વિશ્રામ ૩
કચ્છાદેશમાં ભૂજનગરથી નૈઋત્ય ખૂણામાં છ કોશ દૂર વૃષપુર નામે ગામ છે. જે પુરની ઉત્તર દિશામાં વિશ્વામિત્રી નામે નાની નદી છે અને તે નદીની સમીપે ઉત્તરમાં કાળું સર છે ને તે સરના તટને વિષે પ્રગટ ભગવાનને બેસવાનું મહા મોટું તીર્થસ્થાન છે ને તે તીર્થથી પૂર્વ દિશામાં બળદેશ્વર નામે શિવજીનું મંદિર છે, અને તે નદીના તટમાં આશાપુરી નામે દેવીનું સ્થાન છે ને ત્યાં વિવિધ વૃક્ષનું વન છે અને જે ગામને વિષે શ્રી સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત વૈશ્ય જ્ઞાતિના કણબી ભક્તજનો ઘણા રહ્યા છે અને જે પુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ ચાર વર્ણ રહે છે. અને જે પુર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળથી ઘણી વાર અંકિત થયેલું છે એવું વૃષપુર ગામ, તેને વિષે ભગવાનના ભક્ત સ્વધર્મનિષ્ઠ એવા કણબી વેકરિયા નાથા પટેલ નામે હતા ને તેને ત્રણ પુત્રો હતા. તે સર્વે પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા અને સ્વધર્મનિષ્ઠ એવા સંતની સેવા કરતા, ને તેમનાં ગંગદાસ, રૂડા ને તેજા એવાં નામ હતાં. તેમાં રૂડાના પુત્ર પાંચાભાઈ નામે હતા, તે શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત ને સંતની સેવામાં પરાયણ હતા ને તે પાંચાભાઈનાં પત્ની દેવબા નામે હતાં; તે કેવાં, તો પતિવ્રતા અને શ્રીજીમહારાજની મૂર્તિમાં પ્રેમલક્ષણા ભક્તિવાળા ને ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં અતિ શ્રદ્ધાવાળાં, એવાં તે દેવબા તથા પાંચાભાઈ તે પ્રત્યક્ષ ભગવાનની ધર્મે સહિત એવી ભક્તિ કરતા, ને રૂપ ને ગુણે કરીને શ્રીજીમહારાજ જેવા પોતાને પુત્ર થાય એવા ભાવથી શ્રીજીમહારાજની પ્રતિમાને પ્રત્યક્ષ જાણીને પૂજા કરતાં, ને પુત્રની ભાવનાથી પૂર્વે પણ જેમણે ઘણુંક તપ કર્યું છે એવાં દેવબા, તે તેવા જ ભાવથી બ્રાહ્મમુહૂર્તને વિષે નિત્ય પ્રત્યે જાગી અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખીને કાળા સરમાં સ્નાન કરવું, દિવસમાં એક વાર ભોજન કરવું, ચાતુર્માસમાં ખટરસનો ત્યાગ કરી ધારણાં-પારણાં કરવાં, કાર્તિક માસમાં ચાંદ્રાયણ અને માઘ માસમાં કૃચ્છ્વ્રત કરવાં, તેવો નિયમ કેટલાંક વર્ષ સુધી રાખ્યો હતો.
