વિશ્રામ ૨૧
હવે સદ્. સ્વામી નિર્ગુણદાસજી ધામમાં ગયા ત્યાર પછીના સ્વામીના શિષ્ય પુ. શ્રીકૃષ્ણદાસજી, પુ. જોગેશ્વરદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ તથા સ્વામી નારાયણસેવકદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી કૃષ્ણજીવનદાસજી આદિ અમદાવાદના સંતો પોતપોતાનાં મંડળ સહિત સ્વામી નિર્ગુણદાસજીના કહેવાથી મુક્તશ્રીનો સમાગમ કરવા લાગ્યા. અને મૂળીના સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી બાલકૃષ્ણદાસજી, પુ. ધર્મકિશોરદાસજી આદિ ઘણાક સંતમંડળ સ્વામી નિર્ગુણદાસજીના સમાગમથી મુક્તશ્રીનું માહાત્મ્ય જાણી તેમનો જોગ-સમાગમ કરતા. તેમ જ ગુજરાતના રામજીભાઈ, ઝવેરભાઈ, મહાસુખભાઈ, કેશવલાલભાઈ આદિ, તથા ઝાલાવાડના લાલજી પટેલ ને તેમના દીકરા કાનજી પટેલ, વલુ પટેલ, શેઠ ગોવિંદ શાહ ને તેમના દીકરા ભૂરાભાઈ તથા અમીચંદભાઈ ને તેમના દીકરા ચતુરભાઈ આદિ ને કચ્છ-ભૂજના સ્વામી અક્ષરજીવનદાસજી, ગોવિંદપ્રિયદાસજી, ભક્તિપ્રિયદાસજી આદિ તથા મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, મુ. કેસરાભાઈ, જાદવજીભાઈ, દેવરાજભાઈ, કુંવરજી પટેલ, કાનજીભાઈ, દેવજીભાઈ, તથા ભૂજના મહેતા પુરુષોત્તમભાઈ, કોઠારી જાદવજીભાઈ આદિ ઘણાક સંત-હરિભક્ત નિર્ગુણદાસજીસ્વામીના સમાગમથી મુક્તરાજને વિષે અતિ સ્નેહવાળા થયા હતા. તેમ જ કચ્છનાં મુક્તસ્વરૂપ મોટાં ડોશી ધનુબા, અમરબા, કાનબા આદિ, તથા ગુજરાતનાં કંકુબા, લીરૂબા આદિ ઘણાં બાઈઓ તે પણ મુક્તશ્રીની અનુવૃત્તિમાં રહીને શ્રીજીમહારાજનું ભજન કરતાં. અને અનાદિમુક્ત બાપાશ્રી સર્વે સંત-હરિભક્તને પોતાના જાણી અતિ સ્નેહે કરીને શ્રીજીમહારાજની આજ્ઞામાં સર્વેને વર્તાવતા ને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજાવીને મૂર્તિનું સુખ આપતા. અને તે સર્વેને અનાદિ મુક્તરાજશ્રીના સમાગમથી એકાંતિક ધર્મને વિષે સ્થિતિ થઈ હતી ને અનાદિમુક્તની સ્થિતિ પણ પ્રાપ્ત થઈ હતી ને રામજીભાઈ, મિસ્ત્રી હરજીભાઈ, નાગજીભાઈ, ભૂરાભાઈ, બાપુભાઈ આદિ કેટલાક ભક્ત તેમણે તો વ્યવહારમાંથી નિવૃત્તિ પામી ને મુક્તશ્રીનો સમાગમ કરીને મુક્તશ્રીના પ્રતાપથી છતે દેહે અક્ષરધામરૂપ પોતાના આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર કર્યો હતો. અને તેમના અંત સમયે શ્રીજીમહારાજ ને મુક્તશ્રીએ દિવ્ય-સ્વરૂપે કેટલાક ભક્તને દર્શન દઈ અતિ ચમત્કાર જણાવી તેમને અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લીન કર્યા, એમ દિવ્ય દૃષ્ટિવાળા સંત-હરિભક્તને પ્રત્યક્ષ દેખવામાં આવતું તેથી મુક્તશ્રીનો જોગ કરતા ને સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી તે તો શ્રીજીમહારાજના પૂર્વના અનાદિમુક્ત છે, માટે તેમને જ્યારથી અનાદિમુક્ત અબજીભાઈનો સમાગમ થયો, ત્યારથી જ તેમને પોતાની અનાદિમુક્તની સ્થિતિનું ભાન થઈ ગયું હતું ને તે સ્થિતિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવતા ને બીજાને સુખિયા કરતા ને મુક્તશ્રીનો સમાગમ પણ કરતા ને બીજાને પણ કરાવતા.
