વિશ્રામ ૧૪

ત્યાર પછી પરમ અનાદિ મુક્તરાજે પોતાનાં પત્ની તેમણે સહિત પોતાના મોટા પુત્ર કાનજીભાઈ તથા તેમનાથી નાના મનજીભાઈ તે બેય મોટા થયા, ત્યારે તે પુત્રનાં સગપણ કર્યાં. પછી વૃષપુર ગામના કણબી શામજીનાં પુત્રી ને સર્વધર્મનિષ્ઠ એવાં તેજબા નામે કન્યા તેની સાથે મોટા પુત્ર કાનજીભાઈનાં લગ્ન કર્યાં. અને ગામ દહીંસરામાં કણબી શામજીનાં દીકરી ને સારા સ્વભાવવાળાં એવાં કેસરબા નામે કન્યા તેની સાથે નાના પુત્ર મનજીભાઈનાં લગ્ન કર્યાં. અને મુક્તરાજશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ તે બેય પૂર્વના મુક્ત જ છે; તે કેવા, તો પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમએકાંતિક ભક્ત અને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાએ યુક્ત ને પોતાના પિતાશ્રીને વિષે વિશ્વાસ ને આત્મબુદ્ધિવાળા ને સંત-હરિભક્તની સેવામાં શ્રદ્ધાવાળા ને કથા-કીર્તન કરવામાં અતિ પ્રવીણ -એવા ગુણે યુક્ત બેય પુત્ર છે. અને મુક્તરાજશ્રીનાં પુત્રીઓ જે વાલબા તથા રાધાબા તે પણ હેતવાળાં તથા શ્રદ્ધાવાળાં છે. તેમાં વાલબા નામે મોટાં પુત્રી તે મોટા પુત્રથી અવસ્થાએ મોટાં છે અને બીજાં પુત્રી રાધાબા તે મોટા પુત્રથી નાનાં છે. તે બેય બાલ્યાવસ્થાને વિષે જ વિધવાપણું પામ્યાં હતાં અને દૃઢ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું છે -એવા ને પંચવિષયને વિષે અતિશય વૈરાગ્યવાન અને કૃચ્છ્‌ચાંદ્રાયણ ને ધારણાં-પારણાં કરવામાં તત્પર ને સ્વધર્મમાં અતિ નિષ્ઠાવાળાં અને પોતાના પિતાનું માહાત્મ્ય જાણી પિતાની અનુવૃત્તિમાં જ વર્તતાં ને માહાત્મ્યજ્ઞાને સહિત પિતાની સેવા કરવામાં તત્પર એવાં, અને જેમને ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં અતિ શ્રદ્ધા છે ને પ્રત્યક્ષ શ્રીજીમહારાજની કથાવાર્તા-ધ્યાનભજન કરવા સાંભળવામાં અતિ નિપુણ એવાં બે પુત્રીઓ તથા બે પુત્ર, તેમણે પ્રીતિ ને અનુવૃત્તિથી સેવ્યા એવા જે મુક્તરાજશ્રી, તે પોતાની વૃદ્ધ અવસ્થાને પામ્યાં એવાં જે માતાપિતા તેમની સેવા કરવા લાગ્યા ને વ્યવહાર સંબંધી કામ જે લેવું દેવું તથા વાડીમાં બાજરો, ઘઉં, કપાસ આદિ વાવવું ને કોંસ હાંકવા, પશુને સાચવવાં ને સંત-હરિભક્ત ને મંદિરની સેવા કરવી એ આદિ સર્વે કામ પોતે કરવા લાગ્યા. અને તેમની વ્યાવહારિક ક્રિયા, શ્રદ્ધા ને માહાત્મ્ય તેને જોઈને સર્વે સંત-હરિભક્તો વિસ્મય પામતા હતા.

