વિશ્રામ ૩૩
ત્યાર પછી અમદાવાદમાં કોઈક દિવસ મુનિ કેશવપ્રિયદાસને સ્વપ્નમાં રંગમહોલમાં શ્રીઘનશ્યામ મહારાજ છે તેમનાં દર્શન થયાં ને જોડે બાપાશ્રીનાં પણ દર્શન થયાં. તેમાં પણ શ્રીજીમહારાજે સર્વે જરીનાં વસ્ત્ર પહેર્યાં હતાં ને શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અતિશય ઉજ્જવળ તેજનાં કિરણો છૂટતાં હતાં -એવા, ને મહારાજનું મુખારવિંદ ‘મંદ મંદ’ હાસ્યયુક્ત અતિશય શોભી રહ્યું હતું ને બાપાશ્રી પણ અતિશય કોમળ અને પુષ્ટસ્વરૂપ ને અતિશય સુગંધીમાન -એવાજુગલ સ્વરૂપનાં ઘણી વાર દર્શન થયાં ને અતિશય આનંદ થયો. પછી બાપાશ્રી શ્રીજીમહારાજમાં લીન થઈ ગયા ને એક મહારાજની મૂર્તિ દેખાઈ પછી જાગી જવાયું. પછી તે વાત પુ. હરિપ્રસાદદાસજીને કહી ને તે બેયને શ્રીજીમહારાજ ને બાપાશ્રીની વાતો કરતાં વિચાર થયો જે, ‘‘આપણે ધ્યાન કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સિદ્ધ કરવી ને અનાદિમુક્ત બાપાશ્રીનો સમાગમ કરવો ને બાપાશ્રીને રાજી કરી તેમનો આશીર્વાદ લેવો; તેમની કૃપાથી શ્રીજીમહારાજની મૂર્તિ દેખાશે ને સુખ આવશે.’’ -એમ વિચાર કરી પુ. હરિપ્રસાદદાસજી ને કેશવપ્રિયદાસજી તે બંને સંત વસંતપંચતમીએ મૂળી આવ્યા. ત્યાં પુ. નારાયણસેવકદાસજી, જોગેશ્વરદાસજી ને નારાયણપ્રિયદાસજી તેમને વૃષપુર જવાની વાત કરી, ત્યારે તે પણ તૈયાર થયા. પછી તેને પાંચ સંત બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ મૂળીથી પગે ચાલીને માઘ વદ એકમના વૃષપુર પહોંચ્યા ને બાપાશ્રીનાં દર્શન કરી અતિશય આનંદ પામ્યા ને બાપાશ્રી પણ તે સંતને મંદિરમાં ને વાડીમાં પોતાના સમાગમનું સુખ અતિશય આપતા હતા.
એક દિવસ તે પાંચ સંત બાપાશ્રીના હસ્તની પ્રસાદી તથા આશીર્વાદ મળે એવી ઇચ્છાથી કાકરવાડીએ નહાવા ગયા. પછી નાહીને લખાઈ વાડીમાં મુક્તરાજશ્રીની પાસે આવ્યા. તે સમે બાપાશ્રી વાયરેથી ખરી પડતી જે આંબાની નાની કેરીઓ તેને પોતે વીણીને ભેળી કરતા હતા ને પોતાના પૌત્ર માવજી આદિ તેમનીપાસે તે કેરીઓ વીણાવતા હતા ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને અતિશય દયાળુ મૂર્તિ -એવા બપાશ્રીને જોઈ તેમને નમસ્કાર કરીને પાસે ઊભા રહ્યા. ત્યારે મુક્તશ્રી તે ભેળી કરેલી કેરીઓ લૂગડામાં લઈને આંબાના છાંયે બેઠા ને સંતમંડળ ને બાપાના પૌત્ર તે પણ સર્વે બાપા પાસે બેઠા. તે સમે બાપાશ્રી અતિ રાજી થઈને વાતો કરવા લાગ્યા જે, ‘‘પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ને અનાદિમુક્ત આ પૃથ્વીમાં મનુષ્યરૂપે જ્યારે વિચરે છે ત્યારેતે આમ સભા કરીને બેસે છે ને એમનાં દર્શન-સ્પર્શ થાય છે. તેમનો મહિમા જો સમજાય ને દિવ્યભાવ આવે, તો શ્રીજીમહારાજની મૂર્તિ તેજમાં તેજોમય ઝળઝળાટ દેખાય ને શ્રીહરિતેને અનુભજ્ઞાન આપીને મૂર્તિમાં રાખે ત્યારે મૂર્તિના સુખમાં થીજી રહે; પછી એક મહારાજ જ દેખાય. એવું સુખ આ મોટાના જોગથી મળે છે, પણ આ જોગ વિના કોટિ સાધને કરીને પણ એવી પ્રાપ્તિ થાય નહિ. આ જોગથી તો બહુ લાભ થાય છે. તમે અમદાવાદથી અહીં દર્શન કરવા આવ્યા, તે આ દર્શન-સમાગમથી શાંતિ તો થાય પણ તમને જે લાભ થયો તેની તમને અત્યારે શું ખબર પડે. એ તો જ્યારે અનુભવજ્ઞાન આપીને દિવ્યસ્વરૂપનાં દર્શન કરાવશું ત્યારે જેમ છે તેમ અનુભવ થશે. આ મોટાના સંબંધથી આ ઝાડનો પણ આત્યંતિક મોક્ષ થાય છે ને આ મોટાની પ્રસાદી જમે તથા પ્રસાદીનાં ચંદનપુષ્પની સુગંધી લે તથા દર્શન કરે તેમનો પણ મોક્ષ થાય છે.’’ -એમ કહીને પોતાના ગૂંજામાંથી ચપ્પુ કાઢીને ચાર-પાંચ કેરીઓ સુધારી, ને તેની પ્રસાદી કરીને સર્વે સંતોને આપી, ત્યારે એક સંત ઉપવાસી હતા તેમણે કહ્યું જે, ‘‘બાપા ! મારે ઉપવાસ છે, તેથી પ્રસાદી ખવાય કે નહિ ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ઉપવાસ હોય તો ખવાય નહિ પણ રાખી મૂકો; તે કાલે ખાજો.’’ પછી મુક્તશ્રીએ અતિ પ્રસન્ન થકા બીજી કેરીઓ હતી તેમાં પોતાનો હસ્તકમળ ફેરવીને કહ્યું જે, ‘‘આ પ્રસાદી જમશે તેનું આત્યંતિક કલ્યાણ થાશે.’’ એમ ત્રણ વાર કહ્યું ને વળી કહ્યું જે, ‘‘આ પ્રસાદીની કેરીઓ લો, સુધારીને સૂકવીને રાખજો; બીજાને આપવા થશે.’’ -એમ બોલ્યા, એટલે સંતોએ બાપાશ્રીના કહેવા પ્રમાણે કેરીઓને લઈ રાખી. પછી મુક્તશ્રીને અતિ પ્રસન્ન જાણીને સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે કૃપાળુ ! અમે શ્રીજીમહારાજ ને આપના ચરણકમળને આશર્યા છીએ માટે અમને પોતાના જાણશો ને કામાદિક દોષ થકી રક્ષા કરશો ને મૂર્તિનું ધ્યાન કરવામાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ આવે નહિ ને મૂર્તિનું સુખ આવે ને ‘નીર સ્નેહી મીન, ચંદ્ર સ્નેહી ચકોર; હરિ મેરે હારલકી લકરી’ -તેવી શ્રીજીમહારાજને આપને વિષે આત્મબુદ્ધિ ને પ્રીતિ થાય ને જેમ અનાદિમુક્ત મૂર્તિમાં અખંડ રહ્યા થકા મૂર્તિનું સુખ ભોગવે છે, તેમ આપના ભેળા રાખીને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપશો.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘અમારે તો વગર માગે સુખ આપવું છે પણ લેવું જોઈશે; તે શું, તો ખપ રાખવો જોઈએ. તે કહેવાનું એ છે જે, શ્રીજીમહારાજની ઉપાસના પરિપક્વ સમજવી; જે અક્ષરથી પર અક્ષરધામ છે નેપરમ-એકાંતિક મુક્તથી અધિક સ્થિતિવાળા અનાદિમુક્ત છે. તે અનાદિમુક્ત ને શ્રીજીમહારાજ તમને પ્રત્યક્ષ મળ્યા છે અને તમારા ભેળા જ છે ને તમે તેમના ભેળા જ છો. તેમાં નાસ્તિકભાવ ક્યારેય આવવા દેવો નહિ ને મોટા આપણું પૂરું કરશે-એવો વિશ્વાસ રાખવો ને તમને વિષે મનુષ્યભાવ આવવા દેવો નહિ. મનુષ્યરૂપે દેખાય છે તોપણ મૂર્તિમાં જેવા દિવ્ય છે તેવા જ દિવ્યમૂર્તિ છે અને સિદ્ધાનંદસ્વામીની પેઠે સર્વ ક્રિયામાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી ને દેહથી અક્ષર પર્યંત સર્વે ખોટું કરીને મૂર્તિમાં રહેવું. આવી રીતે મહારાજ ને મોટાનું કહ્યું કરશો તો અમે તમારા ઉપર ઘણા રાજી થઈશું ને બાકીની સર્વે કસર ટાળીને અનાદિમુક્ત જેવા અનાદિમુક્ત કરશું ને ભેળા રાખશું ને સળંગ મૂર્તિના રોમરોમનું નવીન નવીન સુખ અખંડ અપાવીશું.’’ -એવી રીતે બાપાશ્રીએ અતિ પ્રસન્ન થઈને શિક્ષાએ સહિત આશીર્વાદ આપ્યા ત્યારે સર્વે સંત તેમનાં અમૃતરૂપી વચન જીવમાં ઉતારીને બાપાશ્રીને દંડવત્ કરીને મળ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હવે મંદિરમાં ચાલો.’’ ત્યારે સર્વે સંત મંદિરમાં આવ્યા ને કથાવાર્તા કરવા લાગ્યા ને બાપાશ્રી પણ આવ્યા ને સંતને ‘જય સ્વામિનારાયણ’ કરીને આસને બેઠા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસજીએ જળની લોટી ભરી ઠાકોરજીને ધરીને બાપાશ્રીને જળ પાયું. પછી ગોડી વખત થયો ત્યારે બાપાશ્રીએ કથાની સમાપ્તિ કરાવી ને ગોડી ગવરાવીને પોતે ભેળા ગાવા લાગ્યા. પછી આરતી-ધૂન કરીને ઘેર વાળુ કરવા ગયા ને વાળુ કરીને પાછા મંદિરમાં આવ્યા ને કથાવાર્તા થઈ રહ્યા પછી અગિયાર વાગે શયન કર્યું.
ઇતિ વિશ્રામ ૩૩