વિશ્રામ ૮૭
હવે સંતમંડળ ગયા પછી અનાદિમુક્તશ્રી વૃષપુરમાં રહ્યા થકા મંદિર આગળ મેડીનું કામ કરાવતા હતા અને શ્રીજીમહારાજ ને બાપાશ્રીને રાજી કરવા સાધુ શ્રીવલ્લભદાસજી તથા શ્રીરંગદાસજી આદિ સંત તથા ગામના હરિભક્ત તે કામ કરતા હતા, અને અત્યારે મેડી નીચે ચાલીથી આથમણા ત્રણ ઓરડા છે ત્યાં કૂવો તથા બે ઓરડીઓ હતી તેમાં કૂવા પાસેની ઓરડીમાં બાપાશ્રીનો ઢોલિયો રહેતો ને તેમાં પોઢતા ને તેનાથી ઉગમણો ઓરડો છે ત્યાં કૂવો હતો, ત્યાં નિત્યે સ્નાન કરતા. અને આથમણો જે ઓરડો છે ત્યાં ઓરડી હતી. તે બ્રહ્મચારી-બ્રાહ્મણ આવે તેને રસોઈ કરવા માટે રાખેલ હતી ને અત્યારે દરવાજો છે ત્યાં જ દરવાજો, ચાલી ને ગણપતિ-હનુમાનજી હતા. અને દરવાજાની ચાલીથી ઉગમણો ઓરડો છે ત્યાં ઓરડી હતી, તેમાં પરદેશથી હરિભક્ત આવે તેને ઉતારો આપતા. તે બધું પાડી પાયો નાખીને મેડીનું કામ ચાલતું કર્યું ને મંદિરની ઓસરીમાં આથમણે ખૂણે મોદ બાંધીને બાપાશ્રી સારુ સંતોએ આસન કરી આપ્યું હતું, તેમાં બાપાશ્રી પોઢતા ને કારખાનું કરાવતા ને ફરતાં ફરતાં ગામડાંનાં બાઈઓ તથા ભાઈઓના સમૂહે સમૂહ દર્શન કરવા આવતા, અને બાપાશ્રી પણ તે સમે ઓસરીમાં તડકે બેસતા ને દર્શને આવેતેને સમાગમનું સુખ આપતા.
એવા સમયમાં મુનિ કેશવપ્રિયદાસજી ને વિજ્ઞાનદાસ તે બેય સંત દિવ્યસ્વરૂપ બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા અને તેમની સાથે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈ પણ આવ્યા હતા. તે સમે પુ. કેશવપ્રિયદાસને બાપાશ્રીએ કહ્યું જે, ‘‘પુરાણી ! આ મેડી બહુ સારી થાય છે ને થઈ રહેશે તે પછી આપણે યજ્ઞ કરશું.’’ ત્યારે મુનિએ કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! હમણાં આ ગામના સત્સંગીમાં તથા કેટલાક સાધુમાં અંદરોઅંદર વિક્ષેપ જેવું છે, માટે હમણાં ન કરો તો સારું.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમારે તો આ છેલ્લો યજ્ઞ કરીને સર્વને સુખ દેવું છે. પછી અમે પરવારી ધામમાં જઈને બેસશું.’’ -એમ બોલ્યા.
ત્યારે પુ. કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, ‘‘બાપા ! આપે સદગુરુઓને રજા આપી, ત્યારે કેટલાંક મર્મવચનો કહ્યાં હતાં ને વળી ‘આજ છેલ્લો યજ્ઞ કરશું.’ -એમ કહો છો તેથી આપની કેવી મરજી છે તે કાંઈ સમજણ પડતી નથી.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘પુરાણી ! છેલ્લો યજ્ઞ એટલે છેલ્લી અનાદિની સ્થિતિની કરવાનો બ્રહ્મયજ્ઞ. તેમાં તમામ હેતવાળા સંત-હરિભક્તોને તેડાવીને મૂર્તિના સુખની વાતો કરશું. સૌને મૂર્તિના સુખમાં રહેવાની છેલ્લી પ્રાપ્તિ કરાવશું, ઘેર ઘેર જઈશું, ઉતારે ઉતારે ફરશું. સૌને દિવ્ય ભોજન જમાડશું. સભામાં બેઠા હઈશું અને જે કોઈ સંભારશે તેના મનોરથ પૂરા કરશું. એમ સૌને રાજી કરવા છે. આ ફેરે કોઈને પણ તાણ રહેવા દેવી નથી.’’ -એમ કહીને પછી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, ‘‘આ પુરાણી શ્રીજીમહારાજને સુખે સુખિયા છે. અર્જુને મચ્છ વેંધવા એકવૃત્તિ કરી હતી -તેમ આમણે પણ મૂર્તિ આકારે વૃત્તિ કરી મેલી છે. જેને મૂર્તિના સુખનો મહિમા સમજાય તેને બીજાં સુખ કચરા જેવાં થઈ જાય છે. આપણને તો મૂર્તિની પ્રાપ્તિનો લાભ જબરો મળ્યો છે, પણ જો સમજણ ન હોય તો અફસોસ મટે નહિ. આપણે હવે મહારાજ તથા મોટા અનાદિને ખરેખરા જીવનરૂપ કરી રાખવા, કેમ કે તે થકી આપણું આત્યંતિક મોક્ષરૂપ કામ થાય છે.’’
ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘‘બાપા ! આપે અમને પોતાના જાણ્યા છે, તેમ સદાય કૃપાદૃષ્ટિ રાખજો.’’ ત્યારે બાપાશ્રી પુ. કેશવપ્રિયદાસજીને માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘‘આવા સાધુને સેવજો; આ સાધુ ખરા છે. કારણ મૂર્તિને વળગી પડ્યા છે અને બ્ર. નિર્ગુણાનંદજી જેવા નિર્ગુણ છે, તેમને મારું નથી, તારું નથી, હર્ષ-શોક નથી, તેમ કોઈ પ્રકારનો મમત્વ નથી. અમારા સારુ અમદાવાદથી અહીં આવીને બેઠા છે. અમે પણ આવા સાધુને અખંડ સંભારીએ છીએ અને તેઓ પણ જે આવે તેને મૂર્તિના સુખીની વાતો કર્યાં કરે છે.’’ -એમ કહીને ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, ‘‘આ મેડીનું કામ પૂરું થયે હવે અમારે એક મોટો યજ્ઞ કરવો છે -એમ અમે સદગુરુઓને કહ્યું છે; તે ચૈત્ર માસમાં જરૂર કરશું.’’ ત્યારે ભોગીલાલભાઈએ કહ્યું જે, ‘‘બાપા ! આપ તો સદાય એ જ કરો છો અને એવો સંકલ્પ કરશો તો તે પણ થશે.’’ -એમ કહી તે બંને ભૂજ ગયા, અને પુ. કેશવપ્રિયદાસજી પણ બે દિવસ રહીને પછી ભૂજ ગયા.
પછી મંદિરના દરવાજાની મેડીનું કામ પૂરું થઈ રહ્યું, ત્યારે સાધુ શ્રીરંગદાસજી ને ભગવત્સ્વરૂપદાસજી આદિ સંતોએ અને ઝીણા પટેલ ને ગાંગજી ભક્ત આદિ હરિભક્તોએ બાપાશ્રીને કહ્યું કે, ‘હે બાપ ! આ મંદિર આપનું છે ને અમે આપના સેવક છીએ, તે આપનું આસન આપની મરજી હોય તે ઓરડામાં કરીએ.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આથમણા ઓરડામાં આસન રાખો.’’ ત્યારે તેમાં ગાદલાં-ઓશીકે સહિત બાપાશ્રીનો પલંગ બિછાવ્યો ને બાપાશ્રીની પૂજા આદિ સર્વે સામાન તે ઓરડીમાં રાખ્યો, ને બાપાશ્રી તેમાં પોઢતા ને પૂજા કરતા.
વળી એવા સમયમાં નારાયણપુરના ધનજીભાઈ માંદા થયા હતા, ત્યારે તેમના દીકરા ને ગામના હરિભક્ત તથા રામપુરના દેવરાજભાઈ -એ આદિ ઘણા હરિભક્ત ધનજીભાઈની સેવામાં રહ્યા હતા.તેઓ તેમની પાસે બેસીને રાત્રી-દિવસ કથાવાર્તા, કીર્તન વગેરે કરતા. એવી રીતે ધનજીભાઈના દીકરા હરજીભાઈએ ‘વચનામૃત’નાં ત્રણ પારાયણો વાંચીને ધનજીભાઈને સંભળાવ્યાં તથા તેમના દીકરા લાલજીભાઈએ પણ ‘ભક્તચિંતામણિ’નાં બે પારાયણ વાંચી સંભળાવ્યાં ને ધનજીભાઈ એકચિત્તે કથા સાંભળતા. પછી ધનજીભાઈએ બીજે બધેયથી વૃત્તિ પાછી વાળીને એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડી મેલી અને બાપાશ્રીની કૃપાથી તેમને અખંડ મૂર્તિ દેખાવા લાગી. ને હું અનાદિમુક્ત જ છું ને મૂર્તિમાં રહ્યો છું તેવો સાક્ષાત્કાર થઈ ગયો, ને બીજું સર્વે ભૂલી ગયા. ત્યાર પછી અનાદિમુક્ત બાપાશ્રી ધનજીભાઈને દર્શન દેવા ગાડીમાં બેસીને નારાયણપુર પધાર્યા ને ધનજીભાઈને દર્શન દીધાં, ત્યારે ધનજીભાઈને બાપાશ્રી દિવ્ય તેજોમય દેખાયા ને અતિ આનંદમાં ડૂબી ગયા, ને બાપાશ્રી પાછા વૃષપુર-મંદિરમાં આવીને પલંગ ઉપર વિરાજમાન થયા.
