વિશ્રામ ૭૪

અક્ષરાતીત મુક્તના સ્વામી, અક્ષરધામના ધામી, અનંત મુક્તના સ્વામી, સર્વે અવતારના અવતારી, મુક્તના સુખકારી, અનાદિમુક્તના આરામ, સર્વ સ્વરૂપના સ્વરૂપી, સર્વ સંકલ્પના સંકલ્પી ને ધર્મભક્તિના પુત્ર પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ એવા એક શ્રી સહજાનંદસ્વામી, સ્વામિનારાયણ ભગવાન છે ને તેમના પરમ એકાંતિક ને અનાદિમુક્ત અનંત છે. એવા મહારાજ ને મુક્ત તેમના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય ને ચારિત્ર્ય તે સર્વે દિવ્ય છે ને ગાન કરવાને ધ્યાન કરવા યોગ્ય છે. તે ગાવા-સાંભળવાથી તેમના સ્વરૂપનું જ્ઞાન-ધ્યાન થાય છે અને મહિમા સમજાય છે ને પોતાના ઇષ્ટદેવની સર્વોપરી ઉપાસના ને આજ્ઞાની દૃઢતા થાય છે, ને મહારાજ ને તેમના મુક્ત વિના બીજામાં વૈરાગ્ય થાય છે અને પોતાનો જીવાત્મા અનાદિમુક્તરૂપ થાય છે ને પોતાને અનાદિમુક્તરૂપ મનાય છે, ને મુક્તે સહિત શ્રીજીમહારાજને વિષે માહાત્મ્યે સહિત સ્નેહરૂપી ભક્તિ થાય છે, માટે તે મહારાજ ને મુક્તને સંભારવા ને તેમના ગુણ ગાવા.

ત્યાર પછી જેઠ માસમાં નારાયણપુરમાં ધનજીભાઈ આદિ હરિભક્ત પોતાના ઇષ્ટદેવ શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત બાપાશ્રી તથા સાધુ-હરિભક્ત તેમને સેવા કરીને રાજી કરવા ને પોતાના દેહ, ધન, ધામ આદિને સુફળ કરવા સારુ યજ્ઞ કરવાનો વિચાર કરીને પટેલ ધનજી જાદવજી મુક્તરાજ બાપાશ્રીને તેડવા આવ્યા, ત્યારે બાપાશ્રી ઘોડી ઉપર બેસીને નારાયણપુર આવ્યા ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને મંદિરની ઓસરીમાં આસન ઉપર બેઠા.ત્યારે ધનજીભાઈ ને તેમના પુત્ર રામજી, લાલજી ને હરજી તથા ભક્ત ખીમજી, તત્‌ સુત રામજી ને વશરામ તથા ભંડારી લાલજી, તત્‌ સુત કરસન તથા લક્ષ્મણ તથા શામજી કરમણ આદિ સર્વે હરિભક્ત મુક્તરાજ પાસે આવીને દંડવત્‌ નમસ્કાર કરીને બેઠા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમારે શું વિચાર છે ?’’ ત્યારે સર્વે ભક્તે કહ્યું જે, ‘હે બાપા ! અમારે તો શ્રીજીમહારાજ ને આપને તથા સાધુ-હરિભક્તને રાજી કરવા છે. તે જો આપની મરજી હોય તો ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પારાયણ કરાવીએ, તેમાં બાઈઓના મંદિરમાં નવું સિંહાસન કરાવ્યું છે ને તેમાં મહારાજની મૂર્તિ પધરાવવાની છે. તે સિંહાસન ધનજીભાઈનાં બહેન અમરબાઈએ આપની પ્રસન્નતાને અર્થે કરાવેલ છે ને મૂર્તિ પણ તેમણે જ કરાવી છે. વળી આ (બાઈઓના) મંદિરમાં હનુમાનજી-ગણપતિ પધરાવવાના છે ને તેનો સમૈયો કરવાનો છે, તે જો આપ રાજી હો તો કરીએ; તેનું જે ખર્ચ થશે તે અમે ભેળા થઈને આપીશું. તે બધું આપને રાજી કરવા કરવું છે, પણ આ લોકની કીર્તિ કે માન-મોટપ સારુ કરવું નથી. ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, ‘‘યજ્ઞ કરો; મહારાજ ને મુક્ત બહુ રાજી થશે.’’ પછી કથાયજ્ઞ કરવાનો ઠરાવ નક્કી કર્યો ને ધનજીભાઈ ને યજ્ઞના મુહૂર્તનો નિર્ધાર કરવા ભૂજ સાધુ-બ્રહ્મચારી પાસે મોકલ્યા ને બાાપશ્રી વૃષપુર પધાર્યા.

