વિશ્રામ ૯૯
હવે સાધુ કેશવપ્રિયદાસ પ્રથમ કહ્યું તેવી રીતે બાપાશ્રી પાસેથી મંદિરમાં આવી ધ્યાનમાં બેસી ગયા ને ઉપશમ સ્થિતિ થઈ ગઈ, તે જ સમયે બાપાશ્રીએ પોતાને ઘેર અંતર્ધાન લીલા કરી. -તેનાં દર્શન સાધુ કેશવપ્રિયદાસને સાક્ષાત્ થયાં; તે કેવી રીતે, તો પ્રથમ જેવી રીતે બાપાશ્રી ઘેર ઢોલિયામાં સૂતા હતા અને કાનજીભાઈ તથા દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્ત બાપાશ્રીની સેવામાં રહ્યા હતા, તેવાં જ સેવકોએ સહિત બાપાશ્રીનાં દર્શન મુનિસ્વામીને ધ્યાનમાં થયાં. પછી તો બાપાશ્રીમાંથી અપરંપાર અલૌકિક તેજનો સમૂહ દેખાયો, તે તેજના સમૂહમાં દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થયાં ને આકાશ પણ તેજોમય ચિદાકાશ જેવું દેખાયું ને બાપાશ્રી શ્રીજીમહારાજમાં લીન થઈ ગયા, અને શ્રીજીમહારાજ સર્વેને દર્શન દઈને પોતાના પ્રકાશરૂપ અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયા ને અનંતકોટિ મુક્તમંડળ સેવામાં હાજર છે ને મૂર્તિ સામું જોઈ રહ્યા છે ને મૂર્તિમાંથી અપાર અનહદ સુખના ફુવારા છૂટે છે. વળી સુખના અનંત બંબ છૂટે છે ને સુખમય મૂર્તિમાં અનંતકોટિ અનાદિમુક્તના સમૂહ રસબસ ભાવે જોડાઈ રહ્યા છે ને શ્રીજીમહારાજ સાથે તાદાત્મ્યભાવે એકતાને પામીને શ્રીજીમહારાજના સમગ્ર સુખનો આનંદ અખંડ અનુભવે છે, તેવાં શ્રીજીમહારાજનાં દર્શન સાધુ કેશવપ્રિયદાસને ઉપશમ સ્થિતિમાં થયાં.
પછી વળી બાપાશ્રીની ઇચ્છાથી બાપાશ્રીના ઘરમાં મોટી સભા દેખાઈ, તેમાં સદ્. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સદ્. સ્વામી વૃંદાવનદાસજી, સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી, પુ. સ્વામી ધર્મકિશોરદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી આદિ ઘણા સંત સભામાં બેઠા હતા તથા બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈ તથા માવજી, જાદવજી ને હરજી તથા દેવરાજભાઈ, હરજી ધનજી, લાલજી ધનજી, સોની મોતીભાઈ, તત્ સુત મગનભાઈ તથા ભોગીલાલભાઈ, આશાભાઈ, સોમચંદભાઈ, ભૂરાભાઈ, નાગજીભાઈ, ચતુરભાઈ, લાલુમલભાઈ, શેઠ બળદેવભાઈ, ડૉ. નાગરદાસ તથા ડૉ. મણિલાલ આદિ હેતવાળા સર્વે હરિભક્તોની સભા બેઠી હતી. અને તે સર્વે બાપાશ્રી અંતર્ધાન થયા -એમ જાણી બાપાશ્રીના વિયોગે કરીને અતિશય જ દુઃખશોકમાં દિલગીર થઈ ગયેલા હતા ને બાપાશ્રીએ જે જે સુખ આપેલાં ને લાડ લડાવેલાં તેને સંભારીને વાતો કરતા હતા જે, ‘સર્વોપરી પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે તેમણે આપણને પોતાની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવવા ને આજ્ઞા-ઉપાસના સમજાવવા બાપાશ્રીને મોકલ્યા હતા. તેમણે આપણને સુખ આપ્યાં ને લાડ લડાવ્યાં ને અનહદ આનંદ આપીને અત્યારે વિયોગનું દુઃખ આપી ગયા. હે બાપા ! આપને આવું કરવું ન ઘટે. હે કૃપાળુ ! વિયોગનું દુઃખ ટાળીને મૂર્તિમાં રાખ્યા છે એ સ્થિતિનું ભાન કરાવો.’ -એમ વાતો કરે છે. તે જ સમયે શ્રીજીમહારાજ અને બાપાશ્રી દિવ્યસ્વરૂપે આવ્યા ને સર્વે સંત-હરિભક્તની સભામાં વિરાજમાન થયા; તે કેવા, તો અતિશય તેજોમય ને દિવ્ય મૂર્તિમાન ને અતિશય રૂપાળા ને અતિશય સુખમય સ્વરૂપ, એવા શ્રીજીમહારાજ અને બાપાશ્રી તેમને જોઈને સર્વે સંત-હરિભક્ત અતિશય આનંદ પામ્યા, અને કોઈથી કાંઈ પણ બોલાય કે ચલાય નહિ ને સ્થિર થઈને શ્રીજીમહારાજ ને બાપાશ્રી સામું જોઈ રહ્યા. પછી શ્રીજીમહારાજ ને બાપાશ્રીમાંથી અપાર અનહદ તેજના ને સુખના સમૂહ છૂટવા લાગ્યા અને સર્વે સંત ને હરિભક્ત તે પણ દિવ્ય તેજોમય અલૌકિક એવા મુક્તરૂપે દેખાયા. પછી શ્રીજીમહારાજે બાપાશ્રીને તથા તે સર્વે મુક્તને પોતામાં લીન કર્યા અને સાધુ કેશવપ્રિયદાસને પણ પોતામાં લીન કર્યા ને સળંગ મૂર્તિના આનંદનો અનુભવ કરાવ્યો, એવાં દર્શન ઉપશમ સ્થિતિમાં રાત્રીના બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી સાધુ કેશવપ્રિયદાસને થયાં. પછી જાગ્રત અવસ્થાનો ભાવ આવી ગયો ત્યારે ગામડેથી આવેલા હજારો હરિભક્તો બાપાશ્રીના વિયોગથી બાપાશ્રીની સ્તુતિ-પ્રાર્થના કરતા હતા -તેના શબ્દ સંભળાયા, એટલે બાપાશ્રી અંતર્ધાન થયા છે તેની સ્મૃતિ થઈ, તેથી શોક થવા માંડ્યો ને અતિશય દુઃખ થયું. આવી રીતે બાપાશ્રીએ અંતર્ધાન લીલા કરી તેનો જે અલૌકિક ભાવ તથા બાપાશ્રીએ દિવ્યસ્વરૂપે દર્શન દીધાં અને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિ ભેગા જઈને રહ્યા, એ આદિ જે બાપાશ્રીએ ઐશ્વર્ય બતાવ્યાં તેમાંથી આ તો કિંચિત્ દિશામાત્ર લખ્યું છે.
હવે બાપાશ્રીએ અંતર્ધાન લીલા કરી ને પોતે ઘેર સમાધિમાં બિરાજી રહ્યા છે, તે વખતે બાપાશ્રીના સેવક કાનજીભાઈ તથા દેવરાજભાઈ ને મોતીભાઈ-તેમણે બાપાશ્રી અંતર્ધાન થયાના સમાચાર રાતોરાત સાઇકલ તથા ઘોડેથી માણસ મોકલીને ભૂજ તથા ગામડામાં સંત-હરિભક્તને દીધા અને લાલશંકરભાઈ તથા વિઠ્ઠલજીભાઈ પણ બાપાશ્રીની પાસે હતા, તે પણ ભૂજ ગયા ને ભોગીલાલભાઈને બાપાશ્રી અંતર્ધાન થયાની વાત કરી. પછી તેમણે અમદાવાદના સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા શેઠ બળદેવભાઈ આદિને તાર કરીને બાપાશ્રી અંતર્ધાન થયાના સમાચાર દીધા.
