વિશ્રામ ૧૦૦

(૧) ભૂજના મહેતા ભોગીલાલભાઈ બાપાશ્રીને માંદા જાણી અસાડ સુદ ચોથને દિવસ બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર આવ્યા હતા ને બાપાશ્રીનાં દર્શન કરીને પાછા ભૂજ ગયા. પછી પોતાને એમ સંકલ્પ થયો જે, ‘બાપાશ્રીને મંદવાડ વધારે છે માટે અંતર્ધાન થઈ જશે તો મને દર્શન નહિ થાય, માટે હું બાપાશ્રી પાસે રહ્યો હોત તો દર્શનનો લાભ મળત’ -એમ વિચાર કરીને ધ્યાનમાં બેઠા, તે ધ્યાન કરતાં કરતાં રાત્રીનો એક વાગ્યો ત્યારે બાપાશ્રી અંતર્ધાન થયા, તે જ સમયે ભોગીલાલભાઈને બાપાશ્રીએ દિવ્યરૂપે દર્શન દીધાં. તે તેજોમય એવા બાપાશ્રીને જોઈને તરત ઊભા થઈને પગમાં પડ્યા ને બાપાશ્રીની સામું જોઈ રહ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘હિંમત રાખજો; -અમે તો જઈએ છીએ ને તમારો વખત આવશે ત્યારે તમને પણ મૂર્તિના સુખમાં લઈ જઈશું.’’ -એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી થોડીક વાર થઈ, ત્યારે વૃષપુરથી લાલશંકરભાઈ આવ્યા તેમણે ભોગીલાલભાઈને કહ્યું જે, ‘‘બાપાશ્રી તો અંતર્ધાન લીલા કરી ગયા.’’ ત્યારે ભોગીલાલભાઈએ કહ્યું જે, ‘‘હમણાં જ મને બાપાશ્રીએ દર્શન દઈને અંતર્ધાન થવાની વાત કરી.’’

(૨) અને બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે વિરમગામમાં દેપાળા અમરશીભાઈને બાપાશ્રીનાં દર્શન થયાં; તે અતિશય અલૌકિક દિવ્યમૂર્તિ એવા બાપાશ્રીને જોઈને અમરશીભાઈ તો હાથ જોડીને સ્થિર થઈ ગયા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે મનુષ્યરૂપ અદૃશ્ય કરી દિવ્યરૂપે અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે જઈએ છીએ; ને તમે આ વાત સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને સવારે કહેજો.’’ ત્યાં તો સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા બાપાશ્રી બાઈઓના મંદિરમાં અમરશીભાઈને દેખાયા ને ચરણારવિંદની પ્રતિષ્ઠાવિધિ થતી હતી ને બાપાશ્રીએ ચરણારવિંદ ઉપર હાથ ફેરવ્યો. પછી સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવા લાગ્યા ને તે સમે બાપાશ્રી પણ તેજોમય દેખાયા ને બાપાશ્રી આકાશમાર્ગે પધાર્યા. -એવાં બાપાશ્રીનાં દર્શન અમરશીભાઈને સ્વપ્ન અવસ્થામાં થયાં. તે વાત તેમણે સવારે સ્વામી ઈશ્વરચરણદાસજી અને સ્વામી વૃંદાવનદાસજીને કહી. ત્યાર પછી બાપાશ્રી અંતર્ધાન થયાનો તાર સ્વામી ઉપર આવ્યો, ત્યારે તે વાત સત્ય થઈ.

(૩) ગામ બામણવાના ગોવાભાઈએ બાપાશ્રીની અંતર્ધાન થવાની વાત સાંભળી, ત્યારે તેઓ અતિશય શોકાતુર થઈ ગયા ને પાટડી નાગજીભાઈ પાસે આવીને તે વાત કરી. ત્યારે નાગજીભાઈએ કહ્યું જે, ‘‘બાપાશ્રી તો સદાય છે, છે ને છે જ; આપણને મેલીને ક્યાં જાય ! બાપાશ્રીએ આપણને મૂર્તિમાં ભેગા રાખ્યા છે ને આ તો એમની લીલા છે, પણ એ તો જેમ છે તેમ જ છે; તેમને જવું-આવવું નથી.’’ -એમ વાત કરીને શાંતિ પમાડ્યા; તોપણ ગોવાભાઈને બાપાશ્રીના વિયોગનું દુઃખ મટ્યું નહિ. ત્યારે તે જ રાત્રીએ તેમને બાપાશ્રીએ દિવ્યરૂપે દર્શન દઈને કહ્યું જે, ‘‘આમ શોકાતુર કેમ થઈ ગયા છો; અમે સદાય શ્રીજીમહારાજ ભેગા સત્સંગમાં છીએ.’’ -એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

