વિશ્રામ ૨૪
ત્યાર પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી પૂર્ણિમાને દિવસે જ્ઞાનયજ્ઞ-મહોત્સવની સમાપ્તિ થવાની છે, એમ જાણી પોતે રાત્રીના ચાર વાગે જાગી સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કર્યો. પછી વસ્ત્ર પહેરીને પોતાના આસને બેઠા હતા, તે સમે હજારો સંત-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવા સારુ આવ્યા, તે સર્વેને બાપાશ્રીએ કથામાં બેસવાની આજ્ઞા કરી ને બ્ર. બાળમુકુંદાનંદજીને કથા વાંચવાની આજ્ઞા કરી. પછી પોતે મંદિરમાં શ્રીજીમહારાજનાં દર્શન કરીને ઘેર પધાર્યા ને સર્વે સંત-હરિભક્ત કથા સાંભળવા બેઠા ને બાપાશ્રીએ સંતને ઓઢાડવા સારુ વસ્ત્રની ગાંસડીઓ હરિભક્ત પાસે મંદિરમાં મોકલાવી ને ભૂજ મંદિરના ઠાકોરજીને ભેટ સારુ પાંચ હજાર કોરીઓ ને બે હજાર કોરીઓના પોશાંગ તેની છાબો ભરાવી. પછી પોતાના પુત્ર જે કાનજીભાઈ તથા મનજીભાઈ તથા બીજા સેવક તેમની પાસે તે છાબો ઉપડાવીને બાપાશ્રી તેમની સાથે ચાલ્યા ને ઉત્સવિયાની મંડળીઓ આગળ ચાલી તે મંદિરમાં આવ્યા ને સભામાં શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ભેટની કોરીઓ ને પોશાંગ તે ભૂજ મંદિરના નરનારાયણ દેવને અર્પણ કર્યાં. પછી બાપાશ્રી પોતાના પુત્ર પાસે ચંદનપુષ્પના હારથી પુસ્તક તથા પુરાણીની પૂજા કરાવીને તેમની સાથે આરતી કરવા લાગ્યા ને પોતાના પુત્ર કાનજીભાઈ આદિ તેમની પાસે સર્વે સંતની પૂજા કરાવી ને સર્વે સંતને વસ્ત્ર ઓઢાડ્યાં. પછી સ્વામી અક્ષરજીવનદાસજી તથા મહાપુરુષદાસજી ને કોઠારી જાદવજીભાઈ તેમણે મુક્તરાજશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવીને શ્વેત પાઘ બંધાવી ને તેમના પુત્રોને લાલ છેડાવાળી ધોતલીઓ બંધાવી ને તે સમે સભામાં પોતાના પુત્રોએ સહિત બાપાશ્રી સભાને વિષે વિરાજમાન છે તેમની પૂજા કરવા સારુ કથા વાંચનાર શાસ્ત્રી બાળમુકુંદાનદજી ને પુ. ધર્મજીવનદાસજી આદિ સર્વે સંત આવ્યા ને બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી સર્વે હરિભક્તે પણ પૂજા કરી ને કથાની સમાપ્તિ થઈ. ત્યાર પછી ઉત્સવિયા હરિભક્તે પુસ્તક પાલખીમાં પધરાવ્યું ને પાલખી હરિભક્તોએ ઉપાડી ને ઉત્સવિયાની મંડળીઓ પાલખી આગળ ચાલી, એવી રીતે પાલખી આખા ગામમાં ફેરવી ને સૌ મંદિરમાં આવ્યા ને ચોકમાં બેસીને ઉત્સવ કરવા લાગ્યા. પછી બારવાગે મુક્તરાજશ્રીએ ઉત્સવ બંધ રખાવીને સર્વે હરિભક્તોને જમવાની આજ્ઞા કરી, ત્યારે નારાયણપુરના પટેલ ધનજીભાઈ તથા બળદિયાના પટેલ ઝીણાભાઈ આદિ મોટેરા હરિભક્તો બાપાશ્રીની આજ્ઞાએ કરીને સર્વે હરિભક્તને જમાડવામાં ઉપરી તરીકે રહ્યા હતા, તેમણે પ્રથમ બાઈઓને પંક્તિ કરાવીને જમાડ્યાં, પછી તે વાડીમાં ભાઈઓની પંક્તિઓ કરાવી ને પિરસનારા હરિભક્તને પિરસવાની આજ્ઞા કરી, ત્યારે તે સર્વે એકસાથે મોટી મોટી પંક્તિઓમાં પિરસવા લાગ્યા ને સર્વે પંક્તિઓમાં સુખડી, દાળ, અથાણું વગેરે પિરસાઈ રહ્યું, ત્યારે મોટેરા હરિભક્તોએ ‘શ્રી સહજાનંદસ્વામી મહારાજ’ની જય બોલાવી ને બંદૂકોના ભડાકા કરાવ્યા, ત્યારે સર્વે જમવા લાગ્યા. તે સમે બાપાશ્રી ઘણાંક સંતમંડળ તથા મોટેરા હરિભક્ત તેમણે વીંટાયા થકા પંક્તિઓમાં દર્શન દેવા પધાર્યા ને તે સમે બાપાશ્રીએ કંઠને વિષે ઘણાક પુષ્પના હાર પહેર્યા છે એવા થકા પંક્તિઓમાં ફરીને સર્વેને દર્શન દેતા હતા. પછી બાપાશ્રીએ પિરસનારા હરિભક્તોને કહ્યું જે, ‘‘સૌને સારી પેઠે તાણ કરીને પીરસજો.’’ -એમ ભલામણ કરીને આમ્રવૃક્ષનાં છાંયે ખુરશીમાં વિરાજમાન થયા ને હરિભક્તો બાપાશ્રીના હાથની પ્રસાદી જાણીને બાપાશ્રીએ ઘણું જ પિરસાવેલું, તે પણ જમી ગયા ને જમવાનું સુખડી એક જ ભોજન છે, તોપણ તેમાંથી જલેબી, મોતૈયા આદિ સર્વે પકવાનનો સ્વાદ આવતો હતો ને એક દાળ ને અથાણું હતું, તેમાંથી સર્વે પ્રકારનાં શાક, રાયતાં ને અથાણાંનો સ્વાદ આવતો હતો ને એક ખીચડીમાંથી દાળ, ભાત, ભજિયાં, વડાંના આદિનો સ્વાદ આવતો હતો ને અતિ સ્વાદિયા ને મોટા ધનાઢ્ય હરિભક્ત હતા તેઓ પણ તે સુખડી, દાળ ને મઠની ખીચડી જમીને તેનો સ્વાદ પામી અતિ આશ્ચર્ય પામ્યા ને શેર પોણો શેર જમનારા તે પણ બશેર ત્રણશેર જમી ગયા ને સર્વે જમી રહ્યા ત્યારે ઊઠવાની રજા થઈ, એટલે સર્વે ઊઠીને પોતપોતાને ઉતારે ગયા ને બાપાશ્રીએ પિરસનારા આદિને જમવાની આજ્ઞા કરી ને પોતે પણ ત્યાં જ જમવા બિરાજ્યા, ત્યારે બાપાના પુત્ર કાનજી તથા મનજી-તે પીરસીને જમાડવા લાગ્યા ને બાપાશ્રીએ સર્વેને રાજી કરવા સુખડી, દાળ, ખીચડી, છાશ આદિ જમી હસ્ત-મુખ ધોઈને જળપાન કર્યું. પછી બાપાશ્રી પાકશાળામાં મુખ્ય રાખેલા જે અણદા કેરાઈ, મનજી લાખા આદિ હરિભક્ત તેમને પાક આદિ સાચવવા ને જે આવે તેને જમાડવાની આજ્ઞા કરીને મંદિરમાં પધાર્યા. અને તે હરિભક્તોએ મેઘવાળ આદિ જે અન્નાર્થી આવ્યા તે સર્વેને જમાડ્યા, તોપણ સુખડીથી ભરેલા બે ઓરડા હતા તે ઓરડા પ્રથમ અર્ધા અર્ધા ઓછા થયેલ હતા ને પછી તો એમ ને એમ અખૂટ જ રહ્યા. પછી બાપાશ્રીએ જે હરિભક્ત છેટેથી આવ્યા હતા ને પરદેશથી આવ્યા હતા તે સર્વેને બીજે દિવસે જમીને જવાની આજ્ઞા કરી. તેથી તે હરિભક્ત તે દિવસ રહ્યા ને બીજે દિવસ જમીને જવા માટે તૈયાર થયા, ત્યારે બાપાશ્રીએ તે સર્વે હરિભક્તોને તથા સંતોને કહ્યું જે, ‘‘તમે સર્વે સુખડીનું ટીમણ લઈ જજો.’’ -એમ કહીને સર્વેને સુખડી આપવા લાગ્યા અને સંતમંડળને તો જેટલી જોઈએ તેટલી સુખડી આપવા લાગ્યા ને સંત પણ યજ્ઞમાં નહિ આવેલા તેમને પ્રસાદી આપવા સારુ સુખડીઓના કંડિયા ભરીને લઈ ગયા અને હરિભક્ત પણ બાપાશ્રીના હાથની પ્રસાદીનું માહાત્મ્ય જાણીને ઘણી લઈ ગયા, તોપણ સુખડી ને કોઠારમાં ઘી, ગોળ, લોટ, ઘઉં, દાળ, ચોખા આદિ સામાન ઘણો જ વધ્યો હતો. પછી મુક્તરાજશ્રીએ નારાયણપુરના ધનજીભાઈ આદિ ભક્તજન પાસે વધેલ જે સર્વે સામાન તે વેચી દેવરાવ્યો, ત્યારે પ્રથમ સામાન લેવામાં જેટલી કોરી દીધી હતી તેટલી જ કોરીઓ જે સામગ્રી વેચી તેની ઊપજી. તેને જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને તે યજ્ઞમાં આવેલા સર્વે સંત તથા હરિભક્ત-તે બાપાશ્રીનાં દર્શન કરી તથા તેમનું અલૌકિક ઐશ્વર્ય જોઈ તથા તેમનાં સ્વભાવ ને ઉદારપણું જોઈને સર્વેને આશ્ચર્ય થતું હતું. એવી રીતે સર્વે સંત ને હરિભક્ત જે જે દેશમાં ગયા, તે તે દેશમાં યજ્ઞની વાર્તા કરતા. તેને સાંભળીને ઘણાક મુમુક્ષુ જન અનાદિમુક્ત અબજીબાપાનું માહાત્મ્ય જાણી તેમને વિષે હેત કરવા લાગ્યા ને બાપાશ્રીએ પણ તેમને દિવ્યરૂપે દર્શન દઈને તેમના મનોરથ પૂરા કર્યા.
ઇતિ વિશ્રામ ૨૪