વિશ્રામ ૨૭
ત્યાર પછી રામપુરમાં મુક્તસ્વરૂપ ધનુબાએ કથા કરાવી હતી, ત્યાં પણ બાપાશ્રીએ પધારી સર્વેને ઘણું સુખ આપ્યું હતું. પછી વૃષપુરમાં પટેલ કુંવરજીભાઈ માંદા થયા, ત્યારે પોતે વિચાર કર્યો જે, ‘‘હવે મારું શરીર રહેશે નહિ ને હજી મને મહારાજની મૂર્તિ દેખાતી નથી, માટે હું મુક્તશ્રી અબજીભાઈની પ્રાર્થના કરું; તે મારું પૂરું કરશે.’’ ને મુક્તશ્રી પણ તેમની પાસે બેસીને નિત્યે વાતો કરતા. તેમાં એક દિવસ કુંવરજીભાઈએ મુક્તશ્રીને હાથ જોડીને કહ્યું જે, ‘‘મને સ્વામી નિર્ગુણદાસજીએ તમારી સેવા કરવાનું કહ્યું હતું ને મારા જીવનો મોક્ષ કરવાનું તમને કહ્યું હતું, માટે મારા ઉપર દયા કરો ને મને મૂર્તિમાં મૂકી દો.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘સુખ માત્ર મૂર્તિમાં જ છે માટે મૂર્તિમાં રસબસ થઈ રહેવું.’’ -એમ કહ્યું ત્યાં જ કુંવરજીભાઈના હૃદાકાશમાં શીતળ, શાંત ને સુખરૂપ એવું તેજ દેખાયું ને તે તેજના મધ્યે શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને મહારાજના અંગેઅંગમાંથી તેજની છટાઓ છૂટે છે એવા મહારાજને જોઈને અતિશય આનંદ પામ્યા ને માયિક દેહથી જુદા થયા. તે જ વખતે પોતાનો આત્મા શ્રીજીમહારાજના જેવો જ સાકાર થઈ ગયો ને શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્તશ્રી અબજીભાઈને પણ દિવ્યસ્વરૂપે દીઠા, ત્યારે અતિ સ્નેહે કરીને શ્રીજીમહારાજમાં લીન થઈ ગયા ને સળંગ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત થયા. આવી રીતે મુક્તરાજશ્રીએ કુંવરજી પટેલને પોતાની સેવાનું ફળ આપ્યું. પછી તેમના સંબંધી સર્વે તેમના દેહનો અંતિમવિધિ કરવા લાગ્યા, પણ મુક્તરાજશ્રીના પ્રતાપે કોઈએ શોક કર્યો નહિ.
તેમ જ નારાયણપુરમાં જાદવજીભાઈ માંદા થયા, ત્યારે પણ બાપાશ્રી તેમને દર્શન દેવા પધારતા ને પાસે બેસી મૂર્તિમાં જોડાવાની વાતો કરતા. પછી એક દિવસ જાદવજીભાઈએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘મારે આ લોકની વાસના નથી, માટે મારા ઉપર દયા કરી મને તમારા ભેગો મૂર્તિના સુખમાં રાખો.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘તમને તો મૂર્તિમાં રાખ્યા છે.’’ -એમ કહ્યું ત્યાં જ તેમને તેજમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને બાપાશ્રી પણ દિવ્ય તેજોમય શ્રીજીમહારાજ જેવા દેખાયા ને પોતાનો આત્મા પણ શ્રીજીમહારાજ જેવો જ દિવ્ય સાકાર દેખાયો, ત્યારે અતિ સ્નેહે કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. એવી રીતે બાપાશ્રીએ જાદવજીભાઈને દેહ મેલાવી પોતાના ભેળા મૂર્તિમાં રાખ્યા ત્યારે તેમના સર્વે સંબંધીએ આવો બાપાશ્રીનો પ્રતાપ જોયો, તેથી શોક કર્યા વિના જ તેમના દેહનો અંતિમવિધિ કરવા લાગ્યા.