(૪) નારાયણપુરમાં સાંખ્યયોગી અમરબાઈ બાપાશ્રીના વિયોગથી ઘણાં દિલગીર થયાં હતાં. તે સમે બાપાશ્રી તથા ધનજીભાઈ -તેઓ બન્ને દિવ્યસ્વરૂપે દર્શન આપીને બોલ્યા જે, ‘‘શોક શું કરો છો ? લાવો, દૂધ પીએ.’’ પછી દૂધ લાવ્યાં તે પાન કરીને સર્વેને શાંતિ પમાડ્યા પછી અદૃશ્ય થઈ ગયા.

(૫) હવે બાપાશ્રી અંતર્ધાન થયા, તે જ રાત્રીએ મૂળજી પરબતના ઘરનાં તેજબાઈએ ખાવાનું રાંધ્યું નહિ ને ખાધું-પીધું પણ નહિ ને શોકમાં રોતાં રોતાં એમ બોલ્યાં જે, ‘‘મારી ગાયનું દૂધ બાપાશ્રી નિત્યે પીતા; તે હવે કોણ પીશે ?’’ એટલામાં તો બાપાશ્રી એમના ઘરમાં આવીને ખાટલા ઉપર બેઠા ને બોલ્યા જે, ‘‘લાવો; દૂધ-સાકર ઊના કરો. અમે ગઈ કાલે અગિયાર વાગે તમારું દૂધ પીધું હતું ને વળી આજ પણ પીએ.’’ પછી દૂધ આપ્યું તે બાપાશ્રીએ અતિ હેતે કરીને પીધું ને અદૃશ્ય થઈ ગયા.

(૬) વૃષપુરના કણબી અણદા કેરાઈ બાપાશ્રી અંતર્ધાન થયા, તે વખતે પાસે હતા તે ઘણા ઉદાસ થઈ ગયા ને મનમાં એમ સંકલ્પ કરતા હતા જે, ‘‘અંતસમે બાપાશ્રી બોલ્યા જ નહિ !’’ એટલામાં તો બાપાશ્રી તેમને દર્શન દઈને બોલ્યા જે, ‘‘ઉદાસી થાઓ માં; લાવો જમીએ.’’ ત્યારે તેમણે વાલબાને કહ્યું જે, ‘‘બાપાશ્રી સારુ જમવાનું લાવો.’’ પછી થાળ લાવ્યા, તેમાંથી થોડુંક જમ્યા ને કહ્યું જે, ‘‘આ પ્રસાદી જમજો.’’ એમ સર્વેને દર્શન દઈ ‘જય સ્વામિનારાયણ’ કહીને અદૃશ્ય થઈ ગયા.

(૭) એક સમયને વિષે વૃષપુરમાં બાપાશ્રીના જાદવજી કાનજી ને પ્રેમજી હરજી તે બન્ને જણા સંધ્યા-આરતી વખતે ઉદાસ થકા મંદિરમાં બાપાશ્રીના ઓરડામાં આવ્યા, ત્યાં બાપાશ્રીને ઢોલિયામાં પોઢેલા દીઠા. પછી બાપાશ્રી બેઠા થઈને બોલ્યા : ‘‘બચ્ચા જાદવા ! મારે ઘેર જવું છે; લાકડી લાવ.’’ પછી જાદવજી લાકડી લેવા ગયા. ત્યારે બાપાશ્રીએ પ્રેમજીને કહ્યું જે, ‘‘મને બેઠો કર.’’ પછી પ્રેમજીએ બેઠા કર્યા ને જાદવજીએ લાકડી લઈ આવીને બાપાશ્રીને કહ્યું જે, ‘‘લો લાકડી.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમારે લાકડીનું કામ પડે નહિ.’’ -એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

(૮) અને બાપાશ્રીના કાર્ય ઉપર મંદિરમાં પારાયણ બેસારી હતી, તે કથાની પાટ ઉપર પુસ્તકના પાટલા આગળ શ્રીજીમહારાજની ને બાપાશ્રીની મૂર્તિઓ પધરાવી હતી ને કથા વંચાતી હતી ને તે સભામાં સોની મગનલાલ બાપાશ્રીના વિરહને લીધે શોકાતુર થઈને બેઠા હતા ને પડખે કણભાના આશાભાઈ પણ બેઠા હતા. તે વખતે આશાભાઈને બાપાશ્રી મૂર્તિરૂપે પ્રગટ હોય તેવા દેખાયા ને કહ્યું જે, ‘‘આ મગન ભૂજથી આવ્યો છે તે ભૂખ્યો હશે; માટે આપણા ઘેર જઈને જમાડી આવો.’’ ત્યારે આશાભાઈ મગનભાઈને ઘેર લઈ જઈને જમાડી આવ્યા.

