અને કાંટાવાળા થોર તથા કચરો ને કંચન-તે સરખું છે. માયાનું કાર્ય તો અમને શું મોહ પમાડે, પણ મહારાજની મૂર્તિ વિના અક્ષરપર્યંત અમને કોઈ મોહ પમાડવાને સમર્થ નથી; અમે તો એક શ્રીજીમહારાજને સુખે સુખિયા છીએ પરંતુ તે વિના બીજા કોઈ પદાર્થે, કે ખાનપાને સુખી નથી. ને કોઈ ભાવે કરી અન્ન-જળ, વસ્ત્રાદિક પદાર્થે કરીને સેવા કરે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના સુખને અર્થે કરીએ છીએ, પણ અમારા સુખ સારુ નથી કરતા. પરંતુ જેને મહારાજ ને અનાદિમુક્તનું સ્વરૂપ સમજવામાં નથી આવ્યું, તે આવા મોટા પુરુષને વિષે દોષ પરઠે છે ને અવગુણ લે છે, તેણે તો સત્સંગમાં સેવા કરી હોય, નિયમ-ધર્મ પાળ્યાં હોય, વ્રત, જપ વગેરે કર્યાં હોય તે સર્વે નિષ્ફળ થઈ જાય છે ને તેને શ્રીજીમહારાજનાં કોઈ દિવસ દર્શન થાતાં નથી. અને અમે તો સાધુ-સત્સંગીને જેમ સુખ થાય તેમ કરીએ છીએ ને મંદિરનું કાંઈ બગડતું હોય તો બગડવા ન દઈએ.’’ -એમ વાતો કરીને બ્રહ્મચારીને કહ્યું જે, ‘‘જુઓ, તમે ઠાકોરજીની સેવા કરો છો તેથી શરીરમાં સારા થઈ રહ્યા છો.’’ વળી સાધુ કેશવપ્રિયદાસ સામું જોઈને કહ્યું કે, ‘‘જુઓ તો, બ્રહ્મચારીમાંથી તેજ છૂટે છે.’’ તે સમે બાપાશ્રી અતિ પ્રસન્ન હતા ને મુખકમળમાંથી શ્વેત-શીતળ તેજનાં કિરણો પ્રસરતાં હતાં ને ‘મંદ મંદ’ હસતા હતા. પછી બ્રહ્મચારી ને મોતીભાઈ બાપાશ્રી સારુ મેસૂર, મોહનથાળ ને ગાંઠિયા આદિ પકવાન લાવ્યા હતા તેથી બાપાશ્રીને જમવા વિનંતી કરી, ત્યારે જમવા બેઠા ને વર્ણીએ પકવાન ધર્યાં ને બાપાશ્રી જમવા લાગ્યા, તે સારી રીતે જમીને જળપાન કર્યું. પછી બ્રહ્મચારી ને મુનિને કહ્યું જે, ‘‘તમે ડેલામાં જમવા બેસો.’’ ત્યારે બેય ડેલામાં જમવા બેઠા ને બાપાશ્રીએ પાસે બેસી પીરસીને સારી પેઠે જમાડ્યા. પછી બાપાશ્રીએ બ્રહ્મચારી આદિને મંદિરમાં જવાની આજ્ઞા કરી, ત્યારે તેઓ મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કરીને ભૂજ ગયા.

પછી વળી ફાગણ વદમાં અનાદિમુક્તશ્રી ભૂજ પધાર્યા, ત્યાં વાતો કરીને સર્વેને સુખિયા કરતા ને બ્રહ્મચારી ઠાકોરજીના થાળની પ્રસાદીનાં ભોજન બાપાશ્રીને જમાડતા, ને બાપાશ્રી મેડા ઉપર પોઢતા ને ઠાકરજીને કૂવે સ્નાન કરતા. પછી બાપાશ્રી બારશને દિવસે સવારમાં કથાવાર્તા કરીને મેડા ઉપર આસને બેઠા હતા ને પાસે સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ ચાર-પાંચ સાધુ ને ભોગીલાલભાઈ આદિ દસ-બાર હરિભક્ત બેઠા હતા. તે સમે બ્રહ્મચારીજી બાપાશ્રી પાસે આવીને બેઠા, ત્યારે બાપાશ્રી તેમના સામું જોઈને સંત-હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, ‘‘આ બ્રહ્મચારી હવેથી તમારા નથી; તેમને ધામમાં તેડી જઈશું ને ઠાકોરજીની સેવામાં બીજા બ્રહ્મચારીને તેડાવા હોય તો તેડાવો, આમનાથી હવે સેવા નહિ થાય.’’

