નિવેદન

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત સર્વજીવહિતાવહ ગ્રંથમાળાના ૮મા ગ્રંથમાં અ. મુ. પ. પૂ. શ્રી સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતાએ સત્સંગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જ્ઞાનામૃતનો પવિત્ર પ્રવાહ વહેવરાવ્યો તે તેમના ‘પત્રો દ્વારા ઉપદેશ’ શીર્ષક હેઠળ ખંડ : ૨ તરીકે છાપેલ છે, જે આ સ્વતંત્ર પુસ્તિકારૂપે સત્સંગ સમક્ષ રજૂ કરતાં અમને આનંદ થાય છે.

શ્રી સોમચંદભાઈ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનાદિ મુક્ત હતા; એક સિદ્ધ પુરુષ હતા, એક આર્ષદૃષ્ટા હતા. તેમનું જીવન શ્રીજીમહારાજે પ્રસરાવેલા સ્વ-સ્વરૂપના જ્ઞાનનું એક તેજસ્વી કિરણ હતું, જે સમગ્ર સત્સંગમાં પ્રસર્યું અને અનેક મુમુક્ષુ જીવોને સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપમાં જોડવામાં કારણભૂત બન્યું.

શઅ. મુ. સોમચંદભાઈ જીવોને મોક્ષના માર્ગે વાળવા, પોતાના આદર્શ જીવન દરમિયાન ગામડે ગામડે ફર્યા; અને જ્યાં જ્યાં તેમણે તેમનું ઉપદેશામૃત વહેવરાવ્યું ત્યાં ત્યાં તે પ્રવાહને તેમણે હેતવાળા હરિભક્તોને પોતાના નિયમિત અને અવિરત પત્રોના લેખન દ્વારા સજીવન રાખ્યો. તેમણે વહેવરાવેલ જ્ઞાનગંગાનો - વાતોનો સંગ્રહ જો એ સમયે થયો હોત તો કેવું સરસ થાત તેનો ખ્યાલ તેમના પત્રોના સંગ્રહ જો એ સમયે થયો હોત તો કેવું સરસ થાત તેનો ખ્યાલ તેમના પત્રોનો સંગ્રહ જે આપણને સાંપડ્યો તે પરથી આવે છે. એ આપણું અહોભાગ્ય છે કે તેમના જ્ઞાનોદધિનો થોડોએક આસ્વાદ અનુભવવાનું આ પત્રોરૂપી સાધન આપણને પ્રાપ્ત થયું.

શ્રીજીમહારાજની સાથે આવેલા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી આદિ મહામુક્તોનો સમાજ અવિદ્યા અને અજ્ઞાનનો નાશ કરવા પ્રગટ થયેલ દિવ્ય સૈન્ય (salvation army) હતું. તેમના દ્વારા અનેક દુર્લભ લાભ મળ્યો. સત્સંગરૂપી બગીચાને પોષણ આપનાર એવા કુશળ માળીઓ પૈકી પ. પૂ. સોમચંદભાઈ એક હતા. તેમણે શ્રીજીએ સીંચેલું જ્ઞાન તેમના જીવન કાર્ય દ્વારા પ્રસરાવ્યું. એ જ્ઞાન પ્રસાદી રૂપે આ પત્રો છે.

પ. પૂ. સોમચંદભાઈએ લખેલા પ્રેરણાદાયી પત્રો આશરે ૧૧૦૦થી વધુ સંખ્યામાં ભેગા કરવામાં આવ્યા છે. તે પત્રો ક્રમાનુસાર ગોઠવી તેમાં રહેલો ઉત્તમ ઉપદેશ અક્ષરશઃ તેમના પોતાના શબ્દોમાં જુદો તારવી લીધો, જે આ પુસ્તિકામાં સમાવી લીધેલ છે. આ પત્રોમાંથી તેમના દિવ્ય જીવન અને વિચરણ વિશે સ્પષ્ટ ચિત્ર ઊપસી આવેછે, જે મુમુક્ષુઓને શ્રીજીની પ્રસન્નતાનાં સાધનો કરવા પ્રેરે છે અને આત્યંતિક દિવ્ય સુખની દુર્લભ પ્રાપ્તિ તરફ ખેંચી જાય છે.

આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ મુંબઈ નિવાસી અ. નિ. પરમ ભગવદીય અ. મુ. તુલસીભાઈ રણછોડદાસભાઈ સોમૈયા, જેઓ ‘મીઠુભાઈ’ના હુલામણા નામથી જાણીતા હતા. તેમના સ્મરણાર્થે તેમના સુપુત્ર પરમ ભગવદીય અ. મુ. શ્રી રામકૃષ્ણભાઈની શુભ ઇચ્છાથી પ્રકાશિત થાય છે. શ્રીજીમહારાજ તથા સમગ્ર સત્સંગ તેઓશ્રી તથા તેમના સમગ્ર કુટુંબ ઉપર તેમજ આ પુસ્તિકાના સુંદર ને શુદ્ધ પ્રકાશન કાર્યમાં સેવારૂપ થયેલ સૌ ઉપર પ્રસન્ન થાઓ એ જ અભ્યર્થના.

અંતમાં, આવો મોક્ષોપયોગી આ જ્ઞાન-સંગ્રહ શ્રીજી પ્રસન્નતાર્થે સત્સંગમાં સર્વ સુલભ બને એવા શુભ આશયથી અલગ પુસ્તિકારૂપે પ્રગટ કરેલ છે. આ પુસ્તિકા વાચકવૃંદને જ્ઞાનમાર્ગની માર્ગદર્શિકા બની નિત્ય મનનીય બની રહેશે એવી શુભ આશા સાથે સમગ્ર સત્સંગની સેવામાં અર્પણ કરી કૃતર્થતા અનુભવીએ છીએ.

સં. ૨૦૪૫, પ્રબોધિની

૨૦ નવેમ્બર ૧૯૮૮

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