સંવત ૧૯૫૧ની સાલમાં ઉપરદળના રામજીભાઈ અનાદિ મુક્તરાજશ્રીને પોતાને ગામ તેડી જવા સારુ આવ્યા ને બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘‘હે કૃપાળુ ! તમે દયા કરીને મારે ગામ પધારો ને આપની સેવાનો લાભ આપો.’’ ત્યારે બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, ‘‘તમે આગળથી જાઓ ને અમે સંત-હરિભક્તને સાથે લઈને ત્યાં આવશું.’’ ત્યારે રામજીભાઈ બહુ રાજી થયા ને બાપાશ્રીની આજ્ઞા લઈને પોતાને ગામ ગયા. પછી બાપાશ્રી ખીમજીભાઈ, દેવરાજભાઈ આદિ હરિભક્તને સાથે લઈ ભૂજ આવ્યા ને ભૂજથી કેટલાંક સંતમડળને સાથે લઈ ગામ મૂળી આવ્યા, ત્યાં ઠાકોરજી ને સંતનાં દર્શન કરી ત્યાંથી ઉપરદળ પધાર્યા. હવે બાપાશ્રીને સાંભળીને સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ મૂળી-અમદાવાદના સંત બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ ઉપરદળ આવ્યા ને નાગજીભાઈ, આશાભાઈ આદિ હજારો હરિભક્તો પણ આવ્યા. તે સર્વે બાપાશ્રીનાં દર્શન કરી આનંદ પામ્યા અને સંત-હરિભક્તની અતિશય જ ભીડ થઈ ને ઉતારા કરવાનો પણ માર્ગ મળે નહિ તેથી રામજીભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘‘આપે અમને તો કૃતાર્થ કર્યા પણ હરિભક્ત ઘણા આવ્યા છે, તેથી સર્વેની સરભરા થઈ શકે તેમ નથી.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમોને આવ્યે ત્રણ દિવસ થયા છે, ત્યાં તો આટલા સંત-હરિભક્ત આવ્યા ને બીજા ત્રણ દિવસ થશે તો ત્રણ ગણા વધશે, માટે તમારો મનોરથ પૂરો થયો; હવે અમને ધોળકે જવાની રજા આપો.’’ ત્યારે રામજીભાઈએ કહ્યું જે, ‘‘બાપા ! જેમ આપ રાજી હો તેમ કરો.’’ પછી બીજે દિવસે જમીને બાપાશ્રી ધોળકે પધાર્યા ત્યાં સદ્. સ્વામી વૃંદાવનદાસજી મહંત હતા, તેમણે બાપાશ્રીને તથા સર્વે સંત-હરિભક્તને સારી સગવડથી સેવા કરીને રાજી કર્યા. પછી બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું જે, ‘‘સ્વામી ! તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો ? અને તમે કોણ છો ?’’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘‘અત્યારે તો કાંઈ જણાતું નથી ને કરવાનું છે તે થતું પણ નથી.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘કરોને, કેમ થતું નથી.’’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘‘તમે કરાવો તો થાય.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે તો શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો; હવે તમારે ને અમારે કાંઈ પણ અંતરાય નથી; અમે તે તમે ને તમે તે અમે. અને તમને તો શ્રીજીમહારાજે મુમુક્ષુને સુખિયા કરવા મોકલ્યા છે, માટે સર્વેને સુખિયા કરો.’’ -એમ બાપાશ્રીએ કહ્યું ત્યારે સ્વામીને હૃદયમાં પ્રકાશ થઈ ગયો ને શ્રીજીમહારાજની મૂર્તિ તેજોમય દેખાઈ ને બાપાશ્રીનાં પણ દિવ્યરૂપે દર્શન થયાં ને પોતાની અનાદિમુક્તની સ્થિતિનું પણ ભાન થઈ ગયું. પછી બીજે દિવસે બાપાશ્રી જમીને સંત-હરિભક્તોએ સહિત જયતલપુર ગયા ને ત્યાંથી શ્રીનગર પધાર્યા. ત્યાં કાર્તિક સુદ એકાદશીનો સમૈયો કર્યો ને હજારો સંત-હરિભક્ત આવ્યા હતા, તે સર્વે મુક્તશ્રીનાં દર્શન-સમાગમ કરી આનંદ પામ્યા ને બાપાશ્રીએ તે સર્વેને દર્શન-સમાગમનું બહુ સુખ આપ્યું. પછી અનાદિ મુક્તરાજશ્રી ઈશ્વરચરણદાસજીને તથા સ્વામી વૃંદાવનદાસજી તથા રામજીભાઈ આદિ સંત-હરિભક્તને રાજી કરી ભૂજ થઈ ને વૃષપુર પધાર્યા. તેથી તેમનાં દર્શન કરીને કચ્છદેશના હરિભક્તને પરમ આનંદ થયો.
ત્યાર પછી ધ. ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ સંત-પાર્ષદ સહિત કચ્છદેશમાં ફરવા સારુ પધાર્યા હતા. તે વૃષપુર આવ્યા, ત્યારે મુક્તરાજશ્રી પોતે પૂજ્ય આચાર્યશ્રી મહારાજ ને સર્વે સંતને સેવા કરી તથા આજ્ઞા-ઉપાસનાની વાતો કરીને બહુ જ આનંદ આપતા. એક વખત આચાર્યશ્રી મહારાજે તથા મોટા સદગુરુઓએ મુક્તરાજશ્રીને સભામાં ગાદીતકિયે બેસવા વિનયથી કહ્યું, ત્યારે મુક્તશ્રી ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીનો ને સદગુરુઓનો ગાદીતકિયે બેસાડવાનો આગ્રહ જોઈને સભામાં ગાદીતકિયા ઉપર બેસતા ને તેમનાં દર્શન કરીને સર્વે સંત-હરિભક્ત પરમ આનંદ પામતા ને સભા અતિશય શોભતી.
એક સમે ધ. ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે મુક્તરાજશ્રીને એકાન્તે મળવા સારુ પોતાની પાસે બોલાવ્યા, ત્યારે બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજીને તથા સ્વામી વૃંદાવનદાસજીને સાથે લઈને પૂજ્ય મહારાજશ્રીના તંબુમાં ગયા. ત્યારે ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીએ સત્કાર કરી આસન ઉપર બેસાડીને કહ્યું જે, ‘‘શ્રીજીમહારાજે તમને જીવોના મોક્ષ કરવા મોકલ્યા છે -એમ અમે સ્વામી નિર્ગુણદાસજીના મુખથી સાંભળ્યું છે. તેથી મારે તમને એટલું કહેવું છે, જે તમે મારા જીવનો આત્યંતિક મોક્ષ કરશો.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘તમે તો સત્સંગના ધણી ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી છો. તો તમારો તો મોક્ષ થયો જ છે, તોપણ તમારી વતી શ્રીજીમહારાજને કહેશું.’’ આવી રીતે તેમનો મનોરથ પૂરો કર્યો તેથી મહારાજશ્રી બહુ રાજી થયા. ત્યાર પછી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તથા સર્વે સંત-તે કચ્છદેશમાં ગામેગામ ફરી ભૂજમાં રહી કુંભારિયા, અંજાર આદિ ગામોમાં થઈને પાછા ગુજરાત દેશમાં ગયા.