તેવા સમયમાં મુક્તસ્વરૂપ માતુશ્રી દેવબાના શરીરમાં તાવ આવ્યો, ત્યારે વૃદ્ધ અવસ્થાને પામેલાં એવાં માતુ દેવબા, તે તાવના મંદવાડથી પોતાનું શરીર શિથિલ થયું તેથી હવે નહિ રહે એમ જાણીને પોતાના પુત્રરૂપ મુક્તશ્રી અબજીભાઈને કહેવા લાગ્યાં જે, ‘‘હે મુક્ત ! તમે અતિ સમર્થ છો ને તમારા જેવા તો તમે જ છો અને તમે પ્રેમી ભક્તને લાડ લડાવવા અને શ્રીહરિની દિવ્ય મૂર્તિનું સુખ આપવા ને અસંખ્ય જીવનો ઉદ્ધાર કરવા મારાથી પ્રગટ થયા છો પણ તમે મારા પુત્ર નથી; તમે તો દિવ્યમૂર્તિ છો-તે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા અહીં દર્શન આપો છો, તેથી હું તો તમને શ્રીજીમહારાજના મુક્ત જાણીને શ્રીજીમહારાજ ને તમારા શરણને પામી છું, માટે મારી વૃત્તિ બીજા સર્વેમાંથી તોડી મૂર્તિમાં જોડીને મૂર્તિનું સુખ પમાડો અને મારું પૂરું કરીને તમારા ભેળી મૂર્તિમાં રાખો.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘હે માત ! સુખ માત્ર મહારાજની મૂર્તિમાં જ છે; તેવું સુખ બીજે ક્યાંય નથી. અનંત અક્ષરકોટિ છે, બ્રહ્મકોટિ છે, ઈશ્વરકોટિ છે ને જીવકોટિ છે, તે સર્વેનાં સુખ ભેળાં કરીએ તોપણ શ્રીજીમહારાજની મૂર્તિના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે, તેના કોટિમા ભાગ તુલ્ય આવે નહિ. એવા શ્રીજીમહારાજ સુખના સાગર છે, માટે તે મહારાજમાં જ જોડાવું; બીજામાં તો અણુમાત્ર પણ પ્રીતિ કે સારપ્ય રાખવી નહિ ને સચ્ચિદાનંદરૂપ એવા શ્રીજીમહારાજમાં જ ગુલતાન રહેવું.’’

ત્યારે દેવબા બોલ્યાં જે, ‘‘હે નિત્યમુક્ત ! તમે અક્ષરકોટિ, ઈશ્વરકોટિ ને જીવકોટિ કહ્યાં તે કોને જાણવાં ?’’ ત્યારે જેમની કાન્તિ શ્યામકમળ સરખી છે અને જેવા સર્વે અવયવ રૂપને અનુરૂપ છે ને સર્વના મનને આકર્ષણ કરે છે ને જેમનું મુખ મંદ હાસ્ય જુક્ત છે એવા, અને જેમનો સ્વભાવ બહુ દયાળુ છે એવા મુક્તશ્રી માતા પ્રત્યે બોલ્યા જે, ‘‘હે માતુશ્રી ! પર થકી પર અને સર્વથી મોટો ને સર્વાધાર ને કોઈની ઉપમા ન દેવાય એવો શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે તેને જ અક્ષરધામ કહ્યું છે. તે ધામમાં દિવ્યમૂર્તિ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે; તે કેવા છે, તો અનંતકોટિ અનાદિમુક્ત ને પરમએકાંતિક મુક્ત છે તે પણ જેમનાં ચરણકમળ સેવે છે -એવા છે. અને તે બે પ્રકારની સ્થિતિવાળા મહારાજના મુક્ત છે તેમાં અનાદિમુક્ત છે તે મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિના સુખને ભોગવે છે ને પરમએકાંતિક મુક્ત છે તે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા થકા મૂર્તિના સુખને ભોગવે છે. અને શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા થકા જ જ્યાં જ્યાં પોતાના એકાંતિક ભક્ત છે તેમને પોતે દર્શન આપે છે અને એકરૂપ થકા બહુરૂપ છે ને બહુરૂપ થકા