વિશ્રામ ૪૨

ત્યાર પછી દ્વાદશીને દિવસ બાપાશ્રી મંદિરની ઓસરીમાં આસન ઉપર વિરાજમાન હતા ને સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ ઘણા સંત તથા હરિભક્તની સભા બેઠી હતી ને પુ. ધર્મકિશોરદાસજી વચનામૃતની કથા વાંચતા હતા. તેમાં પ્રથમનું ૬૩મું વચનામૃત વાંચ્યું. તેમાં એમ આવ્યું જે, ‘‘પણ ભગવાનનું અક્ષરધામ છે તે અત્યંત મોટું છે.’’ ત્યારે ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, ‘‘આમાં શ્રીજીમહારાજે પૃથ્વીથી અક્ષર પર્યંત એકબીજાથી સૂક્ષ્મ, કારણ ને મોટા કહ્યાં ને પછીથી કહ્યું જે, ‘પણ ભગવાનનું અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે.’ -એમ કહ્યું તે પ્રથમ જે અક્ષર કહ્યું અને ‘પણ અક્ષરધામ’ કહ્યું તે બે એક છે કે જુદા છે ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘પ્રથમ કીધું તે સૃષ્ટિકર્તા અક્ષરને કહ્યું છે. અને પછીથી કહ્યું જે, ‘પણ ભગવાનનું અક્ષરધામ અત્યંત મોટું છે’ તે શ્રીજીમહારાજના તેજરૂપ ધામને કહ્યું છે અને પછીથી કહ્યું જે, ‘‘અક્ષરધામ મૂર્તિમાન છે’ તે પોતાના પરમએકાંતિક અને અનાદિમુક્ત તેમને અક્ષરધામ નામે કહ્યા છે અને જેના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં ફરે છે તે પણ પોતાના તેજરૂપ ધામને કહ્યું છે અને બ્રહ્માંડ કીધાં તે સૃષ્ટિકર્તા અક્ષરરૂપી જાણવાં, તે મુક્તે સહિત એવા શ્રીજીમહારાજના તેજના સમૂહરૂપ અક્ષરધામના એક એક કિરણમાં અક્ષરરૂપી બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં ફરે છે એમ જાણવું.’’ પછી વચનામૃત વાંચવા માંડ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ લખ્યું છે તે તો આંધળાને લાકડી આપે તેમ લખ્યું છે પણ શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં અક્ષરરૂપી અસંખ્ય કોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે. અક્ષરને વિષે બ્રહ્મરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે. બ્રહ્મને વિષે મૂળ પુરુષરૂપી અનંતકોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે. જોગ સારો છે; કહેનારા સારા છે માટે પોતાનું પૂરું કરી લેવું.’’ પછી વળી બોલ્યા જે, ‘‘જેને વેદ નેતિ નેતિ કરીને ગાય છે, જે વસ્તુ જોઈએ છીએ, તે આજે શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત મળ્યા છે, બાકી જોવાની ઇચ્છા રહે તો ખોટ કહેવાય અને નાસ્તિકભાવ કહેવાય; બીજે જોવાનું બાકી નથી.’’ ત્યારે સ્વામી ઇશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘‘બીજી ઇચ્છા રહેતી નથી,’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તો તો કાંઈ પણ બાકી નથી.’’

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘‘સિદ્ધદશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ ગુણ રહેતા હશે કે નહિ ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સિદ્ધદશામાં મુક્તને વૈરાગ્ય આદિ બીજા ગુણ કહેવાય નહિ. સિદ્ધદશામાં તો અનુભવજ્ઞાન રહે છે, તે અનુભવજ્ઞાનની વાત જબરી છે; મૂર્તિમાં ને સુખમાં અપારપણું રહે અને મૂર્તિનું સુખ ભોગવાય તે અનુભવજ્ઞાન કહેવાય ને મૂર્તિનું સુખ, અનંત મુક્ત ને ધામ, તે સર્વેનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે, તેમ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ તે સર્વેનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. અક્ષર પર્યંત સર્વે ખોટું કરે તેને જ્ઞાની કહેવાય પણ અનુભવજ્ઞાન તો અક્ષરથી પર મૂર્તિના સુખમાં પહોંચે ત્યારે જ થાય છે.’’ -એમ વાત કરી.

અને વળી વાત કરવા લાગ્યા જે, ‘‘એક પ્રત્યક્ષ પ્રમાણ છે, બીજું અનુમાન પ્રમાણ છે, ત્રીજું શાસ્ત્ર પ્રમાણ છે ને ચોથું અનુભવ પ્રમાણ છે. તેમાં કોઈ અનુમાન કરીને અક્ષરધામની સભા કહે છે અને કોઈ શાસ્ત્ર કરીને કહે; પણ આ તો પ્રત્યક્ષ પ્રમાણ અક્ષરધામની સભા છે અને અનુભવથી વાત થાય છે. આ મોટાના સંકલ્પ ચાલે છે, તે હજારો રૂપે થઈને હજારોને અક્ષરધામમાં મૂકી આવે છે અને એક સમે-હું અમદાવાદ ગયો હતો, ત્યાં સ્વામી નિર્ગુણદાસજીએ મને કહ્યું જે, ‘ભાઈ ! તમારાં દર્શન બરાબર થતાં નથી માટે કેડિયું કાઢો.’ પછી કેડિયું કઢાવી ચશ્માં પહેરી મારા સામું જોઈને કહ્યું જે, ‘‘અહો ! અહો ! તેજોમય શરીર છે, આવા તમે છો ! એમ બોલ્યા. તે મોટાનો મહિમા મોટા જાણે.’’ વળી બીજી વાત કરી જે, ‘‘હું અહીં માંદો હતો ને આ બારણા આગળ નરનારાયણ દેવ સ્વામી અક્ષરજીવનદાસજીને દેખાયા. ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘તમે કેમ આવ્યા છો ?’ ત્યારે દેવે કહ્યું જે, ‘આવા મોટા સત્સંગમાં છે તેમનાં દર્શન કરવા આવ્યાં છીએ.’’

