વિશ્રામ ૧૨
હવે તે જ દિવસે ચાર વાગ્યા પછી સ્વામી નિર્ગુણદાસજી ને મુક્તશ્રી અબજીભાઈ વૃષપુરના મંદિરમાં બેઠા હતા ને સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને વચનામૃતની કથા વાંચવા માંડી. ત્યારે મુક્તશ્રીએ તથા લક્ષ્મીરામભાઈએ સ્વામીશ્રીને કહ્યું જે, ‘‘સ્વામી ! તમે નિત્યાનંદસ્વામી આદિ સદગુરુ પાસેથી જે વાત સાંભળી છે તે વાત કહો.’’ ત્યારે સ્વામી નિર્ગુણદાસજી બોલ્યા જે, એક સમયે હું નિત્યાનંદસ્વામી પાસે બેઠો હતો. તે સમયે નિત્યાનંદસ્વામીએ મને તથા મહાનુભાવાનંદ આદિ સંતને વાત કરી જે, ‘‘શ્રીજીમહારાજના મહિમાની વાત જેમ છે તેમ કહેવામાં કે લખવામાં આવે તેવી નથી અને શાસ્ત્રમાં જે લખ્યું છે તો સર્વેને સમજાવવા સારુ જેમ આંધળાને લાકડી આપે તેમ લખ્યું છે પણ દેખતાને લાકડીનું કામ પડે નહિ, તેમ આપણે તો શ્રીજીમહારાજના મુખકમળથી વાતો સાંભળી છે તેમ જ સમજવું અને આ વાત બહુ મોટી છે જે, આ જગતમાં સૌથી મોટા કવિ વ્યાસજી છે. તે વ્યાસજી સર્વથી અતિ મોટા અને ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ, પરબ્રહ્મ આદિ વિશેષણથી ગોલોકવાસી રાધિકા-લક્ષ્મીના પતિ શ્રીકૃષ્ણને કહે છે, પણ એ શ્રીકૃષ્ણ મહામાયાના પતિ મૂળપુરુષ છે ને એમને શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન દુર્લભ છે.’’
અને વળી સ્વામીએ બીજી વાત કરી જે, ‘‘એક સમયે શ્રીજીમહારાજ મોટા મોટા સાધુને ભેળા લઈને કરિયાણે પધાર્યા હતા અને જીવુબા, લાડુબા તથા મૂળજી બ્રહ્મચારી આદિ હરિભક્ત પણ ભેળા હતા. તે વખતે મહારાજ કાઠીના દરબારમાં ઊતર્યા હતા ને સાધુ ગામમાં બીજે ઠેકાણે ઊતર્યા હતા. એક દિવસ સાંજના સમયે શ્રીજીમહારાજ સભામાં વિરાજમાન હતા, તે સમયે શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ અવતાર શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા ને શ્રીજીમહારાજ ને સભાની કેડે ઊભા રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ સભાને સન્મુખ બેઠા હતા, તે અવળા ફરીને અવતારને સન્મુખ બેઠા ને સર્વ અવતાર શ્રીજીમહારાજનાં દર્શન કરીને સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે શ્રીજીમહારાજ પોતાના હસ્તકમળની ચેષ્ટાએ કરીને નેત્રકમળની અલૌકિક સાને કરી તે સર્વે અવતારની સ્તુતિ-પ્રાર્થના સ્વીકારીને રાજી થયા ને જેણે પોતાની આજ્ઞા લોપી હતી તેને ઠપકો દીધો, એવી રીતે બે ઘડી સુધી અવતારને દર્શન દીધાં. પછી સર્વ અવતારને જવાની આજ્ઞા કરીને પોતે સવળા થઈને બેઠા ને અવતાર શ્રીજીમહારાજની આજ્ઞાથી ગયા. એમ દિવ્ય દૃષ્ટિવાળા સ્વરૂપાનંદસ્વામી ને વ્યાપકાનંદસ્વામી આદિ મોટા સંતે પ્રત્યક્ષ દેખ્યું. પછી ગોડી, આરતી, ધૂન વગેરે કરીને શ્રીજીમહારાજે સભામાં વાતો કરી, પછી ઉતારે પધાર્યા ને જમીને શયન કર્યું. તે સમયે લાડુબા, જીવુબા આદિ બાઈઓ મહારાજની આજ્ઞા મંગાવીને મહારાજ પાસે આવ્યાં ને મહારાજને અતિ વિનય કરીને કહ્યું જે, ‘‘હે મહારાજ ! આપને એક વાત પૂછવા આવ્યાં છીએ.’