હવે કચ્છદેશના ગામડાના હરિભક્તો બાપાશ્રીના અંતર્ધાન થયાના સમાચાર સાંભળ્યા, તેથી પોતાનાં સર્વે કામ પડતાં મૂકીને સર્વે હરિભક્ત તુરત ચાલી નીકળ્યા ને રસ્તામાં પડતા આખડતા દોડતા શ્વાસભર્યા સવારે વૃષપુર આવ્યા. તે સમે બાપાશ્રી અંતર્ધાન થઈ ગયા હતા. અને ઘરમાં સામી ભીતે સ્વસ્તિક આસને વિરાજમાન હતા ને શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં ને લલાટમાં કંકુમને ચાંદલે સહિત અર્ચા શોભી રહી હતી ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા, તેવાં બાપાશ્રીનાં દર્શન કરીને સર્વે ભક્ત શોકના સમુદ્રમાં ડૂબી ગયા. પછી ધીરા રહી દંડવત્ કરીને દર્શન કર્યાં ને સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યા. પછી ધીરજ લાવી વસ્ત્રથી અને પુષ્પાદિકના હારથી શોભાયમાન-એવું વિમાન તૈયાર કર્યું. પછી બાપાના પુત્રાદિક-તેમણે બાપાશ્રીને તેડીને તે વિમાનમાં બેસાર્યા ને પૂજા-આરતીઓ કરીને તે વિમાનને મંદિરના બારણે રાખ્યું ને સર્વે સંતોએ બાપાશ્રીનાં દર્શન કર્યાં. તે સમે ગામડેથી આશરે દસ બાર હજાર હરિભક્ત આવી ગયા હતા. પછી બાપાશ્રીના કાનજીભાઈ ને મનજીભાઈ આદિ તથા તે સર્વે હરિભક્ત અસાડ સુદ પાંચમ ને શુક્રવારે દિવસના આઠ વાગે બાપાશ્રીનું વિમાન ઉપાડીને ચાલ્યા ને મંડળીઓના ઉત્સવિયા વિરહનાં કીર્તન બોલીને ઉત્સવ કરતા ને ગુલાલ ઉડાડતા થકા વિમાનની આગળ ચાલ્યા. વળી તે સમે કેટલાક હરિભક્ત હાથમાં અગરબત્તીની પ્રકટાવેલા પૂળીઓ ઝાલેલી અને રુદન કરતા ને શોકમાં પરાણે પગ ઉપાડતા એવા થકા બાપાશ્રીના વિમાનની આગળ ચાલ્યા. અને બાઈઓનાં સમૂહ-કીર્તન બોલતાં ને સ્નેહથી પરવશ થઈને રુદન કરતાં થકાં કેડે ચાલ્યાં, તે ગામમાં ઉત્તર-દક્ષિણ મંદિરને પ્રદક્ષિણા કરીને ઉગમણે ઝાંપે થઈ સડકે આવીને નદીમાં આવ્યા. તે સમે લાલશંકરભાઈ, ભોગીલાલભાઈ આદિ હરિભક્ત ભૂજથી સુખડના કાષ્ઠ ને ગુલાલની ગાડી ભરીને આવ્યા. અને સર્વે હરિભક્ત તો ચારે કોરથી સમુદ્ર ઊભરાયો હોય તેમ આવ્યા જ કરતા હતા, ને રસ્તામાં ચાલતા ખાડા કે ટેકરા આવે તોપણ તેને નહિ ગણીને દોડતા આવતા, અને આવેલા સર્વે તે પણ બાપાશ્રીની પાલખી ભેગા ચાલતા હતા. તેઓ પણ ખાડા-ટેકરાને નહિ ગણતા અને પડતા-આખડતા બાપાશ્રીના સામું ને સામું જોઈને ચાલતા હતા, અને બાપાશ્રી પણ તે સમે જેમ પ્રથમ સાજા હતા તેવા જ પાલખીમાં બેઠેલા દેખાતા હતા ને સર્વે હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરવા સારુ અધીરિયા થઈ ગયા હતા. પછી બાર વાગે છત્રીએ આવ્યા ને ત્યાં પાલખી છત્રીના વંડાને બહાર રાખી એટલે સર્વે બાઈઓ દર્શન કરવા આવ્યાં, ને બાપાશ્રીનાં દર્શન કરીને પૂજા-આરતી કરી. પછી સ્નેહથી રુદન કરતાં કરતાં સ્નાન કરવા ગયાં. હવે બાપાશ્રીની પાલખી ઉપાડીને વંડામાં છત્રીના ઓટા ઉપર રાખી, ને સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ આદિ સંત તથા બાપાશ્રીના કાનજીભાઈ ને મનજીભાઈ આદિ તેમણે બાપાશ્રીની પૂજા કરીને આરતી ઉતારી. પછી તેમણે છત્રીના જમણા પડખે સુખડના કાષ્ઠથી ને બીજા કાષ્ઠથી તથા શ્રીફળથી ચિતા રચી. પછી બાપાશ્રીના કાનજીભાઈ ને મનજીભાઈ તથા સાધુ કેશવપ્રિયદાસ તેમણે બાપાશ્રીના દેહને દિવસના બે વાગે ચિતામાં પધરાવ્યા ને અગ્નિ પ્રગટાવીને માંહી ઘી હોમી અગ્નિસંસ્કાર-વિધિ કર્યો.
આવી રીતે બાપાશ્રીએ ૮૪ વર્ષ સુખ આપી અસાડ સુદ પાંચમ ને શુક્રવારે પોતાનું પ્રત્યક્ષ દર્શન અદૃશ્ય કર્યું. હવે તે સમે સર્વે હરિભક્ત બાપાશ્રીના શોકે કરીને રુદન કરવા લાગ્યા ને અતિ શોકમાં ડૂબી ગયા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસ આદિ સંત તથા ભોગીલાલભાઈ ને લાલશંકરભાઈ -તેમણે સર્વે હરિભક્તને મંદિરના હૉલમાં બેસાર્યા ને બાપાશ્રીએ જે જે સુખ આપ્યાં હતાં તથા જે ઐશ્વર્ય-ચમત્કાર બતાવ્યાં હતાં, તેની વાતો કરીને સર્વેને શાંતિ પમાડવા લાગ્યા. પછી અગ્નિસંસ્કાર-વિધિ થઈ રહ્યો, ત્યારે સર્વે હરિભક્ત વાડીઓમાં સ્નાન કરી ભેગા થઈને કીર્તન ગાતા ને રુદન કરતા થકા બાપાશ્રીને ઘેર આવ્યા. પછી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને શોક-સાગરમાં ડૂબ્યા થકા નિજ નિજ ગામ તથા ઘેર ગયા, ને તે સમે બાપાશ્રીના વિયોગે કરીને સર્વે ભક્તજનોને દુઃખ-શોકના દરિયા ઊલટ્યા. વળી તે સમો એવો થયો હતો જે, કોઈને ધીરજ રહે જ નહિ પણ બાપાશ્રીએ અતિ ઐશ્વર્ય-પ્રતાપ જણાવ્યા, તેણે કરીને સર્વેને ધીરજ આવી ગઈ. પછી હરિભક્તના ચોવીસ ગામમાં સર્વે નગરજનોએ પોતપોતાનાં કામ બંધ કર્યા ને અગતા પાળ્યા. હવે અસાડ સુદ ૬ના રોજ બાપાશ્રીને ઘેર વચનામૃતની પાંચ દિવસની કથા બેસારી હતી. તેમાં રાત્રીએ ભાઈઓની સભા થતી ને ભાઈઓ કથા વાંચતા ને દિવસના દસ વાગ્યા સુધી ને ફરીથી સાંજના છ વાગ્યા સુધી બાઈઓની સભા થતી. તેમાં બાઈઓ કથા વાંચતી. વળી એવી રીતે મંદિરમાં પણ ‘ભક્તચિંતામણિ’ની કથા બેસાડી હતી.