ત્યારે સર્વે સંત-હરિભક્ત બોલ્યા જે, ‘‘કિયા બ્રહ્મચારીને બોલાવવા ?’’ ત્યારે સ્વામી ભક્તિપ્રિયદાસજી બોલ્યા જે, ‘‘હું અમદાવાદ ગયો હતો ને મુનીશ્વરાનંદ તથા દામોદરાનંદ આદિ બ્રહ્મચારીને અહીંયાં આવવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું જે, ‘‘હાલ અમારાથી ભૂજ-ઠાકોરજીની સેવા કરવા આવી શકાય તેમ નથી.’’ એમ કહ્યું હતું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘બ્રહ્મચારી આવશે તેમાં કોઈ આપણી મરજી પ્રમાણે નહિ કરે ને પોતાનું ધાર્યું કરશે ને ધર્મમૂર્તિ, નિર્દોષ ને નિર્ગુણ તો આ નિર્ગુણાનંદ છે, તેદોઢ કે બે પૂરી જમીને બે મંદિરમાં છ મૂર્તિની સેવા એકલાએ આજ દિવસ સુધી કરી; આવા બ્રહ્મચારી ખોળ્યા પણ જડશે નહિ, આમણે તો એક મહારાજની મૂર્તિ રાખી છે. બીજા બ્રહ્મચારી અહીં મળતા આવે તેવા નહિ જડે માટે તમે સાધુ ઠાકોરજીની સેવા કરો ને જે કોઈ ના કહેશે તેને અમે કહેશું કે અમે આજ્ઞા કરી છે.’’ પછી ઠાકોરજીના થાળની આરતી થઈને બ્રહ્મચારીએ બાપાશ્રીને થાળનાં ભોજન જમાડ્યાં.

પછી ચાર વાગે મુક્તશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સંતમંડળને મળી ગાડીમાં બેસીને વાડીએ પધાર્યા ને બ્રહ્મચારી ને સાધુ કેશવપ્રિયદાસજી તથા બીજા સંત-હરિભક્ત બાપાશ્રીને વળાવવા વાડીએ આવ્યા ને બાપાશ્રી સ્નાન કરી સર્વેને મળીને વૃષપુર પધાર્યા ને બ્રહ્મચારી આદિ સર્વે મંદિરમાં આવ્યા. તે વખતે બ્ર. નિર્ગુણાનંદજીનું શરીર શિથિલ થઈ ગયું, તેથી તેમને સાધુ કેશવપ્રિયદાસે નવરાવ્યા ને બ્રહ્મચારી મહારાજે શોળે થઈને ઠાકોરજીની સંધ્યા-આરતી તથા શયન-આરતી કરીને ઠાકોરજીને પોઢાડ્યા ને આસને આવીને સૂતા, ત્યાં જ તાવ આવ્યો ને રાત્રીના બાર વાગે નાભિ નીચે ગાંઠ ઊપડી, તેણે કરીને પીડા બહુ જ થવા લાગી, પછી માંદા સાધુની જગ્યામાં આસન રાખ્યું. પછી તો બીજે દિવસે ઘણો જ મંદવાડ થયો ને ઠાકોરજીની સેવામાં સાધુ રહ્યા, પણ તેમાં કેટલાક હરિભક્તની રુચિ હતી નહિ; તે શું, તો સાધુને દેવની સેવામાં રહેવાય નહિ માટે અમદાવાદથી બ્રહ્મચારીને બોલાવવા એવો મત હતો, પરંતુ બાપાશ્રીના વચનને ઉલ્લંઘીને કોઈ કાંઈ પણ કરવા સમર્થ થયા નહિ.

