વિશ્રામ ૭૦

ત્યાર પછી એકાંતિક ધર્મનું પોષણ કરવા શ્રીજીમહારાજના સંકલ્પે કરીને મનુષ્યાકૃતિને ધારણ કરતા એવા અનાદિ મુક્તરાજશ્રી, -તે એકાંતિક ભક્તને સમાગમનું સુખ આપતા થકા ને એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરતા થકા શ્રીવૃષપુરમાં નિવાસ કરીને રહ્યા છે. પછી બાપાશ્રીએ બ્રહ્મચારી તથા સંત-હરિભક્તને સમાગમનું સુખ દેવા સારુ વૃષપુરમાં પાંચ દિવસનું ‘વચનામૃત’નું પારાયણ ચાલુ કરાવ્યું ને તે પ્રસંગે ભૂજ તથા ગામડાંમાંથી સંત તથા હરિભક્તોને તેડાવ્યા. હવે બાપાશ્રી તે સંત-હરિભક્તની સભામાં બેસીને કથા સાંભળતા હતા. તેમાં એક દિવસ બાપાશ્રીએ વાત કરી જે, ‘‘શ્રીજીમહારાજને સર્વોપરી સમજવા ને તેમની આજ્ઞા યથાર્થ પાળવી, તે જ શ્રીજીમહારાજની પ્રસન્નતાનું કારણ છે.’’ -એમ સર્વેને સુખ આપી પાંચમે દિવસ કથાની સમાપ્તિ કરાવીને સર્વે હરિભક્તને મંદિરના ચોકમાં જમાડ્યા. પછી બ્ર. નિર્ગુણાનંદજી તથા સાધુ કેશવપ્રિયદાસ આદિ સંત-પાર્ષદ બાપાશ્રીનાં દર્શન કરીને ને બાપાશ્રીની વાતો સાંભળીને પાછા ભૂજ આવ્યા. પછી તુરત જ ગામ સુખપુરમાં આઠ દિવસની ‘વચનામૃત’ની કથા ચાલુ થઈ ને તેમાં સર્વે સાધુ-સત્સંગી આવ્યા હતા અને મુક્તરાજશ્રીની આવવાની વાટ જોઈ રહ્યા હતા, ત્યાં જ બાપાશ્રી ઘોડી ઉપર બેસી પોતાના પુત્ર મનજીભાઈને સાથે લઈને દિવસના નવ વાગે પધાર્યા. ત્યારે સર્વે હરિભક્તને બાપાશ્રીનાં દર્શન કરીને આનંદ થયો ને કથાનું ફળ મળ્યું, એમ જાણીને બાપાશ્રીના સમાગમનું સુખ લેવા લાગ્યા. ત્યાં બાપાશ્રી સાંખ્યયોગી બાઈઓને રસોડે જમતા ને મંદિરમાં શયન કરતા ને નિત્યે સભામાં બેસીને વાતો કરતા.