ત્યાર પછી અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા ભૂજના સંતમંડળ તથા અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી તથા કચ્છદેશના મોટા મોટા હરિભક્ત તેઓ સર્વેએ મળીને ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી વાસુદેવપ્રસાદજીને કચ્છદેશમાં ગામેગામ પધરાવવા એવો વિચાર કરીને પૂજ્ય મહારાજશ્રીને કચ્છમાં આવવાનું આમંત્રણ આપ્યું. ત્યારે ધ. ધુ. આચાર્યશ્રી મોટા મોટા સદગુરુને તથા સંત-પાર્ષદને સાથે લઈને કચ્છમાં પધાર્યા ને ગામેગામ ફરી વૃષપુર આવ્યા, ત્યારે અનાદિ મુક્તરાજશ્રીએ પણ સંત-પાર્ષદે સહિત પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને સેવા કરીને રાજી કર્યા. અને ધ. ધુ. આચાર્યશ્રી ગામ સુખપુરમાં આવ્યા હતા, ત્યારે એક દિવસ પાર્ષદો ધોતિયાં નિમિત્ત સાધુથી રિસાયા ને જમ્યા વિના પંક્તિમાંથી ઊઠી ગયા ત્યારે બાપાશ્રી ત્યાં હતા, તેમણે ને પટેલ ધનજીભાઈએ સાધુ-પાર્ષદને પરસ્પર મેળાપ કરાવ્યો ને પૂજ્ય આચાર્યશ્રી ગામડામાં ફરીને ભૂજ પધાર્યા.
હવે તે વર્ષમાં ભૂજમંદિરમાં શ્રીઘનશ્યામ મહારાજ ને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ પધરાવવાની હતી ને તેનું મુહૂર્ત સંવત ૧૯૬૭ના ચૈત્ર વદ સાતમનું હતું. તેથી ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી ને સર્વે સંત ભૂજમાં રોકાયા હતા ને બાપાશ્રી પણ હરિજયંતીનો ઉત્સવ ભૂજમાં કરીને પાછા વૃષપુર પધાર્યા હતા. તે સમે સ્વામી વૃંદાવનદાસજીની સાથે સાધુ કેશવપ્રિયદાસ ને નારાયણસેવકદાસજી -તે બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ ભૂજથી વૃષપુર ગયા હતા ને સ્વામી શ્વેતવૈકુંઠદાસજી આદિ સંત બાપાશ્રી પાસે હતા ને તે સર્વે બાપાશ્રીનાં દર્શન-સમાગમનું સુખ લેતા હતા. તે સમે મુનિ કેશવપ્રિયદાસજીને અનાદિ મુક્તરાજ બાપાશ્રીને વિષે સ્વાભાવિકપણે રહેલા એવા ગુણ જે સત્ય, શૌચ, દયા, શાંતિ, જ્ઞાન, વૈરાગ્ય, આજ્ઞા, ઉપાસના આદિ અનંત કલ્યાણકારી ગુણ-તેને જોઈનેતથા અસંગીપણું, નિર્લેપપણું, અતિશય પ્રકાશે યુક્તપણું એ આદિ અનંત ઐશ્વર્ય મુક્તશ્રીને વિષે રહ્યાં છે -તેને જોઈને, તથા અનંત સંત-હરિભક્તને વશ વર્તાવવાનું સામર્થ્ય -તેને જોઈને, તથા અનંત સંત-હરિભક્તને અંત સમયે દર્શન દઈ ધામમાં પહોંચાડી મહારાજની મૂર્તિને સુખે સુખી કરવા એ આદિ અનંત ઐશ્વર્ય, તેજ, પ્રતાપ રહ્યાં છે -તેને જોઈને, તથા મુક્તરાજશ્રીનું મનુષ્યસ્વરૂપ તે પણ સર્વ અવયવે સુશોભિત ને અતિશય કાંતિએ યુક્ત-એવું જોઈનેને તેમના મુખકમળથી વાતો સાંભળીને ને શ્રીજીમહારાજે વચનામૃતમાં પોતાના સ્વરૂપનું ગુહ્ય જ્ઞાન કહ્યું છે, તે સમજાવવામાં અલૌકિકપણું એવું જે જીવમાં તદ્રૂપ થઈ જાય, તે સાંભળીને તે મુક્તરાજના સ્વરૂપનો એવો નિશ્ચય થયો જે, ‘‘સર્વોપરી, સ્વતંત્ર, સર્વ કારણના કારણ ને સર્વે અનાદિમુક્તના સ્વામી એવા એક શ્રી સ્વામિનારાયણ ભગવાન છે ને આ બાપાશ્રી તેમના સંકલ્પમૂર્તિ એવા અનાદિમુક્ત છે, ને આ મુક્તને વિષે આત્મબુદ્ધિ ને પ્રીતિ કરવાથી શ્રીજીમહારાજની મૂર્તિની સાક્ષાત્ પ્રાપ્તિ થાશે.’’ -એવો દૃઢ નિશ્ચય જીવમાં થઈ ગયો. અને મુક્તરાજ બાપાશ્રી પણ અતિશય દયા કરીને સાધુ કેશવપ્રિયદાસને પોતાનાં દર્શન-સેવાસમાગમનું સુખ સદાય આપવા લાગ્યા.