હવે ધનજીભાઈએ ભૂજ આવી મહંત સ્વામી મહાપુરુષદાસજીને તથા બીજા મોટેરા સંતોને ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પારાયણ કરવાની વાત કરી. ત્યારે તેમણે જોશીને મુહૂર્ત જોવાનું કહ્યું. ત્યારે જેઠ સુદિ સાતમની પારાયણ બેસાડવી ને તેરસની પૂર્ણાહુતિ કરવી, ને મહારાજની મૂર્તિ તથા હનુમાનજી-ગણપતિ પધરાવવાનું મુહૂર્ત પણ તે દિવસ હતું. પછી ધનજીભાઈ સર્વે સંતમંડળને નારાયણપુર-પારાયણમાં આવવાનું આમંત્રણ આપી પાછા નારાયણપુર આવ્યા ને સંતોએ પણ નારાયણપુર આવીને સર્વે સામગ્રી ભેગી કરાવી ને મંદિરના ચોકમાં ચંદની બંધાવીને મંડપ શોભાવ્યો. પછી જેઠ સુદ સાતમના દિવસે પ્રાતઃકાળમાં વિધિપૂર્વક પારાયણ ચાલુ કરી ને સર્વે સંત-હરિભક્ત સભામાં બેઠા ને મહારાજની મૂર્તિ ધારીને કથાનું શ્રવણ કરવા લાગ્યા ને બીજે દિવસ અનાદિ મુક્તરાજ ઘોડાગાડીમાં બેસી જાદવજીને સાથે લઈને દસ વાગે નારાયણપુરના મંદિરમાં આવ્યા. ત્યાં સંત-હરિભક્તને દર્શન દઈ ધનજીભાઈને ઘેર ઉતારો કર્યો. પછી વાડીએ નાહવા ગયા ને દસમને દિવસ સવારની કથા થઈ રહ્યા પછી બાપાશ્રી ચોકમાં છત્રીના પરથારે આસન ઉપર સૂતા હતા. તે વખતે બાપાશ્રીને પેટમાં થોડો થોડો દુખાવો હતો તેથી દિશાએ જઈને કૂવા પાસે આવ્યા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસ ને બીજા હરિભક્ત તેમણે બાપાશ્રીને ઘણા જળથી સ્નાન કરાવ્યું. પછી બાપાશ્રી વસ્ત્ર પહેરીને ધનજીભાઈને ઘેર જમવા ગયા ને જમીને ધનજી પટેલની પાદરવાડીએ પધાર્યા ને ગરમીના દિવસ હતા તેથી કૂવા ઉપર વડ આદિ વૃક્ષની છાયા છે ત્યાં ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર સૂતા ને પ્રેમી ભક્ત દર્શન કરવા લાગ્યા. પછી ત્રીજા પહોરમાં સ્નાન કરીને સભામાં પધાર્યા -એમ લીલા કરતા હતા.

ત્યાર પછી બારશના દિવસે ભૂજથી બ્ર. નિર્ગુણાનંદજી ને સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ આવ્યા ને બાપાશ્રી સવારની કથા ઊઠ્યા પછી મંડપમાં આસને બેઠા હતા, ત્યાં આવીને તેમણે બાપાશ્રીને દંડવત્‌ કરીને દર્શન કર્યાં ને બાપાશ્રી ઊભા થઈને બ્રહ્મચારી તથા સંતને મળ્યા. પછી તેઓ બાપાશ્રીને હાર પહેરાવીને પાસે બેઠા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આવા બ્રહ્મચારી ને આવા સાધુ સત્સંગમાં ખોળ્યા ન જડે; તે દેખવામાં તો નાના જણાય છે, પણ માંહી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ આદિ ગુણે કરીને બહુ જ મોટા છે; સર્વેને સુખિયા કરે, ધર્મમાં વર્તે ને વર્તાવે એવા છે.’’ -એમ બીજા સંત-હરિભક્તને વાત કરી. પછી ધનજીભાઈના દીકરા લાલજી ને હરજી બાપાશ્રીને જમવા સારુ તેડવા આવ્યા, ત્યારે તેમની સાથે જમવા પધાર્યા -એમ ભક્તજનને સુખ દેતા હતા.

