વિશ્રામ ૮૩

એક સમયે અનાદિ મુક્તરાજશ્રી નારાયણપુરના મંદિરમાં વિરાજમાન હતા ને સર્વે સંત-હરિભક્તની સભા બાપાશ્રી પાસે બેઠી હતી. પછી અનાદિમુક્તરાજ બોલ્યા જે, ‘‘વચનામૃતમાં શ્રીજીમહારાજે રહસ્ય વાતો કરી છે તે મધ્યના ૧૩માં કહ્યું છે જે, એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્મનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઇચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે.’’ -એમ શ્રીજીમહારાજે કહ્યું તેમાં ‘આત્મા, બ્રહ્મ ને અક્ષર’ એ ત્રણ નામ શ્રીજીમહારાજે પોતાના પ્રકાશનાં કહ્યાં છે; અને એ પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ -એમ શ્રીજીમહારાજે પોતે કહ્યું છે. તેમાં ‘ભગવાનની મૂર્તિ’ કહી તે ભગવાન પોતે છે માટે મૂર્તિ પોતાની કહી છે અને ‘આત્માનું તત્ત્વ, પરબ્રહ્મ ને પુરુષોત્તમ’ એ ત્રણ નામ પોતાનાં જ કહ્યાં છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને યુગ યુગને વિષે પ્રગટ થાય છે, તે આમાં ‘રામ’ એટલે રમણ કરે કહેતાં એકાંતિક ધર્મનું પાલન-પોષણ-કરે-કરાવે, -એવા પરમએકાંતિક મુક્તને રામ કહ્યા છે અને ‘કૃષ્ણ’ એટલે આકર્ષણ કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખે, એવા અનાદિમુક્તને કૃષ્ણ કહ્યા છે, ને તેઓ શ્રીજીમહારાજની ઇચ્છાથી મુક્તાવતાર તરીકે પ્રગટ થાય છે. તે આ વચનામૃતમાં કહ્યું છે જે, ‘અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે.’’ તે અવતાર અનાદિમુક્તને જ કહ્યા છે; કેમ જે અનાદિમુક્ત શ્રીજીમહારાજના સ્વરૂપમાં રહે છે ને શ્રીજીમહારાજના સંકલ્પથી પ્રગટ થાય છે અને અનંત જીવનો મોક્ષ કરીને પાછા શ્રીજીમહારાજમાં લીન થાય છે, માટે તેમને અહીં મુક્તાવતાર જાણવા. અને તે અવતારના અવતારી એવા એક સ્વામિનારાયણ છે, તે શ્રી સ્વામિનારાયણ છે, તે શ્રી સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિમુક્ત મને પ્રગટ મળ્યા છે અને મને પણ અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એમ જીવમાંથી હા પડે ને શ્રીહરિજીની આજ્ઞામાં રહેવાય ને તેમની મૂર્તિ ભુલાય નહિ, -એ માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય કહેવાય.’’ -એમ ઘણી વાર વાતો કરી.

ત્યાર પછી બાપાશ્રી શ્રી ધનજીભાઈના ઘેર જમવા પધાર્યા ને જમી આવીને પાછા મંદિરમાં આવી ઘડીક વાર કથામાં બેસી પોઢી ગયા ને બે વાગે જાગીને સંતને કહ્યું કે, ‘‘આપણે આજ ખળખળિયે નાહીને આપણી છત્રીએ જઈએ, ત્યાં રાત રહીને સીધું મંગાવી લેશું ને રસોઈ કરી ઠાકોરજીને જમાડીને પછી વૃષપુર જઈશું.’’