હવે સ્વામી વૃંદાવનદાસજી આદિ સંત-તે ભૂજથી બાપાશ્રીનો સમાગમ કરવા સારુ વૃષપુર ગયા હતા, તેઓ પાછા ભૂજ જવા માટે ચાલ્યા. ત્યારે બાપાશ્રી પણ કેટલાક હરિભક્ત સહિત સંતને વળાવવા ચાલ્યા-તે રસ્તામાં બળદેશ્વર મહાદેવ છે ત્યાં રસ્તાને પડખે વાવ છે, તેની પાસે સભા કરી ને મુક્તશ્રી સભામાં બેઠા. ને સર્વે સંતોએ મુક્તરાજશ્રીને ચંદન ચર્ચી પુષ્પના હાર પહેરાવ્યા ને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે મુક્તશ્રી સર્વેને મળ્યા. પછી સર્વે સંત બાપાશ્રી પાસે આશીર્વાદ માગવા લાગ્યા જે, ‘‘બાપા ! આપ સદાય અમારા ભેળા રહેજો ને અંતઃશત્રુ થકી રક્ષા કરજો ને સ્ત્રી-દ્રવ્યનો સંબંધ મહારાજની આજ્ઞા વિરુદ્ધ ક્યારેય થાય નહિ ને પંચવર્તમાનમાં દૃઢ રહેવાય ને મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે.’’ -એ આદિ માગ્યું. ત્યારે બાપાશ્રીએ તે આશીર્વાદ સંતને આપ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતને ગાડામાં બેસાર્યા ને બીજા સંતને ચાલવાનું કહ્યું ત્યારે સર્વે ચાલ્યા ને હરિભક્ત સંતનાં દર્શન કરી પાછા વળ્યા ને બાપાશ્રી ઊભા રહી હરિભક્તને પાછા વાળીને સંતની કેડે ચાલ્યા, ત્યારે સંત પણ ઊભા રહ્યા ને બાપાશ્રીના ભેગા થઈ સાથે સાથે ચાલ્યા. પછી સંતને મળીને બાપાશ્રી પોતાના ખેતર સામા ચાલ્યા, ત્યારે સંત પણ બાપાશ્રીની કેડે કેડે ચાલ્યા, એટલે પોતે ઊભા રહીને સંતને પાછા જવાનું કહ્યું. તેથી સર્વે સંત બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી સંત પાસે આવીને સર્વેને મળ્યા ને કહ્યું જે, ‘‘હવે તમે પાછા જાઓ.’’ ત્યારે સર્વે સંત ઊભા રહ્યા ને બાપાશ્રી દૂર ગયા ત્યારે નમસ્કાર કરીને ભૂજને રસ્તે ચાલ્યા, -તે રાત્રીના નવ વાગે ભૂજમંદિરમાં પહોંચ્યા. ત્યાર પછી અનાદિમુક્તશ્રી ચૈત્ર વદ છઠને દિવસે ભૂજ આવ્યા તેથી સર્વે સંત-હરિભક્તનાં હૃદય આનંદથી ઊભરાતાં હતાં.