પછી સર્વેને સુખકારી જ જેમનો સ્વભાવ છે, એવા બાપાશ્રી બ્રહ્મચારીને માંદા જાણીને દર્શન દેવા આવ્યા ને પાસે બેસી દર્શન દઈને કહ્યું જે, ‘‘બ્રહ્મચારી ! તમને શરીરમાં કેમ છે ?’’ ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! મારા શરીરમાં પીડા ઘણી છે પણ તેનું કાંઈ નહિ; દેહનાં દુઃખ ટાળવાનું આપને મેં કોઈ દિવસ કહ્યું નથી ને કહેવું પણ નથી. આ દેહનું તો જેમ આપની મરજી હોય તેમ કરો, પણ જે ખરું મૂર્તિનું સુખ છે તે આપો અને તમારાભેગા મૂર્તિમાં રાખો.’’ પછી બાપાશ્રીએ બ્રહ્મચારીને દૂધ પાયું ને મૂર્તિના સુખમાં જોડી દીધા, તેથી તેમને શાંતિ થઈ ને ઊંડા ઊતરી ગયા. પછી બાપાશ્રી સ્નાન કરવા ઊઠ્યા ને સ્નાન કરીને સભામંડપમાં બ્રહ્મચારીને આસને બેસીને વાત કરી જે, ‘‘હવે બ્રહ્મચારીનો દેહ રહેશે નહિ; તેમને મૂર્તિમાં જોડી દીધા છે ને દેહની ચેષ્ટા તો મહારાજની ઇચ્છાથી થાય છે ને બ્રહ્મચારીની કેડે અમે અહીં રસોઈ આપશું.’’ પછી સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને જમાડ્યા ને જમીને પછી પોઢી ગયા ને જાગીને સ્નાન કર્યું તે સમે બાપાશ્રીનાં સર્વેએ દર્શન કર્યાં. પછી બાપાશ્રી બ્રહ્મચારીને દર્શન દઈ ઠાકોરજીનાં દર્શન કરીને સર્વે સંતને મળ્યા ને ગાડીમાં બેસીને સાંજના વૃષપુર પધાર્યા.

હવે બ્રહ્મચારી તો મૂર્તિના સુખમાં જોડાઈ ગયા હતા. તે વાત બ્રહ્મચારીએ રાત્રે સાધુ કેશવપ્રિયદાસને કરી જે, ‘‘બાપાશ્રીએ દૂધ પાયું ત્યારથી દુઃખ માત્ર નથી રહ્યું ને શાંતિ શાંતિ થઈ ગઈ છે ને તેજના સમૂહને વિષે તેજોમય દિવ્ય સાકારમૂર્તિ એવા શ્રીજીમહારાજ અને બાપાશ્રીનાં દર્શન થાય છે ને ચારે કોર દિવ્ય મુક્ત બેઠા છે ને સ્વામી ઘનશ્યામજીવદાસજી, વૃંદાવનદાસજી, ઈશ્વરચરણદાસજી આદિ અનંત મુક્ત દિવ્ય તેજોમય મૂર્તિ એવા દેખાય છે ને સુખ સુખ થઈ રહ્યું છે : -એમ કહીને ઊંડા ઊતરી ગયા. પછી સવારે જાગ્રત થયા ને સ્નાન કરાવ્યું. પછી શ્રીજીમહારાજની ઇચ્છાએ દેહની સ્મૃતિ વિના વાતો કરવા લાગ્યા જે, ‘‘સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. બાપાશ્રી અનાદિમુક્ત છે ને શ્રીજીમહારાજ સ્વરૂપ છે અને સ્વામી નિર્ગુણદાસજી પણ અનાદિમુક્ત છે ને સ્વામિનારાયણ એક જ ભગવાન છે, તેતમે સમજો; નહિ સમજો તો બહુ જ ખોટ આવશે. મારી ભૂલ હોય, અમારાથી કાંઈ અજાણમાં અપરાધ થયો હોય તો તે માફ કરશો પણ તમારી ભૂલ સુધારો ને અનાદિની સ્થિતિમાં રહી મૂર્તિમાં જોડાવું જોઈએ; આત્યંતિક પ્રલયનું ઉપશમ કરી મૂર્તિમાં રહેવું. આ વાત નાનામોટા સર્વેને કરવાની છે.’’ -એમ ચાર-પાંચ દિવસ બોલ્યા કરતા ને શરીરમાં પણ સાજાસારા દેખાતા ને દૂધ પીતા. પછી પ્રથમની ગાંઠ ફરી ઊપડી આવી ને શરીરમાં બહુ જ વ્યાધિ જેવું દેખાયું ને પોતે ઊંડા ઊતરી ગયા. પછી સંવત ૧૯૮૧ના ચૈત્ર સુદ પૂનમના દેહ મેલીને ધામમાં ગયા ને મૂર્તિમાં રહી મૂર્તિના સુખભોક્તા થયા.