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘પૂછો.’’ ત્યારે લાડુબા બોલ્યાં જે, ‘‘આજ સાંજ સમે તમે સભામાં અવળા થઈને બેઠા ને કર-નેત્રની ચેષ્ટા અલૌકિક કરતા, એ તે શું કરતા હતા ?’’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘અક્ષરધામમાં અમારાં દર્શન અમારા મુક્તને છે, પરંતુ બીજા અવતાર જે અક્ષર, વાસુદેવ, નરનારાયણ, મહાકાળ ને કૃષ્ણ આદિ કોઈને નથી પણ અહીં અમે બિરાજીએ છીએ ત્યારે તે અક્ષરાદિ સર્વે અવતારને અમારાં દર્શન થાય છે પણ બ્રહ્માંડાધિપતિ મૂળપુરુષોમાં જેણેઅમારી આજ્ઞા લોપી હતી, તેને અમે દર્શન દેતા નહિ. પછી તે પુરુષ નરનારાયણની પાસે ગયા ને તેમને કહ્યું જે, ‘‘પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા છે તે અમને દર્શન દેતા નથી, માટે તમે કૃપા કરીને દર્શન કરાવો.’’ પછી નરનારાયણ તેમને લઈને અમારે દર્શને આવ્યા, તેથી અમે તેમને નરનારાયણની મહોબતે કરીને દર્શન દીધાં ને બીજા પણ અવતાર આવ્યા હતા તેમણે અમારી સ્તુતિ-પ્રાર્થના કરી. તેમાં જેણે અમારી આજ્ઞા માની હતી તેના ઉપર અમે રાજી થયા અને જેણે નહોતી માની તેને ઠપકો દીધો’’ -એમ વાર્તા કરી. તેને સાંભળીને લાડુબા આદિ બાઈઓ અતિ આનંદ પામીને ઉતારે ગયાં ને શ્રીજીમહારાજ પોઢી ગયા.’’
અને વળી સ્વામીએ વાત કરી જે, ‘‘ગંગાજળિયા કૂવા ઉપર શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી સ્નાન કરાવતા હતા. તે સમયે જીવુબા, લાડુબા વગેરે બાઈઓ શ્રીજીમહારાજનાં દર્શન કરતાં કરતાં પરસ્પર વાતો કરવા લાગ્યાં જે, ‘‘અહો ! બહુ મોટાં ભાગ્ય છે જે, ગોપીઓના જેવી પ્રાપ્તિ થઈ છે.’’ પછી શ્રીજીમહારાજ સ્નાન કરી વસ્ત્ર પહેરીને ઉગમણા ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા, ત્યારે તે બાઈઓ પણ પાસે આવીને બેઠાં. ત્યારે શ્રીજીમહારાજ બાઈઓ પ્રત્યે બોલ્યા જે, ‘‘તમે આટલાં વર્ષ અમારા ભેગાં રહ્યાં અને અમારી વાતો સાંભળો છો પણ તમારી સમજણ તો ગોબરી છે; કેમ જે અમારું પૂરું માહાત્મ્ય સમજતાં નથી.’’ ત્યારે બાઈઓએ કહ્યું જે, ‘‘હે કૃપાનાથ ! તમે દયા કરીને અમને સમજાવો : જે અમારી શી રીતે ગોબરી સમજણ છે ને તમારું માહાત્મ્ય કેમ સમજવું ?’’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘તમે ગોપીઓના જેવી પ્રાપ્તિ સમજો છો તે જ તમારી ગોબરી સમજણ છે; કેમ જે તમારા ઘરનું અન્નજળ ખાનારાપીનારાનાં પણ ગોપીઓથી મોટાં ભાગ્ય છે ને તમારી ગાયો-ભેંસોનાં તો તેથી ઘણાં જ મોટાં ભાગ્ય છે ને તમારી પ્રાપ્તિ ને તમારા મહિમાને અક્ષર પર્યંત કોઈ પણ કહેવા સમર્થ નથી; કેમ જે ગોપીઓના પતિના પતિને પણ અમારી મૂર્તિનાં દર્શન નથી અને તમે તો અમારાં નિત્યે દર્શન કરો છો ને અમારાં અનાદિમુક્ત છો ને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવો છો, પણ અમે તમારાં સામર્થ્ય ને સુખ તમને જણાવા દેતા નથી. પરંતુ સમય ઉપર જણાવીશું.’’ -આવી રીતે શ્રીજીમહારાજે પોતાનું સર્વોપરીપણું કહ્યું.’’
ઇતિ વિશ્રામ ૧૨