વિશ્રામ ૯૫

ત્યાર પછી અનાદિમુક્તશ્રી કથાને છઠ્ઠે દિવસ સવારમાં સ્નાન-પૂજા વગેરે કરીને વાડીથી મંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં આવ્યા, ત્યાં કથાની પૂજા કરીને સભાનાં દર્શન કર્યાં. પછી સભામાં ગાદીતકિયે બેઠા. ત્યાર પછી કથા ઊઠી એટલે બાપાશ્રી આસને આવીને સૂતા ને હરિભક્તો પાસે આવીને બેઠા. ત્યારે બાપાશ્રીએ ભોગીલાલભાઈને કહ્યું જે, ‘‘હવે બેસાતું નથી; બેસવાથી પેટમાં દુખાવો થાય છે.’’ ત્યારે ભોગીલાલભાઈએ કહ્યું જે, ‘‘બાપા ! હવે આપને અવસ્થાને લઈને બેસવું કઠણ પડે, માટે બેસવું નહિ.’’ પછી પુ. ધર્મજીવનદાસજીએ આવીને બાપાશ્રીનાં દર્શન કર્યાં ને તેમણે બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! હું તમારો ચેલો છું.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે તો ભક્તિપ્રિયદાસજીના ચેલા છો.’’ પછી સાધુ હરિચરણદાસજી આવ્યા ને બાપાશ્રીને હાર પહેરાવીને પૂજા કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ અમારા સાધુ છે માટે તેમને અમે અમારા ભેગા મૂર્તિમાં રાખશું.’’ -એમ સર્વેને અઢળક ઢળીને સુખ આપતા.

એક દિવસ સવારની કથા થઈ રહ્યા પછી સાધુ કેશવપ્રિયદાસ દહીં લાવ્યા ને બાપાશ્રીને પાન કરવાનું કહ્યું. ત્યારે બેઠા થઈને દહીં પીધું ને સર્વેને પ્રસાદી આપી, ને બાઈઓના મંદિરમાં જમીને વાડીએ પધાર્યા. ત્યાં વાંસડા નીચે ઢોલિયામાં પોઢ્યા ને ઉપર ઉલેચ બાંધ્યો હતો અને વાંસડામાં તથા ઉલેચના કપડામાં સારી પેઠે જળ છાંટીને ઠંડી હવા કરી હતી ને ઘણાક હરિભક્ત બાપાશ્રીના ઢોલિયાને ચારે કોર બેઠા હતા ને કેટલાક પાણી લાવીને છાંટતા. પછી બાપાશ્રી જાગ્રત થયા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને જળપાન કરાવીને આંબાનો રસપાન કરાવ્યો. પછી સર્વેને પ્રસાદી આપી ને માધાપુરની કથાની વાત કરી જે, ‘‘પૂનમનું ગ્રહણ છે માટે કથાની વચ્ચે ગ્રહણ આવે, તેમ પારાયણ ન બેસારવી.’’ -એમ માધાપુરના હરિભક્તને કહ્યું.

હવે ભૂજમાં જ્યેષ્ઠ સુદ નોમ(તિથિ વધવાથી ૯ દિવસની કથા હતી) ને રવિવારે કથાની સમાપ્તિ છે, તેના આગલા દિવસે ભોગીલાલભાઈ તથા લાલશંકરભાઈએ બાપાશ્રીને પોતાને ઘેર તેડી જવાની પ્રાર્થના કરી અને તેમણે ભોગીલાલભાઈને ઘેર સેવકે સહિત બાપાશ્રીને જમાડવા સારુ સાંખ્યયોગી બાઈઓ પાસે થાળ પણ કરાવ્યો હતો, તેથી બાપાશ્રી દેવરાજભાઈ આદિ સર્વેને સાથે લઈ ભોગીલાલભાઈને ઘેર જમવા પધાર્યા. ત્યાં બાપાશ્રી મોતૈયા લાડુ, શીરો, પૂરી, શાક, પાક આદિ ભોજન જમ્યા, ને જમીને દેવરાજભાઈ, હરજીભાઈ, લાલજીભાઈ, ખીમજીભાઈ તથા મોતીભાઈ આદિ સર્વેને પોતે પીરસીને જમાડ્યા. પછી ભોગીલાલભાઈની બેઠકમાં ઢોલિયે પોઢ્યા. પછી જાગીને લાલશંકરભાઈને ઘેર પધાર્યા, ત્યાં લાલશંકરભાઈએ સાકર નાખીને તરબૂચનું પાણી પાયું. પછી હાથ જોડીને પ્રાર્થના કરી જે, ‘‘હે કૃપાળુ ! અમે જેવા છીએ તેવા તમારા છીએ, માટે દયા કરીને અમારા સર્વે દોષ ટાળીને મૂર્તિમાં ભેગા રાખશો.’’ ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું કે, ‘‘તમારું સર્વેનું આત્યંતિક કલ્યાણ કરશું.’’ -એમ સર્વેને વર આપ્યો. તે સમે સર્વે સાધુ વાડીમાં હરિભક્તને રસોડે ઠાકોરજી જમાડવા ગયા હતા ને બાપાશ્રીને પણ ત્યાં પધારવાનું કહ્યું હતું તેથી બાપાશ્રી ગાડીમાં બેસીને વાડીએ પધાર્યા, ત્યાં રસોડામાં સુખડી, મોતૈયા લાડુ આદિ પકવાન હતાં તેને બાપાશ્રીએ હાથ ફેરવીને પ્રસાદીનાં કરી આપ્યાં. પછી હરિભક્તો સર્વે જમવા બેઠા ને બાપાશ્રી હરિભક્તની પંક્તિમાં ફરી સર્વેને દર્શન દઈને છત્રીના ઓટે બેઠા ને સોની મોતીભાઈ પણ પાસે બેઠા હતા. તે સમે દવે વિઠ્ઠલજીભાઈએ આવીને બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘‘બાપા ! મારા ઉપર દયા કરીને મારે ઘેર જમવા પધારો; મેં રસોઈ તૈયાર રાખી છે.’’ ત્યારે બાપાશ્રી સાંજના મોતીભાઈને સાથે લઈને તેમને ઘેર જમવા પધાર્યા. ત્યારે વિઠ્ઠલજીભાઈએ બાપાશ્રીને પાટલા ઉપર જમવા બેસાર્યા ને થાળમાં મેસૂર, મોહનથાળ, પાતરા, ઘારી, જલેબી, ગુલાબજાંબુ ને શીખંડ વગેરે ભોજન પીરસ્યાં, ત્યારે બાપાશ્રી જમવા લાગ્યા ને વિઠ્ઠલજીભાઈ તથા શંભુભાઈ વીંજણાથી વાયરો નાખવા લાગ્યા. એવી રીતે બાપાશ્રીને જમાડ્યા ને બાપાશ્રી જમી જળપાન કરીને વાડીએ પધાર્યા ને ઢોલિયામાં પોઢી ગયા.