અને વળી બાપાશ્રીએ વાત કરી જે, ‘‘અમે છપ્પનની સાલમાં છપૈયે ગયા હતા, ત્યાં આરતી ટાણે મંદિરના પાછલા વંડામાં જન્મસ્થાનનો કૂવો છે ત્યાં હું નહાતો હતો ને ખીમજીભાઈ નવડાવતા હતા. તે સમે અક્ષરકોટિ આદિના અનંત દેવ આવીને આ મુક્તના પગમાં પડવા મંડ્યા અને બાગમાં ને જન્મસ્થાનના મંદિર ઉપર તથા મોટા મંદિર ઉપર તેજના ગોળા દેખાવા લાગ્યા અને અતિશય પ્રકાશ થઈ રહ્યો અને તે દેવ આકાશમાંથી આવી અમારાં દર્શન કરીને આકાશમાં જતા રહે, એવાં દર્શન ખીમજીભાઈને થયાં ને કેટલાક સાધુ-હરિભક્તને શિખર ને જન્મસ્થાન ઉપર તેજના ગોળા દેખાયા. તે મોટા હોય ત્યાં સર્વે દર્શન કરવા આવે. અને વળી વાત કરી જે, ‘મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. સદગુરુ મિલ્યા અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ.’ ‘મેં હું આદિ અનાદિ એટલે આ રહ્યો તે આદિ, પણ છું અનાદિ મૂર્તિમાં. ‘આદિ’ એટલે આ પ્રત્યક્ષ આદિ જેવો દેખાઉં છું, ને અનાદિ એટલે જેવો મહારાજની મૂર્તિમાં છું તેવો જ આ પ્રત્યક્ષ છું. જેના સારુ મુંડાવ્યું છે, જે જોઈએ છીએ, તે જ આ પ્રત્યક્ષ મહારાજ અને મોટા મુક્ત મળ્યા છે. આ પ્રાપ્તિ બહુ મોટી છે, અતિ અતિ બહુ મોટી છે. ક્રિયા સ્થાનમાં બેઠા છીએ, કોનો જોગ થયો છે તો અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ મળ્યા છે.’’

વળી બોલ્યા જે, ‘‘કૃષ્ણ શબ્દ છે, તે સર્વેને ભુલાવે છે. તે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે તે કિયા ?’ -એમ કહ્યું માટે કૃષ્ણ ઘણા છે. જેમ અમારે પટેલ સર્વેને કહેવાય પણ ગામનો મુખ્ય પટેલ એક જુદો હોય, તેમ કૃષ્ણ સર્વે અવતારને કહેવાય છે પણ કૃષ્ણાદિક અવતારના અવતારી એવા આપણા શ્રીજીમહારાજ શ્રીકૃષ્ણ જુદા છે. કૃષ્ણ એવું શ્રીજીમહારાજનું મૂળ અનાદિ નામ છે પણ ગોલોકવાસી કૃષ્ણને બાઝે તો ઉપાસના ફરી જાય ને ગોલોક પણ કૃષ્ણનું જુદુ છે અને આપણું જુદુ છે. મૂર્તિનાં તેજનાં કિરણોની જે શોભા, તે ગોલોક જાણવું. ને તે કિરણોને મધ્યે તેજનો સમૂહ એ અક્ષરધામ જાણવું. ને તે ધામમાં વ્યતિરેક મૂર્તિ શ્રીજીમહારાજ રહ્યા છે અને તે ધામના રસ્તામાં પુરુષ, મહાકાળ, વાસુદેવ ને અક્ષર સુધી આવરણ છે. તેથી પર મહારાજનું અક્ષરધામનું જાદું છે. અને શ્રીજીમહારાજ ઘણા જીવોને સ્વ-સ્વરૂપનો નિશ્ચય કરાવવા સારુ પોતાના સંકલ્પથી જે નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ ને વાસુદેવાદિક સ્વરૂપે વેશાંતર કરીને દર્શન આપે છે, તે સ્વરૂપથી જેમાં શ્રીજીમહારાજ પોતે અન્યવ સ્વરૂપે પ્રવેશ કરે છે -એવા જે અક્ષર, વાસુદેવ, મહાપુરુષ આદિ અવતાર તે પણ જુદા છે અને એવા ઐશ્વર્યાવેશ અવતાર અનંત છે. તે સર્વે અવતારના અવતારી ને સંકલ્પ સ્વરૂપના મૂળ સ્વરૂપી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક ‘શ્રી સ્વામિનારાયણ’ મહાપ્રભુ છે. તેમને લઈને સર્વે અવતારને પુરુષોત્તમ ભગવાન કહેવાય છે અને તે અવતારનાં સર્વે વિશેષણ અવતારીને પણ દેવાય છે. ને તે અવતારે કર્યાં જે કાર્ય તે પણ અવતારીએ કર્યાં કહેવાય છે.’’ -એમ વાત કરીને કહ્યું જે, ‘હરે ! મહારાજને બોલાવો.’ ત્યારે વચનામૃત વાંચ્યું. પછી કથાની સમાપ્તિ કરીને બોલ્યા જે, ‘‘આ સભાને જય ને માયાનો ક્ષય.’’ -એમ વર આપ્યો.

ઇતિ વિશ્રામ ૪૨