ત્યાર પછી કોઈક સમે મુક્તરાજ અબજીબાપાશ્રીનાં દર્શન-સમાગમ કરવા સારુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા મૂળીના સ્વામી બાળકૃષ્ણદાસજી, પુ. ધર્મકિશોરદાસજી આદિ સંતમંડળ ને રામજીભાઈ, બાપુભાઈ આદિ હરિભક્ત આવ્યા હતા ને ભૂજથી સ્વામી અક્ષરજીવનદાસજી, જગજીવનદાસજી, માંડવીના મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, દેવરાજભાઈ, જાદવજીભાઈ, મિસ્ત્રી હરજીભાઈ આદિ ઘણા સંત-હરિભક્ત વૃષપુર મુક્તશ્રીનો સમાગમ કરવા સારુ આવ્યા હતા ને અહોનિશ કથાવાર્તા-ધ્યાનભજન કરતા હતા. તેમાં એક દિવસ બાપાશ્રી સભામાં બેસી અતિ રહસ્યની વાર્તા કરતા થકા બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, -તે મૂર્તિના તેજરૂપ થઈને ધ્યાન કરવું તેથી પણ પ્રતિલોમ વૃત્તિએ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવું તે વિશેષ છે ને પોતાને મળી જે શ્રીજીમહારાજની મૂર્તિ તેનું જ ધ્યાન કરવું ને ધ્યાન કરતાં કરતાં ઉપશમ થાય ને દેહ ભૂલી જવાય ત્યારે મૂર્તિનું સુખ આવે, ને મૂર્તિનું સુખ આવે ત્યારે આત્મા કારણ-મહાકારણથી નોખો પડી પુરુષોત્તમરૂપ થાય, માટે ધ્યાનનો અભ્યાસ કરવો ને સર્વે ક્રિયામાં મૂર્તિ ભૂલવી નહિ. મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો ને શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજવી. શ્રીજીમહારાજ સદા દિવ્ય સાકારમૂર્તિ છે ને પ્રત્યક્ષ છે, એમ શ્રીજીમહારાજને સમજવા ને શ્રીજીમહારાજની આજ્ઞામાં ફેર પડવા દેવો નહિ એ પ્રસંગની ઘણીક વાતો કરી.’’ ને કોઈક દિવસ સ્વામી અક્ષરજીવનદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી વાતો કરતા તેને સાંભળીને મોટા મોટા સંત-હરિભક્ત ને બીજા સર્વેને અતિ આનંદ થતો. પછી જાદવજીભાઈ બાપાશ્રીને તથા સર્વે સંત-હરિભક્તને નારાયણપુર તેડી ગયા ને સેવા-સમાગમનો સર્વેએ લહાવ લીધો. ત્યાંથી કેસરાભાઈ દહીંસરા તેડી ગયા, ત્યાં તેમણે સર્વેને સેવા કરીને રાજી કર્યા. ત્યાંથી રામપુર ગયા, ત્યાં દેવરાજભાઈ આદિએ સેવા કરીને રાજી કર્યા. ને ત્યાંથી લક્ષ્મીરામભાઈના આગ્રહથી માંડવી બંદર આવ્યા. ત્યાં લક્ષ્મીરામભાઈ સર્વેને રસોઈ કરીને જમાડવા વગેરે સેવા કરતા ને કથાવાર્તાના પણ બેસતા ને સર્વેને અતિ આનંદ વર્તતો હતો.