એકરૂપ છે અને દિવ્યરૂપ થકા મનુષ્યરૂપ છે ને મનુષ્યરૂપ છે તોપણ દિવ્યસ્વરૂપ છે, એવા શ્રીજીમહારાજ તે સર્વ મુક્તને પણ અકલિત સ્વરૂપ છે ને અપાર છે. તે શ્રીજીમહારાજના તેજનાં કિરણોમાં અનંતકોટિ અક્ષર રહ્યા છે તે અક્ષરના મુક્ત ને અક્ષર તે અક્ષરકોટિ કહેવાય છે. અને તે અક્ષરના પ્રકાશમાં અનંત વાસુદેવબ્રહ્મ રહ્યા છે, તે વાસુદેવના મુક્ત જે નરનારાયણ, મહાકાળા, મહાપુરુષ એ આદિ તથા વાસુદેવ તે સર્વ બ્રહ્મકોટિ કહેવાય છે. અને પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ આદિ ઈશ્વરકોટિ કહેવાય છે. અને દેવ, મનુષ્ય, પશુ આદિ જીવકોટિ કહેવાય છે. તે સર્વેમાં શ્રીજીમહારાજ અન્વય સ્વરૂપે એટલે તેજના કિરણે કરીને રહ્યા છે અને વ્યતિરેક સ્વરૂપે એટલે દિવ્ય સાકારરૂપે ધામમાં રહ્યા છે ને પોતાના ભક્તમાં પણ રહ્યા છે એવા આપણા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, તેમની મૂર્તિના સુખમાં તમને રાખ્યાં છે. અને તે શ્રીજીમહારાજનું સંપૂર્ણ સુખ અનાદિમુક્ત ભોગવે છે ને તેથી કોટિમા ભાગનું ન્યૂન સુખ પરમએકાંતિક ભોગવે છે ને પરમએકાંતિક મુક્તના સુખસમુદ્ર આગળ અનંતકોટિ મૂળઅક્ષરનું સુખ તે એક બિંદુ જેટલું છે ને મૂળઅક્ષરના સુખસમુદ્ર આગળ બ્રહ્મકોટિનું સુખ તે બિંદુ માત્ર છે ને બ્રહ્મકોટિના સુખસમુદ્ર આગળ ઈશ્વરકોટિનું સુખ બિંદુમાત્ર છે ને ઈશ્વરકોટિના સુખસમુદ્ર આગળ જીવકોટિનું સુખ બિંદુ માત્ર છે. અને તે સર્વને સુખ, સામર્થ્ય ને પ્રકાશ તેના આપનારા ને સર્વના સ્વામી ને સર્વના નિયંતા એવા શ્રીજીમહારાજ છે. તે તમારા જેવા પ્રેમી ભક્તના મનોરથ પૂરા કરવા અનાદિમુક્તમાં રહીને મુક્તરૂપે પ્રત્યક્ષ દર્શન દે છે, માટે પ્રત્યક્ષ મુક્ત અને શ્રીજીમહારાજમાં રસબસ જોડાઈ રહેવું.’’ -એમ મુક્તરાજશ્રી વાત કરતા હતા તે સમયે માતુશ્રી દેવબાને તેજનો સમૂહ દેખાયો અને તે તેજના સમૂહને વિષે તેજોમય ને દિવ્ય મૂર્તિમાન એવા શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને અનાદિમુક્તનાં પણ શ્રીજીમહારાજ ભેગાં દર્શન થયાં. એવા શ્રીજીમહારાજને જોઈને દેબવા અતિશય આનંદ પામ્યાં થકાં શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ ગયાં, ત્યારે દેવબાનું પંચભૂતાત્મક શરીર તે પડી ગયું અને ચૈતન્યરૂપ પોતે અનાદિમુક્ત થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખભોક્તા થઈને રહ્યાં. તે સમે સંબંધી જનોએ તે મુક્તરાજના પ્રતાપથી દેવબાનો કિંચિત્‌ માત્ર શોક ન કર્યો ને ‘સ્વામિનારાયણ’ ભગવાનનું નામસ્મરણ કરતા થકા દેવબાની ઊર્ધ્વદૈહિક ક્રિયા કરી. પછી દેવબાના તેરમાને દિવસ મુક્તશ્રીએ સાધુ, બ્રાહ્મણ ને કુટુંબ સર્વેને સારાં ભોજન કરાવીને જમાડ્યાં ને ભૂજમંદિરમાં ઠાકોરજીને થાળ ને સંતની રસોઈ કરાવીને સંતને જમાડ્યા, પછી સંતને વસ્ત્ર ઓઢાડ્યાં ને તે કાર્યની સમાપ્તિ થઈ.