હવે અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું સ્થાપન કરવામાં તત્પર એવા અનાદિ મુક્તશ્રીએ સત્સંગમાં કુસંગ ગુપ્તપણે રહ્યો હતો તેને કાઢવા સારુ એક દિવસ કથા બંધ રખાવી ને વાતો કરવા લાગ્યા જે, ‘‘શ્રીજીમહારાજની આજ્ઞામાં યથાર્થ રહેવું ને શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજવી ને શ્રીજીમહારાજને વિષે પતિવ્રતાની ભક્તિ કરવી; તે શું તો એક શ્રી સ્વામિનારાયણ ભગવાન વિના કોઈને વિષે આસ્થા રાખવી નહિ ને કોઈ કર્તા જાણવા નહિ ને બીજા અવતાર તથા શિવ, ગણેશ, હનુમાન, સૂર્ય, અગ્નિ, વાયુ, વરસાદ આદિ કોઈ દેવને પણ કર્તા જાણવા નહિ ને સુખ-દુઃખ આવે તેમાં કોઈની માનગત ન કરવી અને કાળિકાદેવી, કાળભૈરવ, જક્ષ, પીર, પિતૃ આદિ જે અદેવ છે તેને તો નમસ્કાર પણ ન કરવો ને તેની પ્રસાદી પણ ન લેવી. ને જો અજાણમાં તેની પ્રસાદી ખાય, કે નમસ્કાર કરે, કે પ્રતીતિ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત એક પાદકૃચ્છ્ર વ્રત કરવું અથવા એક ઉપવાસ કરવો.અને અદેવ જે શક્તિ કહેતાં માતા તેના મંત્ર-સ્તોત્રનો પાઠ, કે હોમ કરે-કરાવે અથવા તેનું વ્રત કરે તો તે ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે શુદ્ધ થાય -એમ ‘સત્સંગિજીવન’માં કહ્યું છે. અને ભગવાન વિના બીજા દેવને કર્તા જાણે તે તો પંચમહાપાપીથી પણ વધુ પાપી છે -એમ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે. અને જે અક્ષર, મહાકાળ, મહાપુરુષ, મહામાયા અને ચોવીસ તત્ત્વ એ સર્વે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે શ્રીજીમહારાજની સત્તાએ કરીને કરે છે, પણ તે વિના સ્વતંત્રપણે કોઈ કરતા નથી; સ્વતંત્ર કર્તા ને સર્વોપરી ને સદાય દિવ્ય સાકાર મૂર્તિ એવા એક શ્રીજીમહારાજ છે ને તેમના અનાદિમુક્ત છે, તે પણ મહારાજને લઈને કારણ મૂર્તિ છે ને મહારાજ જેવું જ કામ કરે છે પણ સ્વામી-સેવકભાવ છે. મહારાજ સ્વામી છે; મુક્ત સેવક છે. -એમ સમજીને શ્રીજીમહારાજનો ને મુક્તનો દૃઢ આશરો રાખવો તે પતિવ્રતાની ભક્તિ કહેવાય અને ઉપાસના પણ તે જ કહેવાય, માટે તેવી ભક્તિ કરવી.

વળી શ્રીજીમહારાજનાં આશ્રિત જે સ્ત્રીઓ ને પુરુષો તેમણે ‘શિક્ષાપત્રી’ પ્રમાણે ધર્મમાં દૃઢ રહેવું. તે ધર્મ સંબંધી સાધનમાં નિષ્કામ વ્રત મુખ્ય છે માટે નિષ્કામ વ્રત પોતાના વર્ણાશ્રમ પ્રમાણે દૃઢ પાળવું ને ભગવાનના ગૃહસ્થાશ્રમી ભક્તને અજાણમાં એક વાર જો પરસ્ત્રીનો સંગ થાય, તો તે ચાંદ્રાયણ વ્રત કરે, કે બે મહિને ધારણાં-પારણાં કરે ત્યારે તેની શુદ્ધિ થાય. તે પણ ધર્મશાસ્ત્રને જાણનારા એવા સાધુને પૂછીને તે બતાવે તેવી