હવે તે સમે બાપાશ્રીએ એમ ધાર્યું જે, ‘શ્રીજીમહારાજને મારી પાસે જે કામ કરાવવાનું હતું તે કામ પૂરું થયું. માટે હું આ લોકમાંથી અંતર્ધાન લીલા કરું, પણ તે પહેલાં સર્વ જીવને કલ્યાણકારી એવો એક છેલ્લો મોટો યજ્ઞ કરીને સર્વેને દર્શન, સ્પર્શ ને સેવા-સમાગમનું સુખ આપું ને ધનજીભાઈને પણ મારા પહેલાં મૂર્તિના સુખમાં મેલી દઉં.-’ એમ વિચાર કર્યો. પછી નારાયણપુરના ધનજીભાઈને પણ શરીરે મંદવાડ વધવા માંડ્યો અને બાપાશ્રીએ પણ નારાયણપુર આવી એમના કુટુંબને વાતો કરીને ધીરજ આપી અને ધનજીભાઈને તો મૂર્તિના સુખમાં જોડી દીધા હતા.
એમ બાપાશ્રી ધનજીભાઈને દર્શન દઈ પાછા વૃષપુર આવ્યા ને ધનજીભાઈ મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી ગયા, તે કોઈ બોલાવે તોપણ બોલે નહિ ને ફાગણ વદ નોમના રોજ દેહ મેલવાની તૈયારી કરી. ત્યારે તેમના દીકરા હરજીભાઈએ કહ્યું જે, ‘‘બાપાશ્રીને બોલાવીએ ?’’ ત્યારે ધનજીભાઈએ કહ્યું જે, ‘‘શ્રીજીમહારાજ ને બાપાશ્રી દિવ્યસ્વરૂપે આવ્યા છે ને હું એમના ભેળો જાઉં છું.’’ -એમ કહીને દિવસના બાર વાગે દેહ મેલી દીધો ને શ્રીહરિની ને બાપાશ્રીની દિવ્ય સેવામાં રહ્યા. પછી તેમના દેહને અગ્નિસંસ્કાર કરવા લઈ જતા હતા ને રસ્તામાં બાપાશ્રી તથા ભારાસરના રામજીભાઈ તથા કુંભારિયાના મિસ્ત્રી ધનજીભાઈ- તે ભાગોળે ભેગા થયા. ત્યાં બાપાશ્રીએ ધનજીને એક ચાદર ઓઢાડી, તેમાંથી ગુલાલની ડમરી ચડી તે સર્વત્ર સુગંધ સુગંધ થઈ રહ્યો. પછી ત્યાંથી ખળખળિયે આવ્યા, ત્યાં ધનજીભાઈના દીકરાએ પોતાના પિતાના દેહનો અગ્નિસંસ્કાર કરવા સુખડ, તુલસી આદિનાં કાષ્ઠથી ચિતા રચી ને તેમના દેહને માંહી પધરાવીને અગ્નિ પ્રકટાવ્યો. પછી બાપાશ્રી તથા તેમનાદીકરાએ નાળિયેર ને ઘી હોમીને વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. તે સમે નારાયણપુર, બળદિયા, કેરા, દહીંસરા, રામપુર, ભારાસર, માનકૂવા આદિ ગામના હરિભક્તો આશરે હજારેક આવ્યા હતા તે સર્વેએ ધનજીભાઈની ચિતાનાં દંડવત્-પ્રદક્ષિણા કરીને દર્શન કર્યાં પછી અનાદિ મુક્તરાજશ્રીની પાસે બેઠા. તે સમે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘ધનજી ધામમાં જતાં નારાયણપુર આદિ ગામોમાં સત્સંગીઓને સત્સંગના હેત સંબંધથી કાળ પડ્યા જેવું દુઃખ થાય છે ને હવે અમે પણ થોડા દિવસમાં ધામમાં જઈને બેસશું, ત્યારે આખા સત્સંગમાં સર્વે સંત-હરિભક્તને અપાર દુઃખ થશે ને અમે તો ધામમાં બેઠા થકા પણ સર્વેના ઉપર નજર રાખશું.’’ એમ પોતાને અંતર્ધાન થવાની વાત જણાવવા સાથે સર્વને ધીરજ રાખવાની સૂચના કરી. અને બીજી પણ જ્ઞાનવાતો કરીને બાપાશ્રીએ ધનજીભાઈના દીકરા તથા સર્વે હરિભક્તને ધનજીભાઈનો શોક નિવારણ કરી શાંતિ પમાડ્યા ને દાહાદિક ક્રિયા થઈ રહી, એટલે સર્વે હરિભક્ત સ્નાન કરી તથા બાપાશ્રીનાં દર્શન કરીને પોતપોતાના ગામ ગયા ને બાપાશ્રી પણ વસ્ત્રે સહિત સ્નાન કરીને વૃષપુર પધાર્યા.
ઇતિ વિશ્રામ ૮૭