સંવત ૧૯૦૦ના પોષ સુદ ત્રીજ ને ગુરુવારના દિવસે દેવબા બ્રાહ્મમુહૂર્તમાં જાગી મૂર્તિનું ધ્યાન કરીને અને મૂર્તિમાં વૃત્તિ રાખી બીજી સત્સંગી બાઈઓ સાથે કાળીતલાવડીમાં સ્નાન કરવા ગયાં હતાં. પછી સર્વે બાઈઓ છત્રી છે ત્યાં વસ્ત્ર મૂકીને દૈહિક ક્રિયા તથા સ્નાન વગેરે કરવા લાગ્યાં, અને દેવબા તો તત્કાળ દૈહિક ક્રિયા કરીને સરોવરમાં સ્નાન કરીને જ્યાં છત્રી છે ત્યાં જ માનસીપૂજા તથા ધ્યાન કરવા બેઠાં. તે સમયે દેવબાને તેજનો સમૂહ દેખાયો અને તે તેજને વિષે શ્રીજીમહારાજનાં દર્શન થયાં; તે કેવાં, તો દિવ્ય મનોહર મૂર્તિ અને મુક્તના મંડળે વીંટાયેલાં એવાં શ્રીજીમહારાજનાં દર્શન કરીને દેવબા અત્યંત આનંદમાં પૂર્ણ થયાં ને બે હસ્ત જોડીને નમસ્કાર કર્યા. પછી ધીરાં રહીને શ્રીજીમહારાજની સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યાં જે, ‘‘હે અક્ષરાધિપતિ ! તમે અનંતકોટિ મુક્તના તથા અનાદિમુક્તના સ્વામી છો. હે હરિકૃષ્ણ ! હે સ્વામિનારાયણ ! તમે સર્વ કારણના કારણ છો, અને સર્વોપરી ને સ્વતંત્ર છો ને સર્વને સુખદાતા અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાણ ભગવાન છો. હે સ્વામિન્ ! તમે અપાર દયા કરીને મને તમારાં દર્શન આપ્યાં. આવા દયાળુ મૂર્તિ મારા સ્વામી શ્રીજીમહારાજ તમે છો. માટે હે સ્વામિન્ ! પૂર્વે જેમ તમે સર્વે હરિભક્તના મનોરથ પૂરા કર્યા છે, તેમ મારો મનોરથ પણ પૂરો કરો. હે નાથ ! હું તમારે શરણે જ છું અને મીનને જેમ જળ જીવન છે તેમ તમે મારા જીવનપ્રાણ છો.’’-એવી દેવબાની સ્તુતિ પ્રાર્થના સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘હે કલ્યાણી દેવબા ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તમારે જે ઇચ્છા હોય તે મારાથી વર માગો.’’ ત્યારે દેવબા બોલ્યાં જે, ‘‘હે હરિકૃષ્ણ ! હે સ્વામિન ! તમે જો મને વર દેવાને ઇચ્છતા હો તો એ માગું છું, જે રૂપ, ગુણ ને ઐશ્વર્યે કરીને તમારા જેવા મારે પુત્ર થાય ને તમારે વિષે અત્યંત પરાભક્તિ થાય ને તમારી મૂર્તિમાંથી મારા મનની વૃત્તિ ક્યારેય નોખી પડે નહિ એ માગું છું. અને મને તમારું અનુભવજ્ઞાન આપીને તમારી મૂર્તિમાં રાખો એ માગું છું.’’ ત્યારે શ્રીજીમહારાજ ‘મંદ મંદ’ હસીને દેવબા પ્રત્યે બોલ્યા જે, ‘‘હે પ્રિયે ! અમારા જેવા તો અમે એક જ છીએ. અને અમારા અનાદિમુક્ત પણ અમારા જેવા કહેવાય. તે અનાદિમુક્ત તમારે ત્યાં પ્રગટ થાશે અને અસંખ્ય જીવનો ઉદ્ધાર કરશે અને તમારા મનોરથ પૂરા કરશે. આ મારું વચન તમે સત્ય માનજો ને નિત્યે આ સ્થાનમાં દર્શન કરજો ને આ તળાવમાં સ્નાન કરજો. આ સ્થાન, આ ગામ ને સીમ તે મને દુર્ગપુર જેવાં પ્રિય છે, માટે મારા સંકલ્પથી અનાદિમુક્ત તમારા પુત્ર થાશે અને આ ગામ ને સીમને વિષે વિચરશે અને તમારા જેવા જે જે મારા પ્રેમી ભક્ત છે, તે સર્વેના મનોરથ પૂરા કરશે. માટે તમે કાંઈ ઓછું માનશો નહિ; જેમ તમારી ઇચ્છા છે તેમ કરશે.’’ એમ કહીને શ્રીજીમહારાજ તત્કાળ અંતર્ધાન થઈ ગયા. ત્યારે દેવબા અતિ આનંદ પામીને ત્યાંથી બીજી બાઈઓ સાથે પોતાને ઘેર આવ્યાં, અને શ્રીજીમહારાજે પોતાને દર્શન દઈને વર આપ્યો તે વાત દેવબાએ પોતાના પતિ પાંચાભાઈને કહી, ત્યારે પાંચાભાઈ પણ અતિ આનંદ પામ્યા.
ઇતિ વિશ્રામ ૩