પછી બીજે દિવસે અનાદિ મુક્તરાજશ્રી ભૂજ પધાર્યા અને સંત-હરિભક્ત દર્શન કરીને બાપાશ્રી પાસે બેઠા ને મોટી સભા ભરાઈ. પછી બાપાશ્રી તે સભામાં વાત કરવા લાગ્યા જે, ‘‘બ્રહ્મચારી ધામમાં ગયા તેમની આપણને બહુ ખોટ આવી; એમના જેવા તો એ એક જ હતા ને સર્વેને મૂર્તિમાં જોડાવીને સુખિયા કરતા ને ધ્યાન-ભજન, ત્યાગ-વૈરાગ્ય ને સ્વધર્મ આદિ સર્વે અંગે સર્વોપરી હતા ને સર્વેને પ્રત્યક્ષ શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખતા ને જ્ઞાનદાન દેતા, તે હવે સર્વેને બહુ સાંભરશે; એ તો મૂર્તિના સુખમાં જઈને બેઠા.’’ -એમ વાતો કરીને સર્વેને શાંતિ પમાડ્યા. પછી ઠાકોરજીની આરતી થઈ એટલે બાપાશ્રી દર્શન કરવા ગયા ને દર્શન કરીને આવ્યા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને જમવાની પ્રાર્થના કરી તેથી બાપાશ્રી જમવા પધાર્યા ને લાડુ, પૂરી, શાક આદિ ભોજન બાપાશ્રીને પીરસ્યાં. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘બ્રહ્મચારી ધામમાં ગયા છે તેથી ગળ્યું જમતા નથી.’’ -એમ કહીને પૂરી, શાક, ભજિયાં, દાળ, ભાત આદિ ભોજન જમ્યા પણ લાડુ જમ્યા નહિ. પછી બાપાશ્રીને પાનબીડીનો મુખવાસ દીધો, તે સર્વે ભક્તને વહેંચીને પોતે જમ્યા ને સાંજના વૃષપુર પધાર્યા.

ત્યાર પછી ભારાસરના કેસરાજભાઈની વરશીમાં તેમના પુત્ર વશરામ ને તેમના ભત્રીજા રામજીભાઈ તેમણે ભૂજમંદિરમાં ‘વચનામૃત’ની પારાયણ કરાવી હતી, તેથી મુક્તરાજ બાપાશ્રીને તેડવા મંદિરની ગાડી મોકલી. તેમાં બેસીને બાપાશ્રી ભૂજ પધાર્યા ને સર્વેને દર્શન-દાને ન્યાલ કર્યા ને પારાયણ પૂરી થઈ, ત્યારે વશરામભાઈ ને રામજીભાઈએ કથાની ને સર્વે સંતની તથા બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રીને ફેંટો બંધાવ્યો. ત્યાર પછી સાધુ કેશવપ્રિયદાસ ઠાકોરજીની સેવામાં હતા તેથી બાપાશ્રીને જમવા બોલાવ્યા ને બાપાશ્રી બ્રહ્મચારીના મેડા ઉપર જમવા બેઠા. પછી ઠાકોરજીના થાળની પ્રસાદીના લાડુ, પૂરી, શાક, ભજિયાં, દાળ-ભાત આદિ ભોજન બાપાશ્રીને પીરસ્યાં ને બાપાશ્રી તેમાંથી થોડું જમીને દહીં ને પૂડલા સારી પેઠે જમ્યા. પછી ચળુ કરીને મુખવાસ લીધો ને મેડા ઉપર આસને પોઢ્યા ને ઠાકોરજી જાગ્યા, ત્યારે દર્શન કરી સર્વે સંતને મળી પોતાની ગાડીમાં બેસીને વૃષપુર પધાર્યા.

ત્યાર પછી વળી અન્નકૂટ ઉપર અનાદિ મુક્તરાજશ્રી પોતાના પુત્ર કાનજી ને મનજી તથા પૌત્ર માવજી, જાદવજી ને હરજી તેમણે સહિત પોતાની ગાડીમાં બેસીને ભૂજ પધાર્યા ને સર્વેને દર્શન-દાને સુખી કર્યા, ને અન્નકૂટ પૂર્યો ત્યારે ઠાકોરજીનાં ને અન્નકૂટનાં દર્શન કર્યાં. પછી એક વાગે સાધુ કેશવપ્રિયદાસ અને કૃષ્ણારામે બાપાશ્રીને સેવકોએ સહિત જમવા બોલાવ્યા ને બ્રહ્મચારીના મેડા ઉપર પંક્તિ કરી, ને ઠાકોરજીની પ્રસાદીનાં અનેક પ્રકારનાં પકવાન તથા શાક, પાક આદિ ભોજન -તે બાપાશ્રીને તથા બાપાશ્રીના સર્વે સેવકને પીરસીને જમાડ્યા ને બીજે દિવસ મુક્તરાજશ્રી પોતાના સેવકોએ સહિત વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૭૬