હવે બાપાશ્રી ધામમાં ગયા પછી ચોથે દિવસે બાપાશ્રીનો ખરખરો કરવા સર્વે મોટા મોટા હરિભક્ત વૃષપુર આવ્યા હતા ને મંદિરના ચોકમાં મોટી સભા ભરી હતી, ને ઊગમણે મુખે આથમણા ભાગમાં ખુરસીમાં શ્રીજીમહારાજની મૂર્તિ તથા બાપાશ્રીની મૂર્તિ પધરાવી હતી અને સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ આદિ સંત કથાવાર્તા કરતા હતા ને સંત-હરિભક્ત બાપાશ્રીના ગુણ, પ્રતાપ, સ્વરૂપ, સ્વભાવ તેને સંભારીને બહુ દિલગીર થતા હતા. પછી સાધુ કેશવપ્રિયદાસે અનાદિમુક્ત બાપાશ્રીનો દિવ્યભાવ તથા મનુષ્યભાવનો મહિમા કરીને સર્વે હરિભક્તને શાંતિ પમાડ્યા ને તે સમે બાપાશ્રીની પ્રતિમા ખુરસીમાં પધરાવી હતી તેનાં દર્શન બાપાશ્રી પ્રત્યક્ષ બેઠા હોય તેવાં જ કેટલાક હરિભક્તને થતાં હતાં. વળી કેટલાકને તો બાપાશ્રીની છબી શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગઈ એવાં દર્શન પણ બાપાશ્રીએ દીધાં, તેણે કરીને સર્વેને ઘણી શાંતિ તથા ધીરજ આવી ગઈ. પછી સર્વે હરિભક્ત પરસ્પર મળી અને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી તથા બાપાશ્રીના ઘેર દર્શન કરીને પોતપોતાને ગામ ગયા ને દસમે દિવસે સર્વે હરિભક્તોએ મુંડન કરાવીને સ્નાન કર્યાં.
વળી બાપાશ્રી અંતર્ધાન થયા તે સમે સદગુરુ સ્વામીશ્રી આદિને તાર કર્યા હતા; તેથી બાપાશ્રીના ધામમાં ગયાના સમાચાર જાણી તે સદગુરુઓએ ગુજરાતમાં પણ ગામેગામ ખબર આપી ને સંતમંડળે તથા ગુજરાત આદિ દેશના હરિભક્તે બાપાશ્રીનો અતિશય વિલાપ કરીને સર્વેએ સ્નાન કર્યાં પછી તુરત જ કચ્છ તરફ રવાના થયા. તેમાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીના ધામમાં ગયા પછી સુદ નોમને દિવસ સાંજના વૃષપુર આવ્યા ને બાપાશ્રીના વિયોગથી શોકયુક્ત હતા; તોપણ પોતાના હૃદયમાં શ્રીજીમહારાજ ને બાપાશ્રીને દિવ્યસ્વરૂપે દેખતા હતા તેથી બાપાશ્રીના પુત્ર આદિ હરિભક્તને વાતો કરીને શાંતિ પમાડતા હતા. અને બાપાશ્રી ધામમાં પધાર્યા, તે નિમિત્તની ‘વચનામૃત’ની ને મંદિરમાં ‘ભક્તચિંતામણિ’ની કથા ચાલુ કરી હતી તેની દશમના રોજ સમાપ્તિ કરી.