રીતે ભગવાનની ભક્તિએ સહિત પ્રાયશ્ચિત્ત કરવું. અને અજાણમાં પાન થાય, તો તેનું પ્રાયશ્ચિત્ત ‘શિક્ષાપત્રીભાષ્ય’માં અતિ મોટું કહ્યું છે પણ સત્પુરુષને વચને કરીને તેનું પ્રાયશ્ચિત્ત એક, કે બે ચાંદ્રાયણ વ્રતે કરીને થાય. અને અજાણમાં અગિયાર પ્રકારનું મદ્ય -તે જો પીવામાં આવ્યું હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત પણ એક, કે બે પાદકૃચ્છ્ર વ્રત કરે. અને દારૂ-માંસના સંસર્ગવાળું ઔષધ ખાવાપીવામાં આવ્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત પણ પાદકૃચ્છ્ર વ્રત કરે. અને દારૂ-માંસે મિશ્રિત એવું ઔષધ હોય તે ખાવું નહિ. અને પાણી તથા દૂધ તે કપડાથી ગાળવું અને અન્ન શોધીને રાંધવું. અને જે પોતાથી જાતિએ કરીને નીચ હોય તથા જાતિએ ઉત્તમ હોય પણ વર્તમાનમાંથી પડી ગયો હોય -એવાએ રાંધેલું-અડેલું અન્નજળ તે ખાવું-પીવું નહિ ને લસણ, ડુંગળી આદિ અભક્ષ્ય કહ્યાં છે તે ન ખાવાં તથા અફીણ ને ખાવાની, પીવાની ને સૂંઘવાની જે તમાકુ તે ખાવી-પીવી કે સૂંઘવી નહિ. અને જો લસણ-ડુંગળી અજાણમાં ખવાયું હોય તો પાદકૃચ્છ્ર વ્રત કરે. ને અજાણમાં અફીણ કે તમાકુ ખાય-પીએ તો એક ઉપવાસ કરે ને જાણીને ખાય-પીએ તો પાદકૃચ્છ્ર વ્રત કરે. અને જો બીડી-હોકો પીએ તો એક ઉપવાસ કરે. ને નાનીમોટી ચોરીઓ ન કરવી, ને નાનામોટા જીવ અજાણમાં મરાય તો તેનું પ્રાયશ્ચિત્ત સાધુને પૂછીને ધર્મશાસ્ત્ર પ્રમાણે કરવું. જે કોઈ મનુષ્યને મારે કે મરાવી નાખે તો તે બાર વર્ષનું મહાવ્રત કરે, તોપણ સત્સંગીની પંક્તિમાં લીધા જેવો ન થાય ને જો અજાણતામાં થયું હોય તો પ્રાયશ્ચિત્તે કરીને શુદ્ધ થાય. ને વર્તમાન બહાર ગાળ પણ બોલવી નહિ ને જો બોલાય તો એક ઉપવાસ કરવો ને ગરીબને પીડવા નહિ, એકબીજાનો દ્રોહ ન કરવો એ આદિ શ્રીજીમહારાજની આજ્ઞા, નિયમ, ધર્મ વગેરે શિક્ષાપત્રી ને વચનામૃતમાં કહ્યાં છે તે પ્રમાણે દૃઢ વર્તવું, એ આજ્ઞા પાળી કહેવાય ને શ્રીજીમહારાજની પતિવ્રતાની ભક્તિ કરવી. એમ વર્તવાનો દૃઢ નિશ્ચય કર્યોહોય, તો સર્વે ભક્તજનો તમે વારાફરતી એક એક ઊભા થઈ મહારાજ ને સભાને હાથ જોડી નમસ્કાર કરીને નિયમ લો, તો આથી આગળ કાંઈ અવળું થયું હશે તે સર્વે માફ છે પણ હવેથી ધર્મમાં ફેર આવવા દેશો નહિ.’’ પછી ભક્તજનોએ ઊભા થઈ શ્રીજીમહારાજની મૂર્તિ ને બાપાશ્રીને તથા સંત-સભાને નમસ્કાર કરીને બાપાશ્રીના હસ્તમાં હાથ આપી જળ લઈ પોતાના દોષ કહીને માફ કરાવ્યા ને ‘હવેથી આજ્ઞા પ્રમાણે વર્તીશું’ -એવી રીતે સર્વેએ બાપાશ્રીના હાથે નિયમ લીધા. એવી રીતે ધર્મપ્રિય મુક્તરાજશ્રીએ ત્રણ કલાક સુધી સર્વેને નિયમ આપ્યા પછી કથાની સમાપ્તિ કરી.