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘‘આજે ધનજીભાઈ ભૂજ ગયા છે તે સાંજે આવશે, પછી તેમને પૂછીને જઈશું.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘આ રામજી, લાલજી ને હરજી એ ત્રણેય ધનજી છે; તેમને પૂછો.’’ ત્યારે તેમણે કહ્યું જે, ‘‘બાપા ! આપ દયા કરીને અહીંયાં બિરાજો, આ ઘર તમારું જ છે; અમે તમારા દીકરા છીએ માટે આપ દયા કરીને રહો ને આપ અહીં પધારવાથી આખું ગામ રાજી છે અને બબ્બે ચાર ચાર જણા ભેગા થઈને(એક જણાને જુદો જુદો વારો ન મળવાથી) રસોઈ દે છે ને સર્વેને ભાવ છે.’’ ત્યારે અનાદિ મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘ભલે; બહુ સારું.’’ પછી બાપાશ્રીએ સર્વે સંત-હરિભક્તની આગળ વાત કરી જે, ‘‘આ ધનજી તથા તેના પિતા જાદવજી તથા ધનજીના દીકરા સર્વેએ અમારી બહુ જ સેવા કરી છે ને અમારી અનુવૃત્તિ સાચવીને અમને રાજી કર્યા છે અને તેમણે પોતાનું ધન, ધામ, કુટુંબ સર્વે સત્સંગપરાયણ કરી મેલ્યું છે ને આ ગામના હરિભક્તોએ પણ અમારી સેવા કરીને બહુ જ પ્રસન્નતા મેળવી છે ને અમે પણ આ ગામમાં ઘરોઘર કેટલીક વાર ફર્યા છીએ.’’ -એમ ઘણીક વાતો કરી.

ત્યાર પછી બાપાશ્રી સંત-હરિભક્તોએ સહિત ગાડીઓ તથા ગાડામાં બેસીને ખળખળિયે નાહવા પધાર્યા. તે સમે ફરતાં ગામડાંના હરિભક્ત ખળખળિયે આવીને બાપાશ્રીની વાટ જોઈને બેઠા હતા, -ત્યાં જ બાપાશ્રી આવ્યા ને જળના ધરામાં જઈને બેઠા અને સંત-હરિભક્ત પછવાડે સ્નાન કરવા લાગ્યા ને બાપાશ્રીએ આજ્ઞા કરી, તેથી હરિભક્ત કીર્તન ગાવા લાગ્યા ને રાસ રમવા લાગ્યા. પછી બાપાશ્રીએ જળથી બહાર નીકળી પોતે જળના લોટા ભરી સર્વે હરિભક્ત ઉપર જળ છાંટીને વર આપ્યો જે, ‘આ સર્વેનો આત્યંતિક મોક્ષ આજ થઈ ગયો.’ પછી બોલ્યા જે, ‘‘આ ખળખળિયો અમે સ્નાન કરીને ઘણો જ પ્રસાદીનો કર્યો છે માટે આમાં જે કોઈ નહાશે, તેને અમે મૂર્તિમાં સુખમાં રાખશું.’’ પછી કોરાં વસ્ત્ર પહેરીને સર્વે સંત-હરિભક્તને મળ્યા. પછી ગાદીતકિયે બેઠા ને સર્વે સંત બાપાશ્રી ફરતા બેઠા ને હરિભક્ત ફરતા ફરીને કીર્તન ગાતા થકા રાસ રમવા લાગ્યા ને ધનજીભાઈના લાલજી ને હરજી તલસાંકળી લાવ્યા હતા ને રામજી પોપૈયાં લાવ્યા હતા તેને સુધારીને સંતોએ ઠાકોરજીને ધર્યાં પછી બાપાશ્રીને આપ્યાં, તેમાંથી બાપાશ્રીએ લગીરેક જમીને સર્વેને પ્રસાદી આપી ને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી, ત્યાર પછી બાપાશ્રી ગાડીમાં બેસીને સંત-હરિભક્તોએ સહિત મંદિરમાં પધાર્યા ને બીજા ગામડાના હરિભક્ત પોતપોતાને ઘેર ગયા.

ઇતિ વિશ્રામ ૮૩