ત્યાર પછી બાપાશ્રીના કાનજીભાઈ ને મનજીભાઈ -તેમણે મોટેરા હરિભક્તને તથા સ્વામી ઈશ્વરચરણદાસજી ને વૃંદાવનદાસજી તથા ભૂજના સંતોને પૂછીને બાપાશ્રીનું કાર્ય જેવો બાપાશ્રીએ મોટો યજ્ઞ કર્યો હતો તેવું મોટા પ્રમાણમાં આદર્યું ને સાજો સત્સંગ તેડાવ્યો ને તે કાર્યનો સર્વે સામાન ભેગો કરીને ભૂજના સર્વે સંત બોલાવ્યા, અને બાપાશ્રીના અંતર્ધાન થયાના દશમે દિવસે એટલે સુદ ચૌદશ ને રવિવારે ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથાનો પ્રારંભ કર્યો. હવે ગુજરાત આદિ દેશના હરિભક્ત આવવા મંડ્યા ને કચ્છના કણબીના ચોવીસ ગામનાં બાઈઓ તથા ભાઈઓ સર્વે આવ્યાં. ત્યાર પછી બાપાશ્રીના બારમાને દિવસે સરાવવું વગેરે વિધિ કર્યો ને બ્રાહ્મણને દાન દીધાં તથા મંદિરમાં સજ્જા આપી અને ભૂજમંદિરમાં ઠાકોરજીની સેવામાં પંદરસો કોરી ને ગૌદાન આપ્યાં. હવે બાપાશ્રીના તેરમાને દિવસે કચ્છના ચોવીસ ગામનાં સર્વે બાઈઓ-ભાઈઓ હરિભક્ત આવી ગયાં હતાં અને બાઈઓ બાઈઓના મંદિરમાં ને ભાઈઓ ભાઈઓના મંદિરમાં બાપાશ્રીના શોકમાં ડૂબ્યા થકા સભામાં બેસી કથા સાંભળતાં હતાં અને સદગુરુ સ્વામી ઈશ્વચરણદાસજી શ્રીજીમહારાજ ને બાપાશ્રીના મહિમાની વાતો કરીને તથા તેમનાં ઐશ્વર્ય, તેજ, પ્રતાપ વગેરેની વાતો કરીને સર્વેને શાંતિ પમાડતા હતા. આવી સદગુરુઓની વાતો સાંભળીને સર્વેને એમ થતું જે, ‘બાપાશ્રી તો શ્રીજીમહારાજની મૂર્તિ ભેગા છે માટે સદા પ્રત્યક્ષ છે.’ ને બાપાશ્રી પણ કેટલાક ભક્તને પોતાનાં પ્રત્યક્ષ દર્શન આપીને શાંતિ પમાડતા. અને તે બાપાશ્રીના કાર્યમાં કાનજીભાઈ ને મનજીભાઈ -તેમણે બાઈઓ, ભાઈઓ આદિ સર્વે સત્સંગીઓને તેરમાને દિવસે જમાડ્યા અને ચૌદમાને દિવસ એટલે અસાડ વદ ત્રીજ ને ગુરુવારે કથાની સમાપ્તિ કરી અને સર્વે સંતોને ધોતિયાં ઓઢાડ્યાં ને સંતોને તથા સર્વે હરિભક્તોને જમાડ્યા. પછી સર્વે સંત-હરિભક્ત શ્રીજીમહારાજ ને બાપાશ્રીને તથા બાપાશ્રીના છેલ્લા કાર્યને સંભારતા થકા ને સદગુરુ આદિ સંત ત્યાં રહ્યા. ત્યાર પછી કાનજીભાઈ તથા મનજીભાઈએ તે અષાઢી અમાસે સાંખ્યયોગી બાઈઓ સર્વેને તથા વૃષપુરના પંદર વર્ષ સુધીનાં સર્વે બાળકોને છત્રીએ જમાડ્યાં ને સદગુરુ આદિ સંતમંડળને મંદિરમાં જમાડ્યા.
ઇતિ વિશ્રામ ૯૯