કોઈક દિવસ મુક્તરાજશ્રી ને લક્ષ્મીરામભાઈ આદિ ને સ્વામી અક્ષરજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે મુક્તમંડળની સભા બેઠી હતી ને બીજા પણ ઘણાક હરિભક્ત બેઠા હતા ને લક્ષ્મીરામભાઈ વાતો કરતા હતા. તે સમે રામકૃષ્ણભાઈએ પૂછ્યું જે, ‘‘લક્ષ્મીરામભાઈ જેવા શાસ્ત્રવેત્તા સંત-હરિભક્ત હોય, તેઓ શાસ્ત્રમાંથી ભગવાનનું સ્વરૂપ સમજી શકે પણ જે ભણ્યા ન હોય તે શાસ્ત્રને જાણ્યા વિના શું સમજે ?’’ ત્યારે લક્ષ્મીરામભાઈ ને જાદવજીભાઈએ બાપાશ્રીને કહ્યું જે, ‘‘આ પ્રશ્નનો ઉત્તર તમે કરો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘પરોક્ષ શાસ્ત્રમાં મહામાયા ને મૂળપુરુષ સુધીનું વર્ણન કર્યું છે. તે શાસ્ત્રને જાણનારા મૂળપુરુષને જ પુરુષોત્તમ ભગવાન જાણે છે, પરંતુ મૂળપુરુષથી પર મહાકાળ છે, તેથી પર નરનારાયણ છે, તેથી પર વાસુદેવનારાયણ છે, તેથી પર અક્ષર છે ને તે સર્વે અનંત છે ને તેથી પર તેજના સમૂહરૂપ શ્રીજીમહારાજનું ધામ છે. તેમાં અનંતકોટિ મુક્ત ને નિત્યમુક્ત તેમણે નિરંતર સેવ્યા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે. તેમને અનાદિ શ્રીકૃષ્ણ કહ્યા છે. તે વાત મહારાજ ને તેમના અનાદિ મુક્તથી જ સમજાય છે ને અમે તો પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ ને અમે તો માતાના ઉદરમાં હતા, ત્યારે પણ શ્રીજીમહારાજની મૂર્તિને દેખતા ને મૂર્તિને સુખે સુખી હતા ને ઉદરમાં આવ્યા મોર પણ તે મૂર્તિમાં જ હતા ને મૂર્તિનું સુખ ભોગવતા ને અત્યારે અહીં છીએ તોપણ તે મૂર્તિમાં જ છીએ ને તે મૂર્તિના સુખ વિના આ લોકમાં અમારે માનમોટપ, ખાનપાન આદિનું સુખ તથા કોઈ પદાર્થમાં પ્રીતિ નથી ને જે કાંઈ ગ્રહણ કરતા હઈશું તે પણ જીવના સારા સારુ કરતા હઈશું, પણ જો અમારા સુખને સારુ કરતા હોઈએ તો શ્રી સ્વામિનારાયણના સમ છે ને અમારો તો આ લોકથી મૂળઅક્ષર પર્યંતનાં સર્વે સુખ સરખાં છે. અમે તો સ્વામિનારાયણ ભગવાનના સુખ-સમુદ્રમાં રમીએ છીએ.’’ -એ આદિ ઘણીક વાતો કરી. તેને સાંભળીને સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતમંડળ ને લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ આદિ સર્વે હરિભક્તને અતિશય આનંદ થયો ને રામકૃષ્ણભાઈ તો આવી વાતો સાંભળી શ્રીજીમહારાજ ને અનાદિમુક્તનો મહિમા સમજી અતિશય દીન થઈ ગયા અને પોતાનું માન મેલીને સર્વે સભાએ સહિત મુક્તરાજશ્રીને દંડવત્ કરવા લાગ્યા ને નેત્રમાં જળ આવી ગયાં ને હાથ જોડીને પ્રાર્થના કરી જે, ‘‘તમે સર્વે મારા ઉપર રાજી થાઓ ને મને પોતાનો જાણીને મારામાં કાંઈ કસર રહેવા દેશો નહિ ને જો બીજો જન્મ ધરાવો તો તમારી નાતમાં ધરાવશો- એ હું માગું છું.’’ ત્યારે મુક્તરાજશ્રી આદિ સર્વે રાજી થયા ને કહ્યું જે, ‘‘તમે આજથી અમારા ભેગા છો; તમને મહારાજની મૂર્તિમાં રાખીશું.’’ -એમ રાજી થઈને કહ્યું. એવી રીતે નિત્યે કથાવાર્તા થતી. -એમ મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ બાપાશ્રી આદિ સર્વેને તેડાવીને બ્રહ્મયજ્ઞ કર્યો. પછી સર્વે હરિભક્ત પોતપોતાને ગામ ગયા ને બાપાશ્રી સર્વે સંતની સાથે ભૂજ આવ્યા ને મૂળી અમદાવાદના સંત-હરિભક્તને તેમના દેશમાં મોકલ્યા ને બાપાશ્રી વૃષપુર પધાર્યા.
ઇતિ વિશ્રામ ૨૧