(૯) અને અસાડ વદ એકમને રોજ બાપાશ્રીને ઘેર બાપાશ્રીનાં દીકરી વાલબા તથા રામપુરનાં ધનુબાનાં સેવક કાનબા ને પ્રેમબા તથા નારાયણપુરનાં અમરબા આદિ ઘણાં બાઈઓ શોક કરતાં હતાં. તે વખતે શ્રીજીમહારાજની મૂર્તિ તથા બાપાશ્રીની મૂર્તિ ઘેર પધરાવેલી હતી તે મૂર્તિમાંથી બાપાશ્રી જેવા પોતે હતા તેવા મનુષ્યરૂપે દર્શન આપીને તે બાઈઓ પ્રત્યે બોલ્યા જે, ‘‘શોક શું કરો છો ? અમે તો સદાય છીએ જ, તમે શોકમાં ને શોકમાં તેર દિવસથી અમને જમાડવા પણ ભૂલી ગયાં છો, માટે થાળ લાવો; જમીએ.’’ પછી પ્રેમબાઈએ ઊઠીને થાળ તૈયાર કરીને આપ્યો. તે જમીને બોલ્યા જે, ‘‘હવે તૃપ્ત થયા ?’’ પછી વળી બોલ્યા જે, ‘‘અમારી અંતિમ વિધિનું કાર્ય મોટું આદર્યું છે તેની ચિંતા કરો છો, પણ તે કાર્ય તો અમારે નિવેડવું છે; તમે શા માટે ફિકર કરો છો ?’’ એમ મૂર્તિમાંથી પ્રગટ થઈને શોક નિવૃત્ત કર્યો.

(૧૦) એક સમે વૃષપુરમાં રામજી હીરા વાડીએ રાત્રીએ ગાડા ઉપર સૂતા હતા, તેને બાર વાગે બાપાશ્રી હાથમાં લાકડી લઈને ચાલ્યા આવે છે -એવાં દર્શન થયાં; પછી પાસે આવીને બોલ્યા જે, ‘‘બચ્ચા ! સૂતો છે કે ?’’ પછી રામજીભાઈ બેઠા થઈને બાપાશ્રીને પગે લાગ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે ધામમાં જઈએ છીએ; તું હિંમત રાખજે.’’ -એમ કહીને અદૃશ્ય થયા.

(૧૨) એક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી, એ બેય સદગુરુ ઓરડામાં બાપાશ્રીના ઢોલિયા પાસે બેઠા હતા. તે વખતે આશાભાઈ, નાગરદાસભાઈ ને લાલુમલભાઈ તેમણે આવીને બાપાશ્રીના ઢોલિયાનાં તથા સ્વામીનાં દર્શન કર્યાં. તે વખતે બાપાશ્રી વિના ખાલી ઢોલિયો જોઈને ત્રણેયનાં હૃદય ભરાઈ આવ્યાં ને રડવા લાગ્યા, ત્યારે સદગુરુ સ્વામી તેમને શાંતિ પમાડવા લાગ્યા; તોપણ રોતા રહે જ નહિ. આવું તેમનું શોકમાં રડવું જોઈને સ્વામી આદિ સંત તથા સર્વે હરિભક્તનાં હૃદય ભરાઈ આવ્યાં ને બાપાશ્રીના વિયોગથી સર્વે અતિ દિલગીર થયા. તે સમે બાપાશ્રીના ઢોલિયામાં એકદમ તેજનો સમૂહ દેખાયો, તેમાં દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દર્શન થયાં. પછી સર્વે તેજ અદૃશ્ય થઈ ગયું ને બાપાશ્રી મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા. પછી મહારાજ પણ અદૃશ્ય થયા, ત્યારે લાલુમલભાઈ આદિ સર્વેને અતિશય આનંદ આનંદ થઈ ગયો ને શોક ટળી ગયો. આવી રીતે બાપાશ્રીએ અંતર્ધાન થયા પછી પણ હેતવાળા કેટલાક સંત-હરિભક્તને પોતાનાં દિવ્યસ્વરૂપે દર્શન આપ્યાં ને પોતાના વિયોગનું દુઃખ ટાળીને પોતાનું પ્રગટપણું જણાવ્યું.

ઇતિ વિશ્રામ ૧૦૦