ત્યાર પછી નોમને દિવસ બાપાશ્રી સવારમાં સ્નાન-પૂજા કરીને મંદિરમાં આવ્યા અને ઠાકોરજી ને સંતનાં દર્શન કરીને સભામાં આસને બેઠા. અને તે દિવસ કથાની પૂર્ણાહુતિ થઈ, ને કથા કરાવનાર મિસ્ત્રીએ કથાના પુસ્તકની, પુરાણીની, બાપાશ્રીની તથા સર્વે સંતસભાની પૂજા કરી. તે વખતે મંદિરમાં હરિભક્તની ઘણી જ ભીડ થઈ હતી, તેથી અનાદિ મુક્તરાજ બાપાશ્રી બાઈઓના મંદિરમાં જમી આવીને મેડા ઉપર પોઢી ગયા ને પછી ત્રણ વાગે જાગ્યા, ત્યારે મિસ્ત્રી મનજીભાઈ અને તેમના ભાઈ ઉમરસી તથા રણછોડ -તે બાપાશ્રી પાસે આવીને બેઠા ને બાપાશ્રીએ મનજીભાઈના દીકરાના દીકરાને વર્તમાન ધરાવ્યાં. પછી તે સર્વે પ્રત્યે બોલ્યા જે, ‘‘તમારા દાદા જીવણભાઈ, તમારા પિતા ગોવામલભાઈ તથા હરજીભાઈ તે અમારો સમાગમ કરતા ને શ્રીજીમહારાજનું ભજન કરતા, તેમને અમે અક્ષરધામમાં તેડી ગયા છીએ ને તમે પણ અમારા દીકરા છો માટે કહું છું : જે વ્યવહારમાંથી પાછી વૃત્તિ કરીને કથાવાર્તા-ધ્યાનભજન કરવાનો ખટકો રાખશો. હરજીભાઈ વૃષપુરમાં અમારી પાસે રહીને ધ્યાન કરતા ને તેજમાં મૂર્તિ દેખતા. તેમને અમે એવા સુખિયા કર્યા હતા ને અમે તો તમારું સર્વેનું તેમના જેવું જ પૂરું કરીશું પણ તમે ખબડદાર થઈને મહારાજની આજ્ઞામાં વર્તજો; મારા છો માટે તમને કહું છું.’’ -એમ ઘણીક વાતો કરી. પછી ઠાકોરજીનાં દર્શન કરી ગાડીમાં બેસીને વાડીએ પધાર્યા, ત્યાં હરિભક્તની પંક્તિઓ જમવા સારુ બેઠી હતી. તેમને સર્વેને દર્શન દઈને આ વાડીએ આવ્યા અને ત્યાં ઢોલિયે વિરાજમાન થયા ને સર્વે હરિભક્ત જમીને બાપાશ્રીનાં દર્શન કરીને ચાલ્યા. ત્યાર પછી અનાદિમુક્ત બાપાશ્રી સ્નાન કરવા ઊઠ્યા ને બહિર્ભૂમિ જઈ આવીને કૂવા ઉપર આવ્યા ને સાધુ કેશવપ્રિયદાસે કૂવામાંથી જળના લોટા કાઢીને બાપાશ્રીને સ્નાન કરાવ્યું. પછી વસ્ત્ર બદલી મોતીભાઈ અને ખીમજીભાઈના હાથ ઝાલી ઢોલિયે આવીને બેઠા ને વસ્ત્ર પહેરીને તૈયાર થયા. પછી સર્વે સંત દર્શને આવ્યા તેમને મળીને બાપાશ્રી મંદિરના શિગરામમાં બેઠા. તે સમે સર્વે મિસ્ત્રીઓ દર્શન કરવા આવ્યા, એટલે ગાડી ઊભી રખાવીને દર્શન દીધાં ને સર્વેને રાજી કરીને પછી ચાલ્યા તે વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૯૫