હવે ભૂજમંદિરના મહંત સ્વામી મહાપુરુષદાસજી ને બાપાશ્રી આદિ તેમણે વેદવિધિના જાણનારા વિપ્રો પાસે વેદોક્ત પ્રતિષ્ઠાવિધિ કરાવી. પછી ધ. ધુ. આચાર્યશ્રી મહારાજ તથા બાપાશ્રીએ શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિ ને રાધાકૃષ્ણની બે મૂર્તિ -એમ ત્રણે મૂર્તિઓ સિંહાસનમાં પધરાવી ને બાપાશ્રી સિંહાસન પાસે મૂર્તિઓ સામું જોઈને ઊભા રહ્યા હતા, ત્યારે તે મૂર્તિઓ તેજોમય એવી કેટલાકને દેખાતી હતી ને પ્રથમના મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે ને નરનારાયણ દેવની મૂર્તિઓ છે, તે પણ તેજોમય દેખાવા લાગી. તેને જોઈને સર્વે સંત-હરિભક્ત આશ્ચર્ય પામ્યા. એવી રીતે બે ઘડી સુધી દર્શન થયાં પછી જેવી મૂર્તિઓ છે, તેવાં જ દર્શન થવા લાગ્યાં ને એક સાધુને શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિનાં દર્શન થયાં તે ધાતુનો ભાવ જ નહિ ને મનુષ્યના જેવો આકાર ને અતિશય મનોહર મૂર્તિ એવા શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન થયાં. તેથી તેમને પ્રતિમાને વિષે દિવ્યભાવની અતિશય દૃઢતા થઈ ગઈ ને પ્રતિષ્ઠાવિધિ પણ સમાપ્ત થયો.
તે સમૈયામાં કચ્છદેશના કણબીના ચોવીસ ગામના તથા અબડાસા, કંઠી, વાગડના, આદિ સર્વે દેશના નાનામોટા, જુવાન-વૃદ્ધ, બાળક-સ્ત્રીઓ આદિ સર્વે ભક્ત આવ્યા હતા. તેમ જ સામા કાંઠેથી ગુજરાત, ઝાલાવાડ, નળકાંઠો, કાઠિયાવાડ આદિ દેશના હજારો હરિભક્તો આવ્યા હતા ને અમદાવાદ, વડતાલ, ગઢપુર, જૂનાગઢ, ને મૂળી આદિ ધામનાં સંતનાં મંડળ પણ હજારો આવ્યાં હતાં. તે સમૈયામાં ભૂજમંદિરના નરનારાયણ દેવના કોઠારના અધિકારી સ્વામી મહાપુરુષદાસજી, ભક્તિપ્રિયદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી, પાર્ષદ કરમસી ભક્ત તથા અનાદિમુક્ત અબજીભાઈ, પટેલ ધનજી જાદવજી, મહેતા ભોગીલાલ પુરુષોત્તમ, જેઠી ધનજીભાઈ બળદેવ, કોઠારી વેલજીભાઈ આદિ સર્વે મોટા મોટા સંત-હરિભક્તે મળીને સમૈયામાં આવેલા ધ. ધુ. આચાર્યશ્રી તથા સર્વે સંતનાં મંડળ ને બહારથી આવેલા સર્વે હરિભક્ત ને સર્વે હરિભક્ત તથા શહેરના સર્વે વિપ્રો તેમને સારાં ભોજન કરાવીને જમાડ્યા હતા ને વાડીમાં પાકશાળા કરી હતી. અને અનાદિમુક્ત બાપાશ્રી હરિભક્તની પંક્તિઓમાં ફરી દર્શન દઈને સૌને કૃતાર્થ કરતા હતા ને સંતની પંક્તિ પાસે આવી બીજાની શિક્ષાને અર્થે પોતે પણ સંતને દંડવત્ કરતા ને પોતાનાં દર્શન દઈને સંતને કૃતાર્થ કરતા ને ક્યારેક વાડીમાં આમ્રતરુ નીચે બેસીને મહારાજની વાતો કરતા ને સંત-હરિભક્ત સાંભળીને આનંદ પામતા. પછી તે સમૈયાની સમાપ્તિ થઈ ત્યારે સર્વે સંત-હરિભક્ત પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા ને આચાર્ય મહારાજશ્રી પણ સંત-હરિભક્તની રજા લઈને રવાના થયા ને બાપાશ્રી પણ સંત-પાર્ષદ સહિત આચાર્યશ્રીને વળાવીને પાછા વૃષપુર આવ્યા.
ઇતિ વિશ્રામ ૨૭