ત્યાર પછી બીજે દિવસ બાપાશ્રી દેવરાજભાઈ, ખીમજીભાઈ આદિ ભક્તને સાથે લઈને બાઈઓના મંદિરમાં પધાર્યા, ત્યારે સર્વે બાઈઓ બાપાશ્રીનાં દર્શન કરી આનંદ પામ્યાં. પછી હાથ જોડીને કહેવા લાગ્યાં જે, ‘હે બાપ ! અમારા ઉપર દયા કરીને અમને પણ નિયમ આપો; અમે સર્વે આપ જેમ કહેશો તેમ વર્તીશું. અને જો કોઈ થોડી સમજણવાળા હશે તેને કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરશો; હવેથી તે સર્વે બરાબર વર્તશે.’ ત્યારે બાપાશ્રી આસને વિરાજમાન થયા ને પાસે દેવરાજભાઈ, ખીમજીભાઈ, વાલજી ભક્ત આદિ બેઠા. પછી સર્વે બાઈઓએ છેટે બેસી અનાદિ મુક્તરાજશ્રીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજની પતિવ્રતાની ભક્તિ કરવી ને યથાર્થ આજ્ઞા પાળવી એવા નિયમ લીધા.

ત્યાર પછી સર્વે ભક્તજનો બાપાશ્રીને પોતપોતાને ઘેર પધરાવવાની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે દયાળુ બાપાશ્રી તે ભક્તજનને ઘેર પધાર્યા. તે વાલજી, દેવજી, લધા પટેલ, સુતાર જયરામભાઈ, શામજીભાઈ-એ આદિ ભક્તજન તેમણે અનાદિ મુક્તરાજ બાપાશ્રીને પોતાને ઘેર પધરાવીને ચંદન, કંકુમ ને પુષ્પના હારથી પૂજાઓ કરી ને નવીન વસ્ત્ર આદિ અર્પણ કરી પોતાના જન્મ સુફળ કર્યા ને બાપાશ્રીએ પણ ઘેર ઘેર પધારીને સર્વનાં ઘર તીર્થરૂપ કર્યાં. ને તે ભક્તનાં પણ ધનભાગ્ય છે; કેમ જે જેને ઘેર બાપાશ્રી પધાર્યા તો એમના ભેગા શ્રીજીમહારાજ પણ પધાર્યા, તેથી તે ભક્ત ધન્ય છે. અને તે ગામમાં બાપાશ્રી ઘરોઘર પધાર્યા, ત્યારે કેટલાક થોડી સમજણવાળા ભક્તના ઘરમાં પરંપરાના અદેવ રાખેલા હતા. તેમાં કેટલાકના ઘરમાં પિતૃ ને શુર્ધન હતા, ને કેટલાકના ઘરમાં માતાઓ, જક્ષ આદિનાં પૂતળાં હતાં. તે બીજા ભક્ત પાસે લેવરાવી ભેળાં કરીને ગાંસડી બાંધીને મંદિરમાં લાવ્યા ને સાધુને દેખાડ્યાં ને કહ્યું જે, ‘‘સત્સંગીઓના ઘરમાં અદેવનાં પૂતળાં રખાય નહિ, તોપણ કેટલાક રાખી રહ્યા હતા તેને અમે કઢાવ્યાં અને તમે સંતો સત્સંગીઓને શો ઉપદેશ કરો છો ? જે આવા અદેવને કઢાવતા નથી.’’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘આપ તો સમર્થ છો, તે તમારી થાય તે અમારાથી ન થાય; અમે કહીએ પણ તમારું મનાય એવું અમારું ન મનાય.’ પછી તે બધાં પૂતળાંને હમીરપરમાં નખાવી દીધાં. એવી રીતે અનાદિ મુક્તશ્રીએ અધર્મનો ઉચ્છેદ કરી એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. એમ ગામ સુખપુરમાં બાપાશ્રીએ સાત દિવસ રહીને સર્વેને સુખિયા કર્યા ને ત્યાંથી ભવાનીપુર ને સામત્રા થઈને વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૭૦