ત્યાર પછી કોઈક સમયે પિતાશ્રી પાંચાભાઈને જવર આવ્યો ત્યારે પાંચાભાઈ તાવથી પોતાનું શરીર શિથિલ થયું, તેથી હવે નહિ રહે એમ જાણી પોતાના પુત્ર અબજીભાઈને શ્રીજીમહારાજના અનાદિમુક્ત જાણી પોતાની પાસે બોલાવીને કહેવા લાગ્યા જે, ‘‘સમર્થ ! તમે મારા પુત્ર નથી; તમે તો બહુ મોટા છો, પુરુષોત્તમ તુલ્ય છો, તમારી માતુશ્રીને અક્ષરધામમાં મૂર્તિમાં મેલ્યાં ત્યારે તમે મને શ્રીજીમહારાજની સાથે દર્શન આપ્યાં હતાં, માટે મારા ઉપર દયા કરીને સર્વે માયાનાં આવરણ ટાળી મને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખો.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘હે પિતા ! મહારાજની મૂર્તિ સંભારો; મહારાજ સારું કરશે.’’ ત્યારે પાંચાભાઈ પોતાના પુત્રરૂપ મુક્તશ્રી સામું જોઈ રહ્યા ત્યારે તે મુક્તશ્રી તેજોમય દિવ્યસ્વરૂપ દેખાયા. ત્યારે પાંચાભાઈ અતિ સ્નેહે કરીને મુક્તને જુએ છે, ત્યાં તેજના સમૂહમાં દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજનાં દર્શન થયાં અને મુક્તશ્રી પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં દેખાયા ત્યારે તે મૂર્તિમાં પાંચાભાઈ અતિ સ્નેહે કરીને લીન થઈ ગયા ને તેમનું કલેવર પડી ગયું ને શ્રીજીમહારાજ અનંત મુક્ત ને અનંત વિમાને સહિત એવું પોતાનું દર્શન કેટલાક ભક્તને દઈને પાંચાભાઈને અક્ષરધામમાં તેડી ગયા ને મુક્તરાજશ્રીએ પોતાના સંબંધીઓ સહિત થકા પિતાની ઊર્ધ્વદૈહિક ક્રિયા કરી. પછી સારા ભક્ત પાસે ભક્તચિંતામણિની કથા વાંચવા બેસાડી ને તે ગામના ને પરગામના સર્વે સંબંધીજનો કથાનું શ્રવણ કરવા બેસતા. પછી પાંચા પિતાના તેરમાને દિવસ કથાની સમાપ્તિ કરી ને તે દિવસે ભારે ભોજન કરાવીને સર્વ કુટુંબને તથા નાતને જમાડી. અને ભૂજમંદિરના ઠાકોરજીને થાળ ને સંતની રસોઈ કરાવીને સંતોને જમાડ્યા ને ગોદાન ને સજ્જાદાન મંદિરમાં દીધાં ને સર્વે વિધિ કરીને કાર્યની સમાપ્તિ કરી પછી મુક્તરાજશ્રી સુખે કરીને પોતાના ભુવનને વિષે રહ્યા.

ઇતિ વિશ્રામ ૧૪