પછી બારશને દિવસે બાપાશ્રી દિવસના ત્રણ વાગે કથામાં આવીને બેઠા ને છ વાગે કથાની સમાપ્તિ થઈ તોપણ બાપાશ્રી બેસી રહ્યા, તે ગોડી-આરતી કરીને પાછા બેઠા, તે છેલ્લી કથા ને ચેષ્ટાનાં કીર્તન થઈ રહ્યાં ત્યાં સુધી બેઠા, આમ કથાવાર્તામાં અખંડ પ્રીતિ જણાવતા હતા. પછી ત્યાં જ આસન લાંબું કરીને સૂતા ને બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ ને બીજા હરિભક્ત પાસે બેસીને સેવા કરતા હતા. પછી ધનજીભાઈના દીકરા લાલજીભાઈ તથા હરજીભાઈ બાપાશ્રીને જમવા સારુ બોલાવવા આવ્યા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મોડેથી આવશું.’’ -એમ જમવાની અરુચિ જણાવીને સૂઈ રહ્યા. ત્યારે તે લાલજીભાઈ તથા ધનજીભાઈ ઘણી વાર બેસીરહ્યા, એટલામાં ખીમજી ભક્ત આવ્યા. તેમને બ્ર. નિર્ગુણાનંદજીને કહ્યું જે, ‘‘બાપાશ્રી જમવા ઊઠતા નથી ને ધનજીભાઈને ઘેર સૌ રાહ જોઈ રહ્યા છે માટે તમે એવું કીર્તન બોલો; જેથી બાપાશ્રી સાંભળીને રાજી થઈને જમવા પધારે.’’ ત્યારે તે ભક્ત ‘અરજ કરે છે અબળા રે’ એ કીર્તન બોલ્યા ત્યારે બાપાશ્રી હસતા થકા જમવા પધાર્યા ને જમીને સર્વેને રાજી કર્યા, પછી શયન કર્યું.

હવે આવતે દિવસે કથાની પૂર્ણાહુતિ છે તેથી બાપાશ્રી ચાર વાગે જાગી સ્નાન-પૂજા વગેરે નિત્યનિયમ કરીને મંદિરમાં પધાર્યા ને ઠાકોરજી ને સંતનાં દર્શન કરીને સભામાં આસન ઉપર વિરાજમાન થયા ને કથા વાંચવા માંડી ને આઠ વાગે પારાયણ પૂરી થઈ, ત્યારે ધનજીભાઈ આદિ પૂજા કરવા આવ્યા ને બાપાશ્રીને કહ્યું જે, ‘પ્રથમ તમે આરતી ઉતારો.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આપણે બધા ભેગા ઉતારીએ.’’ -એમ કહીને પુસ્તક ને પુરાણીની પૂજા કરી ને હરિભક્તોની સાથે પોતે આરતી ઉતારવા લાગ્યા. પછી આસન ઉપર બેઠા અને હરિભક્તોએ પુસ્તકની ને પુ. કેશવપ્રિયદાસ ને બાપાશ્રી તથા સંતમંડળ તેમની પૂજા કરી અને વસ્ત્ર ઓઢાડ્યાં. પછી સાધુ કેશવપ્રિયદાસે અનાદિમુક્તની પૂજા કરી ને બાપાશ્રીએ પણ તેમના હાથમાંથી ચંદનનો વાડકો લઈને સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ ને હરિભક્તની પૂજા કરી. પછી હનુમાનજી ને ગણપતિની પ્રતિષ્ઠા વિધિ કરી.

ત્યાર પછી બાપાશ્રી સંતમંડળે સહિત બાઈઓના મંદિરમાં મૂર્તિ પધરાવવા સારુ પધાર્યા ને પ્રતિષ્ઠાવિધિ કરીને મૂર્તિ સિંહાસનમાં પધરાવી. પછી સર્વે સંત-બ્રહ્મચારી ને હરિભક્ત જમ્યા. ને બાપાશ્રી પણ ધનજીભાઈને ઘેર જમ્યા. પછી બાપાશ્રી પાછલા પહોરમાં મંદિરમાં આવીને ઓસરીમાં બારણાને પડખે આસન ઉપર બેઠા ને સાધુ કેશવપ્રિયદાસ આદિ સંત દર્શન કરીને પાસે બેઠા. પછી સર્વે સાધુ-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને ચાલ્યા ને પોતે પણ ઘોડી ઉપર બેસીને વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૭૪